For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગ્રીન હોર્નેટ પ્લેન ધડાકાભેર દરિયામાં તૂટી પડયું..

Updated: Nov 24th, 2021

Article Content Image

- પ્લેનની ડાબી બાજુના બન્ને એન્જિનો ઠપ થઈ જતાં

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- લુઈની રોમાંચક જીવનકથા-ભાગ-20

- લુઈ પેસિફિક સમુદ્રના ઠંડાગાર પાણીમાં છેક 1700 ફૂટની ઊંડાઈ સુધી તણાયો..

- દરિયાના પેટાળમાં ગરક થઈ ગયેલા લુઈને મોત નજર સામે દેખાયું..

આ સમય દરમિયાન કોક પીટમાં ફિલિપ અને કુપરનેલ પ્લેનને પડતું બચાવવાના ભરપુર પ્રયાસ કરી રહ્યા હતા. પ્લેનની ડાબી બાજુના એન્જિનો બંધ પડી ગયા. હોવાથી જમણી તરફના એન્જિનો પુરજોશમાં ધબકતા હતા અને પ્લેન ડાબી તરફ ખેંચાઇ રહ્યું'તું.

પ્લેન એટલુ તો ઝડપભેર નીચેની તરફ ઊતરતું જતું હતું કે મદદ માટે રેડિઓ સિગ્નલ મોકલવાનો પણ સમય નહોતો રહ્યો.

ફિલિપને ખ્યાલ આવી ગયો કે પ્લેન હવે બહુ જ ઝડપથી દરિયામાં તૂટી પડવાનું છે, ધડાકાભેર તે પાણીમાં ખાબકવાનું છે. અંતિમ ક્ષણોમાં વિચિત્ર વાત એ બની કે ફિલીપના મનમાં ડર કે ભયની સ્હેજ સરખીય લાગણી નહોતી જાગી. સમુદ્રના ઉછળતા મોજા વચ્ચે તેણે પોતાની જાતને ઘુમરાતા જોઇ મનોમન વિચાર્યૂં, બચવા માટે વધારે કશું જ હવે હું કરી શકું તેમ નથી.

પ્લેનમાં બધાની મતિ મૂઢ થઇ ગઇ હતી. કોઇ કશું બોલતું નહોતું. લુઇ જમણી વિન્ડો તરફ નજર નાંખતો શૂન્યમનસ્ક થઇને બેઠો હતો.

લુઇએ જોયું તો વિમાનની આસપાસ વાદળોના ટોળેટોળા ઘુમરાઇ રહ્યા હતા. કોકપીટને, પ્લેનના અન્ય ભાગથી અલગ કરતા પાર્ટીશન નજીક બેઠેલા લુઇને લાગ્યું કે જાણે પ્લેન તૂટી પડયુ છે અને તેનું માથું આગળના પાર્ટીશન સાથે જોરથી અથડાયું છે. દરિયાના જળ તેની નજીકને નજીક આવી રહ્યા છે.

તેણે તુરત જ જીવન રક્ષક તરાપો (લાઇફ રાફ્ટ) પોતાની પાસે ખેંચ્યો. બીજી જ સેકન્ડે એક જોરદાર ધમાકા સાથે પ્લેન સમુદ્રની અફાટ જળરાશીમાં ખાબક્યું. લુઇ મનોમન બબડયો, મરી ગયા હવે ટીમનો એકેય સભ્ય બચવાનો નથી.

દરિયામાં ઊંધા માથે પટકાયેલાં 'ગ્રીન હોર્નેટ'નું આગળનું નાક અને ડાબી પાંખ ધડાકાભેર તૂટીને છૂટા પડી ગયા. લુઇ સીધો ઊંડા જળમાં જઇને પડયો. ટીમના બીજા સભ્યો પણ દરિયાના ઉછળતા મોજાના સપાટાથી દૂર સુધી ફંગોળાઇ ગયા.

પેસિફિક સમુદ્રના બરફ જેવા ઠંડા પાણીના ઉછળતા મોજાની જોરદાર થપાટથી લુઇ બે સેકન્ડ તો જાણે બેભાન જેવો થઇ ગયો. ફરી જરાતરા ભાનમાં આવતા તેણે જોયું તો તેના શરીર આસપાસ પ્લેનની અંદરના તુટી પડેલા વાયરો વીંટળાઇ વળ્યા હતા અને સાથોસાથ જીવન રક્ષક તરાપો પણ વાયરોથી વીંટળાઇને તેના શરીર સાથે બંધાઇ ગયો હતો. 

બન્યું એવું કે ગ્રીન હોર્નેટ પ્લેન ધડાકાભેર સમુદ્રની અગાધ જળરાશિમાં ખાબકી પડયુ તે વેળા વિમાનની પૂંછડીનો ભાગ તૂટીને અલગ થઇ ગયો અને તેની લાઇટના લાંબા વાયરો લુઇની આસપાસ વીંટળાઇ ગયા.

બીજી તરફ કોકપીટમાં ફસાઇ ગયેલો પાયલોટ ફિલિપ બહાર નીકળવા માટે જીવ સટોસટની મથામણ કરી રહ્યો હતો. તેવામાં એક મોટા મોજાની જોરદાર થપાટથી કોકપીટનો ભાગ ફંગોળાઇ સમુદ્રની ઠંડીગાર જળરાશિમાં ગરકાવ થવા માંડયો.

