Get The App

સ્વર્ગ યહાં, નર્ક યહાં : નવા વર્ષે પ્લેયર બનશો કે પ્રેક્ષક?

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
સ્વર્ગ યહાં, નર્ક યહાં : નવા વર્ષે પ્લેયર બનશો કે પ્રેક્ષક? 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- આ સૃષ્ટિ સર્જનહારે મનુષ્યની સંવેદનાને લખેલો સંગીતમય પ્રેમપત્ર છે. પણ આપણને એ વાંચવા કરતા એના લેખકનું સરનામું શોષવાની ખાલીખમ ખુજલી વધુ છે !

'વી સ વર્ષ પછી તમે જે કરી ના શકયા એવી બાબતોની હતાશા, જે કરવા ગયા એમાં મળેલી નિષ્ફળતાના દુ:ખ કરતા વધુ હશે!'

'પી.એસ. આઈ લવ યુ' નામની એક સમયની બેસ્ટસેલર કિતાબના લેખક એચ. જેક્સન બ્રાઉને નોંધેલું કે એની માએ આ અદ્ભુત વાત એને કહેલીં. અને પછી લખેલું કે લંગર ઉપાડો, વહાણને દરિયામાં ઝૂકાવો, સઢમાં પવન ભરો અને શરુ કરો સપના સાકાર કરવાની સફર.

યસ, ડ્રીમ, ડિસ્કવર. એન્જોય, એકસ્પ્લોર! નવા વિક્રમ સંવતની શરૂઆત કરવા વાંચો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની આ વાર્તા 'એ રોંગ મેન ઇન પેરેડાઇઝ'...

***

એકવાર ધરતી પર એક માણસ હતો. એને બીજા લોકો આળસુ અને નકામો ગણતા હતા. કારણ કે, તે પોતાનો સમય સુંદર વસ્તુઓ બનાવવામાં વીતાવતો, જેમ કે ચિત્રો દોરવા, શિલ્પો બનાવવા અને રમકડાં કોતરવા વગેરે. તે આ કામ કોઈ વ્યવહારિક કારણસર નહીં, ફક્ત આનંદ માટે કરતો. એને મજા આવતી એમાં. એ એવી વસ્તુઓ કરવામાં માનતો જે જીવનને વધુ સુંદર બનાવે, ભલે તે કોઈ 'ઉત્પાદક' હેતુ પૂરો ન કરે. મતલબ, માસ પ્રોડક્શનમાં બનતી એકસરખી માત્ર પૈસા કમાવા વેંચાતી ચીજો એને ના ગમતી. તેની આસપાસના લોકો તેને જોતા, હસતા અને તેની મજાક ઉડાવતા, કારણ કે તેમને લાગતું કે આ માણસ નકામી વસ્તુઓમાં પોતાનો કિંમતી સમય બગાડે છે. એના કરતા કોઈ ધંધો કરે કે મોટું કામ કરે તો ફાયદો થાય. 

જ્યારે આ માણસ મૃત્યુ પામ્યો, ત્યારે એની નોંધ ગેલેક્ટીક રેકોર્ડમાં પણ સરખી નહોતી. કારણ કે એણે કશું મહાન સત્કર્મ કે દુષ્કર્મ કર્યું નહોતું. બસ સૌંદર્યની સાધના કરેલી. પુણ્યના અભાવે એને નર્ક મળે. પણ આકાશી ચોપડામાં  ભૂલને કારણે, તેને નરકની જગ્યાએ સ્વર્ગમાં મોકલવામાં આવ્યો. અને સ્વર્ગ, એટલે કે વર્કર્સ પેરેડાઇઝ! એક એવી જગ્યા જ્યાં દરેક વ્યક્તિ વ્યસ્ત! કોઈને કોઈ ગંભીર અને અર્થસભર હેતુપૂર્ણ કામમાં લાગેલું હોય. એણે જોયું ત્યાં લોકો એક સેકન્ડ પણ કામ વિનાની બગાડતા નથી. બધા સમયના મહત્તમ ઉપયોગમાં માને! જો  કે, આ માણસે સ્વર્ગમાં પણ પોતાની જૂની આદતો ચાલુ રાખી. તે ચિત્રો દોરતો, શિલ્પો બનાવતો, સુશોભનની સુંદર વસ્તુઓ બનાવતો. તેની પાસે ન તો કોઈ નોકરી હતી, ન તો કોઈ ટાઈમટેબલ, ન તો તેમાં જોડાવાનો કોઈ ઇરાદો. હવે ધરતીની જેમ, સ્વર્ગમાં પણ લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા. 

