For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહિલાઓમાં સામાન્ય દેખાતા લક્ષણો ગંભીર બીમારીનો સંકેત હોય શકે

Updated: Nov 21st, 2022

Article Content Image

અનેક અભ્યાસ દ્વારા જણાયું છે કે એક તરફ મહિલાઓમાં નિયમિત પેપ પરીક્ષણ, મેમોગ્રામ્સ અને શારીરિક ચકાસણી ઉપરાંત આહાર અને વ્યાયામ વિશે સારી જાણકારી  છે અને તેના પ્રત્યે તેઓ સભાન પણ છે, પણ જ્યારે તેઓ સતત ગળામાં દુ:ખાવો અથવા થાક જેવા લક્ષણો અનુભવે છે ત્યારે તેને સામાન્ય શરદી અથવા વાયરલ તાવના લક્ષણો સમજીને તેની અવગણના કરે છે. હકીકત એ છે કે આવી નિશાનીઓ ગંભીર સમસ્યાનો સંકેત આપે છે.

અચાનક નબળાઈ

ચહેરા અથવા અંગોમાં અચાનક નબળાઈનો અનુભવ થવો સ્ટ્રોકની નિશાની હોઈ શકે છે. અતિરિક્ત નિશાનીઓમાં અચાનક મૂંઝવણ, અસ્પષ્ટ વાણી, દ્રષ્ટિમાં ઝાંખપ અને ચાલવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે. તમારા પરિવાર અને મિત્રો ઉપરાંત તમારે પોતે પણ આ નિશાનીઓ વિશે સજાગ રહેવું જોઈએ કારણ કે તેને ઓળખવી અને તાત્કાલિક સહાયતા મળવી મુશ્કેલ છે.

શ્વાસ લેવામાં વારંવાર તકલીફ થવી

કેટલીક મહિલાઓને વધુ શારીરિક ક્રિયાઓ કરતી વખતે તેમના હૃદયને પૂરતો રક્ત પૂરવઠો નથી મળતો ત્યારે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલીનો અનુભવ થાય છે. મહિલાઓમાં છાતીમાં દુ:ખાવાને બદલે શ્વાસની તકલીફ અને અતિશય થાકના લક્ષણ સામાન્યપણે જોવા મળતા હોવાને કારણે તેમનામાં સાયલન્ટ  હાર્ટ અટેકના કિસ્સા વધુ જોવા મળે છે. ઉપરાંત સ્ત્રીઓમાં  શ્વાસની તકલીફ માટે એનિમિયા અને ફેફસાના રોગ પણ કારણભૂત માનવામાં આવે છે.

છાતીમાં દુ:ખાવો

જો છાતીમાં દુ:ખાવો, ઝડપી ધબકારા, હાથ, ખભા અથવા જડબામં દુ:ખાવો અને  શ્વાસમાં તકલીફ જણાય તો આ નિશાનીઓ હૃદય રોગનો સંકેત આપે છે. વધુમાં હૃદયના સ્નાયુઓને પૂરવઠો પહોંચાડતી ધમનીઓના સ્વયંસ્ફૂરીત વિચ્છેદન તરીકે ઓળખાતી અત્યંત દુર્લભ સ્થિતિ પણ હૃદય રોગ માટે વધારાનું કારણ છે. આ સ્થિતિ યુવાનોને પણ અસર કરે છે અને પુરુષો કરતા મહિલાઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

વજનમાં અચાનક ફેરફાર

કોઈ વિશેષ પ્રયાસ વિના વજનમાં અચાનક ઘટાડો પણ કોઈ સમસ્યા પ્રત્યે અંગુલિ નિર્દેશ કરે છે. વધુ પડતું સક્રિય થાઈરોઈડ, ડાયાબીટીસ, માનસિક બીમારી, લિવરની બીમારી તેમજ કેન્સર આવી સમસ્યાના મુખ્ય કારણ છે. બીજી તરફ જો આહાર અને પ્રવૃત્તિમાં ફેરફાર કર્યા વિના વજન વધી ગયું હોય તો આ લક્ષણ થાઈરોઈડની નિષ્ક્રિયતા, હતાશા અથવા અન્ય મેટાબોલિક બીમારીનો સંકેત આપે છે.

સ્તનમાં અસામાન્ય ગઠ્ઠો

આમ તો  મહિલાઓને સ્તનમાં ગઠ્ઠા હોવાનું સામાન્ય છે. પણ કોઈ ગઠ્ઠો છાતીમાં અથવા ચામડી સાથે ચોંટી ગયો હોય અથવા ચામડીના દેખાવમાં ફેરફાર થાય અથવા સ્તનની ડીંટડીમાં ફેરફાર જણાય તો ચકાસણી કરવામાં વિલંબ ન કરવો. આવા ફેરફાર સ્તનના કેન્સરનું લક્ષણ હોઈ શકે.

