વાર્તા : બેશરમીની હદ .
'દરેક પુરુષ અંદરથી તો પશુ જ હોય છે. આ પોતાની જાતને સમજે છે શું? શું હું નોકરડી છું? એની ગુલામડી છું? એણે તો કેટલા આરામથી કહી દીધું. 'નીકળી જા અહીંથી ''જાણે હું એના માટે તરફડી રહી છું નહીં? એના વગર મરી જઈશ કેમ? અરે, ભણેલી ગણેલી છું. ક્યાંય નોકરી કરીને પેટ ભરી લઈશ. હું ગરજાઉ નથી કે તમારે માથે પડી રહું.'
મિલિટરી મેસના કમ્પાઉન્ડમાં મોડી રાત સુધી પાર્ટી ચાલી. નાચ-ગાન અને ડ્રિંક્સની મહેફિલમાંથી સહુ ધીમે-ધીમે વીખરાયાં.
ઘેર પહોંચતાં જ જાણે બોમ્બ ફૂટયો! નરેન અંજુ પર તૂટી પડયો. ''તું આટલી હદ સુધી બેશરમ બની શકે છે, એ હું સ્વપ્નમાંય વિચારી શકતો ન હતો!''
''કેમ? મેં એવું તે શું કર્યું?'' અંજુએ ગુસ્સામાં પૂછ્યું.
''એવું શું કર્યું, એમ તું હજી પૂછે છે?'' નરેને વ્યંગ્યમાં કહ્યું, ''સલીલને વળગી-વળગીને નાચતી હતી, એ શું ઓછું છે? પછી સલીલને છોડી આમીરને ચોંટી! તને એમાં ભલે કંઈ ન લાગે, પણ મારા માટે આ હદ બહારની વાત છે.''
''આમ તો હું વાઈસ માર્શલની સાથે પણ નાચી હતી. તે એનું નામ કેમ ન લીધું?'' અંજુ છંછેડાઈને બોલી.
''માર્શલની વાત જુદી છે. તેમને કંપની આપવા માટે તો મેં જ તને કહ્યું હતું કેમ કે એ મારા બોસ છે.'' નરેને ગુસ્સામાં બોલ્યો.
''બોસ છે તો શું થઈ ગયું? છે તો પરપુરુષ જ ને? આનો અર્થ એ છે કે, તું જેની સાથે ઇચ્છે એની સાથે હું નાચી શકું. હું જેની સાથે નાચવા ઇચ્છું તેની સાથે નાચવું ખરાબ કહેવાય. કેમ?'' ''બહુ દલીલબાજી ન કર. તેઓ તને વારંવાર ઉશ્કેરતા હતા અને તું પણ શેમ્પેન પીતી હતી. શું એ બધું મને ગમે ખરું? મારું લોહી ઉકળી ઊઠયું હતું. પાર્ટીની મોજમજા બગડવાની મને ચિંતા ન હોત, તો તને ક્યારનીય ચોટલો ઝાલીને બહાર ફેંકી દીધી હોત.'' નરેન ક્રોધ અને નશાને કારણે પોતાની વાણી પરનો કાબૂ ગુમાવી રહ્યો હતો.
''હું તો શેમ્પેન માટે વારંવાર ના જ કહેતી હતી. કેમ તમે તો જોયું જ હશે ને? જ્યારે વાઈસ માર્શલે જીદ કરી, ત્યારે તેં જ તો કહ્યું હતું કે, પી લે, એમની વાતનો ઇન્કાર કરીશ તો એ એમનું અપમાન થશે.' આવું કોણે કહ્યું હતું?'' અંજુએ વળતો જવાબ આપ્યો.
નરેને આંખોમાંથી ક્રોધ વરસાવતાં કહ્યું, ''હા, હા મેં જ કહ્યું હતું, પણ એ તો વાઈસ માર્શલ સાથે જ કહ્યું હતું. આલતું-ફાલતું સાથે પીવા માટે નહોતું કહ્યું. હું આવું બધું હવેથી સાંખી નહિ લઉં એનું ધ્યાન રાખજે!''
