તમારૂં વ્યક્તિત્વ એટલે તમારી ટેવોનો સરવાળો


- સુટેવોને તમારા જીવનનું અવિભાજ્ય અંગ બનાવી દેવાથી વ્યક્તિત્વ ખીલી ઊઠશે...

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- કોઈ નવી સારી ટેવ પાડવા માટે જૂની ટેવ સાથે તેને સાંકળી દો

- નિયમિતરીતે તમે 'હેબિટ  ટ્રેકિંગ' કરતા રહેશો તો તમારો આત્મસંતોષ અને ઉત્સાહ વધશે

દરેક ટેવના મૂળમાં એક નાનકડો નિર્ણય હોય છે, એ નજીવા નિર્ણયનું તમે પુનરાવર્તન કરતા રહો તો છેવટે ટેવ વૃધ્ધિ પામીને મજબૂત બની જશે. ટેવના મૂળીયા ચારેકોર પથરાઇને એ ટેવ તમારા રોજિંદા જીવનનું એક  અવિભાજ્ય અંગ થતા પછી વાર નહીં લાગે.

આથી વિપરીત ખરાબ ટેવ છોડવાનું કામ, મજબૂત ઓક ટ્રીને મૂળીયાથી ઉખેડી નાંખવા જેવું કપરૂં કામ છે.

તમારૂં વ્યક્તિત્વ, તમારી પ્રતિભા કે સાદી-સરળ ભાષામાં કહીએ તો સમાજમાં તમારી જે છાપ ઉપસેલી છે, તે પાછળનું મૂળભૂત કારણ તમારી ટેવો હોય છે. ટૂંકમાં તમારી ટેવ પરથી જ સમાજમાં તમારી છાપ કે તમારૂં વ્યક્તિત્વ ઉપસે છે.

જો કોઇ સાથેની મુલાકાતમાં સમયસર પહોંચી જવાની તમને ટેવ હોય અને વર્ષો સુધી તમારી આ ટેવ હોય તો લોકો કહેશે, દાખલા તરીકે, મહેશભાઇ સમયના બહુ પાક્કા છે, ચોક્કસ છે. તમે રોજનું તમારૂં કામ ચોક્સાઇથી, ચીવટપૂર્વક કરતા હોય, કોઇને આપેલા વાયદા/વચન મુજબ તેમનું કામ કરી આપતા હોવ તો લોકો કહેશે, મહેશભાઇને કામ સોંપ્યું છેને? હવે તમે નર્ચિંત રહો, એ માણસ વચનનો પાક્કો છે.

તમારી ટેવો જ સમાજમાં તમને સારા કે ખરાબ કહેવડાવે છે અને નિયમિતતાની, ચોખ્ખાઇની, ચીવટાઇની કે ચોક્સાઇની તમારી ટેવને સાતત્યપૂર્ણ રીતે તમે દશકાઓ સુધી વળગી રહો તો એટલા વધુ પ્રમાણમાં તમારી સારી છાપની સુગંધ, તમારા સમાજમાં, તમારા પ્રોફેશનમાં, તમારા શહેરમાં પ્રસરેલી રહેશે.

જો તમે દર પુનમ કે અગિયારસે ૨૦ વર્ષ સુધી મંદિરમાં જાવ તો સ્વાભાવિક રીતે જ લોકો કહેવાના કે મહેશભાઇ બહુ ધાર્મિક માણસ છે. એકાદ વખત મંદિરમાં જવાથી કોઇ તમને ધાર્મિક માણસ નહીં ગણે. કોઇ સાથેની એપોઇન્ટમેન્ટમાં તમે. એકાદ વખત જ આપેલા સમયે પહોંચી ગયા હશો, તેના પરથી કોઇ તમને સમયનો ચોક્કસ માણસ છે એવું નહીં કહે.

