Get The App

પાનેતર : પ્રભુતામાં પગલા માંડતી કન્યાને 'નવવધૂ' બનાવતો શણગાર

Updated: Feb 26th, 2024

GS TEAM


Google News
Google News
પાનેતર : પ્રભુતામાં પગલા માંડતી કન્યાને 'નવવધૂ' બનાવતો શણગાર 1 - image


સૌંદર્ય એક વિભાવના છે. મનની કલ્પના છે, વસ્તુ નથી. સૌંદર્ય એ ખરી રીતે માનવીના અંતરની દ્રષ્ટિ છે. સૌંદર્યનું આ અનંત તત્ત્વ છે.  એની પ્રતીતિ પાનેતર કરી આપે છે. કાપડિયાની દુકાને શો-કેઈસમાં ગોઠવેલા પાનેતરની જે ઝલક છે, તેના કરતા કોઈ એકાંત ઓરડામાં ખીટી કે વરગણીએ લટકતા પાનેતરને મળેલી ઉત્કૃષ્ટ કલ્પનાની કંઈ ઓર આભા છે. કોઠમણી, કંકુવરણી, નમણી કન્યાના અંગો પર પરિધાન પામેલ પાનેતરને વળી આગવી શોભા છે.

રાજા-મહારાજાઓના વખતથી અત્યારના વરરાજાના  જમાનામાં કન્યાઓ વસ્ત્રોની બાબતમાં ખૂબ જ સજાગ રહી છે. વિવિધ જાતનાં વસ્ત્રોનો રૂઆબ ભપકો અને ચમક માનવમાત્રને  આકર્ષે છે. પણ એ તમામ વસ્ત્રોમાં 'પાનેતર' અને 'ઘરચોળા'નું સ્થાન સ્ત્રી  જીવનમાં આગવું છે.

'લગ્ન' એટલે બે આત્માનું પરમાત્માની સાક્ષીમાં મિલન. સ્ત્રીજીવનનો અપૂર્વ અવસર! એ અવસરનો મંગળ પોશાક એટલે જ 'પાનેતર'.

કન્યાના નવજીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવતું પાનેતર એ મોસાળ પક્ષ તરફથી મોસાળાં નિમિત્તે મામા તરફથી ભાણીને આપવામાં આવે છે. ક્યારેક પસંદગીનું પાનેતર લેવા માટે મામા ભાણેજને પૈસા જ આપતા હોય છે. જેથી પસંદગીનું પાનેતર લઈ શકાય. કેમ કે પાનેતર એ દીકરીની દીકરીને માવતરના ઘર તરફથી મળેલું સંભારણું છે. આ સંભારણું જીવનભરનું સ્મૃતિ ચિહ્ન બની રહે છે. તેથી તે લગ્ન પૂર્વે તો કન્યા પહેરતી પણ નથી.

પાનેતર એટલે દુલ્હનનો શણગાર, શુકનનો લાલ રંગ અને શુદ્ધ પવિત્રતાની સફેદીથી બનેલું  પાનેતર નવોઢાના રૂપ અને શણગારમાં વધારો કરે. દર વર્ષે પાનેતરમાં નવી નવી ડિઝાઈનો જોવા મળે છે. પરંતુ તેનું કલર કોમ્બીનેશન તો એક જ હોય છે. લાલ અને સફેદ આ ઉપરાંત  પાનેતરમાં કેટલીકવાર લીલો રંગ પણ  જોવા મળે છે.

આજે તો ન્યુ ફેશનના બદલાતા યુગમાં પાનેતરમાં પણ વિવિધ ડિઝાઈનો આવવા લાગી છે. દર વર્ષે પાનેતરમાં અવનવી ડિઝાઈનો આવે છે. પરંતુ તેના મૂળ રંગો તો એના એ જ રહ્યા છે. પાનેતરમાં પાલવ બોર્ડર, ચેક્સ, બુટ્ટા, લાઈનીંગ લહેરિયા, પેચવર્ક, જરી તૂઈ એવી જાતજાતની અને ભાતભાતની ડિઝાઈનો જોવા મળે છે. પરંતુ તેમાં વપરાતા લાલ અને સફેદ રંગ કન્યાને શુકન અને શુદ્ધ પવિત્રતા બક્ષે છે. પાનેતર પહેરવાથી કન્યા અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. અને કન્યા એક નવું જ રૂપ ધારણ કરે છે તેવી માન્યતા છે.

લાલ અને સફેદ રંગના કોમ્બીનેશનમાં મળતા પાનેતર ખરીદતા યુવતીઓ કલાકોના કલાકો સાડીઓના શોરૂમમાં ગાળે છે અને પાનેતરની પસંદગી કરે છે. કારણ કે પાલવ, બોર્ડર અને લાલ કે સફેદ રંગની વધઘટ અને કન્યાના વર્ણ પ્રમાણે પાનેતરની પસંદગી થાય તો જ કન્યા શોભી ઉઠે.

