નિર્ણય .

Updated: Jan 23rd, 2023


વાર્તા - ઈશ્વર અંચેલીકર

'ગામની ભાગોળે ઝૂપડપટ્ટીમાં ઝેરી શરાબ પીવાથી વીસેક લોકોનું મોત થયું છે. તારો પતિ મયંક પણ... તું મારા ઘરે આવી. સફેદ કપડાં પહેરી લે.'  સુનંદા આશ્ચર્યથી  તાકી રહી. એનાથી પોક મૂકાય ગઈ. રાધામાસી અને અન્ય બે ત્રણ બહેનોએ એને સંભાળી લીધી.

અ ચાનક સુનંદાની નજર વોલક્લોક ઉપર પડી. એ સ્વગત બોલી, 'હું ફાઈલોમાં એટલી બધી ગરકાવ થઈ ગઈ હતી, કે મને સમયનું ભાન રહ્યું નહી. નિર્ણય લેવાતી નથી મારાથી ! શું કરું ? સમજાતું નથી.' એણે ફાઈલોની ચીડમાં છૂપાયેલું પેકેટ બહાર કાઢ્યું, અને એ કચેરી લોક કરી બહાર નીકળી. ધીમે ધીમે એ પટાંગણમાં આવી ગઈ. એ સ્વગત બોલી, 'મારો ડ્રાઈવર કેમ દેખાતો નથી !' ગેઈટ ઉપર ઉભેલો ગેઈટકીપર બોલ્યો, 'મેડમ ડ્રાઈવરને શોધો છો ? ગણપતે તો તમારી કાર કી મને આપી, છ વાગ્યે નીકળી ગયેલો હું આપને તમારી કારની ચાવી આપું ?'

'ના ! મને કાર ચલાવતાં આવડતું નથી. તમે ચાવી તમારી પાસે રહેવા દો...' કહી સુનંદા પટાંગણ છોડી, બહાર આવી એને વિચાર આવ્યો, 'આ ગલીમાં તો ખાલી ઓટો મળવી મુશ્કેલ છે. દશ મિનીટ ચાલીશ તો મેઈન રોડ આવી જશે ત્યાંથી ઑટો મળી જશે.'

સુનંદા મેઈન રોડ ઉપર આવી. એક જ ઓટો ઉભી હતી એ બોલી, 'વડીલ, કરણ લઈ જશો ?'

'બહેન, કરણ તો અહીંથી પંદરેક કીલોમીટર દૂર છે. વરસાદી મહોલમાં રસ્તો પણ ખાબોચીયાવાળો છે. કલાક નીકળી જશે.' ઑટો ડ્રાઈવર બોલ્યો

'વાંધો નહીં, વડીલ.' કહી સુનંદા ઑટોમાં બેઠી.

ઑટો આગળ વધી આકાશમાં કાળાં દીબાંગ વાદળોનાં ટોળાં છવાયાં હતાં. ગમે ત્યારે વરસાદ પડશે, એવું લાગતું હતું પરંતુ સુનંદાને એની ચિંતા સતાવતી ન હતી, એને તો એનાં પતિના ઝનૂની વર્તનની ચિંતા કોરી રહી હતી એ સ્વગત બોલી...

'મયંકે કેવાં કેવાં સ્વપ્નો. મને દેખાડયાં હતાં. અમીરીની કપોલ કલ્પીત વાતો રચવામાં તો એ કયાં પાછળ પડે એવો હતો. મનેતો એની સચ્ચાઈ માટે સ્નેહ હતો, એની અમીરી માટે નહીં. છ મહિનાના પરિચય પછી અમે કોર્ટ મેરેજ કરી, લગ્ન કરી લીધાં હતાં. કરણમાં એનું ઘર હતું, એટલે અમે બંનેએ કરણ રહી, દાંપત્યસુખ મેળવવાનું નક્કી કર્યું હતું. મયંકે અમીરીની વાતો કરી હતી, તેનો ફુગ્ગો ધીમે ધીમે ફૂટી ગયો હતો. માતા પિતા સાથે મતભેદના કારણે એ છૂટી રહે છે. એ વાત પણ ખોટી હતી, એ મને સમજાય ગયું હતું. એની બધી વાતો કપટથી પ્રચૂર હતી.'

