Get The App

બાળકને પણ સ્મૃતિઓ ભેગી કરવા દો... .

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
બાળકને પણ સ્મૃતિઓ ભેગી કરવા દો...                      . 1 - image


- કદાચ તમે અને હું જ્યારે નાના હતા ત્યારે સેલ્ફિની વ્યવસ્થા નહોતી. આપણે તો સ્મૃતિઓ જ મનમાં કંડારીને આગળ વધતા આવ્યા છીએ. તેને રમવા દેજો, દોડવા દેજો અને પડવા પણ દેજો. આવું થશે ત્યારે જ તે જાતે ઊભા થતા પણ શીખશે. તેને નવા મિત્રો બનાવતા અને જૂના મિત્રો સાચવતા શીખવજો. 

એક દિવસ એક જગ્યાએ સર્કસ ચાલતું હતું. સર્કસના માલિકે અખબારોમાં જાહેરાત આપી હતી કે, અવનવા કરતબ કરનારનું સ્વાગત છે અને તેને સારી રકમ પણ ચુકવવામાં આવશે. આ જાહેરાત બાદ જાતભાતના લોકો આવતા હતા. એક સાંજે સર્કસનો માલિક પોતાના સર્કસના તંબુની બહાર ખુરશીમાં બેઠો હતો. તેની સામે એક ગાડી આવીને રોકાઈ. ગાડીમાંથી એક વ્યક્તિ ઉતર્યો. તેણે પેલા સર્કસના માલિકને આવીને કહ્યું કે, મારી પાસે એક વાંદરાનું બચ્ચું છે તે સરસ મજાની વાંસળી વગાડે છે. તેનાથી પણ ઉત્તમ ચિત્રો દોરે છે. પેલા સર્કસના માલિકને રસ પડયો કે, વાંદરાનું બચ્ચું અને વાંસળી વગાડે છે અને ચિત્રો પણ બનાવે છે. તેણે કહ્યું કે જાઓ લઈ આવો. પેલાએ ગાડી ખોલી અને વાંદરાના બચ્ચાને બહાર કાઢયું. તેણે વાંદરાના બચ્ચાને વાંસળી આપી અને તે સરસ મજાની વાંસળી વગાડવા લાગ્યો. થોડીવાર પછી પેલાએ વાંદરાના બચ્ચાને કલર અને પીંછી આપ્યા. તેણે કેનવાસ ઉપર સરસ ચિત્ર બનાવ્યું. તે ચિત્ર બનાવીને બેઠું અને ત્યાં જ બે મોટા વાંદરા ક્યાંથી આવ્યા અને પેલા બચ્ચાને ઉપાડી ગયા. પેલો સર્કસને માલિક તો ડઘાઈ ગયો. તેણે પેલા માણસને પૂછયું કે, આ શું થયું. પેલાએ જવાબ આપ્યો કે, બંને વાંદરા પેલા બચ્ચાના મા-બાપ હતા. તેઓ વાંદરાને ડોક્ટર બનાવવા માગે છે. આ સિવાય પેલું બચ્ચું બેઝબોલ પણ રમે તેવી તેમની ઈચ્છા છે.

આ એક સરસ મજાની લોકવાર્તા છે. આ લોકવાર્તા જેણે પણ બનાવી હશે તે અધિરિયા અને બાળકોને રેસમાં દોડાવવાની અને અવ્વલ લાવવાની જીદ રાખનારા માતાપિતાને ધ્યાનમાં રાખીને જ બનાવી હશે. અહીંયા આ વાત એટલે કરવી પડી કે, હાલ વેકેશન પડી ગયું છે. એક-દોઢ મહિનાનો સમય છે અને બાળકોની હાલત કફોડી થવાની છે. દોઢ-બે વર્ષે બાળકને સ્કુલમાં, કિન્ડરગાર્ટનમાં અને પ્લેગ્રૂપમાં મૂકી આવનારી આ હાયપર એક્ટિવ મા-બાપની પ્રજાતી સંતાનોને ઉંદરની રેસમાં મુકવા અને બધું જ બનાવી દેવા તૈયાર છે. પોતાના વેકેશનમાં ફાટેલા ચડ્ડી-બુશર્ટ કે મેલુંઘેલું ફરાક પહેરીને ઘરમાં ઢગલાબાજી અને કેરમ રમનારી આ પ્રજા પોતે મા-બાપ થઈને અચાનક એટલી એક્ટિવ અને વિશેષ થઈ ગઈ છે કે પોતાના સંતાનોનું જીવન જ છિનવી લેવા આકરી થઈ જાય છે. બાળક બોલતું થાય ત્યારથી કદાચ બોલવાનું બંધ કરી દે ત્યાં સુધી આ પ્રજાને તેની પાસે કંઈકને કંઈક કરાવવું હોય છે. પોતાની નિષ્ફળતાઓ, પોતાના અધૂરા સપના અને પોતાના અભાવો આ નાનકડા જીવ પાસે પૂરા કરાવવા હોય છે. 