તમે એકાદ વખત મંદિરમાં જશો કે એકાદ વખત ચોક્સાઇથી સમયપાલન કર્યૂં હશે તો વખત જતા લોકો એ વાત ભૂલી જશે પણ વર્ષો સુધી તમે મંદિરમાં જવાનું ચાલું રાખશો કે સમયમાં નિયમિતતા અને ચોક્સાઇ રાખશો, તો તમારી આ સુટેવ તમારી સારી છાપ કે સારી પર્સનાલિટિ ઉપસાવવામાં અત્યંત સહાયરૂપ થઇ પડે છે.

આ તમારી ધીમેધીમે કે ક્રમશ: થતી સ્વ-ઉત્ક્રાતિ છે. ચપટી વગાડતામાં કે રાતોરાત તમારી પર્સનાલિટિ ઊભી નથી થતી. રોજને રોજ દિવસો સુધી મહિનાઓ અને વર્ષો સુધી સુટેવો પાડીને ચુસ્તરીતે એ ટેવોને વળગી રહો ત્યારે તમારી એ પ્રકારની પ્રતિભા ચમકી ઊઠે છે.

નવી સારી ટેવ પાડવા માટે તમારી જૂની ટેવ સાથે તેને સાંકળી દેવાથી, નવી ટેવ પાડવામાં તમને ઝાઝી મુશ્કેલી નહીં પડે, કે તમે એ ભૂલી પણ નહીં જાવ.

દાખલા તરીકે દિવસે તમને વાંચવાનો વધારે સમય ના મળતો હોય અને રાત્રે સુતા પહેલા તમે એકાદ-બે કલાકે વાંચવાની ટેવ પાડવાનું વિચારતા હોવ તો તેનો એક સરળ ઉપાય છે. દાખલા તરીકે રોજ સવારે ઊઠીને તમને તમારી પથારી જાતે ખંખેરીને ફરી સારી રીતે પાથરી દેવાની સારી ટેવ પડેલી છે. પથારી વ્યવસ્થિત કરીને તમે બ્રશ કરવા જાવ તે પહેલા તમારી પથારીમાં ઉશીકા ઉપર, તમે રાત્રે જે પુસ્તક વાંચવાનું વિચારતા હોય તે મુકીને પછી બ્રશ કરવા જાવ. રાત્રે તમે જ્યારે તમારા બેડરૂમમાં સુવા જશો, ત્યારે ત્યાં ઉશીકા પર પડેલું પુસ્તક જોતા જ તમને રાત્રે વાંચવાની ટેવ પાડવાની વાત યાદ આવી જશે.

આમ એક પછી એક જૂની સારી ટેવની સાથે નવી નવી સારી ટેવો તમે પાડતા જશો, તો લાંબા ગાળે તમારી સર્વતોમુખી પ્રતિભા ખીલી ઊઠશે અને તમારી છાપ એક સારા, વ્યવસ્થિત, ચોક્સાઇવાળા વ્યક્તિ તરીકે ઉપસી આવશે.

તમારી ટેવમાં નિયમિત અને ચુસ્ત રહેવા માટે 'ધ એટોમિક હેબિટ્સ'ના લેખક જેમ્સ ક્લિઅરે કેટલાક સાદા, સરળ અને સચોટ સૂચન કરેલા છે.

વજન ઉતારવા માટે કે સિગરેટની આદત છોડવા અથવા તમારૂં બ્લડ પ્રેશર નીચું રાખવા માટે જો તમે મનોમન નિર્ધાર કર્યો હોય તો આ પ્રકારના લક્ષ્યાંક હાંસલ કરવા માટે તમારે તેની રોજિન્દી નોંધ રાખવી અનિવાર્ય છે.

જો તમે વજન ઊતારવા માંગતા હો, તો તમારે તમારા સવાર-સાંજના ભોજન તેમજ સવાર-બપોરના ચા-નાસ્તાની વાનગીની એક ડાયરીમાં નોંધ રાખવી જોઇએ. જો આમ કરશો તો જ તમે તમારા ખોરાક પર નિયંત્રણ રાખીને વહેલી તકે વજન ઊતારવામાં સફળ થશો.