એના નશાયુક્ત વર્તનના કારણે, કરણ તાલુકા પંચાયત ઓફીસની તેની નોકરી તો એણે અમારાં લગ્ન પછી તુરંત ગૂમાવી હતી. મારી આવકમાંથી ઘર ચાલતું હતું. શરાબની આદતે મારાં બધાં ઘરેણા પણ એણે વેચી દીધાં હતાં. હવે એણે દેશી શરાબ પીવાનું શરૂ કર્યું હતું. કારણ એ અલ્પ કિંમતે મળી રહેતો હતો. શરાબના ઘેનમાં, એણે હવે મારા ઉપર હાથ ઉપાડવાનું પણ શરૂ કરી દીધું હતું. એનો માર હું ખાઈ લેતી, પરંતુ મેં એને મારી રીયાથી દૂર રાખવાનું શરૂ કર્યું હતું. એક વર્ષનું મારું દાંપત્યજીવન. એક સીતા સમાન ભડકે બળવા લાગ્યું હતું આખરે મેં નિર્ણય લીધો છે, કે મારે આજે...

'બહેન. જરા સંભાળજો. આ અરણ્ય માર્ગ ઉપર શરાબી પોકેટમારોનો ત્રાસ વધી ગયો છે. સામે માર્ગ ઉપર ઉભેલા પેલા બંને છોકરાનાં ચેનચાળા જોતાં. એ બંને પણ ફંટુશ જ લાગે છે. હું ઓટો ગતી વધારી દઊં છું. ખાડા ટેકરાનાં કારણે ઑટો હાલક ડોલક થશે, તો બરાબર પકડીને બેસજો.' ઑટો ડ્રાઈવરે સુનંદાનાં વિચારોનાં તાંતણા તોડયા. એણે પણ સામે નજર કરો. એનાં આંખોમાં ધૂ્રજારી આવી ગઈ.

ડ્રાઈવરે પેલા ફંટુસોને પાછળ હડસેલ્યા, અને એ આગળ નીકળી ગયો, પરંતુ સામે માર્ગ ઉપર ખડકેલાં બે વૃક્ષનાં થડોનાં કારણે એણે ઓટો ઉભી રાખવી પડી. પેલા ફંટુસોએ ઑટોને ઘેરી લીધી કરી. બંને પૈકી એકનાં હાથમાં રિવોલ્વૉર હતી, બીજાનાં હાથમાં લાકડી હતી.

'કેમ...! રાવસાહેબ...! ચરબી ચડી છે ? રીક્ષા કેમ ભગાવી ?' પેલો બોલ્યો

'યાર... તું એને છોડ...! જો તો ખરો...! ઑટોમાં તો હરતી ફરતી તીજોરી છે...! ચાલ ઉઠાવ એને...! મરવા દે, એ ડ્રાઈવરને...!' બીજો બોલ્યો

પરંતુ ઑટો ડ્રાઈવરે રીક્ષાની અંદર છૂપાવેલી તલવાર ખેંચી. રાડ પાડી... 'ખબરદાર, બહેનને અડયા છે તો. અલ્લાહનો ફરીસ્તો છું, હું...! કસમ ખુદાની...! બંનેની લાશ પાડી દઈશ...!' અને એણે સુનંદાને ઈશારો કરી, ઑટો બહાર આવવા જણાવ્યું.