તેમાંય હિંગ્લિશ બોલીને કાનમાં ધનૂર કરી નાખે તેવી મમ્મીઓએ તો કેર વર્તાવ્યો છે. બાળક બિચારું સવારે આંખ ખોલે ત્યારથી જે ભયાનક હાલતમાં તેને મુકી દે છે કે, ઈશ્વરને પણ દયા આવતી હશે કે આને ક્યાં જન્મ આપ્યો. સવારે છ વાગ્યે ક્રિકેટ કોચિંગ કે ટેનિસ કોચિંગમાં જવાનું, ત્યાંથી સાત-સાડા સાતે સ્વિમિંગ શિખવા જવાનું... હજી માંડ સુકાયો હોય ત્યાં ડ્રોઈંગ કે મ્યૂઝિક કે ક્રાફ્ટ ક્લાસિસમાં જવાનું. સાંજ પડે ત્યાં કરાટે અને ડાન્સ ક્લાસિસમાં જવાનું... એક બાળક અને એક વેકેશન તેમાં તેણે કેટલું બધું કરવાનું.

આજના બાળક પાસે ઘરની બહાર જઈને, દોડપકડ રમવું, ખો ખો રમવી, સાતોલીયું રમવું, ગીલ્લી દંડા રમાવા, ભમરડા, લખોટી વગેરે રમવાનો સમય નથી અને મહાવરો પણ નથી. આધુનિક માતાપિતાએ સંતાનોને રૂમમાં તમામ ભૌતિક સુવિધાઓ આપી દીધી છે પણ સમય આપતા નથી. બાળક ભૌતિકતા સાથે તાલમેલ સાધીને જીવતું થઈ જાય છે અને સમયાંતરે તેનામાં કુટુંબભાવના વિકસતી નથી. બાળકો પાસે મિત્રો ઓછા અને ગેજેટ્સ વધારે હોય છે. સમય ઓછો અને એક્ટિવિટી વધારે હોય છે. આ કારણે જ બાળકના મનમાં જિજ્ઞાાસા નથી, વાતોમાં વિસ્મય નથી અને રમતમાં રસ નથી. આ ભૌતિકતાને જ જાકારો આપીને બાળક સાથે આપણે પણ વેકેશનને માણવાનું છે. 

આપણે પોતાના સંતાનોની સાથે સાવ પારકાં જેવો વ્યવહાર કરતા થઈ ગયા છીએ. આપણી પાસે વાતો છે... મામાના ઘરે જવાની, ખેતરોમાં ફરવાની, આંબાડાળેથી કેરીઓ તોડવાની અને બીજી ઘણી બધી... પણ આજના સંતાનો પાસે તો બાળપણ જીવવાનો સમય નથી... કદાચ છે તો આપણે આપતા નથી અથવા તો તે ભોગવી શકતા નથી. આ એવો સમય છે જ્યારે બાળક પોતાની જાત સાથે સમય પસાર કરી શકે છે અને માતા-પિતા પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને બાળક સાથે પસાર કરી શકે છે. આપણે વ્યસ્તતાને છોડીને મુક્તતા તરફ આગળ વધવાના બદલે બાળકોને વધારે વ્યસ્ત કરવામાં લાગી જઈએ છીએ. બાળકને નથી વાર્તાઓ કહેતા કે નથી હાલરડાં ગાતા. આજનું બાળક મોબાઈલ કે ટેબ્લેટ પર ગીતો સાંભળીને સૂઈ જાય છે, રડવાનું બંધ કરી દે છે અથવા તો થોડું સમજણું હોય તો ગેમ્સ રમીને સમય પસાર કરે છે.

માત્ર યાદ કરો કે, તમારું બાળપણ કેવું હતું. તમે કેવી રીતે રખડતા હતા, કોની કોની સાથે રખડતા હતા, માતા-પિતા ઘરે પાછા લાવવા માટે માર મારતા હતા. ભાઈબંધો સાથે ગામની ગલીઓમાં, સોસાયટીમાં કે પોળમાં રખડપટ્ટી, સવારે અને સાંજે મેદાનમાં પહોંચીને ક્રિકેટ રમવી, લખોટીઓ, ભમરડા, ફોટા, પત્તા રમવા અને બીજી ઘણી રમતો હતી જે આપણે રમતા હતા અને જિંદગીનો આનંદ માણતા હતા. ખાટી મીઠી ગોળીઓ ખાવી, કાચી કેરી ઉપર મીઠું અને મારચું ભભરાવીને ખાઈ જવું, ભાખરી ઉપર ઘી ચોપડીને તેની ઉપર ખાંડ ભભરાવીને તેનું બીડું વાળીને ખાઈ જવું, આંબલી, બોર, ફાલસા, ગોરસ આંબલી, ગુંદી અને બીજું ઘણું બધું. આજની પેઢી પાસે આમાંથી કશું જ વધ્યું નથી. કદાચ કમનસીબી એ છે કે, આપણે વધવા દીધું જ નથી. 

