ઉંમર કરતાં વહેલાં જાતીય સુખ આગળ જતાં સમસ્યા બની શકે
તાજેતરના વર્ષોમાં જોવા મળ્યું છે કે સરેરાશ યુવાવસ્થા કરતાં ઓછી ઉંમરે એટલે કે કિશોરાવસ્થામાં જ યુવાનો-યુવતીઓમાં જાતીય સુખ માણવાનું પ્રમાણ વધી ગયું છે, પરંતુ અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસના તારણ મુજબ સરેરાશ કરતાં વહેલી ઉંમરે સેક્સ માણનારા લોકો માટે આગળ જતાં જાતીય સ્વાસ્થ્ય અંગેની સમસ્યા ઊભી થઈ શકે છે.
ન્યૂયોર્ક શહેરની કોલમ્બિયા યુનિવસટીના ડૉ. થિયો જી.એમ. સેન્ફોર્ડના નેતૃત્વ હેઠળની સંશોધકોની ટીમ દ્વારા અમેરિકાના ૮૦૦૦થી વધુ લોકો પાસેથી મેળવવામાં આવેલી વિગતને આધારે આ સર્વે કરાયો હતો. સર્વેમાં માલૂમ કર્યું હતું કે કિશોરાવસ્થામાં જ સેક્સ માણવાનું શરૂ કરી દેનારા લોકોમાં એઈડ્સ સહિતના સેક્સ્યુલી ટ્રાન્સમિટેડ ડિસિસ(એસટીડી) એટલે કે સેક્સ દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધુ જોવા મળ્યું હતું. વધતી જતી ઉંમરે એક કરતાં વધુ લોકો સાથે સેક્સ માણવાનું અને નશાની હાલતમાં સેક્સ માણવાનું પ્રમાણ વધવાને કારણે આ જોખમ જોવા મળ્યું હતું. સેનફોર્ડે આ સાથે કહ્યું હતું કે સમય કરતાં વધુ મોટી ઉંમરે જાતીય સુખ ભોગવનારા લોકોને પણ ભાવનાત્મક અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. સર્વેમાં સામેલ સરેરાશ લોકોએ ૧૭-૧૮ વર્ષે સૌપ્રથમવાર જાતીય સુખ માણ્યું હોવાનું કહ્યું હતું. ૧૪ વર્ષની ઉંમરે જાતીય સુખ માણનારા લોકો આ બાબતમાં 'વહેલાં' ગણવામાં આવ્યા હતા અને એ જ રીતે બાવીસ વર્ષે જાતીય સુખ માણનારા 'મોડાં' ગણવામાં આવ્યા હતા. સમય કરતાં વહેલાં અને સમય કરતાં મોડાં સેક્સ માણવાનું શરૂ કરનારા લોકો અને ખાસ કરીને પુરુષો માટે જાતીય પરાકાષ્ઠાની સમસ્યાનું જોખમ વધી ગયું હોવાનું પણ જોવા મળ્યું હતું. અમેરિકન જર્નલ ઑફ પબ્લિક હેલ્થમાં પ્રસિદ્ધ થયેલા આ સર્વેનાં તારણો મુજબ શાળાઓમાં આપવામાં આવતા જાતીય શિક્ષણ (સેક્સ એજ્યુકેશન)ની બહુ જ ઓછી અસર જોવા મળી હતી.
સેક્સ માટેની સાચી ઉંમર કઈ ગણાય? સામાજિક ધોરણોને માન્ય રાખનારા માને છે કે સ્ત્રીઓ અને પુરુષો માટે લગ્ન માટે સરકારે નક્કી કરેલી ઉંમર યોગ્ય જ છે. બીજી તરફ શારીરિક રચનાને ધ્યાનમાં લેતાં શરીરમાં સેક્સ-હૉર્મોન્સ પેદા થવાનું શરૂ થતાંની સાથે કામેચ્છા જાગે છે. વૈજ્ઞાાનિકોએ સ્ત્રીઓ અને તેમની સેક્સ્યુઅલી ઍક્ટિવ થવાની ઉંમર વિશે કેટલાંક અભ્યાસો કરીને તારણો તારવ્યાં છે એ જોઈએ.
રિસર્ચરોએ તારવ્યું છે કે જે સ્ત્રીઓની પ્યુબર્ટી એજ વહેલી આવી હોય એટલે કે પિરિયડ્સ આવવાની શરૂઆત વહેલી થઈ હોય એ સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓ કરતાં નાની ઉંમરે સેક્સ માણવા લાગે છે.
બીજું, અમેરિકન કૉલેજ ઑફ ઑબ્સ્ટ્રિટિશ્યન ઍન્ડ ગાઇનેકોલૉજિસ્ટની એક રિસર્ચ કમિટીએ અમેરિકન સ્ત્રીઓનો સર્વે કરીને તારવ્યું છે કે જે સ્ત્રીઓ નાની ઉંમરે હસ્તમૈથુન કરવા લાગે છે તે સ્ત્રીઓ નાની ઉંમરે સેક્સ માણવા લાગે છે. ત્રીજું, યુકેના નૅશનલ સેક્સ્યુઅલ હેલ્થ સર્વેમાં તારણ નીકળ્યું છે કે ખૂબ નાની ઉંમરે પહેલી વાર સેક્સ માણવામાં આવે તો સ્ત્રીઓને સેક્સ્યુઅલ પ્રૉબ્લેમ્સ થઈ શકે છે. સર્વેમાં એવું તારવવામાં આવ્યું હતું કે નાની ઉંમરે સેક્સની શરૂઆત થઈ જાય ત્યારે સ્ત્રીઓને વધુ તકલીફો થાય છે.