પહેલાં સંપૂર્ણ સફેદ રંગનું અને નીચે જરીની પટ્ટીવાળું પાનેતર પહેરાતું હતું. પણ વહેતા જતા સમયના  વહેણની સાથે સાથે તેમાં લાલ-લીલો મરૂન વગેરે રંગો ઉમેરાતા ગયા પછી તેમાં બાંધણીનું બાંધણ કરવામાં આવ્યું.

ઘરચોળું એ સસરા પક્ષ તરફથી નવવધુને ચડાવવામાં આવે છે. જ્યારે કન્યા પરણવા માટે મંડપ (માયરા) માં આવે તે પહેલાં પાનેતરની ઉપર ઘરચોળું પહેરવામાં આવતું પણ અત્યારના સમયમાં ઘરચોળાનો ઉપયોગ ચૂંદડી તરીકે માથા પર ઓઢાડવામાં  થાય છે.

પાનેતરની સાડીમાં વિવિધ પ્રકારની અનેક ડિઝાઈનો હોય છે. જેવી કે પૂતળીઓ, હાથી, બોર્ડરો, પોેપટ, કેરી, મોગરો, કળશ, ઝીણા સાથિયા વગેરે અને તે પણ જરીકામ અને કસબ કામવાળા હોય છે.

સૌરાષ્ટ્રમાં નાગર લોકો કોટનની અંદર પોપટની બોર્ડર અને સાચા જરીકામવાળું પાનેતર પહેરે છે. શ્રીમંત કુટુંબોમાં સિલ્કના પાનેતર કે ઘરચોળા પહેરાય છે. તે બાવન ભાગુ કસબી કામ, ગજી, બનારસી નામે ઓળખાય છે.

પાનેતર આમ તો ગુજરાતી સ્ટાઈલમાં જ પહેરાય છે. તેનો પાલવ આગળની તરફ ફેલાતો હોવાથી પાલવની ડિઝાઈન અને રંગની ખાસ વિશિષ્ટતા તરત જ સૌને ધ્યાનમાં આવે છે. બારીક વર્ક કરેલી નાજુક બોર્ડર પણ દરેકને ઊડીને આંખે વળગે છે. પાનેતરની શોભામાં ચાર ચાંદ લાગી જાય છે.  પાનેતર પસંદ કરતી વખતે કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો  જરૂરી છે. ત્વચાનો રંગ અને શરીરનું કદ ધ્યાનમાં રાખીને પાનેતરની પસંદગી કરવી જોઈએ. શ્યામવર્ણી કન્યાના પાનેતરમાં લાલ રંગ  વધુ ઉપસતો હશે કે સફેદ રંગ વધુ ઉપસતો  હશે તો કન્યા વધુ શ્યામ લાગશે. તેથી તેણે લાલ અને સફેદ રંગનું સંમિશ્રણ હોય એવું પાનેતર પહેર્યું હોય તે ખૂબ જ જરૂરી છે.

જો કન્યાની ઊંચાઈ ઓછી હોય અને તે બહુ મોટો પાલવ, મોટી બોર્ડર કે મોટી ડિઝાઈન આડી લાઈન કે પછી ચેક્સવાળું પાનેતર પહેરે તો વધુ નીચી લાગે છે. તેથી તેણે નાની પ્રિન્ટ નાની ચેક્સ, લહેરિયા કે લાઈનીંગવાળી ડિઝાઈનનું પાનેતર પહેર્યું હોય તો તેની હાઈટ ઓછી નહીં લાગે.

જો કન્યાની ઊંચાઈ વધુ હોય તો મોટી બોર્ડર, જરીનો પટ્ટો કે મોટી મોટી  ડિઝાઈનવાળું પાનેતર કન્યાને એકદમ પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ અર્પશે. સ્થૂળ અને જાડી કન્યાને માટે ખરીદાયેલું પાનેતરનું પોત સુંવાળું, પાતળું અને સરળ ડિઝાઈનવાળું હશે તો એ કન્યા વધુ  સોહામણી લાગશે. જ્યારે ખૂબ જ પાતળી કન્યા જાડુ કે કડક રહે તેવું પોત પહેર્યું હશે તો તેનું શરીર ભરાવદાર હોય તે રીતે ઉપસી આવશે.

આ ઉપરાંત વધુ ચળકાટવાળા કપડાં પસંદ ન કરો. આવા કપડાં કેમેરાની લાઈટમાં 'ગ્લેર' મારે છે. અને તેથી તમારા ફોટા સારા નહીં આવે. ઉપરાંત તમારા કિંમતી આભૂષણો પણ પહેરેલા દેખાશે નહીં. તેથી પાનેતર જેટલું સૌમ્ય અને સરળ હશે એટલું વધુ સુંદર લાગશે. 

ખરેખર 'પાનેતર'  એ  શુકનવંતુ વસ્ત્ર છે જેને પહેરીને જ કન્યા કુંવારીકા  મટીને નવવધુ બને છે. અને પોતાના પ્રિયજન સાથે પ્રભુતામાં પગલાં માંડે છે. જેનું મુક સાક્ષી પાનેતર જ છે.

- નયના

Tags :