હિંગનો વધુ પડતો વપરાશ ઘણી બધી આડઅસરો નોંતરે છે
આપણાં દેશમાં ઉપરાંત ઘરગથ્થુ ઉપચારોમાં પણ હિંગનો ઉપયોગ કરવાની પરંપરા છે, પરંતુ અતિ સર્વત્ર વજર્યતેની ઉક્તિને બ્રહ્મવાક્ય ગણી હિંગુનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. હિંગના વધુ પડતા સેવનના ગંભીર પરિણામો આવી શકે છે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ માટે હિંગનું વધુ સેવન બિલકુલ હિતાવહ નથી. આ ઉપરાંત, બાળકને સ્તનપાન કરાવતી માતાઓએ પણ ભોજનમાં હિંગનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. હિંગમાં જોવા મળતું ફેરુલિક એસિડ માતાના દૂધ મારફત શિશુના શરીરમાં લોહીના વિકારનું કારણ બની શકે છે એને લીધે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
એક બીજી વાત હિંગનો વધુ પડતો ઉપયોગ હાઈ અને લો બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ નોતરી શકે છે. કબુલ કે હિંગ લોહીને પાતળું કરવાનું કામ કરે છે. હિંગમાં કૃમેરિન નામનો એક પદાર્થ હોય છે, જે શરીરમાં બ્લડ ક્લોટ (લોહીના ગઠ્ઠા) થવા નથી દેતો, પરંતુ બીજી દવાઓની જેમ હિંગનું સેવન પણ પ્રમાણસર હોવું જરૂરી છે.
હિંગના વધુ પડતા ઉપયોગથી ચામડી પર ચકામા પડી જાય છે, ચામડીમાં બળતરા થાય છે અને ખજવાળ પણ આવે છે. જોકે, આ તકલીફ લાંબુ ટકતી નથી. હિંગનો એન્ટી ઇન્ફેલેમેટરી ગુણ ચામડી પરના ચકામા ઓછા કરી દે છે.
એક અનુભવી આયુર્વેદાચાર્ય એવી ચેતવણી આપે છે કે હિંગની તાસિર ગરમ છે અને એ ખાવાથી શરીરમાં પિત્ત વધી જાય છે એટલે ગર્ભાવસ્થા દરમિયાન હિંગનો ઉપયોગ ન કરવો જોઈએ. એને લીધે ગર્ભપાત થવાનું જોખમ ઊભુ થાય છે.
વૈદરાજોનો અનુભવ એમ કહે છે કે અમુક વ્યક્તિઓને હિંગના સેવન બાદ ચક્કર આવવા લાગે છે અને માથું દુખે છે. જોકે, આ એ તાત્પુરતિ સમસ્યા છે અને અમુક કલાકમાં દૂર થઈ શકે છે.
સામાન્યપણે ઘરગથ્થું ઇલાજમાં હિંગનો ઉપયોગ પેટની સમસ્યાઓ માટે થાય છે, પરંતુ જો હિંગ ખાવામાં પ્રમાણ ભાન ન રખાય તો એને લીધે ગેસ, પેટમાં બળતરા અને જુલાબ થઈ શકે છે. હિંગની એક આડઅસરરૂપે કેટલાંક લોકોના હોંઠ સુજી જાય છે. કેટલાંકને તો આખા ચહેરા અને ડોક ઉપર પણ સોજો દેખાય છે. જોકે, સાઈડ ઇફેક્ટ થોડા સમય બાદ એની મેળે ઓસરી જાય છે.
- રમેશ દવે