તેઓ કહેવા લાગ્યા કે 'આ તો જો! સ્વર્ગમાં છે, છતાં પોતાનો સમય બગાડે છે! ઉપયોગી કામ કરવાને બદલે વેડફાટ કરે છે.' એક વાર જ્યારે આ માણસ સ્વર્ગમાં નદીના કિનારે એમ જ ફુરસદમાં નિરાંતજીવે બેઠો હતો,  ત્યાં એક અપ્સરા જેવીં રૂડી છોકરી પાણી ભરવા માટે ઘડો લઈને આવી. પાણી ભરીને એ ખૂબસુરત કન્યા તરત જ ચાલી ગઈ, કારણ કે તેની પાસે વેડફવા માટે સમય ન હતો. તે એટલી વ્યસ્ત હતી કે તેની પાસે પોતાના વાળ ઓળવાનો પણ સમય ન હતો! આ સિલસિલો ઘણા દિવસો ચાલ્યો!  એ મોહિની જેવી છોકરી હંમેશા ઉતાવળમાં આવતી અને ઉતાવળમાં જતી રહેતી. 

એક દિવસ તે છોકરીને રોજ બેસીને એને ચૂપચાપ નીરખતા આ માણસ પર દયા આવી. તેણે વિચાર્યું કે તે આ બેરોજગારને પણ કોઈ કામ શોધી આપવાની ભલાઈ કરું. પણ જ્યારે એ છોકરી તેની પાસે ગઈ, તો માણસે કહ્યું 'મારે કોઈ કામ નથી જોઈતું. મારે તો તારા કામનો બોજ પણ હળવો કરવો છે.' આટલું બીજી કોઈ વાત કરવાને બદલે હસીને તેનો ઘડો માંગ્યો. કહ્યું - મારે આના પર એક ચિત્ર દોરવું છે.' આ સાંભળીને છોકરી ગુસ્સે થઈ ગઈ!  એણે કહ્યું કે, 'મારી પાસે આ નકામી બાબતો માટે સમય નથી!' અને તે ચાલી ગઈ. બીજા દિવસે એ છોકરી પાણી ભરવા આવી તો માણસે ફરીથી ઘડો માંગ્યો. છોકરીએ ના પાડી. માણસ જે ખુશાલી સાથે પૂછતો એમાં શાંતિ ને પ્રફુલ્લતા હતી. તો પછી એક દિવસ છોકરીએ તે માણસને પોતાનો માટીનો ઘડો આપી દીધો. માણસે ઘડા પર એક પછી એક રંગોથી સજાવટ કરી. એક નયનરમ્ય ચિત્ર દોરીને તેને પાછો આપ્યો. 

છોકરી ઘડા પરનું કલાત્મક ચિત્ર સમજી શકી નહીં. તેણે માણસને પૂછયું કે 'આ ચિત્રનો શું હેતુ છે? અર્થ શું છે?' આ સાંભળીને માણસ ખડખડાટ હસ્યો અને બોલ્યો. 'તેનો કોઈ હેતુ નથી. કોઈ અર્થ નથી. બસ એમ જ મન થયું ને મોજથી બનાવ્યું.'  મૂંઝાયેલી છોકરી ઘડો લઈને ઘરે પાછી ગઈ. છોકરીએ ઘરે પાછી ફરીને પોતાના એ ચીતરાયેલા ઘડાને ધ્યાનથી જોયો. ધીમે ધીમે એને સમજાય નહિ એવું કશુંક એ ભાતમાં ગમી ગયું! બીજા દિવસે જ્યારે તે પાણી ભરવા જઈ રહી હતી, ત્યારે તે કંઈક બદલાયેલી લાગી. માણસે જોયું કે તે રોજની ઝડપને બદલે આજે  જરા ધીમે-ધીમે ચાલી રહી હતી અને કોઈ મૂંઝવણમાં હતી. નદી પર પહોંચીને તેણે સામેથી માણસને પૂછયું કે 'તારે મારી પાસેથી શું જોઈએ છે?' માણસે કહ્યું કે એ તેના માટે એક રંગીન રિબિન બનાવવા માંગે છે. છોકરીએ પુછયું : 'શા માટે? તારે શું જોઈએ' માણસે કહ્યું : 'નથિંગ'. પછી તો એ માણસે એક સોહામણી રંગીન રિબિન બનાવીને છોકરીને આપી. રિબિન મળ્યા પછી છોકરીને તેને પોતાના વાળમાં બાંધવાનું મન થયું. એને લીધે ઓળેલા વાળ એને ગમ્યા. ચહેરો પોતાનો એણે આયનામાં ધારીને જોયો. 

