વર્ચ્યુઅલ વર્લ્ડની મજા, વાસ્તવિક વિશ્વમાં સજા


- નેટના વધુ પડતા ઉપયોગથી લગ્નજીવન સામે નવો પડકાર સર્જાયો છે

- સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- જીવનસાથીને અંધારામાં રાખી નેટ પર વિકૃતિના વ્યસનીઓની સંખ્યા વધી રહી છે..

- લગ્નજીવનમાં વફાદારીના પરંપરાગત ખ્યાલનું હવે મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે..

ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગે લગ્નજીવન સામે નવો પડકાર ઊભો કર્યો છે. પતિ કે પત્ની વાસ્તવિક જીવનમાં પોતાના જીવનસાથી સાથે બેવફાઇ કરે ત્યારે બીજા પાત્રને જેટલો આઘાત લાગે, તેટલો જ આઘાત ઓનલાઇનમાં થતી ગદ્દારીમાં પણ જીવનસાથીને લાગે છે.

અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા ફરી લગ્નના પવિત્ર બંધનમાં જોડાયેલા બે પાત્રો પૈકી કોઇ એક પાત્ર ઇ-મેલ, ચેટરૂમ, વ્હોટસએપ દ્વારા સંપર્કમાં આવેલા વિજાતીય પાત્ર સાથે પ્રેમભીની વાતચીતના સંબંધ બાંધે તો એ પણ લગ્ન જીવનમાં બેવફાઇ જ ગણાય. અને નેટ પરના આવા પ્રેમભર્યા સંબંધ આગળ વધીને પછી આપણી પરંપરાગત લક્ષ્મણ રેખા ઓળંગીને સેક્સ સંબંધ સુધી પહોંચી જાય ત્યારે લગ્ન જીવન સામે ખતરનાક પડકાર ઊભો થઇ જાય છે.

ઇન્ટરનેટનો વપરાશ વધી જતા ઓનલાઇન ગદ્દારીના કિસ્સામાં પણ એટલા જ પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. વ્હોટસએપ પર એકમેકની નગ્ન કે અર્ધનગ્ન તસ્વીરોની આપ-લે નું દૂષણ ખાસ કરીને યુવાન-યુવતીઓમાં વધી રહ્યું છે.

ઓનલાઇન બેવફાઇ વિષે સંશોધન કરનાર કેટલાક નામી મનોચિકિત્સકો અને વૈજ્ઞાાનિકોના મતે વિજાતીય પાત્ર સાથે ચેટરૂમમાં કરાતી પ્રેમાલાપભરી વાતચીતો પણ જીવનસાથી સાથેની વાસ્તવિક ગદ્દારી જેટલી જ બેવફાઇ ગણાય. સંશોધકો આ મુદ્દે ત્રણ કારણો રજુ કરે છે...(૧) લગ્ન જીવનમાં લાગણી અને સેક્સ માત્ર પતિ-પત્ની પુરતા જ મર્યાદિત હોય છે; તેના પર ત્રીજા કોઇ પાત્રનો કોઇ જ અધિકાર નથી હોતો, આથી ત્રીજા કોઇ પાત્ર સાથેના સેક્સ સંબંધ અસ્વીકાર્ય હોય છે. (૨) બીજું એ કે ચેટરૂમમાં ત્રીજા પાત્ર સાથેનો સેક્સી પ્રેમાલાપ કે લગ્ન બાહ્ય સેક્સ સંબંધ ખાસ કરીને પતિ કે પત્નીથી છૂપો રાખવો પડે છે (૩) લગ્ન જીવનમાં એકમેકથી છુપાવીને કાંઇપણ કરવું એ પતિ કે પત્નીનો ભરોસો તોડવાનું કામ છે. લગ્ન જીવનમાં પરસ્પરનો ભરોસો એ સૌથી મોટું પરિબળ છે. લગ્ન બાહ્ય સંબંધ છુપાવીને રાખવા પડે છે એનો  અર્થ કે આ સંબંધ જાહેર થાય તો જીવનસાથીનો ભરોસો તુટી જાય છે, એટલે ઓનલાઇનના આવા સંબંધ ગદ્દારી સમાન છે.

ઓનલાઇન લગ્નેતર સંબંધ હવે ઘણાં કિસ્સામાં છૂટાછેડા માટેના નિમિત્ત બની ગયા છે. મનોચિકિત્સકોના મતે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટે લગ્ન જીવનની લક્ષ્મણરેખા ઓળંગી જવામાં સરળતા કરી આપી છે. લગ્ન જીવનમાં બેવફાઇના કિસ્સા વધવા પાછળનું એક કારણ સોશિયલ  નેટવર્કિંગ છે.

લગ્ન જીવનની પવિત્રતાના પરંપરાગત ખ્યાલનું હવે મોટાપાયે ધોવાણ થઇ રહ્યું છે.

સેલફોન, નેટ પરની સંખ્યાબંધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને ડેટિંગ સાઇટસના લીધે એક પત્નીત્વ કે એક પતિત્વના રૂઢિગત ખ્યાલ ટકી રહેવા મહા મુશ્કેલ બની ગયા છે.

નેટના વિકૃત વપરાશના પગલે અંગ્રેજીમાં એક નવો શબ્દ રોજિંદી વાતચીતમાં વપરાતો થયો છે - સાયબરિંગ. ઇન્ટરનેટ દ્વારા સેકસ્યુઅલ મેસેજ અથવા સેક્સ વિષયક વિગતોની આપ-લે કરવાની પ્રક્રિયા માટે  અંગ્રેજીમાં સાયબરિંગ શબ્દ પ્રયોજાયો છે.