ઉપર જણાવવામાં આવેલાં પહેલાં બે સર્વેક્ષણોનાં તારણો કેટલાં સાચાં અને કેટલાં ખોટાં એ કહેવું મુશ્કેલ છે. સેક્સ-હોર્મોન્સ અને પિરિયડ્સ વચ્ચે સીધો સંબંધ છે. પ્યુબર્ટી એજ દરમિયાન શારીરિક ફેરફારોની સાથે વ્યક્તિમાં કામેચ્છા જાગ્રત થાય છે. જોકે એ પછી સ્ત્રીઓ સંભોગ કરવા લાગે એનો આધાર માત્ર કામેચ્છા પર નથી હોતો. એમાં સોશિયલ-કલ્ચરલ બૅકગ્રાઉન્ડ અને સંજોગો ખૂબ મોટો ભાગ ભજવે છે. પશ્ચિમી સંસ્કૃતિની અસર હોય તો છૂટછાટ લેવાય છે, જ્યારે ભારતીય મૂલ્યોને અનુસરનાર વ્યક્તિ છૂટછાટ લેવાનું ટાળે છે.
ભારતીય સમાજમાં સેક્સ બાબતે શારીરિક ફેરફારો કરતાં સામાજિક વલણ વધારે અગત્યનું છે. જે સમાજમાં નાની ઉંમરે લગ્ન કરવાની પ્રથા છે તે સ્ત્રીઓમાં રજસ્વલા ધર્મ વહેલો આવ્યો હોય કે મોડો, તેમની સેક્સલાઇફ પણ નાની ઉંમરે શરૂ થઈ જાય છે. બીજી તરફ નાની ઉંમરે ભલે લગ્ન ન થાય, પરંતુ સેક્સ વિશે જાણવા-સમજવાની ઉત્સુકતા પેદા તો થાય જ છે. આ ઉત્સુકતાને પગલે નાની ઉંમરે શારીરિક સંબંધોની શરૂઆત થઈ જાય એવું પણ બને છે.
હસ્તમૈથુન કરતી સ્ત્રીઓ મૈથુનમાં પણ વહેલી રાચે છે એ માન્યતા એકતરફી અથવા તો આંકડાકીય તારણના આધારે જ હોઈ શકે. આમાં એવું ધારી લેવામાં આવ્યું છે કે જે સ્ત્રીઓ હસ્તમૈથુન કરે છે તેઓ સેક્સનો આનંદ અનુભવી શકતી હોવાથી મૈથુનનો આનંદ માણવા જલદીથી તૈયાર થઈ જાય છે. જોકે બીજી શક્યતા પણ એટલી જ પ્રબળ છે કે જે સ્ત્રીઓ પોતાના કામાવેગને હસ્તમૈથુનથી સંતોષી લેતી હોય તેઓ ઇન્ટરકોર્સ માટે એટલી ડેસ્પરેટ ન હોય એવું બને.
જે સ્ત્રી પહેલી વાર સેક્સ માણે એ ખૂબ નાની ઉંમરે હોય તો એનાથી તેના શરીર પર અનેક વિપરીત અસરો પડવાની સંભાવનાઓ વધી જાય છે. આમાં ફિઝિયોલોજિકલ તેમ જ સોશિયલ બંને પ્રકારની સમસ્યાઓ હોય છે.
પાર્ટનરોની સંખ્યા વધે : નાની ઉંમરે પહેલો અનુભવ કર્યા પછી અવારનવાર સેક્સ માણવાનું બને છે.
સંબંધોમાં કોઈ કમિટમેન્ટ ન હોવાથી એક કરતાં વધારે પાર્ટનરો સાથે સેક્સ માણવાનું રિસ્ક વધી જાય છે. નાની ઉંમરે વ્યક્તિનું બિહેવિયર થોડુંક કૅઝયુઅલ હોય છે એ કારણ પણ મુખ્ય છે.
નાની ઉંમરે સેક્સ્યુઅલી ઍક્ટિવ થવાને કારણે પાર્ટનરોની સંખ્યા વધવાનું રિસ્ક વધે છે. વળી, સેક્સ્યુઅલ ઍક્ટિવિટીનો ગાળો પણ લાંબો થાય છે. મુખ્યત્વે મલ્ટિપલ પાર્ટનર્સ તેમ જ વધુ વખત સેક્સ્યુઅલ એન્કાઉન્ટર થવાને કારણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝ થવાની શક્યતા વધી જાય છે.
નાની ઉંમરે પ્રજનનતંત્રની સક્રિયતાને કારણે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ વધારે હોય છે. વળી પૂરતા જ્ઞાાનના અભાવે યોગ્ય પ્રિકૉશન લેવાની ખબર પડતી ન હોવાથી અનવૉન્ટેડ પ્રેગ્નન્સી રહી જાય છે. પરિણામે અબૉર્શનનું પ્રમાણ વધે છે.
નાની વયે અબૉર્શનને કારણે કુમળા અવયવો ડૅમેજ થવાની સંભાવના વધે છે. અબૉર્શનમાં થયેલા ડૅમેજને કારણે સ્ત્રીઓ ફરી ગર્ભ ધારણ ન કરી શકે એવા કિસ્સાઓ પણ અનેક છે. અબૉર્શન જેવી શારીરિક પ્રક્રિયામાંથી પસાર થયા પછી માનસિક રીતે પણ સ્ત્રીઓને અસર થાય છે.