આમ ને આમ એ હવે શણગાર સજીને તૈયાર થવા લાગી. સજવા સંવરવાનો શોખ લાગતા તેનું બાકીનું કામ અધૂરું રહી જતું. દિવસે-દિવસે તે પ્રમાદી થતી જતી હતી. તે પોતાના કામ પર ધ્યાન નહોતી આપતી. તે હવે સમયનો નીચોવાઇને પૂરો ઉપયોગ નહોતી કરતી. માણસની કળા અને સર્જનાત્મકતાથી પ્રભાવિત થઈને છોકરી પોતાની જૂની દિનચર્યા (સમયનો પૂરો કસ કાઢીને ઉપયોગ કરવાની ટેવ) પર સવાલ ઉઠાવવા લાગી! એ તે નકામા માણસની સાથે સમય વીતાવવા લાગી,  નાચવાનું, ગાવાનું, ચિત્રો દોરવાનું શીખવા લાગી અને ખુદના આનંદ માટે કામ કરવા લાગી. 

હવે તેની હાજરીથી વર્કર્સ પેરેડાઇઝની વ્યવસ્થાને ખોરવાઈ જતી હતી. એ પ્રસન્ન અને આરામથી તૈયાર થયેલી છોકરીને જોઈને, ધીમે-ધીમે સ્વર્ગના બીજા લોકો પણ બદલાવા લાગ્યા અને આળસુ થવા લાગ્યા. તેમનું ધ્યાન પણ તે માણસના ચિત્રો અને શિલ્પો તરફ જવા લાગ્યું. આથી વર્કર્સ પેરેડાઇઝની સંસ્કૃતિમાં ફેરફાર થવા લાગ્યો. એ બધા પણ પોતાના આનંદ માટે આરામ કરીને કામ કરવા લાગ્યા. સ્વર્ગના વડીલો ચિંતિત થયા, કારણ કે સ્વર્ગમાં આવું પહેલાં ક્યારેય નહોતું થયું. સ્વર્ગમાં પહેલીવાર એવું થયું કે લોકો પોતાનું કામ અધૂરું છોડી રહ્યા હતા. લોકોનું આમ કાયમનું કામ છોડવાનું કારણ જાણવા માટે સ્વર્ગના લોકોએ એક બેઠક બોલાવી. ત્યારે ત્યાં હાજર  હવાઈ સફર કરતા સોનેરી પાંખોવાળા દેવદૂતે ખુલાસો કર્યો કે 'આ માણસ અહીં હોવો જ ના જોઈએ. ભૂલ થઇ છે, તે ભૂલથી એક માણસને નરકમાંથી સ્વર્ગમાં લઈ આવ્યો. અને આ જ કારણે આ બધું થઈ રહ્યું છે.' સ્વર્ગના પ્રમુખે તે માણસને બોલાવ્યો અને તેને તાત્કાલિક સ્વર્ગ છોડવા હુકમ કર્યો. 

આ 'ખોટો' સ્વર્ગમાં આવેલો માણસ આ વૈવિધ્યના અભાવે કંટાળાજનક એવા સ્વર્ગમાંથી  રાહતનો શ્વાસ લઈને,  હાથમાં ચિત્રોના રંગ ને પીન્છીનો સામાન લઈને, કોઈ ગીત ગણગણતો સ્વર્ગ છોડવા નીકળ્યો. પણ જ્યારે તે જતો હતો, ત્યારે નદી પાસેથી પેલી છોકરી આવી. બોલી, 'થોભ, મારે પણ તારી સાથે આવવું છે' છોકરીના આ નિર્ણયથી સ્વર્ગના લોકો ચોંકી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે કોઈ અર્થ ને કોઈ હેતુ વિનાના આ માણસ માટે આ યુવતી સ્વર્ગ કેમ છોડી રહી છે!

