સાદગીના બહાને સાવ ફૂવડ રહેશો નહિ


અનુષ્કાના ઘરમાં આનંદનું વાતાવરણ હતું. મુંબઈની  મલ્ટિનેશનલ કંપનીનો ઉચ્ચ અધિકારી મોહિત સપરિવાર અનુષ્કાને જોવા આવવાનો હતો. ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલુ હતી, પરંતુ અનુષ્કા  કોઈ પણ જાતની તૈયારી નહોતી કરતી. એવું નહોતું કે એ આ સંબંધ અંગે ઉત્સાહિત નહોતી, પરંતુ એને સાદગી પસંદ હતી. એની બહેનપણીઓના ઘણાં સમજાવ્યા છતાં એની પર અસર ન થઈ.

છોકરાવાળા આવ્યા. એમનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. તે પછી અનુષ્કાને બોલાવવામાં આવી. અનુષ્કા આવી. ગંભીર હાવભાવ, જૂની સ્ટાઈલનો લાઈટ કલરનો ડ્રેસ, ખેંચીને ફિટ બાંધેલો ચોટલો, ચહેરા પર સૌંદર્ય પ્રસાધનોના નામે  માત્ર પાઉડર, લિપસ્ટિક પણ નહીં, હાથમાં પુરુષો પહેરે તેવી ઘડિયાળ, પગમાં સાધારણ સેન્ડલ. ટૂંકમાં અત્યંત સાધારણ વ્યક્તિત્વ હતું અનુષ્કાનું.

છોકરાવાળાના ચહેરા પડી ગયાં. એ લોકો થોડીવાર બેઠા પછી બહાનું બનાવીને જતાં રહ્યાં. 

થોડા દિવસો પછી છોકરાવાળા તરફથી અનુષ્કાના પિતાને નકારાત્મક જવાબ મળ્યો કે અનુષ્કા ઘણી સાદી છે.  અમારા પુત્રને સ્માર્ટ, આકર્ષક, ખુશમિજાજ જીવનસાથીની ઈચ્છા છે.

તમે વિચારશો કે અનુષ્કા  એક બેન્કમાં અધિકારી હતી, સાથે સાથે મૃદુભાષી અને સુંદર પણ હતી. બધાંને એ ગમતી હતી. તો પછી કેવાં કારણોસર એ છોેકરાવાળાને ન ગમી? કારણ હતું અનુષ્કાની હદ કરતાં વધુ સાદગીની જિદ.

'ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન' વાળી વાત તો જગજાહેર છે. જ્યારે આપણે અજાણ્યા લોકોને મળીએ છીએ ત્યારે પહેલી અસર ચહેરોમહોરો, પહેરવેશ એટલે કે બહારના વ્યક્તિત્વની જ પડે છે. ગુણ મધુર બોલચાલ, શૈક્ષણિક યોગ્યતાની જાણ તો પછીથી થાય છે અને અસર કરે છે.

સાદગીપ્રિય  હોવામાં કંઈ વાંધો નથી, પરંતુ  પ્રસંગને ધ્યાનમાં  રાખીને અનુષ્કાએ પોતાના વ્યક્તિત્વમાં  થોડો ફેરફાર કર્યો હોત તો એનું વ્યક્તિત્ત્વ નીખરી ઉઠયું હોત. સાદગીનો અર્થ એ નથી કે તમે તમારા રૂપરંગને દબાવી દો અને મેકઅપનો અર્થ એ નથી કે જુદા જુદા રંગોથી પોતાનો ચહેરો રંગી કાઢવો.

આંખોને ગમી જાય એવા રંગનો આધુનિક ડ્રેસ, ચહેરા પર હળવો મેકઅપ, નેચરલ કલરની લિપસ્ટિક, ઢીલા બાંધેલા વાળ અને ગળામાં મોતીની માળા, હાથમાં નાજુક બ્રેસલેટ અને આકર્ષક ફૂટવેર સાથે અનુષ્કા છોકરાવાળા સામે ગઈ હોત તો એનું વ્યક્તિત્વ આંખોમાં કેદ થઈ ગયું હોત. કદાચ સીધેસીધું દિલમાં ઊતરી ગયું હોત. આમ કરવાથી અનુષ્કાની સાદગીને કોઈ નુકસાન ન પહોંચ્યું હોત.

હકીકતમાં વ્યવસ્થિત રીતે તૈયાર થવું એ પણ એક કલા છે, જેની હંમેશા પ્રશંસા કરવામાં આવે છે. આપણે આપણી આજુબાજુ એવી ઘણી મહિલાઓ જોઈએ છે જે હંમેશા અસ્તવ્યસ્ત વાળ, કરચલીવાળાં કપડાં અને શુષ્ક ઊતરેલા ચહેરા સાથે જોવા મળે છે.