ફિલિપની ચૌતરફ જાણે અંધકાર છવાઇ ગયો. તેને લાગ્યું કે ક્ષણે ક્ષણે તે સમુદ્રના જળમાં વધુને વધુ ઊંડો ઉતરી રહ્યો છે.

અચાનક તેણે જોયું તો નજીકમાં જ સહ પાયલોટ કુપરનેલ પણ બચવા માટે ભારે હવાતિયા મારી રહ્યો હતો.

કોકપીટની બારીના કાચના ભુક્કા બોલી ગયા હતા એટલે ફિલિપ જોર કરીને એ તુટલી બારીમાંથી બહાર નીકળીને જોશભેર તરતો તરતો જળ સપાટી પર આવતા તેને ચોતરફ પ્રકાશની અનુભૂતિ થઇ. મનોમન ફિલીપને જબ્બર હાશકારો થયો.

ફિલિપને હવે કુપરનેલ દેખાતો નહોતો, પણ થોડોક જ દૂર જીવન રક્ષક બે તરાપા તેની નજરે ચઢ્યા. જો કે તરાપામાં કોઇ નહોતું. નાનકડા હોડકા જેવા બન્ને તરાપા ખાલી હતા.

ફિલિપની ચારેબાજુ 'ગ્રીન હોર્નેટ' પ્લેનના તૂટેલા વિવિધ ભાગોનો વેરવિખેર ભંગાર દરિયાના મોજામાં આમતેમ ફંગોળાતો હતો. ફિલિપના માથામાં કશુંક જોરથી ભટકાતા તેમાંથી લોહીની ધારા વહેતી થઇ..

ફિલિપથી થોડેક જ દૂર લુઇ સમુદ્રની ઊંડાઇમાં વધુને વધુ ગરકાવ થઇ રહ્યો'તો. તેની ચારેબાજુ ભયંકર અંધકાર છવાયેલો જોતા લુઇને લાગ્યું કે હવે ખેલ ખલાસ થવાની ઘડીઓ ગણાઇ રહી છે. મૃત્યુ જાણે સાવ જ લગોલગ આવી ગયું છે. આ દરમિયાન ચમત્કારિક રીતે તેની આસપાસ વીંટળાયેલા વાયરો છૂટા પડી ગયા, અને નજીકનું જીવન રક્ષક હોડકું પણ દૂર ફંગોળાઇ ગયું. પ્લેનના તૂટેલા મધ્ય ભાગમાં તે દરિયાના પેટાળમાં ઊંડેને ઊંડે સુધી ધકેલાતો હતો. સમુદ્રની સપાટીથી તે લગભગ ૧૭૦૦ ફૂટની ઉંડાઇ સુધી ઊતરી ચૂક્યો હતો. આજુબાજુ તેને કેવળ પાણી પાણી અને પાણી સિવાય કાંઇ જ નજરે પડતું નહોતું. બચવાની કોઇ સંભાવના જાણે બચી ન હોય એવી અંતિમ વિક્ટ સ્થિતિમાં લુઇ મુકાઇ ગયો હતો. દરિયાના ખારા પાણીથી તેનું મોઢું ખારૂં ખારૂં થઇ ગયું.

લુઇએ તેના બન્ને હાથ અને પગ આમતેમ હલાવવા માંડયા. તેને ખ્યાલ આવ્યો કે પ્લેનની જમણી બાજુની તૂટેલી બારી નજીક તે હતો. બારીનો કાચ તૂટી ગયો હોવાથી તેનો જમણો હાથ બારીની ફ્રેમ સાથે અથડાતા તેને બચવાની થોડી આશા જાગી. બન્ને હાથે બારીની ફ્રેમ પકડી, બારીમાંથી બહાર નીકળી જવા તેણે જોર લગાવ્યું. બહાર નીકળવા ગયો તે વખતે પીઠના ભાગે બારીની ફ્રેમનું ઉપલા ભાગનું તુટેલું પતરૂં વાગતા શર્ટનો પાછલો ભાગ ફાટી ગયો અને પીઠની ચામડીમાં  પતરાની ધાર વાગતા લોહી નીકળવા માંડયું.

બારી બહાર નીકળતા જ લુઇએ તેના જીવન રક્ષક જાકીટની બે બાજુની બે દોરીઓ ખેંચી, ''મે વેસ્ટ'' નામના આ લાઇફ સેવિંગ જાકીટની ખૂબી એ છે કે જાકીટની બન્ને બાજુની દોરીઓ ખેંચાવાથી ઓટોમેટિક સિસ્ટમથી તેમાંના કાર્બન ડાયોકસાઇડ ગેસના લીધે બન્ને તરફનો ભાગ ફુલી જાય છે, જેના કારણે જાકીટ પહેરનાર વ્યક્તિ ઊંડા જળમાંથી ઝડપભેર જળ સપાટી પર આવી જાય છે. 

નશીબનો બળિયો લુઇ જોત જોતામાં દરિયાની ૧૭૦૦ ફૂટની ઊંડાઇએથી સીધો સમુદ્રની સપાટી પર આવી ગયો... ઘેરા અંધકારમાંથી સૂર્યના ઝળહળતા પ્રકાશમાં આવી ગયો. 

(ક્રમશ:)

Gujarat