***

ગ્રીક પુરાણકથાઓમાં,  લિબિયાના રાજા ડેનાઈડસની પચાસ રૂપાળી જુવાન પુત્રીઓ હતી. આર્ગોસમાં વસી ગયેલો ડેનાઇડસ શાંતિપૂર્વક જીવતો હતો. જ્યાં સુધી એક વહાણ આવ્યું નહીં, જે તેના દૂરના પિતરાઈ ભાઈ એજિપ્ટસના પચાસ પુત્રોને લઈને આવ્યું હતું, જેઓ ડેનાઇડ્સ સાથે એની પચાસ પુત્રીઓ સાથે લગ્નની માંગ કરી રહ્યા હતા. ડેનાઇડ્સને આ વાત મુદ્દલ ગમી નહિ, પણ વિરોધ કરવામાં રાજ્યની શાંતિને ગ્રહણ લાગી જાય! નિર્દોષોનું લોહી રેડતું યુદ્ધ ટાળવા માટે, ડેનાઈડસે સંમતિ આપી, પરંતુ ગુપ્ત રીતે દરેક પુત્રીને એક ખંજર આપ્યું, અને તેમને તેમના લગ્નની રાત્રે જ તેમના પતિઓને મારી નાખવાની સૂચના આપી. 

માત્ર એક દીકરી નામે  હાયપરમ્નેસ્ટ્રાએ તેની આજ્ઞાનો વિરોધ કર્યો,  અને દયા રાખીને તેના પતિ લિન્સીયસને બચાવ્યો. બાકીની ઓગણપચાસ બહેનોની નિંદા સાથે એમને આ અપરાધ બદલ દેવતાઓ દ્વારા શાશ્વત સજા કરવામાં આવી અનંતકાળ સુધી ઘડાથી પાણી ભરીને એક તપેલીને ભરવાનું. પરંતુ તપેલીમાં અસંખ્ય છિદ્રો હતા, એ સ્ત્રીઓ પાણી ભરે પણ કાણામાંથી પાણી સરકી જાય. ફરી ભરવું પડે, ફરી નીકળી જાય. પાણી ભરવાનું ફરજીયાત. પણ આજીવન કામ પૂરું થાય જ નહિ ને એકનું એક કરવામાં થાક કંટાળાને લીધે વધી જાય.  જેનાથી તેમનો મહેનત સાવ અર્થહીન બની ગઈ અને આ કથા બની - નિરર્થક પરિશ્રમનું એક ભયાનક પ્રતીક આપણામાં મોટા ભાગના ધારે એનાથી વધુ ઝડપે એક પછી એક વર્ષો પસાર થઇ રહ્યા છે. પણ કેટલાની મોનોટોની છૂટે છે? કબૂલ, આપણે વાર્તામાં નથી જીવતા. વાસ્તવિકતામાં જીવીએ છીએ. એટલે કામ તો બેશક કરવું જ પડે. કમાણી પણ સારી કરવી પડે, કારણ કે આવક કેટલી વધી એના દાવા કરનારા રૂપિયાનું મૂલ્ય કેટલું ઘટયું એ ભૂલી જાય છે! પણ એ કામ કરીને, એ દામ મેળવીને અંતે કરવાનું શું ? એનો જવાબ બહુ ઓછા પાસે છે. ઘણા તો એ ઉત્તરના અભાવે આ સંસાર અસાર છે, કહીને બધું છોડવાનું વિચારે છે. પણ નવીનતા વિનાની એકવિધતા તો સંન્યાસમાં પણ છે. એટલે તો ઘણા સાધુઓ લોકકલ્યાણ કે ભક્તિની પ્રવૃત્તિના નામે પોતાને વ્યસ્ત રાખે છે. જેથી બોરિંગ રૂટિનમાંથી હાશકારો મળે!  અહીં વાંચ્યું એમ સ્વર્ગમાં કે મોક્ષમાં પણ કોઈ એવો સ્વાદ નથી. જે આનંદ પણ એકધારો કાયમી બને છે. એ સુખને બદલે દુ:ખ આપે છે!