સુનંદાનાં પગો થાંભલી જેવા થઈ ગયા, છતાં એ એક વૃક્ષની આડ લઈ ઉભી રહી ગઈ. એણે જોયુ કે ડ્રાઈવર અને પેલા બંને વચ્ચે ઝપાઝપી થઈ રહી હતી. ચોરી પૈકી એકે ડ્રાઈવર ઉપર ગોળી છોડી પરંતુ બુલેટ ડ્રાઈવરનાં માથા ઉપરથી દૂર નીકળી ગઈ. હવે ના છૂટકે ડ્રાઈવરે તલવારનાં ઘા કરવા શરૂ કરી દીધા હતા. બે પૈકી એક તો લાકડી ફેંકી ભાગી ગયો. પરંતુ ઝખ્મી હાલતમાં બીજો ત્યાંજ ચટ્ટાપાત પડયો. ડ્રાઈવરે માર્ગ ઉપરના વૃક્ષનાં થડો માંડ માંડ હટાવ્યાં. સુનંદા હવે ઑટોમાં આવી બેસી ગઈ. એ બોલી...

'વડીલ, આપે મારી ઈજ્જત બચાવી. ભગવાન આપને લંબી આયુ દે. કળીયુગમાં પણ આપના જેવા કૃષ્ણ, દ્રોપદીની આબરૂનાં રખેવાળ બની. આગળ આવે છે. એ મેં જાતે અનુભવ્યું !'

'બહેન, મને ભય હતો જ, કે આવું કંઈક બનશે ! પરંતુ આપ ડરી જશો, એવું વિચારી મેં આપને કંઈ જ કહ્યું ન હતું. સાત વાગ્યા પછી આ વિસ્તારમાં કોઈ જ ઑટો ડ્રાઈવર નીકળતો નથી. ખેર ! આપ સલામત, મારો બંદગી સલામત...' ડ્રાઈવર બોલ્યો

પંદર વીસ મિનીટમાં કરણ આવી ગયું. ડ્રાઈવરને સૂચન કર્યું હતુું. તે પ્રમાણે તે સુનંદામાં ઘરનાં ફળીયામાં આવી ગયો. સુનંદાએ તેને હજાર રૂપિયા આપ્યા.

'બહેન, મારી પાસે છૂટા પૈસા નથી મને તમારે ત્રણસો રૂપિયા આપવાના છે.'

'વાંધો નહીં વડીલ.. ચેઈન તમે રાખી મૂકો...' કદી સુનંદાએ ઝડપથી પગ ઉપાડયા. એ સ્વગત બોલી... 'આજે તો ઘણુ મોડું થઈ ગયું. મયંક તો મારો જાન લેશે... ખેર હવે મને ડર શેનો...? મારે ક્યાં મારો જાન બચાવવો છે...'

સુનંદાએ એનાં ઘરની બહાર વીસ પચ્ચીસ લોકોને ટોળે વળેલા જોયા. એ સ્વગત બોલી, 'આજે મયંકે શું તૂટ કર્યું હશે ! કોઈક સાથે ઝઘડો કરી. કંઈકને...' પરંતુ એ વધારે બોલે. તે પહેલા એના પાડોશી રાધામાશી એની પાસે આવી બોલ્યાં.

'બેટી સુનંદા...! ગામની ભાગોળે ઝૂપડપટ્ટીનાં ઝેરી શરાબ પીવાથી વીસેક લોકોનું મોત થયું છે. તારો પતિ મયંક પણ... તું મારા ઘરે આવી. સફેદ કપડાં પહેરી લે.'

સુનંદા આશ્ચર્ય રાધામાશીને તાકી રહી. એનાથી પોક મૂકાય ગઈ. રાધામાસી અને અન્ય બે ત્રણ બહેનોએ એને સંભાળી લીધી.


પતિ મયંકની મરણોત્તર ક્રિયા પૂર્ણ કરી, સુનંદા નવરી પડી ગઈ. એ સ્વગત બોલી... 'હું તો તે દિવસે પણ ઈંજેકશન લઈ, આત્મહત્યા કરી લેવાની હતી. પરંતુ કુદરતે મને આત્મહત્યાનો ગુનો કરતી અટકાવી લીધી હતી. એણે તે ઈંજેકશન, હવે નજર કરી લીધું આજે એની રજા પૂર્ણ થતી હતી. એણે બસ સ્ટેન્ડ ઉપર આવી. બસ પકડી. કચેરીમાં પહોંચતા જ વડીલો અને સહ જડજોએ એને આશ્વાશન આપી. શિષ્ટોચાર પૂર્ણ કર્યા. સુનંદા પોતાની કેબીનમાં આવી. બેઠી. એણે જોયું કે ટેબલ ઉપર પંદર વીશ ફાઈલો પડી હતી કોર્ટ કલાકે નજીક આવી. ત્રણ ફાઈલ બતાવી અને કહ્યું.

