- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- કુસ્તીમાં વિનેશ, તીરંદાજીમાં અતાનુ દાસ અને દીપિકા કુમારી, શૂટિંગમાં ઝોરાવર સિંહ સંધુ, બોક્સિંગમાં નિખત ઝરીન જેવા સુપરસ્ટાર ખેલાડીઓના આંતરરાષ્ટ્રીય અનુભવને નજરઅંદાજ કરીને ટ્રાયલ્સના આધારે ટીમમાંથી બહાર ફેંકી દેવાયા છે
છે લ્લા કેટલાક વર્ષોમાં ભારતીય એથ્લીટ્સનું વૈશ્વિક સ્તરનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. એથ્લેટિક્સ, બેડમિંટનની સાથે ચેસ તેમજ કુસ્તી-બોક્સિંગ અને શૂટિંગ જેવી રમતોની ચંદ્રક એનાયત કરવાની સેરેમનીમાંં તીરંગાની ઉપસ્થિતિ ઉડીને આંખે વળગે તેવી જોવા મળી રહી છે. રમતોની માળખાગત સુવિધાઓની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રશિક્ષકો અને વૈજ્ઞાનિક ઢબની તાલીમ તેમજ તે માટે સવલતોમાં વધારો થયો છે અને આ જ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભારતના ખેલાડીઓની સફળતાનો ગ્રાફ ઉર્ધ્વગામી બની રહ્યો છે. ભારતમાં પ્રતિભાઓનો અખૂટ ભંડાર છે અને આ હકીકતને કોઈ નકારી શકે તેમ નથી. જોકે યોગ્ય પ્રતિભાને યોગ્ય તક મળે છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન બની રહે છે.
વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓમાં જ્યાં મોટાભાગના ખેલાડીઓના કૌશલ્યો તો બરોબરી પર જ હોય છે, પણ તે સમયે આત્મવિશ્વાસ અને તનાવની વચ્ચે ટકી રહીને સફળતા મેળવવાનો પડકાર હોય છે. આ સમયે ઘણી વખત જોશ કરતાં હોશ એટલે કે અનુભવ ચઢિયાતો સાબિત થયો રહ્યો છેે. જોકે ક્યારેક વિશિષ્ટ પ્રતિભાઓ તેમની આત્મશ્રદ્ધા અને ભાગ્યને સથવારે અનુભવી હરિફોને પણ પછડાટ આપતાં રહ્યા છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ચંદ્રકોની યાદીમાં કોઈ પણ દેશની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેમની ટીમ પસંદગી કરનારાઓના સટીક અંદાજને પ્રદર્શિત કરે છે. જ્યારે કોઈ ખેલાડી વૈશ્વિક સ્તરે સફળતા મેળવે છે, ત્યારે તે ખરેખર તો તેના દેશના પસંદગીકારો - કે જેઓ કરોડો રમત ચાહકોના પ્રતિનિધિઓ હોય છે, તેમની નિર્ણય ક્ષમતાને ખરી સાબિત કરે છે.
સામાન્ય રમત ચાહકો માનતા હોય છે કે, સફળતા અને નિષ્ફળતા માટે ખેલાડી ખુદ જ જવાબદાર હોય છે. જોકે હકીકતમાં પરદા પાછળની હકીકત એ પણ છે કે, બહુરાષ્ટ્રીય રમતોત્સવમાં દેેશના ઓવરઓલ દેખાવનો આધાર જે તે રમતની ટીમ કે ખેલાડીઓની પસંદગી કરનારી સમિતિ પર રહેલો છે. પસંદગી સમિતિના નિર્ણાયકોએ નક્કી કરેલા માપદંડો તેમજ ખેલાડીની વ્યક્તિગત ઓળખ કરવાની સાથે તેના પ્રદર્શનનો અંદાજ માંડવાની કુશળતા જ જે તે ટીમના ઓવરઓલ દેખાવ પર પ્રભાવ પાડે છે. ભારતે ૨૦૩૦માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની જવાબદારી સ્વીકારી લીધી છે અને હવે આંખોમાં ૨૦૩૬ના ઓલ્િમ્પિકની યજમાનીનું સ્વપ્ન સાકાર કરવાની આશાનો દીવો ટમટમી રહ્યો છે, ત્યારે બહુરાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતના ચંદ્રકોની સંખ્યામાં વધારો થાય તે જરુરી છે.
