સાઈનસની બીમારીને બાર ગાઉ દૂર રાખો
ઋતુ બદલાઈ રહી છે. ચોમાસું જામી ગયું છે. હવે તબિયત નરમગરમ રહેવાની ફરિયાદો એકદમ વધી જશે. તાવ-શરદી-કળતર-કફની સાથે આ એક બીમારીથી ખાસ બચવું-સાઇનસ.
સાઈનસ અથવા તો સાઈનસાઈટિસ દર્દોની દુનિયામાં સૌથી સામાન્ય ક્રોનિક બીમારીઓમાંની એક ગણાય છે. સાઈનસ, સાદી શરદી અને એલર્જી- આ ત્રણેયનાં લક્ષણો વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જરૂરી છે.
સૌથી પહેલાં તો, સાઈનસ એટલે શું? સાઈનસીસ એટલે નાકના છિદ્રની અંદર, ફરતે આવેલાં હવાયુક્ત એકમો. સાઈનસની હરોળ નાકની અંતઃત્વચાનું પાતળું આવરણ ઘડે છે, જેના લીધે નાકનો અંદરનો ભાગ ભેજવાળો રહે છે. જો સાઈનસનું વહન કરતી નલિકાઓ જામી જાય તો નાકમાંથી નીકળતો ઝરતો ઉત્સર્ગ પદાર્થ જમા થતો રહે છે અને ઘટ્ટ બને છે. આવા માહોલમાં બેક્ટેરિયાની વૃદ્ધિ ફટાફટ થાય છે અને સાઈનસનું ઇન્ફેક્શન લાગવાની શરૂઆત થાય છે.
શરદી જેવું લાગે એટલે તરત જ નીચેનાં પગલાં લેવાનું શરૂ કરી દો.
* નાકની અંતઃત્વચા પાતળી જ રહે તે માટે રોજ કમ સે કમ છથી આઠ ગ્લાસ પાણી પીઓ.
* નેઝલ સેલાઈન વોશ કે સ્પ્રેનો ઉપયોગ કરો.
* સંભાળીને છીંકો. છીંકીને એક નસકોરામાં જમા થયેલું ઘટ્ટ પ્રવાહી દૂર કરતી વખતે બીજા નસકોરા પર હાથ દાબી રાખો. આવું વારાફરતી કરવું.
* પાણી ફળફળતું ઉકાળીને નાસ લેવાનું શરૂ કરી દો.
મહેરબાની કરીને ડોક્ટર પાસે એન્ટિબાયોટિક ગોળીઓ લખાવવા દોડી ન જતા. હમણાં સુધી એવું બનતું કે નાકમાં સહેજ પણ ગરબડ થાય એટલે લોકો માની જ લેતા કે એમને સાઈનસ થયું છે! પણ હવે ધીમે ધીમે જાગૃતિ વધી રહી છે. યાદ રાખો, તમને શરદી થઈ હશે તો એન્ટિબાયોટિકથી કોઈ ફરક નહીં પડે. એન્ટિબાયોટિક બેક્ટેરિયાનો મુકાબલો કરી શકે, વાઈરસનો નહીં.
તો પછી ડોક્ટર પાસે ક્યારે જવું?
જો તમને સાઈનસના નીચેનાં ચિહ્નોમાંથી કમ સે કમ ત્રણ લક્ષણો અઠવાડિયા સુધી વર્તાય અને તે ઉત્તરોત્તર તીવ્ર બનતાં જાય તો ડોક્ટરનો સંપર્ક સાંધવો.
૧. નાક જામ રહેવાની અવસ્થા ઉત્તરોત્તર લંબાતી જાય.
૨. નાકમાંથી નીકળતું ઘટ્ટ પ્રવાહી (સાદી ભાષામાં કહીએ તો, શેડાં) પીળાશ પડતું લીલા રંગનું થવા માંડે.
૩. આંખ, હડપચી, કાન અને ઉપરના દાંત દુખવા લાગે.
૪. માથાનો દુખાવો (ખાસ કરીને કપાળમાં કે આંખોની આસપાસ)
૫. તાવ
૬. કફ
ડોક્ટર તપાસીને નિદાન કરશે કે તમને સાઈનસનું ઇન્ફેક્શન છે કે નહીં. જો હશે તો એને દૂર કરવા તેઓ તમને એન્ટિબાયોટિક લખી આપશે.
હઠીલુ સાઈનસ
જો ટ્રીટમેન્ટ ચાલુ હોવા છતાંય સાઈનસ ત્રણ અઠવાડિયાં સુધી ટકે તો એ પેધી જવાની મતલબ કે એક્યુટ બની જવાની પૂરી શક્યતા રહે છે. વૃદ્ધ માણસોને એક્યુટ સાઈનસ થવાનું જોખમ વધારે રહે છે.
ડોક્ટર સાઈનસ માટે ટ્રીટમેન્ટ શરૂ કરે ત્યારે દવાનો કોર્સ પૂરો કરવાની ખાસ તકેદારી લેવી. નહીંતર બેક્ટેરિયા વિકસતા જશે અને દવાની અસર નહીં થાય. એકડેમી ઓફ ઓટોલેરીન્જોલોજીના અંદાજ પ્રમાણે, ૪૦ ટકા દર્દીઓ તબિયત સારી લાગવા માંડે એટલે દવાનો કોર્સ અધવચ્ચે જ, મોટેભાગે બેથી ચાર દિવસમાં જ અટકાવી દેતા હોય છે. આ દર્દીઓ માટે સાઈનસ ફરી ઊથલો મારે એ શક્યતા વધી જાય છે.
સાઈનસ સંબંધિત અન્ય પરિબળો પર અંકુશ રાખવો ખૂબ જરૂરી છે. આ પરિબળો એટલે અસ્થમા, એલર્જી, સિગારેટના ધુમાડા જેવા ઇરિટન્ટસ વગેરે. શરાબથી સોજો વધી શકે છે. આથી સાઈનસના દર્દીઓએ શરાબ સામે તો નજર પણ નહીં કરવાની. લાંબી ટ્રીટમેન્ટ પછી સાઈનસ ઘટે નહીં તો સર્જરી કરીને નાકની બીમાર માંસપેશીને દૂર કરવી પડે છે.