''હું કોન્વેન્ટ સ્કૂલમાં જરૂર ભણી છું, પરંતુ છું આખરે ભારતીય નારી. મારા સંસ્કાર ભારતીય છે. તેં મને ફોજી શિષ્ટાચાર શીખવ્યા. મેં જ્યારે તને કહ્યું કે, હું શરાબ પીતી નથી, તો તેં જ મને બળજબરીથી પીવડાવતાં કહ્યું હતું કે, ફોજી સાથે લગ્ન કર્યા છે, તો ફોજી સાથે જીવતાં પણ શીખવું પડશે. હવે કેમ ગુસ્સો આવે છે?''
નરેને ખીજાઈને કહ્યું, ''તું તદ્દન મૂર્ખ છે. તને સારા-નરસાના ભેદની ઓળખ નથી.''
''મેં તને એ પણ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, હું પરપુરુષ સાથે ક્યારેય ડાન્સ નહીં કરું. આજ નહીં તો કાલે તને ખોટું લાગશે ત્યારે શું થશે? પરંતુ તેં જ જીદ કરીને કહ્યું હતું કે, આ તો ફોજી શિષ્ટાચાર છે. આમ એકબીજાને કંપની આપવા માટે તું પાર્ટીમાં ડાન્સ નહીં કરીશ. તો બધાં તારી જૂનવાણી અને કૂપમંડૂક કહીને મશ્કરી કરશે.'' મારા વારંવાર ઇન્કાર કરવા છતાં તેં મને તારા બોસની ફેલાયેલી બાહોંમાં ધકેલી દીધી! કેમ યાદ છે ને કે એ વખતે તું તાલી પાડી પાડીને કેટલો ખુશ થતો હતો? હવે કયા મોઢે અપમાન અને અવિવેકની વાત કરે છે?'' અંજુ ગુસ્સાના કારણે કંપતી હતી.
નરેને અંગ્રેજીમાં ગાળો આપતાં કહ્યું, ''ફૂવડ, તું શું જાણે સભ્ય સમાજની રીતભાત? માટે જા જ્યાંથી આવી છે, ત્યાં પાછી જતી રહે.'' ક્રોધમાં નરેને ઓશીકું ઉઠાવીને અંજુ તરફ ફેંક્યું. અંજુએ આવું ધાર્યું ન હતું. એ ચોંકી ગઈ. એને પણ ગુસ્સો આવ્યો અને એણે પણ ઓશીકું નરેન પર જોરથી ફેક્યું. નરેન આ હુમલાનો જવાબ આપે એ પહેલાં જ અંજુ ખુરશીઓની ગાદી ધડાધડ નરેન ઉપર ફેંકવા લાગી. જ્યારે ફેંકવા માટે આજુબાજુ કંઈ ન દેખાયું, ત્યારે એ ઊભી ઊભી હાંફવા લાગી.
એકાએક નરેને બન્ને હાથ એવી રીતે ઊંચા કર્યા જાણે એ અંજુનું ગળું દાબી દેશે, પરંતુ ધીમેધીમે એણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો અને દાંત કચકચાતાં બોલ્યો, ''હું તારું મોઢું જોવા પણ નથી ઇચ્છતો, જા, મારી નજર સામેથી દૂર જતી રહે.''
નરેને ફરી એક પેગ બનાવ્યો અને ડ્રોઈંગ રૂમમાં જઈને પીવા લાગ્યો.
અંજુ ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાના રૂમનું બારણંુ બંધ કરીને પથારીમાં ડૂસકે ડૂસકે રડવા લાગી. એણે કેવા કેવા સપનાં સેવ્યાં હતાં. ફોજી જીવનનું કેટકેટલું આકર્ષણ હતું! જ્યારે એક ફલાઈટ લેફટેનન્ટ સાથે એનું સગપણ નક્કી થયું, ત્યારે એને એમ લાગ્યું કે, જાણે એ આસમાનને આંબી ચૂકી છે. ફોજી વર્દીમાં નરેન એવો લાગતો હતો કે, જાણે કોઈ યોદ્ધા આકાશમાંથી ઉતરીને ધરતી પર ન આવ્યો હોય! એ ગર્વથી હવામાં તરતી હતી. એને લાગતું હતું જાણે એની સમગ્ર ઇચ્છા-આકાંક્ષાઓ હવે પૂરી થઈ ગઈ હતી.
