રોજની નાની-મોટી ટેવોનું પરિણામ એટલે સફળતા


- ટેવો બેધારી તલવાર છે, જીવનમાં તમને ટોચ પર લઈ જાય કે ખીણમાં પણ ધકેલી દે...

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- જીવનમાં એટોમિક હેબિટસ એટલે કે આવી નાની-નાની ટેવોનું મહત્વ છે

- વર્ષો સુધી સુટેવોને વળગી રહેશો તો જ તેનું મોટું પરિણામ તમને જોવા મળશે

સફળતા એ રોજની ટેવોનું પરિણામ છે. સારી ટેવોનું સારૂં અને ખરાબ ટેવનું ખરાબ પરિણામ નિશ્ચિત હોય છે. સુટેવો, સમયને તમારો સાથી બનાવશે, પણ ખોટી ટેવો સમયને જ તમારો દુશ્મન બનાવી દેશે.

રોજબરોજના જીવનમાં તમે જે કોઇ નાના-મોટાં નિર્ણયો લો છો, જે કોઇ 'ચોઇસ' એટલે કે પસંદગીઓ કરો છે, એ બધા જ નિર્ણયો કે ચોઇસ આગામી દશ-વીસ વર્ષમાં ચક્રવૃધ્ધિ વ્યાજની જેમ એનો સરવાળો થઇ પરિણામરૂપે તમને મળે છે.

ટેવો, તમારા સ્વ-વિકાસનું ચક્રવૃધ્ધિ વ્યાજ છે. તમે રોજ તમારામાં માત્ર થોડો થોડો જ સુધારો કરતા જશો તો લાંબા ગાળે એનુ ઘણું સારૂં પરિણામ તમે મેળવી શકશો.

ટેવો એ બેધારી તલવાર જેવી છે. ટેવો તમને જીવનમાં ટોચ પર લઇ જાય અને તમને ખીણમાં પણ ઉતારી દે.

એટોમિક હેબિટ એટલે રોજના એવા નાના-નાના કામો અથવા તો ટેવો કે જે સ્વવિકાસની પ્રક્રિયાનો એક ભાગ બની રહે છે. રોજિંદા જીવનમાં નાના-નાના ફેરફારો કે જે ભલે, તમને ઝાઝા મહત્વના ન લાગતા હોય પણ જો તમારા જીવનમાં આ પ્રકારના નાના પરિવર્તનોને તમે જો વર્ષો સુધી વળગી રહેશો તો લાંબા ગાળે તમને આ ફેરફારો જ મોટી સફળતા કે સિધ્ધિ અપાવશે.

તમારી ફાઇનાન્સિયલ હેબિટ્સ એટલે કે નાંણાકીય બાબતોમાં તમે કેટલા નિયમિત કે કાળજીપૂર્ણ છો, પૈસાની લેવડ-દેવડ અને હિસાબમાં તમે કેટલા વ્યવસ્થિત છો તેમજ ઇન્વેસ્ટમેન્ટમાં તમે કેટલા હોંશિયાર છો, એ તમામ બાબતોનો સરવાળો એટલે તમારી નાણાકીય સધ્ધરતા. આ દરેક બાબતમાં વર્ષો સુધી જો તમે કાળજી રાખી હોય તો તમારી નાણાંકીય સધ્ધરતા સારી જ હોય, તે નિઃશંક બાબત છે.

જયાં સુધી તમે વર્ષોના વર્ષો પર્યંત નાની-નાની બાબતોમાં ચોક્સાઇ રાખવાની ટેવ નહીં પાડો ત્યાં સુધી સફળતા તમારાથી દૂર રહેશે. રોજ તમારે તમારા જીવનમાં નાના-નાના ફેરફારો કરી તેને વર્ષો સુધી ચુસ્ત રીતે વળગી રહેવું પડે આ નજીવા ફેરફાર અંગ્રેજીમાં 'એટોમિક હેબિટ્સ' કે 'એટોમિક ચેન્જીસ' કહેવાય છે.

આ 'એટોમિક હેબિટ' એટલે કે સાવ નાની ટેવ, એક વ્યાપક સિસ્ટમના ભાગરૂપ છે. જેમ પદાર્થ સુક્ષ્મ અણુઓનો બનેલો હોય છે, તેમ એટોમિક હેબિટ્સ ભવિષ્યના જ્વલંત પરિણામના પાયાના ભાગરૂપ હોય છે.

જો તમારે ભવિષ્યમાં ખૂબ સારી સફળતા મેળવવી હોય, કોઇ કાર્યમાં સારૂં પરિણામ મેળવવું હોય તો તેના માટે લક્ષ્ય નક્કી કરવા પર ધ્યાન આપવાના બદલે આ લક્ષ્ય હાંસલ કરવા માટેની સિસ્ટમ ગોઠવીને તેના પર તમારૂં  સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

વર્ષો જૂની ટેવો બદલવાનું કામ અધરૂં છે, પણ અશક્ય જરા પણ નથી. ટેવો બદલતા પહેલા તમારે તમારી ટેવો પ્રત્યે સજાગ થવું પડે. તમારી ટેવ સારી છે કે ખરાબ, એ ટેવ તમને ફાયદારૂપ છે કે નૂકસાનકારક, તેના તરફ તમે સજાગતા કેળવશો તો એ ટેવ બદલતા તમને બહુ મુશ્કેલી નહીં પડે.

આપણા વિચારો અને આપણી વર્તણૂક વચ્ચે શું સંબંધ છે? તે વિશે છેલ્લા કેટલાક દશકા દરમિયાન વૈજ્ઞાાનિકોએ ઘણુ સંશોધન કર્યૂં છે. આપણા વર્તાવ અને આપણી લાગણીઓ (ફિલિંગ્સ) વચ્ચે પણ એક પ્રકારનું જોડાણ હોય છે.

