આવ રે કાગડા કઢી પીવા

Updated: Jan 24th, 2023


અંતર - રક્ષા શુક્લ

કવિતા કરવા બેઠો છું, ને સુવાસ આવવા લાગે છે હમામ સાબુની તીખી ને મર્દાના સાંજના પાંચ થયા ને ખાલી સ્ટીલની બાલદીમાં ટપ ટપ પાણી આવવું ચાલું થઈ જાય છે, પણ અહીં તો કયાં કશું ય કહીને આવતું હોય છે! એ બે રીતે ના બને - એક તો લોકો જાણતા હોય તેની, ને આપણે જાણતા હોઈએ તેની તો બને જ કયાંથી ! નળ ખુલ્લો હોય ને સાવ ખાલી બાલદી તેની નીચે રાખી મૂકી હોય ને ગમે ત્યારે ટપ ટપ ટપ થવા લાગે...

- ભરત ત્રિવેદી 

આજકાલ આપણે છાપામાં વાંચતા કે ટી.વી.ના કોઈ ન્યુઝમાં જોતા હોઈએ છીએ કે સંસદમાં કે કોઈ રાજકીય સભામાં સાંસદોનું ગેરવર્તણૂક કરતા હોય છે. ગરિમાયુક્ત વાતાવરણની ઐસીતૈસી. એક રાજકીય અભિવાદન સમારોહમાં લોકોને એક નવી વાતનું જ્ઞાાન થયું. એક કાર્યકરમાં ભારે મજાકના સૂરમાં વાત કરતા હતા કે આજે નવી પેઢીના બાળકોને નવું શીખવાનું મળ્યું. બીજાએ પૂછયું કે એવું તે વળી શું નવું શીખવા મળ્યું? તો એ કાર્યકરે જણાવ્યું કે બાળકોને ચકલી ઊડે, કાગડો ઊડે, કબૂતર ઊડે એવું પણ શિખવવામાં આવતું પણ હવે ચકલી, કાગડો કે કબૂતર ઊડે તેમ ખુરશીઓ પણ ઊડે. આ વાંચ્યા પછી બાળરમતમાં ઉડતા આ કાગડાએ મારા મગજને સળી કરી અને કાગડાએ ધામા નાખ્યા. કાગડાને માઈનસ પોઈન્ટ આપતું જગત આખું સાત વાર ખોટું પડે એટલા કાગડાના પ્લસ પોઈન્ટ સામે આવ્યા. 

ભારતમાં સર્વત્ર જોવા મળતો કાગડો બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન કે મ્યાનમારમાં પણ સહેલાઈથી જોવા મળે છે. કાગડો સર્વભક્ષી હોવાથી તેણે કદી ગાવું નથી પડતું કે 'ભૂખ્યા ભજન ન થાય ગોપાલા...'  તેને વેજ-નોનવેજ બધુ ખપે છે. મૃત ઉંદરો, તીડ, ઊધઈ, ઈંડાં, જીવાત, રસોડાનો એંઠવાડ, સડેલાં ફળો કે ધાન્ય વગેરે ગમે તે પ્રકારનું ભોજન એ આરોગી શકે છે. તે દૂધ પણ પીએ છે ! મે થી આગસ્ટ કાગડાની પ્રજનનતુ હોય છે. આથી ચોમાસામાં મોટાભાગે વડ, પીંપળો, લીમડો, ઉમરો, આંબો કે મહુડા જેવા વિશાળ અને ઊંચા વૃક્ષો પર લોખંડના તાર અને જાડાં સાંઠીકડાંથી માળા બનાવે છે. જ્યાં વાંદરા વધુંહોય ત્યાં કાગડા માળો બાંધતા નથી. કેમ કે વાંદરા કાગડાના માળા તોડી ઈંડા જમીન પર નાખી દે છે. વરસાદ કે વંટોળ સામે ટકી શકે તેવો એ મજબૂત માળો બીજા વર્ષે પણ આ પક્ષીના ઉપયોગમાં આવે છે. ઈંડાં મૂકવાની જગ્યામાં ઊન, વાળ, કપડાના ટુકડા કે દોરા જેવી મુલાયમ વસ્તુઓ ગોઠવે છે. માદા પક્ષી આછા ભૂરા કે લીલાશ પડતા ભૂરા રંગનાં ૪ થી ૬ ઈંડાં મૂકે છે.

