યુવતીઓને સ્માર્ટ બનાવે છે ક્રાફ્ડ જિન્સ


વર્ષાઋતુ પૂર બહારમાં છે. વરસાદ પડયો નથી કે રસ્તા પર ચોમેર કીચડ ફેલાયો નથી. રસ્તા પર ઠેર-ઠેર ફેલાયેલો કીચડ જબરદસ્ત મુસીબતો ઊભી કરનારો સાબિત થાય છે. ચોમાસામાં આપણને સૌથી વધુ ચિંતા આપણાં કપડાંની થાય છે અને તેમાં પણ સૌપ્રથમ તો આપણું પેન્ટ જ ખરાબ થાય છે. અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં મહાનગરોમાં વરસાદ દરમિયાન ઓફિસ અને શાળા-કૉલેજ જવું કોઈ મહા પડકારથી કમ નથી હોતું. રસ્તા પર પાણી ભરાયેલાં જોઈને જ આપણને પરસેવો  છૂટી જાય છે  વળી, તમારા એક હાથમાં પર્સ હોય અને બીજા હાથમાં મોબાઇલ ત્યારે તમારી મુસીબત બેવડાઈ જાય છે. માટે આજકાલ ચોમાસાની ઋતુમાં યુવતીઓ માટે બહાર પહેરવાનાં કપડાંનો શ્રેષ્ઠ વિકલ્પ છે : ક્રાફ્ડ જિન્સ. આ જિન્સ પહેરવાથી યુવતીઓ સ્માર્ટ તો લાગે જ છે સાથેસાથે આ કપડાં પહેરવાથી તે ગંદા થઈ જશે તેવી ચિંતા પણ સતાવતી નથી. બસ છત્રી ખોલો અને વરસાદનો આનંદ માણો.

ભારતીય મહાનગરોમાં વરસાદે જ યુવતીઓને મજબૂર કરી છે કે તેઓ પોતાના જિન્સને ઘૂંટણ સુધી વાળી લે. વારંવારની આ સમસ્યાને હલ કરવા કોઈએ તેના જિન્સને એવી રીતે ક્રોપ કર્યુ કે ક્રાફ્ડ જિન્સની ફેશન પૂરબહારમાં ખીલી ઊઠી.

ખરેખર તો ક્રાફ્ડ જિન્સ ચોમાસામાં જ નહીં, ઉનાળામાં પણ પહેરી શકાય છે. ઘૂંટણથી થોડું નીચે સુધીનું પેન્ટ અથવા જિન્સ ફક્ત મોડર્ન સેલિબ્રિટીઓની જ પસંદ નથી, મધ્યમ વર્ગીય આધુનિક યુવતીઓમાં પણ તે ઘણું લોકપ્રિય છે. તે ટ્રેન્ડી અને ફેશનેબલ પણ લાગે છે માટે તે બહાર પહેરવાનાં વસ્ત્રોમાં ઘણો સારો વિકલ્પ છે. તમે તેને ઇચ્છો તે સમયે અને સ્થળે પહેરી શકો છો. જિન્સની જેમ જ તેને શર્ટ સાથે પહેરો કે ટોપ સાથે, તે સુંદર દેખાવ આપે છે. તમે તેને પાર્ટીમાં પણ પહેરી શકો છો. સિલ્કી બ્લેક અને સફેદ ક્રાફ્ડ જિન્સ પાર્ટીમાં પહેરવા માટે બિલકુલ યોગ્ય છે.

ક્રાફ્ડ જિન્સની ખાસિયત એ છે કે તેની સાથે તમે કોઈ પણ ફૂટવેર પહેરી શકો છો. ક્રાફ્ડ જિન્સ લીલા, સફેદ કે ઇલેક્ટ્રિક બ્લૂ રંગનું હોય તો પણ ચાલે છે. તે દરેક સ્માર્ટ યુવતી પર શોભે છે. તમે ક્રાફ્ડ જિન્સ કે પેન્ટ સાથે શોર્ટ શર્ટ (કેસિમોલ) પહેરીને પણ સુંદર દેખાઈ શકો છો. જો તમને ગમે તો તમે સ્લિવલેસ ટોપ પહેરી શકો. પ્રિન્ટેડ કે ચટક રંગનું ટોપ પણ ચાલશે. તમે જો થોડો બદલાવ લાવવા ઇચ્છતા હો તો તેના પર તમે ઘણી પેટર્ન પણ બનાવી શકો છો. તેનાં ખિસ્સાં પર 'લેઇસ બીડ' અને દોરાની કારીગરી પણ કરાવી શકો છો. તમે ઠીંગણાં હો કે લાંબાં કે પછી  તમે મોટી વયનાં હો, ક્રાફ્ડ જિન્સ કે પેન્ટ દરેક પર શોભે છે. પશ્ચિમી દેશોમાં તો આ સામાન્ય ચલણમાં છે. તમે થોડાં વધુ પાતળાં છો, તો કાર્ગો સ્ટાઈલનું ક્રાફ્ડ પેન્ટ પણ પહેરી શકો છો. જે તમારા પર ખૂબસૂરત દેખાશે, પણ ધ્યાન રહે કે તે વધુ પડતું ખુલ્લું ન હોય. વધારે ટાઇટ શર્ટ પણ ન પહેરશો. તેનાથી તમે વધારે પાતળાં દેખાશો. કમરથી જાડી મહિલાઓએ ક્રાફ્ડ જિન્સ ખરીદતી વખતે થોડા ડાર્ક રંગની પસંદગી કરવી જોઈએ.

જમાનો બદલાઈ રહ્યો છે માટે ફેશન પણ બદલાઈ રહી છે. સ્ટાઈલ બદલાવી જોઈએ, પણ એવી કે જે આરામદાયક અને સુવિધારૂપ હોય. ગરમી અને વરસાદના દિવસોમાં આ જિન્સ યુવતીઓ માટે આરામદાયક તો છે જ તે ઉપરાંત તે સ્ટાઇલિશ લુક પણ આપે છે. આ પહેરીને ખંચકાયા વગર ઓફિસ જાઓ કૉલેજ, તે દરેક સ્થળે પહેરવા માટે યોગ્ય છે.

City News

Sports

RECENT NEWS