માનસિક ઘાવની નાના બાળકોના મન પર પડતી અસર..
- એલિસિઆના પિતા ક્રોધમાં, નશામાં બોલી ગયા કે, એલિસિઆ કેમ મરી ના ગઈ..?
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-5
- 10 વર્ષની એલિસિઆના મન પર પિતાના આ શબ્દોની જીવન પર્યંત અસર રહી..
- પિતરાઈ ભાઈ પોલે કહ્યું, એલિસિઆના પિતા મનમાં આવે તે ગાંડુંઘેલું બોલી કાઢતા હતા..
કોઇનું ખૂન કરી નાંખવાનું ઝનૂન, કે ગાંડપણ અથવા અતિશય ક્રોધાવેશ કાંઇ એકાએક નથી આવતો, તેના બીજ (જીીગજ) વર્ષો અગાઉ કે બાળપણની કોઇ ઘટનામાં રોપાઇ ચૂક્યા હોય છે. બાળપણમાં કે કિશોરાવસ્થામાં પરિવારના કોઇ સભ્ય દ્વારા કે સગાસંબંધી અથવા પડોશી દ્વારા થયેલા દુરાચરણ વર્ષો પછી કોઇ ભળતાની સામે ધડાકાબંધ હિંસક રીતે વ્યક્ત થઇ જાય છે. એટલે મારે એલિસિઆના બાળપણ વિશે પણ માહિતી મેળવવી પડશે. જો એલિસિઆ પાસેથી આ માહિતી મળે તો ઠીક છે, નહીં તો બીજા કોઇ પાસેથી મેળવવી પડશે.
એલિસિઆની ફાઇલમાં તેના નજીકના સગા તરીકે તેની કાકી લિડિઆ રોસનું નામ લખેલું છે. કાર અકસ્માતમાં એલિસિઆની મોમનું મોત નિપજ્યું તે પછી તેની કાકી લિડિઆએ જ તેને ઉછેરીને મોટી કરી. અકસ્માત થયો તે વખતે એલિસિઆ તેની મોમ સાથે કારમાં જ હતી, તે બચી ગઇ, પણ મોમનું મૃત્યું થયું હતું. એલિસિઆની ઉંમર એ વેળા લગભગ દશ-અગિયાર વર્ષની હતી. આ ઘટનાની પણ તેના બાળ માનસ પર ઘેરી અસર થઇ હશે, મને લાગે છે કે આ વિશે મને કદાચ લિડિઆ પાસેથી વધારે જાણકારી મળી શકશે.
બીજી કેટલીક માહિતી મને એલિસિઆના સોલિસિટર મેક્સ બેરેન્સન પાસેથી પણ મળવાની શક્યતા છે. મેક્સ એલિસિઆનો વકીલ તો છે જ, પરંતુ તે ગેબ્રિઅલ બેરેન્સનનો ભાઇ પણ છે. આથી તેની પાસેથી મને એલિસિઆનું લગ્નજીવન કેવું હતું, તેની પણ વિશેષ વિગતો મળી જશે...
એલિસિઆની બાળપણની વિગતો મેળવવા હું તેના વતનમાં - કેમ્બ્રિજ, તેના પિતરાઇ ભાઇ પોલને મળવા ગયો.
પોલે એલિસિઆના ડેડ વિશે વાત કરતાં કહ્યું, તેના પિતા વર્નોન બહુ ઓછું બોલતા. તેમનું મગજ ઠેકાણે નહોતું રહેતું - તેમના પત્ની ઇવાના મૃત્યુ પછી તો ખાસ. પત્નીના મૃત્યુ બાદ તેઓ પહેલા જેવા નહોતા રહ્યા.
કેમ્બ્રિજના તેમના ઘરની બહાર દીવાલને અડીને લોખંડનો દાદર મુકેલો હતો. એલિસિઆના ડેડ આ દાદર ચઢી નહોતા શક્તા. પોલ મને એ દાદર પરથી ઉપર ધાબે લઇ ગયો.
''અમે નાના હતા ત્યારે ઉપર આવીને અહીં સંતાઇ જતા હતા. તે વખતે મારી ઉંમર ૭-૮ વર્ષની હતી અને એલિસિઆ ૧૦-૧૧ ની હતી.
એલિસિઆની મોમનું કાર એક્સિડન્ટમાં મોત નિપજ્યું, તે પછીના થોડા દિવસોમાં અમે અહીં ઉપર રમતા રમતા સંતાઇ ગયા હતા, એ વખતે મારા અન્કલ વર્નોન અને મારી મોમ નીચે હતા. મારા અન્કલે ડ્રિન્ક લીધેલું હતું. મારી મોમ તેમને ઘરમાં જતા રહેવા દબાણ કરતી હતી, પણ વર્નોન ત્યાં ઊભા ઊભા મોટે મોટેથી એલિસિઆ.... એલિસિઆ... કહીને બરાડા પાડતા હતા. તે એલિસિઆ પર કોઇ કારણસર ખૂબ ગુસ્સે ભરાયેલા હતા. તેમણે જાણે ગાંડપણની હદ વળોટી દીધી હતી.
તેઓ તેમના પત્ની ઇવાને યાદ કરતા ગાંડુઘેલું બોલી રહ્યા હતા...''ઇવા, તારા વગર હું નહીં જીવી શકું, માય ગર્લ, માય પુઅર ગર્લ, માય ઇવા. તું શા માટે મરી ગઇ? મોત તારા પર જ શા માટે ત્રાટક્યું, એના બદલે એલિસિઆ કેમ ના મરી ગઇ...? (ઇવાને કાર અકસ્માત થયો ત્યારે એલિસિઆ સિટ-બેલ્ટ પહેરી પાછલી સીટ પર બેઠી હતી, પણ એ બચી ગઇ, અને ડ્રાઇવિંગ કરતી તેની મોમ અકસ્માતમાં મરી ગઇ..)
