પૌષ્ટિકતાના ખજાના સમી રોટલીઓ ભાત ભાતની
રોટલી આપણા રોજિંદા ભોજનનું અભિન્ન અંગ છે. રોટલી વિનાના જમણની કલ્પના કરવી પણ આકરી થઇ પડે. સામાન્ય રીતે આપણે દરરોજ ઘઉંની રોટલી ખાતાં હોઇએ છીએ.તદુપરાંત શિયાળામાં બાજરાના રોટલા બનાવવાનો રિવાજ ચાલ્યો આવે છે. પરંતુ વિવિધ પ્રકારના ધાન્યોમાંથી બનેલી રોટલીઓ આપણને ભરપૂર પોષણ પૂરું પાડે છે. વળી તે આપણા રોજિંદા ભોજનમાં વૈવિધ્ય લાવે છે તે છોગામાં. આજે આપણે જાત જાતની રોટલીઓ વિશે વાત કરીશું.
બ્રાઉન રાઇસ અને જુવારની રોટલી
સામગ્રી : પા કપ જુવારનો લોટ,પા કપ બ્રાઉન રાઇસનો લોટ,પા કપ ઘઉંનો લોટ,પા કપ કોપરાનું દૂધ(વૈકલ્પિક),એક મોટો ચમચો ઘી.
રીત : ઉપર જણાવેલા બધા લોટ એક બાઉલમાં ભેગાં કરો. હવે કોપરાના દૂધ કે પછી પાણી વડે લોટ બાંધો. લોટને સારી રીતે મસળીને ૧૫ મિનિટ સુધી મૂકી રાખો. ત્યાર બાદ હાથેથી થપથપાવીંને રોટલી બનાવો .તેને ધીમા તાપે શેકીને તેના ઉપર ઘી લગાવી ગરમ ગરમ પીરસો.
ફાયદા : બ્રાઉન રાઇસ છડેલા નથી હોતા તેથી તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. આ રોટલીમાંથી પૂરતા પ્રમાણમાં વિટામીનો, પોટેશિયમ મળી રહેતાં હોવાથી હૃદય રોગ થવાનું જોખમ ઘટે છે.
કુટ્ટીની રોટલી
સામગ્રી : એક કપ કુટ્ટીનો લોટ,અડધું ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર,મધ્યમ કદનું એક બાફેલું બટેટું, થોડું નવશેકું પાણી, થોડું સિંધવ મીઠું,ઘી અથવા તેલ.
રીત : બાફેલા બટેટાને છુંદી નાખો. તેમાં કુટ્ટીનો લોટ,કોથમીર અને સ્વાદાનુસાર સિંધવ મીઠું નાખીને નવશેકા ગરમ પાણીથી લોટ બાંધો. આ લોટમાં અગાઉથી જ બાફેલું બટેટું નાખેલું હોવાથી લોટ બાંધતી વખતે પાણી જરૂરિયાત મુજબ નાખવું. ત્યાર બાદ પાટલા પર એક પ્લાસ્ટિકની થેલી રાખીને હળવા હાથે રોટલી વણવી.તવી ગરમ થઇ જાય એટલે રોટલી તેના ઉપર નાખી આગળ-પાછળ ઘી અથવા તેલ લગાવીને ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી.
ફાયદા : આ રોટલી ગ્લુટેન ફ્રી અને પૌષ્ટિક હોય છે.તેથી વજન ઘટાડવામાં સહાયક બને છે.તેનાથી ડાયાબિટિસ થવાનું જોખંમ પણ ઘટે છે.
બાજરા અને રાગીની રોટલી
સામગ્રી : પા કપ બાજરાનો લોટ, પા કપ રાગીનો લોટ, પા કપ ઘઉંનો લોટ,એક ટેબલસ્પૂન ઘી.
રીત : બધા લોટ ભેગાં કરીને લોટ બાંધો. તેને ૧૫ મિનિટ રહેવા દો. ત્યાર પછી હાથથી થપથપાવીને રોટલી બનાવો.ધીમા તાપે શેકીને ઘી લગાવી ગરમ ગરમ પીરસો.
ફાયદા : બાજરા અને રાગી, બંનેમાં પ્રચૂર પ્રમાણમાં રેષા, લોહ તત્વ,કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક જેવા પોષક તત્વો હોય છે. આ રોટલી હાઇપરગ્લાઇકેમિયા કે પછી હાઇ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડે છે. તદુપરાંત હાઇપરકોલેસ્ટરોલેમિયા અને ધમનિયોમાં કેલ્શિયમ જામતું અટકાવે છે.
અળસી અને તલની રોટલી
સામગ્રી : પા કપ અળસીના બી,પા કપ તલ,પા કપ ઘઉંનો લોટ, એક ટેબલસ્પૂન ઘી.
રીત : અળસીના બી અને તલને અધકચરા પીસી લો.તે ઘઉંના લોટમાં નાખીને લોટ બાંધો.લોટ થોડીવાર માટે રહેવા દો. હવે રોટલી વણીને શેકી લો. ઘી લગાવીને ગરમ ગરમ પીરસો.
ફાયદા : અળસીના બી વજન ઘટાડવામાં મદદ કરવા સાથે શરીરને પ્રોટીન પૂરું પાડે છે. તેમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ જુની બીમારીઓમાં રાહત આપવા સાથે મગજનો વિકાસ કરે છે. જ્યારે તલ ફાઇબરનો ઉત્તમ સ્રોત છે.તે કોલેસ્ટરોલ અને ટ્રોઇગ્લિસરાઇડનું સ્તર ઘટાડવામાંસહાયક બને છે.તે બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવા ઉપરાંત ે હાડકાંની સમસ્યા રોકે છે.
- વૈશાલી ઠક્કર