મમ્મીએ અંજુને લગ્ન પહેલાં જ સમજાવી હતી, ''જો દીકરી, આ ફોજી લોકો તો પીવા-પીવડાવવાવાળા હોય છે. છતાં આપણાં સંસ્કાર આપણે જાળવી રાખવા છે. શરૂઆતમાં પ્રેમથી તને જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરશે, પણ તું મારી જાતને કાબૂમાં રાખજે. બીજું કે પતિને તારી મુઠ્ઠીમાં જ રાખજે.''
અંજુએ મમ્મીની વાત સારી રીતે સમજી હતી અને એના પર અમલ પણ કરવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ કમનસીબે એ બન્ને પ્રયત્નોમાં નિષ્ફળ નીવડી. પ્રથમ રાત્રિએ જ નરેન પીવા બેસી ગયો અને અંજુને પણ એક ઘૂંટડો ભરવાની જીદ કરવા લાગ્યો, ત્યારે અંજુએ કહ્યું હતું, ''અત્યારે એક ઘૂંટડો ભરવાનું કહો છો અને જો મને ટેવ પડી જશે તો?'' ''અરે, એક ઘૂંટડો ભરવાથી કંઈ ટેવ પડી જાય છે?'' નરેને નશામાં ઝૂમતાં કહ્યું, ''વહાલી, પહેલાં દારૂની ટેવ પડે છે, પછી જ એ ટેવ દારૂની ખોટ પૂરી પાડે છે.
એક ફોજી પોતાની જિંદગીની આટલી ક્ષણો માત્ર જ જીવે છે, બાકીના દિવસો તો એણે મોત પાસે ગીરવી મૂકેલી હોય છે.''
''આવું ભાષણ તો ફોજી પોતાની આત્મવંચના માટે જ કરે છે. કદાચ એને આવી દુનિયામાં જ રહેવું વધુ ગમે છે!'' અંજુએ હસીને કહ્યું. ''છોડ હવે તું, આ તે કેવી વાત લઈને બેઠી.'' નરેને અંજુને પોતાના આલિંગનમાં બાંધતાં કહ્યું, ''બસ એક જ ઘૂંટ...'' અંજુ નરેન સામે કમજોર પડી ગઈ, એણે કહ્યું, ''પ્લીઝ, હવે પછી ક્યારેય જીદ ન કરીશ... આ દારૂની ટેવ સારી નથી.''
''હા, મને ખબર છે. મેં ચોપડીમાં આવું બધું ઘણંું વાચ્યું છે.'' કહેતાં નરેને ગ્લાસ અંજુના હોઠે અડાડી દીધો.
દારૂની તીવ્ર દુર્ગંધ અંજુના નાકમાં ઘૂસી ગઈ અને એણે ઘૃણાથી મોઢું ફેરવી દીધું. નરેન ફરી ગ્લાસ એના હોઠ પાસે લઈ ગયો અને એને પીવાનો આગ્રહ કરવા લાગ્યો. છેવટે અંજુએ કાળજુ કઠણ કરી અને આંખો બંધ કરતાં એક ઘૂંટડો ભર્યો એના મોંનો સ્વાદ કડવો ઝેર જેવો થઈ ગયો. એને એવું લાગતું હતું જાણે હમણાં જ ઉલટી થઈ જશે. આ જોઈ નરેન ખડખડાટ હસી પડયો. વાઈસ માર્શલના આગમન પ્રસંગે એક દિવસ સાંજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજુએ આ અગાઉ એક વાર નરેનને કહ્યું હતું કે, એ તેને બીજા પુરુષો સાથે નાચવા માટેની જીદ ન કરે, કારણ કે તેને પારકા પુરુષો સાથે નાચવાનું જરાય ગમતું નથી અને ક્યારેક નરેનને પણ આ બાબતે ખોટું લાગી શકે છે. નરેને અંજુની વાત હસવામાં કાઢી નાંખી હતી અને કહ્યું હતું કે, ''આ તો અહીંનો શિષ્ટાચાર છે. આ સિવાય મુક્ત અને મિલનસાર સ્વભાવવાળી પત્ની ફોજીની પ્રગતિમાં સહાયક બને છે, જ્યારે રૂઢિચુસ્ત પત્ની તેની ઉન્નતિમાં બાધારૂપ બની શકે છે.''