૨૦૨૧માં એક મસ્ટ સી સાયન્સ ફિક્શન ફિલ્મ આવેલી 'ટ્રુમેન શો' અને 'મેટ્રિક્સ'ના ડિઝનીફાઈડ ફન વર્ઝન જેવી. ડાયરેક્ટર શોન લેવી અને એકટર રાયન રેનોલ્ડસની 'ફ્રી ગાય'. જેમાં એક શબ્દ મહત્વનો હતો. 'એનપીસી' યાને નોન પ્લેઇંગ કેરેક્ટર્સ. પ્લોટ એવો હતો કે એક વિડીયો ગેઈમ છે, જેમાં માહોલ બનાવવા માટે કેટલાય પાત્રો બનાવવા પડે. જેમણે રોજેરોજ ગેમ શરુ થાય એટલે એકનું એક કામ કરવું પડે. કોઈ ગાર્ડ હોય, કોઈ કોફી શોપની વેઈટ્રેસ હોય, કોઈ બેંક કેશિયર હોય. એમના હાસ્ય, ચીસ, અકસ્માતો, હત્યા બધું જ પ્રિ પ્રોગ્રામ્ડ છે. પ્લેયર હોય, ગેઈમ રમતા હોય એના લેવલ કે થ્રિલ કે ગેઈમના રોમાંચ બદલાય પણ એ ગેઈમમાં જે ખેલાડી નથી એવા પાત્રોએ તો રોજ એકની જિંદગી જ જીવ્યા કરવાની ને ? જો એમાં આત્મા હોય કે ચેતના હોય તો તરત એ સવાલ ઉઠાવે કે આ એકનું એક જીવ્યા મર્યા કરવાના ફેર કરતા અમને મુક્તિ જોઈએ! ને ઉપનિષદના ઋષિઓની યાદ અપાવતા આ સવાલની ખોજ ફિલ્મમાં દિલધડક વળાંક લે છે એક સ્વીટ લવસ્ટોરી સાથે. 

પણ સવાલ થાય તો જ્ઞાનના દ્વાર ખુલે કે આપણે શું આખું જીવન આ સંસારની વિડીયો ગેઈમમાં માત્ર હાજરી પુરાવતા ને વાતાવરણ ભર્યું ભર્યું રાખતા નોન પ્લેઈંગ કેરેક્ટર તરીકે પસાર કરવાનું છે? જેમના સુખ ને દુખ પણ પોતીકાં કે આગવા નથી. એક લાર્જ ડિઝાઈનના ભાગ રૂપે છે! બસ, આ સાયકલ બ્રેક કરવા માટે માણસે પૃથ્વીના સૂર્ય ફરતા ચકરાવાને વરસ ગણવાનું શરુ કર્યુંં. જેથી એક રિમાઈન્ડર મળે કે જે જીવી લીધું એ જ ફરી ફરીને રિપીટમાં જીવ્યા કરવું એ જિંદગી નથી. હવે ટાઈમ છે ગીઅર ચેન્જ કરવાનો. રુટિન બ્રેક કરી કશું જુદું અજમાવવાનો. થોડી નવીનતા જોઈએ. થોડો રસ જોઈએ. થોડી આઝાદી જોઈએ. થોડો પ્રેમ જોઈએ. થોડું ગમતું સૌંદર્ય જોઈએ. થોડો આનંદ જોઈએ. ને આ બધા માટે થોડી કળા જોઈએ.