ચાલુ વર્ષે જુલાઈના અંત ભાગ લઈને ઓક્ટબરના પ્રારંભિક સ્પર્ધા દરમિયાન બે મોટા રમતોત્સવોનું આયોજન થવાનું છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ૨૩મી જુલાઈ થી બીજી ઓગસ્ટ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. તે પછી ૧૯મી સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોબર દરમિયાન જાપાનના આઈચી-નાગોયા શહેરોમાં એશિયન ગેમ્સ કે એશિયાડનું આયોજન થવાને છે. હાલમાં આ રમતોત્સવોને ધ્યાનમાં રાખીને ભારતમાં વિવિધ રમતો માટેની રાષ્ટ્રીય ટીમની પસંદગીની ટ્રાયલ્સ ધમધોકાર આગળ વધી રહી છે અને તેની સાથે વિવાદોમાં પણ વધારો થઈ રહ્યો છે.
કોમનવેલ્થ અને એશિયન ગેમ્સની ટીમ પસંદગી અંગેનો સૌથી મોટો વિવાદ તો વિનેશ ફોગાટ અને ભારતીય કુશ્તી સંઘ વચ્ચે ચાલી રહ્યો છે. ભૂતકાળમાં ભારતીય કુસ્તી સંઘ સામે ઉગ્ર વિરોધ નોંધાવનારી વિનેશ ફોગાટે નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચીને પુનરાગમનની તૈયારી કરી. એશિયન અને કોમનવેલ્થ ગેમ્સની આ મલ્ટીપલ મેડલિસ્ટ પહેલવાનને ભારતીય કુસ્તી સંઘે વિવિધ કારણો રજુ કરીને ટ્રાયલ્સમાં ભાગ લેવા ન દીધી. આ અંંગેનો ગજગ્રાહ હવે કોર્ટના રુમમાં પહોંચ્યો છે. અલબત્ત, રમતના ચાહકોમાં એક ચર્ચા એવી છે કે, વિનેશ જો કુસ્તીની મેટ પર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી શકતી હોય તો શા માટે તેને અટકાવવી જોઈએ. કારણ કે આખરે ચંદ્રક તો દેશને જ મળવાનો છે. જોકે આ મામલામાં કુસ્તીની મેટની બહાર ચાલતા રાજકીય દાવપેચ ઘણા મોટા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.
વિનેશનો વિવાદ હજુ તો શમ્યો નથી, ત્યાં જ ધ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ એશિયન ગેમ્સ માટેની ટીમમાં એશિયાના નંબર વન અને વર્લ્ડ રેન્કિંગમાં ચોથું સ્થાન ધરાવતા ટ્રેપ શૂટર ઝોરાવર સિંઘ સંધુને સ્થાન આપ્યું નથી. ઝોરાવરે હજુ ગત વર્ષે જ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ૪૭ વર્ષનો ઝોરાવર અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભારતને સફળતા અપાવી ચૂક્યો છે. વળી, વૈશ્વિક સ્પર્ધાઓમાં ભાગ લેવાનો તેમનો બહોળો અનુભવ પણ આગામી એશિયન ગેમ્સમાં ભારતના ચંદ્રકોની સંખ્યામાં વધારો કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. જોકે ઝોરાવર એશિયન ગેમ્સ માટેની ટ્રાયલ્સમાં પ્રભાવ પાડી શક્યા નહતા અને રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ તેમના ભૂતકાળના અનુભવ તેમજ એશિયન-વર્લ્ડ રેન્કિંગમાં તેમના સ્થાનને પણ નજર અંદાજ કરતાં ટીમમાંથી બહાર કરી દીધા છે.
કુસ્તી અને શૂટિંગમાં જ ટ્રાયલ્સનું કારણ આગળ ધરીને સ્ટાર્સને બહાર કરવામાં આવ્યા હોય તેવું નથી. બોક્સિંગમાં પણ બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરિન પણ ટ્રાયલ્સમાં જ બહાર થઈ જતાં કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સની બસ ચૂકી ગઈ છે. બોક્સિંગ સંઘની ટ્રાયલ્સમાં આ વખતે વિવાદ સર્જાયો હતો. પહેલા ભારતીય બોક્સિંગ સંઘે ગુણવત્તા આધારિત સિલેક્શન ટ્રાયલ્સને અમલમાં મુકી. જેમાં ખેલાડીઓએ નિર્ધારિત વજન જાળવી રાખવાની સાથે રમત અને ફિટનેસમાં શ્રેષ્ઠતા સાબિત કરવાની હતી. જોકે આ પ્રકારની પસંદગી પ્રક્રિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પસંદ ન આવી અને તેમણે બોક્સિંગ સંઘની આ પ્રક્રિયાને માન્યતા ન આપી. આ કારણે સંઘને અડધેથી તેમની પસંદગી પ્રક્રિયા બદલીને પરંપરાગત પસંદગી પ્રક્રિયાને અજમાવવી પડી, જેમાં બોક્સરો વચ્ચે મુકાબલા ખેલાય અને જે વિજેતા બને તેને ટીમમાં સ્થાન મળે. આમ, ખેલાડીઓની સામે પસંદગીના ધોરણોને પહોંચી વળવાની સાથે બદલાતી પ્રક્રિયાની સમસ્યા પણ હતી અને આખરે એકાગ્રતાની રેસમાં નિખતને હારનો સામનો કરવો પડયો હતો.