અંજુએ નરેનની આ વાત પણ ભ્રમણામાં ખપાવી દીધી હતી, પરંતુ ક્યારેક ક્યારેક નરેન બહુ પાછળ પડી જતો, જ્યારે તે નરેનની વાત માની લેતી.
સલીલ અને આમીર સ્ટાફમાં નવા આવ્યાં હતા. અશિષ્ટ વ્યવહારને કારણે નરેને અનેકવાર તેમની વિરુદ્ધ બોસને ફરિયાદ કરી હતી અને તે બદલ તેમને સજા પણ કરવામાં આવી હતી. આજે તેમને બરાબર મોકો મળ્યો હતો. અંજુ સાથે હોંશથી નાચી નાચીને તેઓ બન્ને જાણે નરેન સાથે વેર વાળી રહ્યા હતા! અને નરેન પણ શું કરે? આજનો પ્રસંગ જ એવો હતો કે, એ કંઈ કહી શકે તેમ ન હતો! સલીલ અને આમીરને એ કંઈ જ કહી ન શક્યો અને એટલે જ તેનો બધો ગુસ્સો અંજુ પર ઉતાર્યો.
અંજુ આખી રાત પડખાં ફેરવતી રહી. એની આંખોમાંથી ઊંઘ ક્યાંય દૂર જતી રહી હતી અને તમામ પ્રસંગો એક પછી એક ચલચિત્રની જેમ વારંવાર એની આંખોની સામે આવતા હતા. એ વારંવાર વિચારતી હતી કે, મમ્મીનું કહેવું ન માનવાને કારણે જ આજે એને કેટકેટલું અપમાન સહન કરવું પડયું. આમ ઊંઘ આવતાં આવતાં જ સવાર પડી ગઈ!
જ્યારે અંજુની આંખો ખૂલી ત્યારે તડકો બારીમાંથી ચળાઈને રૂમમાં આવતો હતો. એ ચમકીને પથારીમાંથી ઊભી થઈ ગઈ. એકાએક એને લાગ્યું કે, હવે આ ઘર એનું નથી રહ્યું. એણે પોતાના બેડરૂમનું બારણું ખોલ્યું, તો ડ્રોઈંગ રૂમમાં કોઈ નહોતું. નરેનનો ક્યાંય પત્તો ન હતો. એ તો વહેલો ઉઠીને, તૈયાર થઈને નાસ્તો કર્યા વિના જ ઓફિસે ચાલ્યો ગયો હતો. અંજુ પણ નાહીં ધોઈ પરવારીને તૈયાર થઈ ગઈ. પછી એ એક નાનકડી સૂટકેસમાં પોતાનાં જરૂરી કપડાં ભરવા લાગી. એણે દાગીનાનો ડબ્બો ખોલ્યો. જે એની મમ્મીએ દાગીના આપ્યા હતા. એણે સાથે લઈ લીધા અને સાસરીમાંથી મળેલા બધા દાગીના પાછા મૂકી દીધા. આ ઉપરાંત તેણે એક યાદી બનાવીને પણ તેમાં મૂકી દીધી, જેથી ભવિષ્યમાં કોઈ ચોરીનો આરોપ ન મૂકી શકે. આવી પરિસ્થિતિમાં તો કંઈ પણ થઈ જાય, એ વિશે કહેવાય નહીં.