કાગડો એક અત્યંત વિચક્ષણ અને તકવાદી પક્ષી છે. ચાલાકી તેમજ ચતુરાઈમાં કાગડો અજોડ છે. બાજ, ઘુવડ, શકરો જેવા શિકારી પક્ષીઓ પણ કાગડાને છંછેડવાની હિમત કરતાં નથી કારણ કે આપત્તિ સમયે તે ગળામાંથી એક ખાસ પ્રકારનો અવાજ કાઢે છે. જેનો ધ્વનિ હવામાં રેલાતાં જ આસપાસ રહેલી અન્ય કાગડાઓની ફોજ તેની મદદે આવી જાય છે. કાગડો તેના બચ્ચાના રક્ષણ માટે દુશ્મન પર તેની ચાંચ વડે જીવલેણ હુમલો કરે છે. આ પળે મેં નજરે જોયેલો એક કિસ્સો યાદ આવે છે. હું સવસ કરતી એ શાળાના એક લીમડા પર એક કાગદંપતીએ માળો કરેલો. પછી કોઈ અનિવાર્ય કારણસર એ જે તે ડાળ કાપવાની જરૂર પડી હશે. માળો ડાળીઓ વચ્ચે ઘેરાયેલો એટલે કાપતા સમયે ધ્યાન નહીં ગયું હોય અને માળો પડી ગયો. જો કે તેમાં ઈંડા હતા નહીં. પણ પેલા કાગડાએ અમારા પ્યુનને બરાબર યાદ રાખી દાઢમાં રાખ્યો અને એ ઘરેથી સ્કૂલ આવતો-જતો હોય ત્યારે રોજ એના માથામાં ચાંચ મારતો. પછી થોડો સમય એ મોં છૂપાવીને આવ્યો પછી એ કાગડો એને ભૂલ્યો. 

પરંતુ આવા ચતુર-ચાલાક કાગડાને જો કોઈ છેતરી શકતું હોય તો તે કોયલ છે ! કાગડા અને કોયલની સંવનન ઋતુ હોય છે. કોયલની એક ખાસિયત એ છે કે તે પોતે ક્યારેય પોતાનો માળો બાંધતી નથી. માદા કોયલ ને જ્યારે ઈંડા મૂકવાનો સમય આવે ત્યારે તેનો નર કાગડાના માળાની બાજુમાં બેસીને તેને છંછેડે છે. આથી ગુસ્સે થયેલ કાગદંપતી નર કોયલને ભગાડવા તેનો પીછો કરે છે. આ સ્થિતિનો લાભ લઇને નજીકની ડાળી પર છુપાઈને બેઠેલી માદા કોયલ સિફતથી કાગડાના માળામાં જઈને ઈંડા મૂકીને ત્યાંથી રફુચક્કર થઇ જાય છે. કાગડો એટલે છેતરાઈ જાય છે કે કોયલનાં ઈંડાં કાગડાનાં ઈંડાંને મળતાં આવે છેત તફાવત એટલો જ કે એ સહેજ નાનાં હોય છે અને રંગે લીલાશ પડતી છાંટવાળાં પથ્થરિયા રંગનાં હોય છે. પોતાનાં ઈંડાં માટે કાગડાના માળામાં જગ્યા કરવા કોયલ ક્યારેક કાગડાનાં એકાદ-બે ઈંડાં માળામાંથી નીચે પણ નાંખી દે છે. તો ક્યારેક કાગડાના એક જ માળામાં ૧૩ જેટલાં ઈંડાં પણ જોવા મળે છે. હોશિયાર કહેવાતા કાગદંપતી ઈંડાંનું સેવન અને બચ્ચાંનો પૂરેપૂરો ઉછેર કરે છે. કોયલના ઈંડાને પણ પોતાના જ સમજીને વારાફરતી તેનું સેવન કરે છે અને બચ્ચાંને ખોરાક પૂરો પાડે છે. જ્યારે ઉછરેલા બચ્ચાં મોટા થતા ગળામાંથી જુદો અવાજ કાઢે છે ત્યારે એ કોયલનાં છે એવી જાણ થતાં કાગદંપતી બિચારું ઘણી હતાશા અનુભવે છે. પછીથી એ કાગડાના માળામાંથી ઊડી જાય છે. 