આવી જ છે જયા. શાક માર્કેટમાં કે લગ્નસમારંભમાં એનાં વસ્ત્રો, હેરસ્ટાઈલ અને ચહેરામાં  ખાસ અંતર નથી હોતું. હા, પાર્ટીમાં જાય ત્યારે સોનાનાં થોડાં ઘરેણાં જરૂર પહેરી લે છે. એને એકવાર એક બહેનપણીએ કહ્યું, ''તું પણ શું જયા, ગમે તેમ તૈયાર થઈને બધી જગ્યાએ ચાલવા માંડે છે.  જરા વ્યવસ્થિત તો તૈયાર થા.''

જયાએ કહ્યું, ''મને તો શરૂઆતથી જ સાદગી ગમે છે. જેવા છીએ એવા છીએ. મેકઅપ કરી લેવાથી ચહેરો થોડો બદલાઈ જવાનો છે, કિંમતી સાડી પહેરવાથી હું બીજી  વ્યક્તિ થોડી જ બની જઈશ., હું તો જયા જ રહીશ ને.''

સાદગીનો રાગ આલાપી પોતાની કુરૂપતા જાહેર કરતી મહિલાઓએ એ વાત સમજી લેવી જોઈએ કે આજે પોતાના વ્યક્તિત્વને 'પ્રેઝન્ટેબલ' બનાવવાનો સમય છે. આજે રાજકારણ જેવા નીરસ ક્ષેત્રમાં ૬૦-૭૦ વર્ષના નેતા પોતાના કરચલીવાળા ચહેરા અને સફેદ વાળ નિખારવા અને સંપૂર્ણ વ્યક્તિત્વને વધુ અસરકારક બનાવવા  પ્રસિદ્ધ એજન્સીઓની સેવાઓ ઊંચી કિંમત ચૂકવીને લઈ રહ્યા છે.  તો આવાં સમયમાં એક  યુવતી 'બહેનજી' રહેશે તો શું કરી શકશે?

ચાલો ફરી અનુષ્કા પાસે. એના વ્યક્તિત્વની ખાસ આકર્ષણરૂપ બાબતો હતી એની આંખો અને ઘેરા સુંવાળા વાળ, સારી એવી હાઈટ. બસ, ખામી હતી તો માત્ર એનો બદલી ન શકાય એવો રંગ અને  જાડા હોઠ.

ખૂબસુરત આંખોની સુંદરતા હાઈલાઈટ કરવાનો પ્રયત્ન જો આઈલાઈનર અને  મસ્કરા લગાવીને  કરવામાં  આવ્યો હોત તો શક્ય છે કે જોનાર વ્યક્તિની નજર ત્યાં જ અટકી જાત અને એના જાડા હોઠ તરફ કોઈનું ધ્યાન જ ન જાત.

વાળમાં ઘસી ઘસીને તેલ લગાવીને ખેંચી બાંધવાના બદલે તેને શેમ્પૂ કરી ક્લિપથી સેટ કરી ખુલ્લા છોડી દીધા હોય તો લાંબા ઘેરા  વાળની ઘટાઓમાં કોઈપણ યુવાનનું  દિલ અટકી ગયું હોત.

સાદગીના નામે હાથપગ પર રીંછ જેવા વાળ લઈને ફરવા, ઊંચીનીચી આઈબ્રો સેટ ન  કરાવવામાં ભલા કઈ સમજદારી છે? હોઠ જ  કાળા હોય તો શું જરૂરી છે કે આખી દુનિયા તેને જુએ?

વાળ સફેદ થઈ ગયા હોય તો એની સફેદી બતાવવાથી તમે મહાન બની જશો?

જામી ગયેલી ચરબીવાળા બેડોળ શરીર પર બેદરકારીથી પહેરેલી સાડી અને ખરાબ ફિટિંગનો બ્લાઉઝ તમારી સાદગી દર્શાવે છે કે ફૂવડતા?

શું આ બધી વર્તણૂકથી  તમે કોઈની પ્રશંસા પ્રાપ્ત કરી શકવાના છો? જરા વિચારીને જણાવો કે બે મહિલા તમારી સામે છે, જેમાંની એકે  સુરિચિપૂર્ણ મેકઅપ કરેલો હોય,  શરીર પર  શોભે તેવાં  વસ્ત્રો પહેર્યાં  હોય,  આકર્ષક હેરસ્ટાઈલ કરી હોય અને બીજી મહિલાએ ઊંચીનીચી સાડી પહેરી હોય, વાળ વિખરાયેલા હોય, ચહેરો ઊતરેલો હોય. તો તમે કઈ મહિલા સાથે મિત્રતા કરવા ઈચ્છશો?

આકર્ષક મહિલા સાથે જ ને? તો પછી તમે જાતે તમારું વ્યક્તિત્વ કેમ એવું નથી બનાવતા કે ભીડમાં હોવા છતાં પણ તમે અલગ દેખાઓ.