અંજુ આખા ઘરમાં ફરીફરીને જોવા લાગી. કે, એ પોતાની સાથે શું શું લઈ જઈ શકે તેમ છે. એણે વિચાર્યું. ''માત્ર જરૂરી સામાન જ સાથે લઈ જવો ઠીક છે, બાકીનો સામાન પિતાજી આવીને લઈ જશે. છૂટાછેડા મળતા કેટલો સમય લાગશે? ઘરમાં બેસીને પણ શું કરીશ? કોઈ નોકરી શોધી કાઢીશ. એ સિવાય હવે જિંદગીમાં શું બાકી રહ્યું છે?''
જેમ-જેમ અંજુનું મન શાંત થતું હતું. તેમ-તેમ એ વધુ કઠોર અને તટસ્થ થતી જતી હતી. નરેનનો એક એક શબ્દ જાણે એને ડંખી રહ્યો હતો. એ વિચારવા લાગી. 'દરેક પુરુષ અંદરથી તો પશુ જ હોય છે. આ પોતાની જાતને સમજે છે શું? શું હું નોકરડી છું? એની ગુલામડી છું? એણે તો કેટલા આરામથી કહી દીધું. 'નીકળી જા અહીંથી હું તારું મોઢું પણ જોવા નથી માગતો.' ''જાણે હું એના માટે તરફડી રહી છું નહીં? એના વગર મરી જઈશ કેમ? અરે, ભણેલી ગણેલી છું. ક્યાંય નોકરી કરીને પેટ ભરી લઈશ. હું ગરજાઉ નથી કે તમારે માથે પડી રહું.'
અંજુ જોરથી ઘરની દીવાલો સામે જોઈને બોલી, ''જાઉં છું. હવે ક્યારેય પાછી નહીં આવું. મારા પગે પડશો તો પણ નહીં આવું. તમને મનમાં એમ હશે કે, હું સીધી રીતે તમને છૂટાછેડા આપી દઈશ, પણ તમને ધોળા દિવસે તારા ન દેખાડી દઉં, તો મારું નામ અંજુ નહીં. યાદ રાખજો, આ અંજુ છે કોઈ સીતા-ગીતા નથી. એ તમને જીવનભર યાદ રહેશે હા...'' એને પોતાનો અવાજ સાંભળીને સારું લાગ્યું જાણે મન હળવું થયું. એણે સૂટકેસમાં કપડાં ભરી લીધાં અને જવા માટે તૈયાર થઈ ગઈ, પણ હવે મૂંઝવણ એ હતી કે જવું કેવી રીતે? ટેક્સી નજીકમાં ક્યાંય મળે તેમ ન હતી. એના માટે ઘણું દૂર જવું પડે એમ હતું. બીજું કે આટલી વજનદાર સૂટકેસ ઊંચકીને ચાલવું એ એના માટે શક્ય નહોતું. 'આમ તો બાજુના બંગલામાં નોકર હશે. તેને ટેક્સી લેવા મોકલવો પડશે, પરંતુ આમ ગામ ગજવીને જવું ઠીક લાગતું નથી. આમને આમ ચૂપચાપ જતાં રહેવું વધુ સારું છે. ટ્રેનનો સમય હજી થયો નથી. ઘણીવાર છે. ચાલો, ત્યાં સુધીમાં એક કપ ચા બનાવીને પી લઉં નરેનનું એટલું નુકસાન તો કરી શકાય અને તેને વાંધો પણ નહીં આવે! તે ઊઠીને ઊભી થઈ તો જોયું કે, સામેના કબાટનું અડધું બારણું ખૂલ્લું હતું. એમાંથી વ્હીસ્કીની અડધી બાટલી પડેલી દેખાઈ. એણે ઝડપથી બોટલ ઉઠાવી અને એમાંથી આખી વ્હીસ્કી ઢોળી દીધી. જેમ જેમ શરાબ નીચે ઢોળતી હતી. તેમ તેમ એ મનોમન હસતી હતી કે, આજનો ખોરાક તો ખતમ! હવે નશાની તલબ લાગશે, ત્યારે ભીંત સાથે માથું પછાડશે. અંજુએ ચા બનાવવા માટે તપેલીમાં પાણી નાંખ્યું હતું કે, ત્યાં જ ડોરબેલ વાગી. એ ક્ષણભર તો ચોંકી ગઈ કે જરૂર નરેન આવ્યો હશે. એ જોવા આવ્યો હશે કે આ હજી સુધી અહીં જ છે કે જતી રહી. એ વિચારમાં પડી ગઈ કે તેને શું કહીશ? હા, ગુસ્સે થઈને કહીશ. ''ટેક્સી લઈ આવ્યા કે કેમ? પણ તે દરમિયાન બીજીવાર ડોરબેલ રણકી.