'મેડમ આ ત્રણ કેસોનું હીયરીંગ આજે છે.'

સુનંદાએ બધા કેસોનાં કેસ પેપર્સ ઉપર ઉડતી નજર મારી. એ બોલી, 'આજે તો બધા કેસોમાં ઠરાવ પાડી તારીખ આપવી પડશે.' એ સમય થતાં કોર્ટમાં આવી. બૂમ પડતા ઈન્સ્પેક્ટર કપૂર રહીમને બેડી પહેરાવી આરોપીના પાંજરા સુધી દોડી ગયો. સુનંદા આરોપી રહીમ તરફ નજર કરી રહી, તો રહીમ સુનંદાને ટીકી ટીકી જોઈ રહ્યો બંને એક બીજાને જોતાં રહ્યા.

'યોર ઓનર ! તારીખ પંદરમીના રોજ રાત્રે નવ વાગ્યે આરોપી રહીમે કરણ પાસે એક શખ્સનું તલવારથી મોત ઉપજાવ્યું હતું. બલ્કે સુનંદા વાડાનો રખેવાળ બની તે શખ્સનું ખૂન કર્યું હતું. જેનું નામ છે કદમ...! એણે કદમના મિત્ર મયૂરને પણ બૂરી રીતે ઘાયલ કર્યો હતો. જે કરણની સરકારી હોસ્પિટલમાં છે ઘરના સ્થળેથી દૂર એક શોપ છે. તેની સીસીટીવી ફુટેજ જોતાં સ્પષ્ટ થાય છે કે તે દિવસે છેલ્લો આ રહીમ જ ઑટો લઈને તે માર્ગ ઉપરથી પસાર થયો હતો. કદમના મિત્ર મયૂરે કરેલા વર્ણન અનુસાર બનાવવામાં આવેલો સ્ક્રેચ પણ રહીમને આબેહૂબ બતાવે છે. રહીમને મયૂર પાસે હોસ્પિટલમાં લઈ જઈ, ઓળખ પરેડ કરાવવામાં આવી હતી...' પરંતુ ઈન્સ્પેકટર કપૂરને બોલતો અટકાવી, સુનંદા બોલી...