એક મહત્વની  વાત એ છે કે આજે તમારી જે કોઇ ટેવો છે, તેનો સંબંધ કેટલાક બાહ્ય પરિબળો અને તમારી આંતરિક લાગણીઓ સાથે છે.

માણસની બિહેવિયર અર્થાત તેનો વર્તાવ, વર્તન, વર્તણૂંક કે તેનો વ્યવહાર,  કામ કરવાની રીત, ચાલચલગત કે આચરણમાં ફેરફાર થતો રહે છે, આ ફેરફાર ક્યારેક ક્ષણે ક્ષણે પણ થતો રહે છે. પરંતુ આ પુસ્તકમાં તમને ''શું બદલાતું નથી'' એ વિશે જાણવા મળશે. એ માણસની ચાલચલગતના મૂળભૂત સિધ્ધાંતો પર આધારિત છે. આ એવા આઇડિયા છે, જે તમારા બિઝનેસની વૃધ્ધિમાં, પરિવારની સુખ-શાંતિમાં અને તમારા પોતાના સ્વવિકાસમાં ઉપયોગી થઇ પડશે.

જીવનમાં સુટેવો પાડવાનો કોઇ એક જ માર્ગ નથી, પણ અહીં તમને સુટેવો માટેનું શ્રેષ્ઠ દિશાસૂચન મળશે.

સામાન્ય રીતે બધા એમ જ માને છે કે જ્વલંત સફળતા મેળવવા માટે જબરજસ્ત આવડત કે કૌશલ્ય તેમજ આપણામાં બહુ મોટા સુધારા અને પરિવર્તન જરૂરી છે.

પણ ના, હંમેશા આવું જરૂરી નથી. તમારામાં ૧ ટકા જેટલો સુધારો શરૂઆતમાં ખાસ નોંધપાત્ર નથી હોતો કે કોઇના ધ્યાનમાંય નથી આવતો. પરંતુ લાંબા ગાળે આવો નજીવો સુધારો પણ અર્થપૂર્ણ અને પરિણામલક્ષી બની રહે છે.

આની પાછળનું ગણિત જુઓ: એક વર્ષ સુધી તમે રોજના ૧ ટકા લેખે તમારામાં સુધારો કરતા જાવ તો ૧ વર્ષમાં તમારામાં ૩૭ ઘણો સુધારો થઇ જશે. આનાથી ઊલ્ટું રોજ તમારૂં લેવલ ૧ ટકા જેટલું ઘટતું જશે તો ૧ વર્ષમાં તમારૂં લેવલ લગભગ ઝીરો પર આવી જશે.

આમ રોજની એક નાની જીત કે સિધ્ધિ, અને આથી ઉલ્ટું રોજની નાનકડી પીછેહઠ લાંબા ગાળે મોટી સિધ્ધિ કે મોટી નામોશીભરી હારમાં પરિણમે છે.

આગળ કહ્યું તેમ ટેવો, એ સ્વવિકાસનું ચક્રવૃધ્ધિ વ્યાજ છે. ચક્રવૃધ્ધિ વ્યાજમાં જેમ રૂપિયા વધતા જાય છે, તેવી જ રીતે સુટેવો કે કુટેવોના પરિણામે તમારી આગેકૂચ કે પછી પીછેહઠ થતી રહે છે.

તમારી ટેવોનો ટૂંકા ગાળે તમને ઝાઝો ફાયદો કે લાભ નહીં દેખાય, પણ લાંબા ગાળે તેનો તમને બહુ મોટો લાભ મળશે, તે નિશ્ચિત છે. બે, પાંચ કે કદાચ ૧૦ વર્ષ પછીના સમયે તમને સુટેવોની કિંમત સમજાશે અથવા કુટેવોની કિંમત ચુકવવી પડશે.

રોજિંદા જીવનમાં આ આઇડિયા સમજવો શાયદ મુશ્કેલ છે. જીવનમાં નાના ફેરફારોને આપણે ઝાઝી ગણતરીમાં નથી લેતા, કારણ જે તે સમયે એ ફેરફારોનું આપણે મન બહુ મહત્વ પણ નથી હોતું.

તમે આજના તબક્કે થોડા થોડા પૈસા બચાવો, તો તમે કાંઇ લાખ્ખોપતિ નથી થઇ જવાના, એકાદ અઠવાડિયું કે એકાદ મહિનો જીમમાં જવાથી તમે સુડોળ કે હેન્ડસમ બની જવાના નથી, બે-ચાર દિવસ અંગ્રેજી શીખવાથી અંગ્રેજી ભાષાના જાણકાર નથી બની જવાતું.

આમ થોડા દિવસમાં  કોઇ લાભ નહીં દેખાતા આપણે બધું પડતું મુકીને પાછા જૂના રૂટિનમાં સરી પડીએ છીએ.

જીવનમાં કાંઇક પામવું હશે તો તમારે ૧૦ કે ૨૦ વર્ષ સુધી સતત એક ચોક્કસ દિશામાં નિયમિત રીતે થોડા થોડા આગળ વધતા રહેવું પડશે, તમને ટૂંકાગાળામાં કાંઇ નહીં મળે, વર્ષો સુધી સુટેવોને વળગી રહેશો, તો જ તેનું મોટું પરિણામ તમને જોવા મળશે.

કોઇપણ ક્ષેત્રમાં માસ્ટરી મેળવવા ધીરજની આવશ્યકતા છે. મોટી સફળતા નાનકડી શરૂઆતથી આગળ વધ્યા પછી જ પ્રાપ્ત થાય છે.

(ક્રમશઃ)

City News

Sports

RECENT NEWS