ટોળામાં ભેગા થયેલા કાગડાઓ, એની ચર્ચાસભા હવે આંખોને દુર્લભ છે. કોઈ કાગડાનું શબ ક્યાંક જોવા મળે ત્યારે મણિલાલ પટેલના શબ્દોમાં 'કાગડા લોકાચારે' ભેગા થયા હોય તેમ લાગે.  કાગડાની જાતિ પક્ષીઓમાં સૌથી વધારે સંપીલી ગણાય છે. કાગડો તેના શિકારને છુપાવતો નથી. એ જાતભાઈઓને પણ સાદ કરી બોલાવે છે. મુશ્કેલીમાં મુકાઈ ગયેલા સાથીદારને તે જીવના જોખમે પણ મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ પંખી હંમેશા રહસ્યવાદ, દંતકથાઓ અને રહસ્યોથી ઘેરાયેલું છે. એક કાગડો બીજા કાગડાનું માંસ કદી ખાતો નથી. 'કાગડાને માત્ર એક આંખ હોય છે' કે 'તેનો સંભોગ જોવાથી મનુષ્યનું આયુષ્ય છ માસમાં પૂરું થાય છે' આવી પ્રચલિત માન્યતાઓ વજૂદ વગરની છે. 'કાગડા બધે કાળા કેમ હોય છે' એવું કોઈ પૂછે તો તરત કહી દેવું 'કારણ કે બગલા ધોેળા હોય છે'. 

પૌરાણિક કથાઓમાં વણાયેલ રેવેન ક્રો ના ટેંટૂ બોડી પર ચિતરવાની પરદેશમાં ફેશન છે. પ્રાચીન સમયમાં કોઠાસુઝથી લોકો વરસાદનો વરતારો કાઢતા તેમ વૃક્ષો પરના કાગડાના માળાના સ્થાન પરથી પણ ચોમાસામાં કેવો વરસાદ પડશે તેનુ અનુમાન કરતા. જો કાગડાનો માળો વૃક્ષની ટોચ પર હોય તો તે વરસે ઓછો વરસાદ થાય પરંતુ જો કાગડો તેનો માળો વૃક્ષના મધ્યમાં ને ઘટાદાર ભાગમાં બાંધે તો તે વરસે અતિવૃષ્ટિ થાય. વરસાદની આગાહી માટે ભડલી-વાક્યો કે જે લોકસાહિત્ય નથી એ પણ પરંપરાથી જાણીતા છે અને સમગ્ર ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લોકોના કંઠે સંઘરાઈને પ્રચલિત બનેલી ઉક્તિઓ છે. કાગડા વિશે ભડલીની ચોપાઈ.....

રાત્રે બોલે કાગડા..દિન બોલે શિયાળ ત

તો ભડલી એમ જ કહે...નિશ્ચે પડશે દુકાળ

વર્ષોે પહેલા એવું કહેવાતું કે કાગવાણીના જાણકારો ગામેગામ ફરતા અને કાગવાણી ઉચ્ચારતા. જ્યોતિષીઓની માણસનું ભાવી ભાખે તેમ આ કાગવાણિયો કાગડાની ભાષા કે બોલી ઉકેલી શકતા અને એ મુજબ ભવિષ્યની આગાહી કરતા અને તે સાચી પણ પડે. કવિતા, કંઠ અને કહેણીના કવિ દુલાભાયા કાગ એક નોખી માટીના માનવી અને કવિ હતા. 'કાગડા'ને સંબોધીને તેમણે લખે અનેક દુહા અત્યંત પ્રચલિત છે. એમના સંદર્ભે લખાયેલ એક પ્રસંગ યાદ કરી મેઘાણીભાઈ લખે છે કે 'નવા મહંતને ગાદી સોંપાવાના ટાણે ગરાસિયા ભાઈઓનો ડાયરો મળ્યો હતો. કવિ દુલાભાઈને કુસુંબો લેવરાવવાની ધડ ચાલતી. એ માટેનો આગ્રહ, રોષ, દબાણ બધુંું જ અજમાવાતું. કેટલાક તો વળી ગાળો ભાંડતા કે''અંતે તો કાગડો ખરો ને ? કાગડાનાં મોઢામાં રામ હોય કે દી ?' આવું કહેતા બંધાણીઓ વચ્ચે ખરેખર તો 'કાગડા' કોણ હતા એ આપોઆપ જ ફલિત થઇ જાય છે. વળી એ તમામ પ્રહારો ખમી ખાતા દુલાભાઈની સામે ત્યારે એક સન્મિત્રની અપશબ્દ વગરની મીઠી કાકલૂદી પણ ભળી છતાં એમણે કસુંબાનો એક છાંટો પણ ન લીધોે તે ન જ લીધોે. 