એણે ધીમેથી બારણા પર હાથ મૂક્યો. આંકડી ખોલી અને ખોલતાં ખોલતાં એ બોલી, ''ટેક્સી...'' પણ બરાર નરેન નહોતો ત્યાં તો અંજુનો નાનો ભાઈ અમર ઊભો હતો. અમરે પગે લાગતાં કહ્યું, ''ટેક્સી નહીં હું તો બસમાં આવ્યો છું.'' અંજુ ઘડીભર આશ્ચર્યચકિત થઈ ગઈ. અમર આવશે એવા તો કોઈ સમાચાર નહોતા. અચાનક તેને આમ સામે ઊભેલો જોઈને એ પોતાની જાત પર કાબૂ ન રાખી શકી. આટલા સમય સુધી દબાવી રાખેલા આક્રોશનો બંધ તૂટી પડયો અને પોતાના ભાઈની છાતી પર માથું મૂકીને પોકે પોકે રડી પડી.
સોળ-સત્તર વરસનો અમર પાષાણની પ્રતિમાની જેમ અવાક્ બનીને ઊભો રહી ગયો. તે વિચારતો હતો કે, 'અચાનક તેને સામે જોઈને દીદી ખુશખુશ થઈ ઊઠશે.' એસ.એસ.સી.ની પરીક્ષા હજી ગઈ કાલે જ પૂરી થઈ હતી અને તે મમ્મી-પપ્પાને પૂછીને દીદીને મળવા આવ્યો હતો. બીજું કે એટલો સમય જ ક્યાં હતો કે તાર-ટપાલ દ્વારા દીદીને જાણ કરે? દીદીને મળવા તે ખૂબ વ્યાકુળ થઈ ગયો હતો.
''દીદી, તું રડે છે કેમ?'' અમરે સ્વસ્થ થતાં પૂછ્યું. અંજુ આંસુ લૂંછતાં લૂછતાં બોલી, ''હું ક્યાં રડું છું? આ તો આનંદના આંસુ છે. ખરેખર, ગઈ કાલથી બધાંની મને ખૂબ જ યાદ આવતી હતી.''
અમરે નિર્દોષ ભાવે પૂછ્યું, ''દીદી અંદર આવી શકું છું?'' અંજુએ તરત જ બારણું ખોલી નાખ્યું અને અમર પોતાની નાનકડી સૂટકેશ લઈને અંદર આવ્યો. વધારે નહીં, બસ બે-ત્રણ જોડી જ કપડાં લાવ્યો છું. બેડિંગ પણ નથી લાવ્યો.'' ''બહુ ચિંતા કરવાની જરૂર નથી. તને અહીં બધું મળી રહેશે.'' અંજુએ હસીને કહ્યું.
એ અમર સામે પ્રેમથી જોતી રહી. થોડી વાર પછી એકાએક એ બોલી, ''અમર, તું કેટલો મોટો દેખાય છે. હજી થોડા મહિના પહેલાં તો તું આટલો મોટો નહોતો દેખાતો.'' પછી એ અમરનો ચહેરો પોતાના બન્ને હાથોમાં લઈને બોલી, ''જોને, હવે તો તારી મૂછો પણ ફૂટવા માંડી!''
અમર શરમાઈ ગયો. ''દીદી, એક દુ:ખદ બનાવ બની ગયો.'' અમરે સહેજ સંકોચથી ધીમા સાદે કહ્યું.
