Get The App

'ભદ્રલોક'નું વર્તમાન અને ભાવિ .

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
'ભદ્રલોક'નું વર્તમાન અને ભાવિ                       . 1 - image

- બંગાળનો એક આગવો વર્ગ જે  ડ્રોઈંગ રૂમમાં ચાના ઘૂંટ લેતા માર્કસવાદથી માંડી ઓસ્કાર વાઈલ્ડની વાતો કરતો હોય  : શ્રમિકોના ઉત્થાનની રાજનીતિ  પણ સત્તાની ચાવી પોતાની પાસે રાખતો  

- હોરાઈઝન-ભવેન કચ્છી

- ભારતના દરેક રાજ્યોમાં 'ભદ્રલોક' જેવો સમુદાય છે જેઓ તેમના  સાહિત્ય, સંગીત, કલા, ભાષા અને શિક્ષણથી અલગ પડે છે પણ સ્પર્ધાત્મક દુનિયામાં તેઓ પાછળ પડતા જાય છે.. આત્મદર્શનની પણ જરૂર

પ શ્ચિમ બંગાળના રાજકીય પંડિતો અવારનવાર એક વાક્ય બોલતા કે  : 'બંગાળમાં સરકાર ભલે ગમે તેની બને, શાસન હંમેશાં ભદ્રલોકનું જ રહે છે.' પણ આ વખતે ભાજપ તરફ ભદ્રલોક ઝૂક્યો.  મમતા બેનર્જી કે અન્ય પક્ષોને આ પરંપરાગત પ્રબુદ્ધ વર્ગનો સાથ ન મળ્યો તે રાજનીતિના વિશ્લેષકો કહેતા સાંભળી શકાય છે ત્યારે સવાલ થાય છે કે આખરે આ 'ભદ્રલોક' છે કોણ ? શું આ કોઈ જ્ઞાતિ છે, કોઈ આર્થિક વર્ગ છે, કે પછી માત્ર એક માનસિકતા ?

આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે ૧૯મી સદીના બંગાળના ઇતિહાસમાં જવું પડશે અને સમજવું પડશે કે કેવી રીતે આ એક નાનકડો વર્ગ આખા ભારતના સામાજિક માળખા માટે 'ભદ્ર સમાજ'નું રોલ મોડેલ બની ગયો.

શાલિન સમાજ 

'ભદ્રલોક' શબ્દ સંસ્કૃતના બે શબ્દોથી બનેલો છે : 'ભદ્ર' (સંસ્કારી, સજ્જન, શાલીન) અને 'લોક' (લોકો કે સમાજ). અંગ્રેજીમાં તેને 'Gentlefolk' અથવા 'Elite Class' તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી તદ્દન વિપરીત, શારીરિક શ્રમ કરનારા સામાન્ય કે નીચલા વર્ગ માટે બંગાળીમાં 'છોટોલોક'  શબ્દ વપરાતો આવ્યો છે, જે આ સમાજની ઊંડી ખાઈ દર્શાવે છે.

બ્રિટિશ શાસનમાં 

ભદ્રલોક વર્ગનો ઉદ્દભવ  બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયમાં થયો હતો. ૧૭૯૩માં લોર્ડ કોર્નવોલિસ દ્વારા લાવવામાં આવેલી 'કાયમી જમાબંધી'  આ વર્ગના ઉદયનું મુખ્ય કારણ બની. અંગ્રેજોને એવા વચેટિયાઓની જરૂર હતી જે ગામડાઓમાંથી કર ઉઘરાવી આપે અને અંગ્રેજી શાસન પ્રત્યે વફાદાર રહે. બંગાળની ત્રણ પરંપરાગત ઉચ્ચ જ્ઞાતિઓ 'બ્રાહ્મણ, વૈદ્ય (ચિકિત્સક જ્ઞાતિ) અને કાયસ્થ - જેઓ પહેલેથી જ અક્ષરજ્ઞાન ધરાવતા હતા, તેમણે આ તક ઝડપી લીધી. તેઓ જમીનદાર બન્યા. પરંતુ, તેઓ પોતે ખેતરમાં હળ ચલાવવા જતા નહોતા. તેઓ ગામડાની જમીનમાંથી આવતી કમાણીના જોરે કલકત્તા જેવા શહેરોમાં આવીને સ્થાયી થયા.

બંગાળ નવજાગરણ 

૧૯મી સદીના મધ્ય સુધીમાં આ વર્ગ માત્ર જમીનદાર ન રહેતા અંગ્રેજી શિક્ષણ મેળવીને વકીલ, પ્રોફેસર, ડોક્ટર અને સરકારી અધિકારી (બાબુ) બન્યો. રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવો આ જ સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા. જેમણે બંગાળના પુનરુત્થાનને જન્મ આપ્યો. 