હકીકતમાં 'અમે તો આવાં જ સારા', 'અરે, હંમેશા શું તૈયાર રહેવાનું,'  'અમને તો સીધાસાદા જ રહેવાનું ગમે છે કે પછી આ મેકઅપના થપેડામાં શું છે, સાચી સુંદરતા તો દિલની હોય છે.' જેવા વાક્યોનો સહારો લેનાર મહિલા હંમેશાં હીન ભાવનાથી ઘેરાયેલી રહે છે. એને લાગે છે કે તમે ગમે તે કરશો તો પણ એ સુંદર નહીં લાગી શકે. જ્યારે કેટલાક લોકો એવી માનસિકતાના પોષક હોય છે કે કુદરતે જેવા  બનાવ્યા એમાં જ સંતોષ માનવો જોઈએ કે પછી  ' જે કુદરતી છે એ જ  સુંદર છે.' સત્ય  એ છે કે કુદરતી  સુંદરતા તો પર્વત, નદી, ઝરણાં, ફૂલઝાડને જ આકર્ષિત કરે છે. કુદરતી રીતે તો સુંદર માત્ર  બાળકો જ હોય છે. કારણ કે તેઓ છળકપટ, ક્રોધ અને બદલાની ભાવનાથી દૂર હોય છે. મોટેરાંઓ એ તો આકર્ષક બનવા માટે પ્રયત્ન કરવા પડે છે. કોઈને વધારે તો કોઈને ઓછા. તો શું દુ:ખ  છે જો તમારામાં નેચરલ  સુંદરતા નથી અથવા તો કુદરતે તમને આવી સુંદરતા આપવામાં કંજુસાઈ દાખવી છે.

તમારા કાળા હોઠ દુનિયાને બતાવવાના બદલે લિપસ્ટિકથી રોમાન્ટિક પિંક અથવા ઘેરા લાલ રંગમાં રંગીને તમે કોઈ ગુનોે નથી કરતાં. આ રીતે સફેદ વાળની સાથે કસમયની પ્રૌઢતા લાદીને ફરવાના બદલે વાળમાં હીનાનો પ્રયોગ અથવા આધુનિક સહજ ઉપલબ્ધ મનગમતાં રંગથી કલરિંગ કરી વ્યક્તિત્વમાં નવો રંગ ભરો.

શ્યામવર્ણ માટે મનમાં  લઘુતાગ્રંથિ  રાખવાના બદલે એવા શેડની માહિતી મેળવો, જે તમારા શ્યામ રંગ પર સારા લાગતા હોય, નહીં કે એવા રંગો પહેરો જેમાં તમે  વધુ શ્યામ દેખાઓ.

સારું રૂપ અને આકર્ષક વ્યક્તિત્વની જરૂર માત્ર બીજાનું ધ્યાન આકર્ષવા અથવા પ્રશંસા મેળવવા માટે નથી હોતી, પરંતુ એનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધે છે. તમે જીવનમાં ભલે ગમે તે ધ્યેય પસંદ  કર્યું હોય, આત્મવિશ્વાસ અને માનસિક દ્રઢતા  સિવાય એ મેળવવાનું શક્ય નથી.

આકર્ષણ વધારવાના ઉપાય અજમાવવામાં  સાદું જીવન, ઉચ્ચ વિચાર'ની તમારી  ધારણાને ધક્કો  પહોંચશે. જો તમે આમ વિચારતા હો તો ખોટું વિચારો છો. મેકઅપ કરવો એ એક કલા છે. એનાથી વ્યક્તિત્વમાં કોઈપણ પ્રકારનું સસ્તાપણું નથી આવી જતું.

ક્યારેક એવું પણ જોવા મળે છે કે ઘણો સારો ચહેરો હોવા છતાં આપણને આકર્ષતો નથી. તો ક્યાંક ચપટું નાક, નીચું કદ હોવા છતાં પણ એ વ્યક્તિ બધાંના  આકર્ષણનું  કેન્દ્ર બની જાય છે.

તમે એવું પણ સાંભળ્યું હશે કે સારો ચહેરો હોય તો ચહેરો સજાવવાની શી જરૂર છે. સાદગી પોતે એક કયામતની અદા હોય છે, પરંતુ આ સંપૂર્ણ  સત્ય નથી. જો સાચું હોય તો ઐશ્વર્યા રાય, જે સુંદરતાનો પર્યાય મનાય છે, તેને નખશિખ મેકઅપ કરી જાણીતા  ફેશન ડિઝાઈનર દ્વારા ડિઝાઈન કરેલાં વસ્ત્રોથી પોતાની જાતને  સજાવાની જરૂર જ ન પડત. તમારા વ્યક્તિત્વના પ્લસ પોઈન્ટ ઓળખો અને શીખો એને હાઈલાઈટ કરવાના ગુણો.  જેથી તમે બની શકો આકર્ષક વ્યક્તિત્વની સામ્રાજ્ઞાી. રહી વાત ઉચ્ચ  વિચારોની તો જ્યારે કોઈ તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને તમારી નજીક આવશે ત્યારે જ તમારા વિચારોને જાણશે નહીંતર સામાન્ય  ચહેરો જ હશે તો પ્રથમ મુલાકાત જ અંતિમ મુલાકાત સાબિત થશે. 

-નયના

City News

Sports

RECENT NEWS