બાળક પણ એવું માંદલું અને માઈકઆંગલું થઈ ગયું છે કે, તેની પાસે રખડવાની, પડવા-આખડવાની શક્તિ જ વધી નથી. એક સમયે ધૂળમાં રગદોળાઈને ઘરે આવતો છોકરો આજે પોતાના સંતાનને પોપલી સલાહ આપે છે કે, બેટા બહાર ના જઈશ, ડસ્ટ હશે, પોલ્યુશન હશે... બ્લડી હેલ... આવા પોપલીયા વેડા. નળ, તળાવ, નદીના પાણી પીને મોટી થયેલી એક આખી જનરેશન અત્યારે પોતાની નવી જનરેશનને સતત આરઓ અને મિનરલ વોટરની બોટલો પકડાવે છે. નવી પેઢીને ધૂળમાં જવા સુદ્ધા દેતી નથી. 

તેમાંય ટુ ટીયર શહેરોમાં અને મોટા શહેરોમા તો જે ગેમ ઝોને ઉપાડા લીધા છે તેણે તો આખી પેઢીને બરબાદ કરી નાખી છે. વીડિયો ગેમ્સ, બોલિંગ એલી, કેફે, જાતભાતની રાઈડ્સ, ગીફ્ટ લેવા માટે સતત પૈસા ખર્ચીને રમવાનું. નવાઈની વાત તો એવી છે કે, અમદાવાદમાં એક ગેમ ઝોન છે જેમાં લોકો સ્પેશિયલ કુદકા મારવા જાય છે અને ત્યાં ૪૦ મિનિટ કુદવાનો ભાવ ૪૦૦ રૂપિયા છે. આવું ગાંડપણ ખરેખર ચિંતાજનક અને હાસ્યાસ્પદ બંને લાગે છે. ઘણાને એમ થશે કે હવે નવી જનરેશન પ્રમાણે નવી રમતો આવી છે પણ વાત ખોટી છે. આપણે તેને રમવા જવા દેતા નથી. તેને ઘરમાં ગેમ્સ લાવી આપીએ છીએ, મોબાઈલ, ટેબ્લેટ, પીએસપી, સ્માર્ટ ગેજેટ્સમાં કેદ કરવા લાગ્યા છીએ. છેલ્લે કશું જ નહીં મળે તો એમને વેકેશનમાં લઈ જઈશું અને ત્યાં પણ સેલ્ફિઓ લેવા સિવાય કશું જ કામ કરતા નથી. 

આ વેકેશનમાં બાળકને આપણે જીવેલું બાળપણ આપવાનો પ્રયાસ કરીએ. વેકેશનમાં ફરવા જવાની રજા નથી મળતી તો એકાદ દિવસની રજા પરાણે પાડીને તેની સાથે દિવસ પસાર કરીએ. દિવસમાં ઓછામાં ઓછું એક વખત પરિવાર સાથે બેસીને, ટીવી બંધ કરીને અને મોબાઈલ સાઈડમાં મૂકીને ભોજન કરીએ. બાળક થોડું સમજણું હોય તો તેને ઘરકામમાં મદદ કરતા શીખવીએ અને થોડો આગ્રહ રાખીએ કે તે મદદ કરે. કદાચ તમે અને હું જ્યારે નાના હતા ત્યારે સેલ્ફિની વ્યવસ્થા નહોતી. આપણે તો સ્મૃતિઓ જ મનમાં કંડારીને આગળ વધતા આવ્યા છીએ. તેને રમવા દેજો, દોડવા દેજો અને પડવા પણ દેજો. આવું થશે ત્યારે જ તે જાતે ઊભા થતા પણ શીખશે. તેને નવા મિત્રો બનાવતા અને જૂના મિત્રો સાચવતા શીખવજો. તેને શક્ય હોય તો એકાદ વખત હોસ્પિટલ, અનાથઆશ્રમ કે વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જજો. તેને સમાજની વાસ્તકવિતાઓથી વાકેફ કરાવજો. તમારું બાળપણ જ્યાં વિત્યું હોય કે જેમની સાથે વિત્યું હોય ત્યાં તેમને એકાદ વખત લઈ જજો જેથી સ્મૃતિઓનું સર્જન, સાચવણી અને સંવર્ધન તેમને સમજાય. આપણી પાસે બાળપણની સ્મૃતિઓ હતી પણ આપણી આગામી પેઢી પાસે સ્મૃતિઓના નામે માત્ર ગેજેટ્સ અને સેલ્ફિઓ જ હશે. આપણી પાસે કિસ્સા હતા તો તેના કારણે સ્મૃતિઓ વિકસી અને સંગ્રહાયેલી છે. આપણા બાળકોને પણ આવી જ તક આપીએ તો કદાચ તેમની પાસે પણ આગામી પેઢીને કહેવા માટે એકાદી વાર્તા હશે બાકી ખૂણામાં કે કબાટમાં પડેલી હાર્ડ ડ્રાઈવમાંથી  તસવીરો જ બતાવવાનો વારો આવશે.

Tags :