ઇતિહાસકાર જે. એમ. બુ્રમફિલ્ડના સંદર્ભ પ્રમાણે  'ભદ્રલોક એ બંગાળનો એવો વિશિષ્ટ વર્ગ હતો જે ઉચ્ચ જ્ઞાતિનો હતો, જેણે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું હતું અને જે શારીરિક શ્રમ પ્રત્યે ભારે અણગમો ધરાવતો હતો.'

જીવનશૈલી જ ઓળખ

ભદ્રલોકને ઓળખવા માટે કોઈ આઈડી કાર્ડની જરૂર નથી હોતી, તેમની જીવનશૈલી જ તેમનું આઈડી કાર્ડ છે. આ જૂથની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ.

શારીરિક શ્રમ પ્રત્યે નફરત : ભદ્રલોકની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તેઓ ક્યારેય પોતાના હાથે શારીરિક મજૂરી કે ખેતી કરતા નથી. તેમના મતે, હાથ કાળા કરવા કે પસીનો વહાવવો એ 'અભદ્ર' અથવા 'છોટોલોક'નું કામ છે. તેમના માટે માત્ર 'વ્હાઇટ કોલર' નોકરીઓ જ સર્વોચ્ચ છે.

ભાષા અને સાહિત્યનો મોહ : શુદ્ધ બંગાળી અને ફાંકડું અંગ્રેજી બોલવું એ તેમનું ઘરેણું છે. તેઓ સામાન્ય રીતે સાંજે 'અડ્ડા'  એટલે કે બૌદ્ધિક ચર્ચાની બેઠકો કરે છે, જેમાં માર્ક્સવાદથી લઈને ઓસ્કાર વાઇલ્ડના સાહિત્ય સુધીની વાતો થાય છે. સંગીત અને કળામાં પણ રસ લે. એકંદરે સમાજના અન્ય વર્ગ કરતા અમે ઉજળા અને અલગ, સુસંસ્કૃત છીએ તે રીતે સભાનપણે જીવનશૈલી અપનાવે.

સાંસ્કૃતિક મૂડી : ઘેર સત્યજિત રેની ફિલ્મોની ચર્ચા થવી, રવીન્દ્ર સંગીત વાગવું, પુસ્તકોના કબાટો હોવા અને થિયેટર કે આર્ટ ગેલેરીની મુલાકાત લેવી એ આ વર્ગની ઓળખ છે.

ખાસ પહેરવેશ : પરંપરાગત રીતે ઇસ્ત્રી કરેલી સુતરાઉ ધોતી અને કુરતો અથવા પશ્ચિમી શૈલીના ફોર્મલ કપડાં, આંખો પર ચશ્મા અને હાથમાં પુસ્તક કે અખબાર - આ તેમનો ક્લાસિક દેખાવ છે.

ભદ્રલોક અને દંભ 

ભદ્રલોક જેટલો પ્રગતિશીલ દેખાય છે, અંદરથી તે એટલો જ રૂઢિચુસ્ત અને દંભી હોવાના આક્ષેપો ઇતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓ કરતા આવ્યા છે. તેમનો આ દંભ અને વિરોધાભાસ અનેક સ્તરે જોવા મળે છે:

બંગાળમાં ૩૪ વર્ષ સુધી કોમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન રહ્યું. કોમ્યુનિઝમનો સિદ્ધાંત છે - મજૂરો અને પછાતોનું શાસન. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બંગાળના આ સામ્યવાદી શાસનના તમામ મોટા નેતાઓ (જ્યોતિ બસુ, બુદ્ધદેવ ભટ્ટાચાર્ય) પાકા 'ભદ્રલોક' હતા!

તેઓ ડ્રોઈંગ રૂમમાં બેસીને, મોંઘી સિગારેટ કે ચાના કપ સાથે 'શ્રમિક ક્રાંતિ'ની વાતો કરતા, પણ સત્તાની ચાવી ક્યારેય કોઈ સાચા દલિત કે આદિવાસી મજૂરના હાથમાં જવા દીધી નહીં. આ એક એવો 'લક્ઝરી કોમ્યુનિઝમ' હતો જ્યાં ગરીબોના નામે રાજનીતિ થતી, પણ નેતૃત્વ માત્ર ઉચ્ચ જ્ઞાતિના ભદ્રલોક પાસે જ રહેતું.        

અન્ય રાજ્યોમાં પ્રભાવ

બંગાળના આ 'ભદ્રલોક' મોડેલની અસર માત્ર બંગાળ પૂરતી સીમિત ન રહી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન રેલવે, વહીવટીતંત્ર અને ન્યાયતંત્રમાં  બાબુઓ આખા દેશમાં ફેલાયા.અન્ય રાજ્યોના સુઘડ અને કહેવાતા ઉજળા વર્ગે પણ અંગ્રેજ શાસન કે તે અગાઉના રાજાશાહી શાસનમાં મહત્વના બૌદ્ધિક હોદ્દાઓ પ્રાપ્ત કર્યા હતાં તેઓ પણ આ જ તર્જ પર 'ભદ્ર સમાજ' અથવા 'શિષ્ટ સમાજ'  તરીકેની ઓળખ અને આગવો વર્ગ રચી ચુક્યા હતાં. જે પેઢી દર પેઢી આજે પણ જોઈ શકાય છે.