'ઈન્સ્પેકટર, આ બધુ મેં કેસ ફાઈલમાં વાંચ્યુ છે... હત્યા સમયે વપરાયેલું શસ્ત્ર તમે શોધ્યું નથી સ્થળ ઉપરથી મળેલી રીવોલ્વર કદમના નામ ઉપર થઈ છે. કરણના માર્ગ ઉપરથી પસાર થનાર રહીમને આરોપી ઠેરવવો વ્યાજબી નથી. મયૂર તો કદમનો જ સાગરીત હતો...' ખેર... આ કેસની સુનાવણી આવતી દશમી તારિખે સાંભળવામાં આવશે... રહીમ, અઠવાડીયે એક વખત પોલીસ સ્ટેશને જઈ તારે હાજરી આપવાની રહેશે. તારાથી રાજ્યની હદ બહાર જઈ શકાશે નહી... કહી સુનંદાએ કોર્ટ છોડી દીધી...! એ પોતાની કેબીનમાં આવી...! અડધો કલાક એ વિચારોનાં વાદળોમાં ફંગોળાવા લાગી. એ સ્વગત બોલી... 'તો તે દિવસે મારી ઈજ્જતની રખોપાં કરનાર આનુ નામરહીમ હતું. શું મેં આજે યોગ્ય નિર્ણય લીધો છે !? મારી હાજરીમાં રહીમની તલવારથી કદમનું મોત નીપજ્યું હતું. આજે તો આ કેસનો અંતિમ નિર્ણય મેં ટાળી દીધો, પરંતુ હું અંતિમ નિર્ણય શું લઈશ.' બહેન બેટીની ઈજ્જતનાં રખોપાં કરનાર આ અલ્લાહનાં ફીરસ્તાને, શું હું ફાંસી ઉપર ચઢાવીશ...? ભલે ઈન્સ્પેકટર કપૂર પાસે અલ્લાહનાં કોઈ જ આઈ વીટનેસ નથી, પરંતુ એ રહીમની પાછળ પડી...! અને... જો તે દિવસે રહીમની ઑટોમાં હું સ્વાર હતી, તેવું જો એ પકડી પાડશે, તો...? ઓહ...! શું એ મને આઈ વીટનેશ બનાવી...! ના... ના...મારે રહીમને બચાવી લેવો જ જોઈએ. જો કોર્ટ દ્વારા એને ફાંસી થશે. તો મને પણ ન્યાયની દેવી માફી નહીં આપે...! સમાજમાં કોણ આગળ આવી, મારા જેવી બેટીની ઈજ્જતનું રખોપું કરશે !

વિચારોમાં અટવાતી સુનંદા કેબીન બહાર આવી. ડ્રાઈવર ગણપતે, દોડીને એની બ્રીફકેસ લઈ લીધી. સુનંદાની નજર દૂર ઉભેલા રહીમ ઉપર પડી. કદાચ એ સુનંદાને મળવા ઈચ્છતો હશે, પરંતુ એ ડરીને વૃક્ષ નીચે જ ઉભો રહ્યો હતો સુનંદા એની પાસે જઈ બોલી...

'વડીલ, મેં તે દિવસે આપનું નામ પણ પૂછ્યું ન હતું. રહીમચાચા આપને આજે આરોપીનાં પીંજરાંમાં ઉભેલા જોતાં હું દ્રવી ઉઠી હતી... પરંતુ...

'મેડમ...!' પરંતુ રહીમને અટકાવી સુનંદા બોલી... 'મેડમ...! નહીં...! બહેન કહી ચાચા...!' 'બહેન, તે દિવસે હું તો આપને એક સામન્ય કોલેજ કન્યા માનતો હતો. આ...પને આજે આવા ઉચ્ચ હોદ્દા ઉપર જોતાં હું આશ્ચર્ય રીતે જોઈ રહ્યો હતો. બહેન, મને મોતની પરવા નથી. મારા જેવા સમાજનાં ક્ષુલ્લક આદમીની સમાજને શું જરૂર છે ? આપતો કાનૂનની રખેવાળ દેવી છો...! બહેન મારી વિરૂદ્ધમાં અંતિમ નિર્ણય લેતી વખતે આપની કલમ ડગમગવી નહીં જોઈએ. હું ખૂની છું તમે મને શિક્ષા જરૂર કરજો...! એનો મને કોઈ જ રંજ નથી...!' રહીમને બોલતો અટકાવી, સુનંદા બોલી...

'ચાચા...! આપે કોઈજ ગુન્હો કર્યો નથી. સ્ત્રીની ઈજ્જતનાં રખેવાળને હું ખૂની કેવી રીતે ઠરાવી શકું ? કોઈ તબીબનાં હાથે કોઈ દર્દીનું મોત નીપજે, તો શું તે તબીબ ખૂની ઠરે ખરા...? જલ્લાદ આરોપી ખૂનીઓને ફાંસી ઉપર લટકાવે. તો શું તે ગુન્હેગાર બને છે ? ચાચા... તમે 