અંજુ છેલ્લા પંદર કલાકમાં એટલા કડવા અનુભવોમાંથી પસાર થઈ ચૂકી હતી કે, હવે કોઈ પણ અનિષ્ટની કલ્પના માત્રથી એ ધૂ્રજી ઊઠી અને બોલી, ''શું થયું?''
''મમ્મીએ મીઠાઈનો ડબ્બો આપ્યો હતો. આ સૂટકેસ પર મૂક્યો હતો, પણ ખબર નહીં કોણ ઉપાડી ગયું. મારું ધ્યાન જ નહોતું.''
અંજુએ રાહતનો શ્વાસ લીધો અને હસતાં-હસતાં અમરને સાંત્વન આપ્યું, ''કંઈ વાંધો નહીં. હું મમ્મીને નહીં કહું. બસ, પણ તું અહીં આવ્યો કેવી રીતે? મને ખબર હોત તો સ્ટેશન પર લેવા માટે કોઈને મોકલ્યું હોત.''
''વાહ! દીદી તેં જ તો મને રસ્તાની ચોક્કસ માહિતી આપેલી કે, સ્ટેશનની સામે જ એરફોર્સની બસ ઊભી હશે. ૧૦ રૂપિયા લેશે અને કોલોની સુધી પહોંચશે. એમાં મુશ્કેલી આવવાની શું વાત હતી?'' અમરે હસીને કહ્યું. ''અને આમ એકાએક આવીને તને ચોંકાવી દેવા ઇચ્છતો હતો.''
''સારું, તું અહીં બેસ. હું તારા માટે ચા બનાવીને લાવું છું. ચા સાથે નાસ્તો શું લઈશ?''
''દીદી, તારે જે ઇચ્છા હોય તે નાસ્તો આપ. મમ્મીએ મને કહ્યું છે કે, દીદીને બહુ હેરાન ન કરીશ.'' અમર અંજુની પાછળ પાછળ રસોડામાં આવ્યો. પછી અચાનક એ બોલી ઊઠયો, ''અરે, દીદી, આ સૂટકેસ કેમ તૈયાર કરી છે? લાગે છે ક્યાંક જવાની તૈયારી કરતાં હતાં. કેમ, ક્યાં જઈ રહ્યાં છો?''
''હા. જવાનું તો હતું, પણ જવા દે હવે કંઈ ખાસ કામ નથી.'' અંજુએ અચકાતાં કહ્યું.
''ના, ના, દીદી જરૂર જજો. મારા લીધે તમારો પ્રોગ્રામ કેન્સલ ન કરતાં, હું અહીં એકલો રહીશ. અહીંનું વાતાવરણ કેટલું સરસ છે.'' અંજુએ થોડીવાર વિચારીને કહ્યું, ''ત્રણ દિવસની રજાઓ સાથે આવે છે. માટે અમે પિકનિક જઈ રહ્યાં હતાં. ત્યાં ડાક બંગલામાં રહેવાનું નક્કી કર્યું હતું. હવે તું આવી ગયો છે. તો તું પણ અમારી સાથે આવજે ખૂબ મજા પડશે.'' અંજુની વાત સાંભળીને અમર ખુશ થઈ ગયો. તેણે કહ્યું, ''ખરેખર દીદી, તમે પિકનિક માટે જવાના છો?''
અંજુએ આમતેમ જોતાં કહ્યું, ''એ, તારા જીજાજીને પૂછજે. તેઓ જ તને કહેશે.''
ત્યાં ફરી ડોરબેલ રણકી. અમરે દોડીને બારણંુ ખોલ્યું. અને ખુશ થઈને બૂમ પાડી. ''જીજા...જી'', પછી તરત જ નમીને પગે લાગ્યો. ''અરે! જનાબ તમે ક્યારે આવ્યા?'' નરેને આશ્ચર્યથી પૂછ્યું અને પ્રેમથી તેને ભેટી પડયો. નરેન અને અમર એકબીજાના સારા મિત્રો હતા. તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી.
''કેમ તમે એકલાં એકલાં પિકનિક પર જવાનાં હતાં ને? હવે હું પણ સાથે આવવાનો.'' અમરે ઉત્સાહપૂર્વક કહ્યું.
