Get The App

ઉનાળાનો 'કૂલ' મંત્ર .

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
ઉનાળાનો 'કૂલ' મંત્ર                                               . 1 - image


- ગરમીથી રાહત મેળવવાના અને સૌંદર્યની જાળવણીના સોનેરી ઉપાય

ધોમધખતા ઉનાળામાં ત્વચા, વાળ અને આંખની ખાસ સંભાળ રાખવી પડે છે. સૂર્યના તાપને  કારણે ત્વચા કાળી અને નિસ્તેજ, વાળ પરસેવાવાળા અને રૂક્ષ તથા આંખો લાલ થઈ જાય છે. ગરમીનો પારો ઊંચો ચડતાં જ ડિહાઈડ્રેશન થવાની શક્યતા વધી જાય છે. આથી ઉનાળામાં પાણી, ફળોનો રસ કે નાળિયેર પાણી પીવાનું પ્રમાણ વધારે રાખવું જોેઈએ. કેફીનયુક્ત પીણાંની શરીર પર 'ડાયુરેટીક' અસર થાય છે એટલે શરીરમાંથી પ્રવાહી ઓછું થાય છે. આ કારણે ગરમીમાં કેફીનયુક્ત પીણાંનો વિકલ્પ છેલ્લે રાખવો. બને તો દિવસમાં આઠ ગ્લાસ પાણી પી જવું જેથી શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે.

ગરમીમાં પરસેવાના રેલા નીતરતા હોવાથી ત્વચા એકદમ ચીકણી લાગે છે અને તેના પર રજકણ ચીપકી જાય છે. આ સમસ્યાના ઉપાય તરીકે ઘણી યુવતીઓ વારંવાર સાબુથી મોઢું ધોતી હોય છે. પણ વારંવાર સાબુ લગાડવાથી ત્વચામાં રહેલું તેલ અને કુદરતી રસાયણ નાશ પામે છે. એટલે માત્ર પાણી વડે જ મોઢું ધોવું.

ઉનાળામાં આકરો તાપ પડતો હોવા છતાં ઘરમાં બેસી રહેવું શક્ય નથી. પણ એકસાથે ૨૦ મિનિટથી અધિક સમય સુધી તડકામાં ફરવું નહીં. વધુ સમય તડકામાં રહેવાથી ત્વચા શુષ્ક બને છે, ફોડલીઓ ઉપસી આવે છે તથા ઝડપથી વૃધ્ધ દેખાવા લાગે છે. જો શક્ય હોય તો સવારના ૧૦ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી બહાર નીકળવું નહિં. તેમ છતાં જો વધુ સમય તાપમાં ફરવું પડે તો 'એસપીએફ ૫૫' હોય તેવા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો. ગરમીમાં પગના તળિયામાં પરસેવો થાય છે  એટલે થોડા દિવસ શૂઝને બદલે સેન્ડલ પહેરવા જેથી હવાની અવરજવર થઈ શકે.

સનસ્ક્રીન  લોશન માત્ર ચહેરા પર જ નહિ પરંતુ હોઠ, ગરદન અને હાથ ઉપર પણ લગાડવું જરૂરી છે. તે જ પ્રમાણે પરસેવા સાથે મેકઅપ ઉતરી ન જાય એટલે વૉટરપ્રૂફ  સૌંદર્યપ્રસાધન વાપરવા. ઘણી વખત તડકામાં પરફ્યૂમ નાંખીને નીકળ્યા પછી ત્વચા પર રીએક્શન આવે છે અને ફોડલીઓ થાય છે તથા ખંજવાળની સમસ્યા થઈ શકે છે. એટલે પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે પરફ્યૂમ નાંખતી વખતે કાળજી રાખવી. સૂર્યના આકરા તાપથી બચવાનો એક ઉત્તમ વિકલ્પ છત્રી છે. છત્રીને કારણે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર શરીર પર થતી નથી.

ગરમીમાં સખત પરસેવો થવાથી શરીરમાંથી નાઈટ્રોેજનનું પ્રમાણ ઓછંું થાય છે અને ચયાપચયની ક્રિયાનું સંતુલન ખોરવાય છે. ડોક્ટરોના મતે આ સંતુલન જાળવવા માટે પ્રોટીનયુક્ત આહારનું પ્રમાણ વધારે લેવું. શાકભાજી, ફળ, કઠોળ, દૂધ ચીઝ, વગેરે પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે. એટલે આવા ખાદ્યપદાર્થોનું સેવન ઉનાળામાં વધારે કરવું જોઈએ.