'વર્ચ્યુઅલ વર્લ્ડ'માં થતી આ પ્રકારની વિકૃતિથી 'વાસ્તવિક વિશ્વ' માં લગ્ન જીવનમાં ભયંકર તનાવ સર્જાય છે.

સરળતાથી સેક્સ પાર્ટનર શોધી કાઢવા માટે નેટ પર સંખ્યાબંધ સાઇટસ ફૂટી નીકળી છે.

જીવનસાથીને ખૂબ જ આસાનીથી અંધારામાં રાખી નેટ પર આવી વિકૃતિના વ્યસની બની જનારના લગ્ન જીવનમાં પછી અંધારૂં વ્યાપી જાય છે.

'ઇન્ફિડેલિટિ ઓન ધ ઇન્ટરનેટ' ના લેખકો ડૉ.માર્લિન મહેયુ અને રોના સુબોટનીકતા કહેવા મુજબ લગભગ વીસેક વર્ષ અગાઉ થયેલા એક વ્યાપક સર્વેનો નિષ્કર્ષ એ છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા પૈકી અંદાજે ૨૦ ટકા લોકો ઓનલાઇન સેકસ્યુઅલ એક્ટિવિટિ આચરે છે અને આ પૈકીના ૬૬ ટકા લોકો તો પરિણીત હોય છે.

સાયબર સેક્સનો રોમાંચ માણનારા લોકો એવા ભ્રમમાં રહે છે કે આ પ્રવૃત્તિ એ કંઇ જીવનસાથી સાથે ગદ્દારી નથી, આ તો બે ઘડી નિર્દોષ આનંદની પ્રવૃત્તિ છે. કેટલાક સાયબર સેક્સીઓની એવી દલીલ છે કે આધુનિક યુગમાં અમે સતત સ્ટ્રેસમાં કામ કરતા હોવાથી સ્ટ્રેસ હળવો કરવા નેટ પર સેક્સી ચેટિંગની નિર્દોષ  પ્રવૃત્તિનો આશરો લઇએ છીએ. જો કે પતિ કે પત્નીને ખબર પડે પછી તેમના ખુદના લગ્ન જીવનમાં ઝંઝાવાત સર્જાય ત્યારે જ તેમને ભાન થાય કે નેટ પરની આ કહેવાતી નિર્દોષ પ્રવૃત્તિ કેવું ગંભીર પરિણામ સર્જી દે છે.

ડૉ. મહેયુના મતે આ નેટ પર સેક્સી ચેટિંગથી, ઇ-મેલથી કે પોર્નોગ્રાફિક સાઇટ્સ જોવાથી યુવાનો તેના વ્યસની બની જાય છે જેની તેમના લગ્ન જીવન પર સીધી અસર પડે છે.

ખાસ કરીને અમેરિકા અને યુકેમાં ઓનલાઇન બેવફાઇનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે આ સમસ્યાને લગતા સંખ્યાબંધ પુસ્તકો પ્રકાશિત થવા માંડયા છે. આ ગંભીર વિષયને આવરી લેતું બીજું પુસ્તક છે: ''ઇન ધ શેડોઝ ઓફ ધ નેટ.'' પેટ્રિક કાર્નેસના આ પુસ્તકમાં પણ ઓનલાઇન વિશ્વાસઘાત અને પોર્નોગ્રાફિક સાઇટસના એડિકશનનું સચોટ વિશ્લેષણ કરી તેમાંથી બચવાના ઉપાયો દર્શાવ્યા છે.

૨૧મી સદીમાં ભારત વિશ્વની મહાસત્તા બનવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે તંદુરસ્ત સમાજ અને સુખી કુટુંબ, એ બન્ને આર્થિક ઉન્નતિ માટેના આવશ્યક પરિબળો છે. સુખી લગ્નજીવન વગર સુખી પરિવાર શક્ય નથી.

વિશ્વમાં કેટલાય એવા મહાનુભાવોના કિસ્સાઓ બહાર આવ્યા છે, જેમણે લગ્ન જીવનમાં ગદ્દારીની મોટી કિંમત ચુકવવી પડી છે. બિલ ક્લિન્ટન અને ટાઇગર વુડના વાસ્તવિક જીવનમાં બેવફાઇના કિસ્સા દુનિયાભરમાં ફેલાઇ ગયા હતા.

ઇન્ટરનેટ રિલેશનશિપ અથવા તો ઇન્ટરનેટ બેવફાઇ, લગ્નજીવનમાં કોઇ પાત્ર આચરે છે કે નહીં તે જાણવા માટે કેટલાક રસ્તા છે. દાખલા તરીકે તમારા જીવનસાથી કસમયે એટલે કે વહેલી સવારે કે મોડી રાતે લેપટોપ કે મોબાઇલનો અવારનવાર ઉપયોગ કરતા હોય તો નેટ પર તે કોઇ પાત્ર સાથે સંબંધ રાખતા હોવાની સંભાવના નકારી ન શકાય.

તમે તમારા જીવનસાથીના રૂમમાં પ્રવેશો કે તુરત એ જો લેપટોપ બંધ કરી દે અથવા ફોન પરની વાત અચાનક ટૂંકાવી દે, અથવા તમારા જીવનસાથી લેપટોપ પર કામ કરતા હોય ત્યારે દરવાજો અંદરથી બંધ કરીને બેસે, તે કૃત્ય ઇન્ટરનેટ ઇન્ફિડેલિટિના સંકેત સમાન છે.

તમે તમારા જીવનસાથીને લેપટોપ પરનો કે મોબાઇલ પરની વાતચીતનો સમય ઓછો કરવાનું સૂચન કરો અને તે તમારા પર અકારણ ગુસ્સો કરે તે પણ ઓનલાઇન ગદ્દારીનો આછો સંકેત છે. 

City News

Sports

RECENT NEWS