સાહિત્યમાં વણાયેલી કાળા કાગડાની વાતો વાંચીને હૃદય રૂપાળું થતું હોય તેમ લાગે. કાલિદાસકૃત 'મેઘદૂત'ના અનુકરણમાં 'પવનદૂત', 'હંસદૂત', 'ઇન્દુદૂત' એમ અનેકો દ્વારા મોકલાતા સંદેશાનાં કાવ્યો રચાયાં છે. મેઘની જેમ કુંજલડી સાથે નાયિકા પોતાના વહાલમને સંદેશો મોકલે છે. અન્યત્ર પોપટ, સૂડલો, કાગડો અને ભ્રમર, પવન વગેરે સાથે સંદેશા મોકલાયા હોવાની રચનાઓ થઈ છે. શુકનશાની દ્રષ્ટીએ હિંદુ ધર્મમાં છોડ, પ્રાણીઓ અને પક્ષીઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. એમાંથી એક છે કાગડો. કાળા રંગના આ પક્ષીને યમનો દૂત માનવામાં આવે છે. સંસ્કૃતમાં કાગડાનું એક નામ જયંત પણ છે. મોરના રૂપની કે કોયલના કંઠની ઈર્ષા કરતા કાગડાની વાર્તા બાળકોને કહીએ ત્યારે તરત પેલું જાણીતું સુભાષિત યાદ આવે કે...

કાકઃ કૃષ્ણઃ પિકઃ કૃષ્ણઃ કો ભેદઃ પિકકાકયોઃ। 

વસંતસમયે પ્રાપ્તેે કાકઃ કાકઃ પિકઃ પિકઃ ।।

જો કે કાગડો કાળો ભલે હોય પણ કાગડાના ગુણનું ગૌરવ કરતો આ દુહો જુઓ...'મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, તાતે તો કૌવા ભલા, તન મન એક હી રંગ.' પ્રખ્યાત નાટયકાર વિલિયમ શેક્સપિયરે તેના જાણીતા કોમેડી નાટક ‘As You Like It’ માં કહ્યું છે કે‘All the world’s a stage, And all the men and women merely Players.’ આ જ વાતને સુખ્યાત કવિ પન્ના નાયકનું આ અછાંદસ પુષ્ટિ આપે છે જેમાં  નાનપણમાં સૌએ સાંભળેલી, જાણીતી બાળવાર્તાની યાદ આપે છે. એ લખે છે 'હું જ / એક ઝાડ છું /હું જ / એ ઝાડની ડાળી પર / બેઠેલો કાગડો / હું જ / એ કાગડાની ચાંચમાંની પૂરી / હું જ / એ ઝાડની નીચે ઊભેલું શિયાળ પણ. / મને કોઈ ખ્યાલ પણ નહોતો / કે /મારે જીવવી પડશે / બચપણમાં સાંભળેલી / આ વારતા !'

‘Old is Gold’ માનતા જુના ગીતોના ચાહકોને સુપેરે સમજાય છે કે આજના જમાનામાં જેમ ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક ભોજન છોડીને ફાસ્ટફૂડ પાછળ પડેલી પાગલ પ્રજા રફી-મુકેશ-લતા કે આશાના અદભુત કર્ણપ્રિય સંગીતને પણ શાંતિથી માણી શકે તેવી નથી. આજે સતત દોડતો માનવી એ સુવર્ણયુગના સંગીતને ભૂલીને રીમિક્ષના રાગડા તાણી રૂપિયા કમાતા છીછરા ગાયકોની વાહવાહ કરે છે ત્યારે જાણીતા કવિ કૃષ્ણ દવે કાગડાના ઉલ્લેખ સાથે સરસ લખે છે કે ...

અપ ટુ ડેટ કાગડા ને કાગડિયું માઈકમાં મંડી પડયા છે કાંઈ ગાવા !

કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચિયામાં નીકળી પડયા છો તમે ન્હાવા ?

કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.

જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

ઉમાશંકર જોષીના કાવ્યસંગ્રહ 'સપ્તપદી'ના પ્રવેશકમાં તેઓ લખે છે કે 'નાનપણથી અવાજોની દુનિયા સાથે આત્મીયતાનો નાતો રહ્યો છે. ગમે તેવાં વ્યવહારકાર્યો વચ્ચે કવિનું હૃદય ઊંચેકાન રહે' તેમના 'પંખીલોક'માં સાંજ પડયે સીમમાં ઘટાટોપ વૃક્ષ પર કાગડા ('વાયસજી' જેવો મીઠો શબ્દ આ કાઠા પંખીઓ માટે પણ !) વધારે કે પાંદડાં એવી મીઠી મૂંઝવણ જગાવતો પ્રશ્ન સાથે તેઓ એક ઓડિયો-વિઝયુઅલ ચિત્ર ખડું કરે છે...