જો ત્વચા તૈલી ન હોય તો ગ્રીષ્મમાં ટોનર અને એસ્ટ્રીજન્ટનો ઉપયોગ કરવો નહીં. આલ્કોહોલ આધારીત ટોનરની ત્વચા પર વિપરીત અસર થાય છે અને તેનાથી ત્વચા શ્યામ થવાની શક્યતા વધી જાય છે. તે જ પ્રમાણે તૈલી ફાઉન્ડેશન અને કાજળનો ઉપયોગ પણ ન કરવો. ક્રીમ આધારીત મેકઅપ કરવાની ઈચ્છાને થોડો સમય ટાળવી. હોઠ પર લિપ પેન્લીસ જ લગાડવી અને લીપ ગ્લોઝ લગાડવું નહીં. પાઉડર સાથે પરસેવો મિક્સ થતાં ત્વચા પર થર બાઝી જાય છે અને અળાઈઓ નીકળે છે. આથી ચહેરા પર કે શરીરના અન્ય ભાગમાં પાઉડરના થપેડા કરવા નહિ. ગરમી અને ધૂળ-રજકણને કારણે   શ્યામ પડેલી ત્વચાને 'ક્લીન' કરવા માટે કેટલીક યુવતીઓ ગરમ પાણીની બાષ્પ લે છે. પણ બાષ્પ લેવાથી ત્વચાના રોમછિદ્રો ખુલી જાય છે એટલે તેવી ભૂલ કરવી નહીં.

સૂર્યના તાપને  કારણે ત્વચા અતિસંવેદનશીલ બની જાય છે એટલે ઉનાળામાં સ્ક્રબ કરતાં પણ સંભાળવું. વારંવાર સ્ક્રબ કરવાથી પણ ત્વચાને નુકસાન થાય છે.

સૂર્યના આકરા તાપથી રાહત મેળવવા માટે સ્વિમીંગ કરો તો સ્વિમીંગ કર્યા બાદ 'આફ્ટર -સ્વિમ શેમ્પૂ'નો જ ઉપયોગ કરવો. આ શેમ્પૂ વાળમાંથી ક્લોરીન  અને કૉપરને દૂર કરી સુંવાળા બનાવશે.

ઉષ્ણતામાન વધતા જ શરીરમાં પરસેવોે થવા સાથે આંખોેમાં બળતરા થાય છે. ઘણા લોકો આંખને ઠંડક આપવા વારંવાર આંખમાં ઠંડા પાણીની છાલક મારે છે. પરંતુ આંખના નિષ્ણાત ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આંખમાં વારંવાર પાણીની છાલક મારવાથી તેમાં રહેલા અશ્રુના સ્તર પર વિપરીત અસર થાય છે અને લાંબાગાળે આંખ સુકાઈ જાય છે. તેવી જ રીતે કેટલાકને ઉનાળામાં ઠંડા પાણીથી નહાવું ગમે છે. પરંતુ ઠંડાપાણીથી નહાવાથી શરીરની ગરમી દૂર થાય છે તે માન્યતા ખોટી છે. શક્ય હોય ત્યાં સુધી ઉનાળામાં હુંફાળા  ગરમ પાણીથી જ સ્નાન કરો. પગમાંથી આવતી પરસેવાની દુર્ગંધ દૂૂર કરવા માટે દિવસમાં બે વખત પગ ધોઈને સરખી રીતે લૂછવા.  ખાસ કરીને પગની આંગળીઓ વચ્ચેના ભાગને કોરો રાખવો કારણ કે આ જગ્યાએ ફંગલ ઈન્ફેક્શન થવાની શક્યતા હોય છે. 

વસ્ત્રોની પસંદગી  પણ ગરમી દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સિન્થેટીક કપડાથી ગરમી લાગે છે એટલે સુતરાઉ કપડા પહેરવાનો જ આગ્રહ રાખવો. લાયક્રાથી પણ શરીરમાં ગરમીનું પ્રમાણ વધે છે એટલે તે પહેરવાનું પણ ટાળવું.

સૂર્યના તાપથી આંખની રક્ષા કરવા માટે સનગ્લાસ પહેરવાનું ભૂલવું નહીં. આ સનગ્લાસ યુવીએ અને યુવીબી કિરણોથી આંખની રક્ષા કરતાં હોવા જોઈએ. ઉપરાંત કારમાં વિનસ્ક્રીન પર 'ટિન્ટેડ ફિલ્મ' લગાડો જેથી પ્રકાશના પરાવર્તિત કિરણોની વિપરીત અસર ન થાય.

ગરમીનો પારો વધતાં જ એરકન્ડિશનની ઠંડક ખૂબ વહાલી લાગે છે. જોકે વારંવાર વાતાનુકૂલિત રૂમ અને ગરમ વાતાવરણમાં આવ-જા કરવી નહીં. આનાથી તબિયત બગડે છે તથા ત્વચાની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થઈને કરચલીઓ થાય છે.

ગ્રીષ્મ  ઋતુ ત્વચાની દુશ્મન નથી એટલે જો થોડી કાળજી રાખવામાં આવે તો ગરમીથી રાહત પણ મળે છે અને સૌંદર્ય પણ જળવાઈ રહે છે.

Tags :