ટાગોરની કહાની બખૂબી એ સમજાવે છે કે સાચું સ્વર્ગ કોઈ કામના બોજ વિના મનગમતી  મોજ માણવાની સ્વતંત્રતામાં છે. અર્થહીન લાગતા જીવનમાં કોઈ રીતે નવા રંગ પૂરવાની કળામાં છે. ને એને લીધે આકર્ષાઈ જતા કોઈ વ્હાલા સંગાથમાં છે! બધી વાતોમાં પર્પઝ ને મીનિંગ શોધ્યા કરતા સવાલખોર સડિયલો બુદ્ધ ને પણ આ જ પૂછતાં, ને મહાવીરને પણ. મોહમ્મદ ને જીસસ પાસે પણ જતા ને કૃષ્ણ ને રામ પાસે પણ. ઓશો હોય કે કૃષ્ણમૂર્તિ, મોરારિબાપુ હોય કે પ્રેમાનંદ મહારાજ... સવાલો વરસ્યા જ કરે છે એકના એક. કારણ કે બધાને લાઈફ જાણે કોઈ લોક હોય એમ એની માસ્ટર કી શોધી લેવી છે. પણ ખરો આનંદ એ છે કે જે જીવનમાં બધી જ બાબતોના અર્થ ને હેતુ શોધવાની પાગલપંતી છોડે અને જસ્ટ રિલેકસ્ડ કોઈ સર્જન કરતા કે માણતા શીખે ને એમ બીજાને પણ ખુશીની તલાશ શીખવાડે. બોલીને નહિ, જીવીને! 

નહિ તો શ્વાસો લઈને ઉંમરમાં વર્ષો ઉમેરવા એ કાણાવાળા પાત્રમાં પાણી ભરવા જેવું જીવવાનું છે. પરિશ્રમ પૂર્ણ પણ પ્રસન્નતા શૂન્ય ! યાદ રાખજો, સતત એકધારાપણું નર્ક છે, અને નાવીન્યપૂર્ણ સર્જકતા એ સ્વર્ગ છે. નવા વિક્રમ સંવંતમાં પ્રવેશના વધામણા...

ફાસ્ટ ફોરવર્ડ 

તું પ્રવાસ કર,

નહીંતર તું જાતિવાદી બની જઈશ

અને તને લાગશે 

કે તારાં જ ચામડી-રંગ-રૂપ અને વેશ શ્રેષ્ઠ છે;

કે માત્ર તારી જ ભાષા મીઠી છે

અને તને લાગશે કે 

આ જગતમાં તું અને તારાં લોકો જ 

સૌથી પ્રાચીન અને મહાન છે!

તું પ્રવાસ કર,

નહીતર તારું મનમંદિર બીમાર બનશે

કારણકે એમાં તાજા વિચારોની 

ધજા નહીં ફરકતી હોય.

તારાં સપનાં પાંગળાં જન્મશે અને 

તને ટીવી જે દેખાડે છે 

એ જ સાચુકલું લાગશે;

અને નવા દુશ્મનો બનાવવાવાળામાં જ 

તારી શ્રદ્ધા સ્થિર થશે

ને પછી તું કાયમ ફફડાટમાં જીવીશ.

તું પ્રવાસ કર,

કારણકે પ્રવાસ શીખવે છે કે 

માણસ ગમે તે મલકનો હોય 

એને રામ-રામ કહી શકાય

અને ભીતર ગમે તેવું અંધારું 

લઈને ફરતા દરેકના 

ખબરઅંતર પૂછી શકાય.

તું પ્રવાસ કર,

કારણકે પ્રવાસ તાબે થતાં નહીં 

પણ પડકાર ઝીલતાં શીખવે છે.

કોઈપણ ગ્રંથિ વગર લોકો જેવાં છે 

એવાં એમને સ્વીકારવા, તું પ્રવાસ કર.

તારું પોત અને પાણી માપવા તું પ્રવાસ કર. 

સરહદ, સંસ્કૃતિ કે પરંપરાથી પર છે 

એવાં વિશ્વ-કુટુંબનો ભાગ બનવા તું પ્રવાસ કર.

પ્રવાસ અન-હદ શીખવે છે.

તું પ્રવાસ કર,

નહીંતર તને એમ જ લાગશે 

કે તારે માત્ર બહારની દુનિયાનાં 

રૂપરંગ જોવાનાં છે

પણ દોસ્ત, પ્રવાસ તારી ભીતરની 

ઝાકમઝોળ સાથે તને રૂબરૂ કરાવે છે, 

માટે તું પ્રવાસ કર.

(ઇટાલિયન કવિ જીયો ઇવાનની રચનાનો અનુવાદ વિશાલ ભાદાણી દ્વારા)

Tags :