''પિકનિક?'' નરેને આશ્ચર્યથી પૂછ્યું. ત્યાં જ તેની નજર અંજુ પર પડી. અંજુએ સૂટકેસ તરફ ઈશારો કર્યો.
''ઓહો!'' નરેનને હવે થોડું કંઈક સમજાયું. એણે કહ્યું, ''હા.. હા. પહેલાં મને શાંતિથી બેસવા દે. કહે, મમ્મી-પપ્પાની તબિયત કેમ છે? તારી પરીક્ષા ક્યારે પૂરી થઈ? પેપર કેવાં ગયા?'' ''મારી પરીક્ષા હજી ગઈ કાલે જ પૂરી થઈ. પેપર સારાં ગયાં છે.''
''ફર્સ્ટ ક્લાસ આવશે ને?'' ''હા, હા. જરૂર.'' ''ફર્સ્ટ કલાસ આવશે તો તને પાર્ટી આપીશ.'' પછી નરેને છત તરફ જોતાં કહ્યું, ''અરે, આ શ્રીમાન માટે કંઈ ચા-નાસ્તો મળશે કે નહીં?''
અંજુએ કંઈ જવાબ ન આપ્યો અને એ ચૂપચાપ બે કપ ચા, બિસ્કિટ અને કડક પૂરી લાવીને સામેની ટિપોય પર રાખીને જતી રહી.
''લો, મહેરબાન, હવે શરૂ કરો. તમે પણ કંઈક મીઠાઈ તો લાવ્યા જ હશો. ક્યાં મૂકી દીધી છે? જરા લઈ આવો અહીં. અમે પણ ચાખીએ કેવી છે?'' નરેને હસતાં હસતાં પૂછ્યું.
નરેનની વાત સાંભળીને અમર શરમાઈ ગયો અને બોલ્યો. ''મીઠાઈનો ડબ્બો સૂટકેસ પર મૂક્યો હતો. મને એક ઝોકું આવ્યું એટલામાં તો કોઈ ડબ્બો ઉપાડી ગયું.''
નરેને હસતાં હસતાં કહ્યું, ''અરે! વાહ, આ તો સાંતી છૂટયું ને ભાત આવ્યું જેવું થયું. ચાલો, કંઈ વાંધો નહીં.''
એટલામાં અંજુએ રસોડામાંથી બૂમ પાડી, ''અમર, ચા લઈ જા. અહીં હજી વધારે છે.''
અમર પોતાનો ખાલી કપ લઈને રસોડામાં ગયો અને ત્યાં જ ઊભા ઊભા દીદી સાથે વાતો કરવા લાગ્યો. થોડી વાર પછી નરેન પણ ત્યાં આવીને ઊભો રહ્યો. અંજુએ તો તેની સામે જોયું કે ન તો કંઈ વાત કરી. શીત યુદ્ધ હજી ચાલું હતું. નરેને એક નાનકડી ચિઠ્ઠી અંજુના હાથમાં પકડાવતાં કહ્યું, ''આ સામાનની યાદી છે. એક નજર નાંખી લે. ક્યાંક આમાં કોઈ ચીજ બાકી તો રહી નથી જતી ને?''
અંજુએ ચિઠ્ઠી ખોલીને વાંચી, ''મને મારા વ્યવહાર બદલ ખૂબ પસ્તાવો થાય છે. સપ્રેમ આભાર.'' અંજુએ ચિઠ્ઠીની પાછળ લખ્યું અને કહ્યું, ''આ સામાન હજી બાકી રહી જાય છે, લઈ આવજો.''
નરેને વાંચ્યું, ''મને પણ ખૂબ પસ્તાવો થાય છે હવેથી આપણે બન્ને બાટલીને હાથ પણ નહીં લગાવીશું.'' નરેને ખુશીથી ઉછળતાં કહ્યું, ''મને મંજૂર છે.'' અમર આશ્ચર્યથી બન્નેની સામે જોઈ રહ્યો. અંજુ વિચારતી હતી કે, જો એ ક્ષણે દરવાજા પર અમરને બદલે નરેન હોત તો?...