ઉપર ધાબે મારી સાથે સંતાઇ ગયેલી એલિસિઆએ ડેડનું આ વાક્ય સાંભળ્યું, તેણે મને કાનમાં કહ્યું, હું આ વાક્ય ક્યારેય નહીં ભૂલું. તેમણે મને મારી નાંખી છે. ડેડે મને મારી જ નાંખી છે...''(કહેવાનો મતલબ કે ડેડના આ શબ્દોથી માનસિક રીતે મારૃં મોત જ આવી ગયું છે. મને ડેડના આ શબ્દોથી ભયંકર, કહોને કે જીવલેણ આઘાત લાગ્યો છે. આ વાક્ય મારાથી આખી જિન્દગી નહીં ભુલાય.)
પોલને મેં પૂછ્યું, 'એલિસિઆ ધાબા પર સંતાઇ ગઇ એટલે તેના ડેડ ગુસ્સે ભરાયા હતા ? એ વખતે તો એલિસિઆ નાની છોકરી હતી, વળી તેની મોમ થોડા દિવસો પહેલાં જ કાર અકસ્માતમાં મૃત્યુ પામી હતી, ડેડે એના પર આ રીતે ગુસ્સે થવાની કોઇ જરૂર નહોતી.'
જવાબમાં પોલ કહે, એનો ડેડ બાસ્ટર્ડ હતો. તે એકમાત્ર એની પત્ની ઇવાની જ દરકાર કરતો હતો; મને લાગે છે કે આ કારણથી જ એ બોલ્યો હશે કે ઇવાના બદલે એલિસિઆ મરી ગઇ હોત તો સારૃં.
મને પોલના બોલવા પર હજી વિશ્વાસ નહોતો બેસતો. મેં પોલને પૂછ્યું, ડેડે શું એવું કહ્યું કે ઇવાના બદલે એલિસિઆ શા માટે ન મરી ગઇ ?
'હા, તેના ડેડ આ જ વાક્યા બોલ્યા હતા કે ઇવાના બદલે એલિસિઆ શા માટે ન મરી ગઇ..'
''એલિસિઆ ડેડનું આ વાક્ય કાનોકાન પોતે સાંભળી ગઇ..?
હા, એલિસિઆએ જ આ વાક્ય સાંભળ્યું હતું અને એટલે તો તેણે મને કાનમાં કહ્યું કે આ વાક્ય હું ક્યારેય ભૂલી નહીં શકું.
પોલના આ વાક્યો સાંભળીને હું પોતે મૂક બની ગયો, અવાક થઇ ગયો.
મારા મનમાં અચાનક ટયૂબલાઇટ થઇ ગઇ. હું આવી જ કોઇ ઘટનાની વાત કે આવું જ કોઇ વાક્ય સાંભળવા ઇચ્છતો હતો, જેથી એલિસિઆના ''સાઇલન્ટ'' બની જવા પાછળની ઘટનાની કોઇ મહત્વની કડી મને મળે; અને કેમ્બ્રિજના ઘરના ધાબે મને આ વાત એલિસિઆના પિતરાઇ ભાઇ પોલ પાસે સાંભળવા મળી ગઇ...
લંડન પાછા વળતા આખા રસ્તે હું પોલે કરેલી વાતના જુદા જુદા સૂચિતાર્થો વિશે વિચારતો રહ્યો. હવે મને મનમાં ગેડ બેઠી કે (તેના પતિ ગેબ્રિઅલના ખૂન પછી) એલિસિઆએ અલકેસ્ટિસનું પેન્ટિંગ કેમ બનાવ્યું. ગ્રીક દંતકથામાં પતિ એડમિટસે જેમ પોતાની જીવાદોરી લંબાવવા માટે પત્ની અલકેસ્ટિસને યમરાજના હવાલે કરી હતી, તેમ આ કિસ્સામાં થોડું જુદું બન્યું, પણ વાતનું હાર્દ તો એક જ છે...આ કિસ્સામાં એલિસિઆના પિતા વર્નોને પુત્રી એલિસિઆને (શારીરિક રીતે નહીં) પણ માનસિકરીતે મારી નાંખી (પેલું વાક્ય બોલીને.) ગ્રીક દંતકથાવાળા એડમિટસને તો તેની પત્ની માટે પ્રેમ પણ હતો, પરંતુ વર્નોને તો તેની પુત્રી એલિસિઆ માટે સ્હેજેય સ્નેહ-પ્રેમ નહોતો, માત્ર ધિક્કારની લાગણી જ હતી. વર્નોને તેની કિશોરાવસ્થાની પુત્રીને માનસિકરીતે ખતમ કરી હતી - અને એલિસિઆને આની ખબર હતી...
મારે હવે આ દિશામાં આગળ વિચારવું પડશે. - માનસિક ઘાવની નાના બાળકોના મન પર, તેમની લાગણીઓ પર કેવી અસર પડે છે, અને મોટા થયા પછી બાળપણના આ માનસિક ઘાવ કઇ રીતે દેખા દે છે તે વિશે હું વિચારવા લાગ્યો.
તમે કલ્પના કરો; બાળપણમાં તમારા અસ્તિત્વ માટે તમે જેના પર અવલંબિત છો, એ તમારા પિતા જ તમે મરી જાવ એવું ઇચ્છતા હોય, અને તમે પિતાને આવું બોલતા સાંભળો, તો શું થાય? નાના બાળકો માટે આ સ્થિતિ, કેટલી બધી ડરામણી, અને ગભરાવી મુકે તેવી બની જાય?
(ક્રમશઃ)