મૂંઝવણ .


- હું 37 વર્ષની પરિણીતા છું. મારા લગ્નને 15 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી હું માતા બની શકી નથી અમે ઘણી સારવાર કરાવી છે. પરંતુ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

હું ૩૭ વર્ષની પરિણીતા છું. મારા લગ્નને ૧૫ વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી હું માતા બની શકી નથી અમે ઘણી સારવાર કરાવી છે. ડોક્ટરની સલાહ પ્રમાણે અમે બધા ટેસ્ટ પણ કરાવ્યા છે, પરંતુ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. શું કૃત્રિમ ગર્ભાધાન પધ્ધતિથી મદદ મળી શકે?

એક સ્ત્રી (ડાકોર)

* નિસંતાન હોવાના લગભગ દસ ટકા કિસ્સામાં બધા ટેસ્ટ અને પૂરેપૂરી તપાસ કરાવ્યા પછી પણ તેનું કોઈ નક્કર કારણ જાણી શકાતું નથી. શક્ય છે તમારી સાથે પણ આવું જ કંઈક થયું હોય. આ ઉંમરે કૃત્રિમ ગર્ભધાન કરવાને બદલે ઉચિત એ રહેશે કે તમે તમારી સંતાનપ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવા માટે કોઈ બાળક દત્તક લઈ લો. આ ઉંમરે પ્રથમ તો સફળ ગર્ભાધાનની શક્યતા નહીંવત હોય છે. બીજું  એમાં જટિલતા પેદા થવાનું પણ જોખમ રહે છે. બાળકના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ એ ઉચિત નથી. ૩૫ વર્ષ કરતાં મોટી ઉંમરની માતાઓનાં બાળકોમાં રંગસૂત્રીય વિકાર થવાની શક્યતા વધી જતી હોય છે. 

મારી ઉંમર ૨૫ વર્ષ છે. ચાર વર્ષ પહેલાં સિઝેરિયનથી મેં પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યાર પછી હું કુટુંબનિયોજન માટે કોપર-ટીનો ઉપયોગ કરી રહી છું. ગયા વર્ષથી થાઈરોઈડ માટેની પણ મારી સારવાર ચાલી રહી છે અને મારું વજન વધીને ૭૪ કિલો થઈ ગયું છે. જાણવા માગું છું કે થાઈરોઈડનો રોગ અને શરીરનું ફૂલવું એ બધું ક્યાંક કોપર-ટીના ઉપયોગથી તો નથી થયું ને. અમને બે વર્ષ સુધી બીજું બાળક નથી જોઈતું આ માટે કયો ઉપાય ઉચિત રહેશે?

એક યુવતી (બોરસદ)

* કોપર-ટીનો પ્રભાવ ફક્ત સ્થાનિક સ્તર પર પડે છે. તેથી તેના કારણે થાઈરોઈડ ગ્રંથિની બીમારી વિશે વિચારવું યોેગ્ય નથી. આ માત્ર સંજોગોવશાત્ છે કે કોપર-ટી મુકાવ્યા પછી તમે થાઈરોઈડના અસંતુલનથી પ્રભાવિત થયાં અને તમારું વજન વધી ગયું.

શરીરમાં થાઈરોઈડ હોર્મોનની કમી થાય ત્યારે વજનમાં વૃધ્ધિ થાય એ સામાન્ય બાબત છે. હવે તમે દવા લઈ રહ્યા છો તો શક્ય છે કે બહુ જલદી તમારા શરીરનું મેટા બોલિઝમ પણ ફરીથી સંતુલિત થઈ જાય અને વજન વધતુ  પણ અટકી જાય. 

એકવાર સ્થિતિ કાબૂમાં આવી જાય તો વજન ઘટાડવા માટે ઉચિત ઉપાય કરી શકો છો.

હું ૨૧ વર્ષની યુવતી છું. મારા સ્તનનો વિકાસ અટકી ગયો છે. મારી હાઈટ પણ નથી વધતી. જાંઘ અને નિતંબ પર સફેદ લાઈનો પડી ગઈ છે. યોનિમાંથી સફેદ પદાર્થ નીકળે છે. ઘરમાં બધા મારા લગ્નની વાત કરે છે, પરંતુ હું આ બધી બાબતોેને કારણે ખૂબ પરેશાન છું કે મારું લગ્નજીવન સુખી બનશે ખરું? ક્યાંક મને કોઈ ગંભીર રોગ તો નથી ને?

એક યુવતી (વડોદરા)

* તમારે  આનાથી પરેશાન થવાની બિલકુલ જરૂર નથી. કિશોરાવસ્થામાં શરીર પર ચરબી વધી જવાથી જાંઘ અને નિતંબની ત્વચા ખેંચાય છે જેના કારણે ત્યાં સફેદ લાઈનો ઉપસી આવે છે. આમ શરીર પુખ્ત થતા યોનિમાંથી થોડો ઘણો સ્ત્રાવ થાય એ પણ સામાન્ય બાબત છે.