પડતી રાતે ચોગાનમાં - સીમમાં તોતિંગ વૃક્ષો પર

પાંદડાં વધુ કે વાયસજી, કા-કા-ના શોરનો ગોરંભો

મૂળશંકર વ્યાસે લખેલા અને દિલીપ ધોેળકીયાએ સ્વરબદ્ધ કરેલ ગીત ''આજે સવારના બોલ્યો'તો કાગડો આવશે મે'માન કોઈ દેતો'તો વાવડો'' ગીત નાના હતા ત્યારે ખૂબ ગાયું છે. ગીતોના રાજવી કવિ રમેશ પારેખ પણ એક પ્રોષિતભર્તૃકાના મનોભાવ વર્ણવતા સુંદર લખે છે કે...

લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝયું પડે રે લોલ

હવે તો અમુક રકમ જે તે મંદિર કે પૂજારીના એકાઉન્ટમાં જમા કરાવો એટલે તમારા નામથી ટીવીમાં પ્રસાદનો ભોગ કે ચુંદડી ઘરે બેઠા ચડી જાય, ઘરે બેઠા મોબાઈલમાં જ પંદરમી ઓગસ્ટે ધ્વજ ફરકાવી દેવામાં આવે એમ ભાદરવા મહિનામાં કાગડાને દૂધપાક-પૂરીના દર્શન પણ દુર્લભ થઇ પડયા છે. દૂધપાકના ફોટા મોબાઈલમાં હોય અને એને ટેરેસ પર કાગડા સામે મૂકીએ એ તો શિયાળને કુંજામાં આપેલી ખીર જેવો ઘાટ થાય. જો કે દૂધપાક ન મળતા 'આવ રે કાગડા કઢી પીવા' બોલતા કાગડા બિચારા કઢી પીને પણ ચલાવી લે એવું બને. 

અમેરિકન નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, કવિ, પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા શર્મન એલેક્સી એના કાવ્ય 'ક્રો ટેસ્ટામેન્ટ'માં કાગડાને રૂપક તરીકે લઈને મૂળ અમેરિકનો દ્વારા સહન કરવામાં આવેલી યાતના કે પીડાનું ચિત્ર રજૂ કરે છે.

The white man, disguised

as a falcon, swoops in 

and yet again steals a salmon

from Crow’s talons. 

Damn, says Crow, if I could swim

I would have fled this country years ago.  

એલેક્સી ગોરા માણસને 'બાજ' તરીકે દર્શાવે છે જે મૂર્ત રૂપે બાજ તરીકે દેખાતું નથી, તે વેશપલટો કરેલ છે. બાજ આકાશમાંથી નીચે ઉતરી સીધા કાગડા પર ઝાપટ મારી ચોરી કરે છે. આ ચોરી એટલે મૂળ અમેરિકનોને થયેલ અનંત નુકસાન. જે જમીનની ચોરીથી માંડીને યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર અને ઉત્તર અને દક્ષિણ અમેરિકાના તમામ નેતાઓના હાથે થયેલા સામૂહિક સંહાર સુધીનો સંદર્ભ દર્શાવે છે. દરેક ભાષાના સાહિત્યમાં કાગડાના આવા અનેક સંદર્ભોે મળી આવે છે જે આપણા જ્ઞાાનની સીમાને વિસ્તારે છે. 

હિંદુ પુરાણ કથા પ્રમાણે ગરુડજીને જ્યારે અભિમાન આવ્યું ત્યારે બાકી પક્ષીઓએ તેમને કાકભૂશુંડી તાલ જવાની સલાહ આપી જ્યારે ગરુડજી અહીં આવ્યા તો એક કાગડો રામાયણનું પઠન કરી રહ્યો હતો. આ જ્ઞાાની કાગડાને જોઈ ગરુડજીનો અહંકાર ભંગ થાય છે. આ તળાવની નજીક એક પહાડનો આકાર એવો છે જેને જોતા એક કાગડો રામાયણ વાંચી રહ્યો હોય એવું લાગે છે. આવો, અંતમાં બાળવાર્તાના એક કાગડાના વાયદાઓ યાદ કરી હળવા થઈએ...'ઠાગા થૈયા કરું છું ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ કાલ હું આવું છું !' શિયાળભાઈને એટલું જણાવવાનું કે હવેનો કાગડો પગમાં પૂરી લઈને ગીતો ગાય છે... 

ઇતિ 

સંસારમાં સૌથી મોંઘામાં મોંઘી આપવાની વસ્તુ છે સાચું સ્મિત.... 

-ધૂમકેતુ  


    Sports

    RECENT NEWS