અંગ્રેજીમાં આ પધ્ધતિને 'હેબિટ ટ્રેકિંગ' કહે છે. કોઇ પણ નવી સુટેવ જયાં સુધી તમારા રોજના જીવનનો એક હિસ્સો ન બની જાય ત્યાં સુધી એ સુટેવની તમારે રોજેરોજ કે સપ્તાહમાં એક વાર તેની નોંધ કરી એ ટેવનું તમે કેટલી ચુસ્તતાથી પાલન કરો છો, તેનું ખાસ અવલોકન કરતા રહેવું જોઇએ.

આવી નોંધ ન રાખીએ તો આપણે એવા ભ્રમમાં જ રાચીએ છીએ કે હું તો ડાઇટ કન્ટ્રોલ બરાબર જ કરૂં છું. પરંતુ રોજની નોંધ રાખશો, તો જ તમને ખ્યાલ આવશે કે મહિનામાં તમે કેટલી વાર મીઠાઇ ખાધી કે કેટલીવાર આઇસક્રિમ ખાધો છે.

એ જ રીતે તનની તંદુરસ્તી માટે, ફિઝિકલ ફિટનેસ માટે  તમે સપ્તાહમાં કેટલા દિવસ અને દિવસમાં કેટલા કલાક કસરત કરો છો તેની પણ શરૂઆતના તબક્કે તમારે નોંધ રાખવી જોઇએ.

સારી ટેવોનું લાંબા સમય સુધી તમે નિયમિત રીતે પાલન કરતા રહો, અને આ સુટેવોનું તમને  એક જાતનું વળગણ થઇ જાય કે આ સુટેવો માટે તમને નૈસર્ગિંક લગાવ થઇ જાય પછી તમે રોજની નોંધ રાખવાનું બંધ કરો તોય કોઇ ફરક એટલા માટે નહીં પડે કે હવે એ સુટેવ તમારા જીવનનું  એક અવિભાજ્ય અંગ બની ગઇ છે.

'હેબિટ ટ્રેકિંગ' પધ્ધતિ અપનાવવાથી તમને એક પ્રકારનો આત્મસંતોષ પણ મળે છે કે મારામાં હવે સુધારો થઇ રહ્યો છે. આ આત્મસંતોષના લીધે તમારામાં ઉત્સાહ વધે છે, જેના પરિણામે તમે વધુ ચોક્સાઇ અને વધુ નિયમિતતાથી તમારી ટેવને વળગી રહેશો.

બને ત્યાં સુધી ટેવના પાલનમાં તમે અત્યંત આગ્રહી રહો. ગમે તેવા વિપરીત સંજોગોમાં કે ગમે તેવી વ્યસ્તતા વચ્ચે પણ તમારા નિયમ મુજબ જ તમારી કામગીરી તમારે ચાલુ રાખવી જોઇએ.

દાખલા તરીકે જીમમાં કે મોર્નિંગ વોક માટેની ટેવમાં તમે જેટલા પ્રમાણમાં નિયમિત રહેશો, એટલા વધુ પ્રમાણમાં તમને તેનું પરિણામ મળશે.

કોઇ દિવસ તમે થાકી ગયા હોવ કે કામનું ભારણ વધારે હોય તો એકાદ દિવસ તમે મોર્નિંગ વોકમાં ન જઇ શક્યા હો, તો બીજા દિવસે ગમે તેમ કરીને પણ મોર્નિંગ વોકમાં જવાનું રાખજો. તમારી સુટેવમાં બને ત્યાં સુધી સતત બેકે ત્રણ-ચાર દિવસનો ખાડો ન પડે તેનું ખાસ ધ્યાન રાખશો, તો જ લાંબા ગાળે તમે એ ટેવને તમારા જીવનનું એક અવિભાજ્ય અંગ બનાવી શકશો.

City News

Sports

RECENT NEWS