તીરંદાજીમાં પણ ભારતની સૌથી અનુભવી ખેલાડી દીપિકા કુમારી અને તેના પતિ અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ચંદ્રક વિજેતા અતાનુ દાસને પણ ટ્રાયલ્સની નિષ્ફળતાના કારણે એશિયન ગેમ્સ માટેની ટીમમાં તક મળી શકી નથી. ભારતીય તીરંદાજી સંઘના નિર્ણયની સામે પ્રશ્નાર્થ એટલે પણ સર્જાયો છે કારણ કે તાજેતરમાં જ શાંઘાઈમાં યોજાયેલા વર્લ્ડ કપ સ્ટેજ ટુમાં દીપિકા કુમારી સહિતની ભારતની રિકર્વ ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ભારતીય ટીમે સેમિ ફાઈનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન સુપર પાવર સાઉથ કોરિયાને અને ફાઈનલમાં સેકન્ડ સીડ ચીનને હરાવ્યું હતુ. આ સુવર્ણ છતાં દીપિકા ભારતીય ટીમમાં તેનું સ્થાન ટકાવી શકી નહતી.
પરિવર્તનની જરુર તો હંમેશા રહેતી જ હોય છે, પણ જ્યારે કોઈ બહોળો અનુભવી અને બાહોશ ખેલાડી પસંદગી માટેની એકાદ સ્પર્ધામાં કમાલ ન પણ કરી શકે તો તેને બહાર કરી દેવો કેટલો યોગ્ય કહેવાય તેનો નિર્ણય નિષ્ણાતોએ કરવો જ રહ્યો. આ માટે તાજેતરમાં જ વિશ્વના સૌથી ધનાઢય ક્રિકેટ બોર્ડના ઉદાહરણને પણ ધ્યાનમાં લેવાની જરુર છે. જેને અચાનક જ ભારતની ઘરઆંગણાની પ્રીમિયર ટુર્નામેન્ટ - રણજી ટ્રોફીનું મહત્વ યાદ આવી ગયું
અને બધા સ્ટાર ખેલાડીઓ માટે રણજીમાં રમવું ફરજીયાત બનાવી દીધું. આ રણજી મુકાબલા દરમિયાન ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા. જોકે બોર્ડે તેમને ચા ના કપમાંથી પડેલી માખીની જેમ ટીમ ઈન્ડિયામાંથી ઊંચકીને બહાર ન કરી દીધા.
વિશ્વમાં ભારતીય ક્રિકેટ બોર્ડ તેના પ્રોફેશનાલીઝમ અને જંગી કમાણી માટે જાણીતું છે અને તેમના આ પ્રકારના વલણથી ભારતની અન્ય રમતોના ફેડરેશનોએ પણ ધડો લેવાની જરુર છેે. કારણ કે દરેક રમતને બે-ચાર એવા ચહેરાની જરુર હોય છે, કે જે તે રમતની ઓળખ બની શકે. દરેક ખેલાડી દરેક સ્તરે સફળતા મેળવે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતો જ રહે તેવું જરુરી નથી. કદાચ આ જ કારણ છે કે, બીસીસીઆઈ સાથેની તુલનામાં ભારતના તમામ રમત સંઘોને બીજા પલડામાં મુકવામાં આવે તો પણ બીસીસીઆઈનું જ પલડું નમે. હવે જ્યારે ભારતીય રમત સંઘોએ ભૂતકાળમાં ભારતને આંતરાષ્ટ્રીય સ્તરે સફળતા અપાવનારા અને રમતની ઓળખ બની ગયેલા ખેલાડીઓેને આગામી બે બહુરાષ્ટ્રીય રમતોત્સવમાં પડતા મુકીને ટીમની પસંદગીમાં નવો ચિલો ચિતર્યો છે. સામાન્ય રીતે તો યુવા અને અનુભવીઓની હાજરીને ટીમમાં આદર્શ માનવામાં આવે છે. હવે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ભારતની વિવિધ રમતોની નવી પસંદગી નીતિ ખરી ઉતરે છે કે, તે પણ દેશ માટે નિરાશાજનક સાબિત થશે, તે જોવાનું રહેશે.