નસકોરા અને વધુ પ્રમાણમાં સુસ્તી થવી

જો કામ કરતી વખતે અથવા અન્ય સ્થળોએ ઊંઘ આવી જતી હોય તો તે સ્લીપ એપનિયાનો સંકેત કરે છે. આ સ્થિતિમાં શ્વસનક્રિયા સમગ્ર રાત્રિ દરમ્યાન વારંવાર બંધ થાય છે અને ફરી શરૂ થાય છે જેના કારણે જોરથી નસકોરા થાય છે.

દ્રષ્ટિની સમસ્યા

વય વધવાની સાથે દ્રષ્ટિમાં પણ ઝાંખપ આવે છે. પણ જો અચાનક એક અથવા બંને આંખોની દ્રષ્ટિમાં સમસ્યા જણાય તો તે સ્ટ્રોકની નિશાની હોઈ શકે છે. એવી જ રીતે માઈગ્રેનની સમસ્યા હોય  તેને પણ પ્રકાશના ઝબકારા અથવા રંગીન ઔરાનો અનુભવ થાય છે. તેમ છતાં યાદ રાખવું જોઈએ કે આવા જ લક્ષણ એવો પણ સંકેત આપે છે કે નેત્રપટલ (રેટિના) ફાટી ગયું છે અથવા અલગ પડી ગયું છે. આ સમસ્યાની સમસયર સારવાર ન કરાય તો તે કાયમી અંધાપા તરફ પણ દોરી જઈ શકે છે.

અતિશય થાકનો અનુભવ

અતિશય થાક માટે અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે. પણ જો સતત થાકનો અનુભવ થતો હોય તો તે કોઈ મેટાબોલિક સમસ્યા અથવા તો કેન્સર, ડીમેન્શિયા  અથવા પાર્કિન્સન જેવી ગંભીર બીમારીનો પણ સંકેત હોઈ શકે છે.

ત્વચાના રંગમાં ફેરફાર થવો

ત્વચામાં કોઈપણ પ્રકારના ફેરફાર થાય તો સતર્ક રહેવું. બગલ અથવા ડોકની પાછળના ભાગની ચામડી કાળી પડવી તેમજ ત્વચા પર અનેક ઠેકાણે મસા થવા ડાયાબીટીસની નિશાની છે. ત્વચા પર કડક અને ભીંગડાવાળી વૃદ્ધિ એક્ટિનિક અથવા સોલાર કેરાટોસિસ જેવા કેન્સર પૂર્વેની સ્થિતિ સૂચવે છે. ત્વચા પરના તલ અથવા મસાના કદ, રંગમાં થતા કોઈપણ ફેરફાર અથવા નવા બનતા હોય તેના પર વિશેષ ધ્યાન આપવું.

માસિક સમયમાં ફેરફાર

જીવનકાળ દરમ્યાન માસિક  સમયમાં ફેરફાર થવો સામાન્ય બાબત છે. પણ જો કોઈ અસાધારણ બાબત જણાય તો તુરંત ડોકટરનો સંપર્ક કરવો. માસિક સ્રાવના પ્રમાણ, સમય અને પીડામાં અચાનક ફેરફારનું પરીક્ષણ થવું જરૂરી છે. આ નિશાનીઓ સામાન્યપણે મેનોપોઝ તેમજ પોલીસીસ્ટીક ઓવરી અથવા યુટરીન ફાઈબ્રોઈડ્સ જેવી બિન-કેન્સર  સ્થિતિનો સંકેત આપે છે. જો કે ક્યારેક પેલ્વિક ચેપ અથવા ગર્ભાશયના કેન્સરનો ઈશારો પણ કરે છે. મેનોપોઝ બાદ જો વધુ પ્રમાણમાં રક્ત સ્રાવ જણાય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો. જો કોઈ અકળ ફેરફાર જણાય તો ડોકટરનો સંપર્ક કરવો. તમારા શરીરના તમે જ શ્રેષ્ઠ જાણકાર છો અને કંઈક અજુગતુ બની રહ્યું છે તે જાણી શકો છો. કોઈપણ સમસ્યામાં યોગ્ય ડોકટર પાસે સમયસરની સારવાર શરૂ કરવી મહત્વનું છે એ યાદ રાખવું જોઈએ.

- ઉમેશ ઠક્કર

Gujarat