ગુજરાતમાં  શિષ્ટ  સમાજ 

ગુજરાતમાં પણ બંગાળના ભદ્રલોકની જેમ જ જ્ઞાતિ અને આર્થિક સમૃદ્ધિના સમન્વયથી એક 'ભદ્ર વર્ગ' ઊભો થયો, જેને આપણે ઘણીવાર 'સુધરેલો સમાજ' કહીએ છીએ. સાહિત્ય પરિષદો,અકાદમી, કલા મંડળો, સંગીત પ્રત્યે રુચિ, ભાષા અને ઉચ્ચારની સભાનતામાં આ વર્ગ અગ્રણી કહી શકાય. તેઓના દેખાવ - પહેરવેશ અંગે પણ સભાન ખરા. આ જ રીતે  વ્યાપારિક મહાજનો પણ આવા શિષ્ટ વર્ગના જ કેન્દ્રબિંદુ બન્યા.

ચમક ગુમાવી 

આજે ૨૧મી સદીમાં ભદ્રલોક તેની જૂની ચમક ગુમાવી રહ્યો છે. ઇતિહાસકાર જોયા ચેટર્જી  તેમના પુસ્તક 'The Spoils of Partition' માં લખે છે કે, ૧૯૪૭ના ભાગલા પછી બંગાળના ભદ્રલોકે પોતાની આથક શક્તિ ગુમાવી દીધી. તેઓ માત્ર જમીનના ભાડા પર જીવતા સગવડવાદીઓ બની ગયા, જેમણે ક્યારેય નવા ઉદ્યોગો સ્થાપવામાં કે આધુનિક અર્થતંત્રના નિર્માણમાં રસ ન લીધો.

આજે કોલકાતાના યુવાનો આઇટી  સેક્ટર કે સ્ટાર્ટઅપ માટે બેંગલુરુ, હૈદરાબાદ કે મુંબઈ ભાગી રહ્યા છે. ભદ્રલોક જે 'ઔદ્યોગિક આળસ'  અને માત્ર બૌદ્ધિક વાતો કરવાની બીમારીથી પીડાતો હતો, તેનું પરિણામ આજે આખું બંગાળ ભોગવી રહ્યું છે. શારીરિક શ્રમ નહીં કરવાની કારણે ખાલી ચામડીથી ઉજળો  અને માહિતી - જ્ઞાન અને વ્યંજનોની વાતો કરતો રહ્યો. ગુરુતા ગ્રંથીમાં રહ્યો તેના લીધે અન્ય વર્ગ શિક્ષણ, વ્યાપાર, સાહસ, રોકાણ અને આર્થિક રીતે વધુ સંપન્ન થયો.

પાંજરામાં કેદ 

ભદ્રલોકે ભારતને રવીન્દ્રનાથ ટાગોર આપ્યા, નેતાજી સુભાષચંદ્ર બોઝ આપ્યા અને દેશને આધુનિક વિચારસરણી આપી, તેમાં કોઈ શંકા નથી. પરંતુ, સમય સાથે આ વર્ગ પોતાના જ અહંકાર અને દંભના પાંજરામાં કેદ થઈ ગયો. તેઓ ગરીબોની વાત કરે છે પણ ગરીબોને પોતાની બરાબર બેસવા દેતા નથી. તેઓ લોકશાહીની દુહાઈ આપે છે પણ જમીન પર પરસેવો પાડી પાયાના કાર્યકરથી  નેતા બને છે તેની  શૈલીને અસભ્ય ગણાવે છે.

અગાઉની  શ્રમિક, ગરીબ પ્રજા ઉજળા રાજકારણીઓ, શ્રેષ્ઠીઓ, ભદ્રલોકથી પ્રભાવિત હતી હવે તેઓ સંઘર્ષ કરીને આગળ આવેલાઓ પ્રત્યે આદર ધરાવે છે.

ભદ્રલોકની  જૂની પેઢીએ આત્મ દર્શન કરીને બદલાતા જમાનાની અન્ય વર્ગની યુવા પેઢી અને જ્ઞાતિની પ્રગતિનો સ્વીકાર કરીને તેમના સંતાનોને શારીરિક શ્રમ જોડાયેલા હોય તેવી જોબ, વ્યવસાય, હુન્નર, સાહસ,ઉદ્યોગ માટે પ્રેરિત કરવા જોઈએ.