બસ, એટલું જાણી લો  કે સામાન્ય યોનિસ્ત્રાવનો રંગ એકદમ સાફ અથવા દૂધિયો હોય છે અને તેમાંથી કોઈ દુર્ગંધ પણ નથી આવતી. ભારતીય છોકરીઓમાં સ્તન વિકાસ અને હાઈટ ૧૪-૧૫ વર્ષ સુધી જ  વધે છે, હા કેટલીક છોકરીઓમાં ૧૬-૧૭ વર્ષ સુધી પણ વધે છે. પરંતુ આ એક કુદરતી લક્ષણ છે જેના પર કોઈનું કંઈ નથી ચાલતું.

આ એક દુ:ખદાયક બાબત છે કે સ્કૂલોમાં અનેક વિષય અને પુસ્તકોે વાંચવા છતાં આપણને આપણા જ શરીર અને તેની ક્રિયાઓ તથા રહસ્યો વિશે જાણકારી નથી હોતી. સ્વસ્થ, સુખદ સામાન્ય જીવન જીવવા માટે આપણે આ વિષયોની સચોટ જાણકારી મેળવીએ છીએ.

તમે આ વિષયને લગતું કોઈ પ્રમાણિત પુસ્તક વાંચો જેથી તમારી મૂંઝવણ દૂર થાય.

હું ૨૧ વર્ષની પરિણીતા છું. મારા લગ્નને બે વર્ષ થઈ ગયાં છે. અમે સંતાન ઈચ્છીએ છીએે, પરંતુ તેમાં સફળતા નથી મળતી. ડોક્ટરે ચેકઅપ કરીને જણાવ્યું છે કે મારા પેટમાં સોજો છે અને હજુ બે વર્ષ સુધી મને ગર્ભાધાન ન કરવાની સલાહ આપી છે. મારે શું કરવું જોઈએ?

એક પત્ની (કપડવંજ)

* હજુ તમારી ઉંમર એટલી વધારે નથી કે તમારે સંતાન માટે ચિંતા કરવી પડે. ખાસ કરીને જ્યારે ડોક્ટરે તમને સલાહ આપી છે કે હમણાં તમારે પ્રાપ્તિ માટે પ્રયત્નો ન કરવા. ડોક્ટરોની બરાબર સારવાર અને સલાહ લેતા રહો.

હું ૧૮ વર્ષની છું,. એક છોકરાના પ્રેમમાં છું. તે અમારી જ્ઞાાતિનો નથી એટલે મારાં કુટુંબીજનો લગ્ન કરવાની ઈચ્છા રાખતા નથી. અમે  એકબીજા વિના જીવી શકીએ તેમ નથી. હું જાણવા માગું છું કે અમે સ્વેચ્છાએ લગ્ન કરી લઈએ તો અમારા કુટુંબીજનો તેને સ્વીકારશે ખરા?

એક કન્યા (સૂરત)

* તમે સ્પષ્ટ નથી જણાવ્યું કે તમારા પ્રેમની ઉંમર કેટલી છે અને તે પોેતાના પગ પર ઊભેલો છે ખરો? સાથોસાથ તેના કુટુંબીજનો આ લગ્ન માટે રાજી છે ખરાં?

છોકરો લગ્ન પછી સંસાર ચલાવી શકે તેમ હોય, પોતાની ફરજ બજાવી શકે તેમ હોય અને તેની ઉંમર ૨૧ વર્ષ કે તેથી વધુ હોય તો તમે બંને સ્વેચ્છાએ લગ્ન કરી શકો છો.

જો બંનેના કુટુંબીજનો આ લગ્ન માટે સંમત નથી તો તમારે તેમને રાજી કરવા રહ્યા. તેમને સમજાવો કે આંતરજ્ઞાાતીય લગ્ન હવે સામાન્ય વાત છે. સમાજ હવે તેને હલકી નજરે જોતો નથી.

જો તેઓ રાજી ન થાય તો તમે કોર્ટ મેરેજ કરી શકો છો, પરંતુ લગ્ન પહેલાં છોકરા વિશે બધી રીતે ચકાસી વિચારી કરી લેવો જરૂરી છે. કારણ કે લગ્ન કરવાનો નિર્ણય તમારો છે. 

લગ્ન પછી કશી તકલીફ ઉભી થશે તો જવાબદારી તમારી રહેશે એટલે નિર્ણય સમજી વિચારીને કરશો.

- અનિતા

City News

Sports

RECENT NEWS