તૂટશો નહીં...! ઈન્સ્પેકટરનું કામ તેને કરવા દો. આપણે તે કામ કરવું નથી..! રજુ કરેલા પુરાવાઓ, જોઈને કોઈપણ જડજ નિર્ણય લે છે. નિતી પણ આમ જ કહે છે.  કર્મનો સિદ્ધાંત પણ કંઈક આવું જ કહે છે. તમે નિર્દોષ છો, આપે એક પાપીને હણ્યો છે, એ હણાયો નહીં હોત તો એની એકાદ ગોળી ઉપર આપનું નામ લખાયું હોત, એ નિર્વિવાદ છે. ખેર..., હવે હું જાઉં છું. ચાચા આપની તો પૂજા કરવી ઘટે... આપને મોત નહીં દેખાય...' અને સુનંદા રહીમને એકલો છોડી ચાલી ગઈ...! એ કારમાં બેઠી એટલે ડ્રાઈવરે કાર દોડાવી.


રહીમ વિરૂદ્ધ કદમ અને મયૂર કેસ હવે દશેક મહિના જૂનો થઈ ગયો હતો. સુનંદા કેસની રજેરજથી વાકેફ થઈ ગઈ હતી. આજનાં હીયરીંગમાં એણે અંતિમ નિર્ણય આપવાનો હતો. કોર્ટ રૂમમાં હાજર ઈન્સ્પેકટર કપૂરને ઉદેશી સુનંદા બોલી...

'ઈન્સ્પેકટર આ કિસ્સામાં આપકોઈ વધારાનો પુરાવો રજુ કરવા માંગો છો ?'

'નો... યોર ઓનર...!' કહી ઈન્સ્પેકટર પોતાની જગ્યા લીધી.

'આરોપી રહીમ, આપને અંતિમ વખત પૂછું છું...! આપ કંઈક કહેવા માંગો છો...?'

'યોર ઓનર...! રહીમનાં કિસ્સામાં એને આરોપી પૂરવાર કરવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે, કારણ કે રહીમ બેકસૂર છે...! અમે આપને આ કેસનો નિર્ણય જલ્દી કરવાની આજીજી કરીએ છીએ...' રહીમનો વકીલ બોલ્યો...

'ઠીક છે, કોર્ટ, સાંજે ત્રણ વાગ્યા સુધી, આ કેસને એડજોર્ન કરે છે...! કોર્ટ વીલ અગેઈન ટેઈક અપ ધીસ મેટર શાર્પ એટ થ્રી ઓ ક્લોક...' કહી સુનંદા ઈઠી...!

ત્રણ વાગ્યે કોર્ટ ફરીથી શરૂ થઈ. આખરી નિર્ણય આપતાં સુનંદા બોલી...

'રહીમ વિરૂદ્ધ એવી કોઈ જ થોડા પુરાવો ઈન્સ્પેકટર રજુ કર્યો નથી. બલ્કે રહીમના પક્ષે રજૂ થયેલી દલીલો સ્પષ્ટ કરે છે કે આરોપી રહીમ વારદાતનાં દિવસે તે માર્ગ ઉપર ગયો જ નથી. અન્ય કોઈક ફર્જી નંબરપ્લેટ બનાવી હોય અને યોગાનુયોગ તે રજીસ્ટ્રેશન નંબર રહીમની રીક્ષા સાથે મળતો હોય તેથી એને આરોપી ઠરાવવું યોગ્ય નથી. પોલીસતંત્રે આ કેસમાં ઉતાવળે જે નિર્ણયો લીધા છે. તે બધા મનઘડન છે અને તેમનો ઉદ્દેશ માત્ર એક સજ્જનને ફાંસીના માંચડે ટાંગવાનો છે... કેસ ઈઝ ડીસમીસ્ડ... રહીમ ઈઝ ઈનોસંટ.'

અને... સુનંદા પોતાની ભીની આંખો છૂપાવતી પોતાની કેબીનમાં પ્રવેશી... એ બાથરૂમમાં જઈ ધુ્રષ્કાફાટ રડી પડી...! અને સમજાયું નહીં કે એણે લીધેલો નિર્ણય સાચો છે કે ખોટો છે...!


    Sports

    RECENT NEWS