Get The App

સરહદ સલામતી દળ : છ દાયકા પછી વધુ જવાબદારી અને નવા પડકારો

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
સરહદ સલામતી દળ : છ દાયકા પછી વધુ જવાબદારી અને નવા પડકારો 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- શાંન્તિ સમયે સરહદ સલામતી તથા અન્ય સમાજસેવાના કામમાં જોડાતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ યુદ્ધ સમયે ભારતીય સૈન્યની સાથે ખભેખભા મિલાવી શત્રુ સામે મોટો પડકાર ખડો કરે છે

સ રહદ સલામતી દળ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) નામનું એક અર્ધલશ્કરી દળ આમ તો છેક ૧૯૬૫થી અસ્તિત્ત્વ ધરાવે છે. પરંતુ હમણાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં જે સત્તાકીય ઉથલપાથલ થઈ ત્યારબાદ આ દળની મહત્તા એકદમ વધી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં બાંગલાદેશી નાગરિકો અને રોહિંગિયાઓ ખૂબ મોટી સંખ્યામાં ભારતમાં ઘૂસી ગયા છે અને આજે પણ તેમનો ધસારો ચાલુ જ છે.

પ્રશ્ન એ થાય કે શું પ. બંગાળની સરહદે બોર્ડર સિક્યુરિટી ફોર્સને તહેનાત કરવામાં નહોતી આવી. જવાબ એ છે કે આ અર્ધ લશ્કરી દળ બાંગલાદેશ સરહદે પણ મોજૂદ તો હતું જ. પરંતુ તેમને તેમની ફરજ બજાવવા રાજ્ય સરકાર તરફથી પૂરતો સહકાર સાંપડતો ન હતો. પરંતુ હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ જશે. આ રાજ્યમાં રચાયેલી નવી ભાજપ સરકાર ઉઘાડા ફાટક જેવી સરહદોને જલ્દી સીલ કરવાની તૈયારીમાં છે.

જોવાનું એ છે કે કાશ્મીર સરહદે તહેનાત કરાયેલા સીમા સુરક્ષા દળના જવાનોના સંખ્યાબળ પછી બીજા ક્રમે સૌૈથી મોટી મોરચાબંધી બાંગલાદેશ સરહદે છે. અરે સમગ્ર ઈશાન ભારતમાં ચીન પણ ઘુસપેઠ કરી રહ્યું હોવાથી તેમ જ શસ્ત્રો અને કેફી દ્રવ્યોેની દાણચોરી માટે નેપાળ, બાંગલાદેશ અને બર્મા વચ્ચેની કેટલીક કડીઓ ઈશાનભારતમાં હોવાથી આ વિસ્તારમાં ઈન્ટેલિજન્સ બ્યુરો, તેમ જ રૉ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગ)ના ૮૦૦થી વધુ અધિકારીઓ છે ઉપરાંત બીએસએફની પોતાની જાસૂસી પાંખ 'જી બ્રાંચ' પણ આ વિસ્તારમાં સક્રિય છે. છતાં બાંગલાદેશે તેના ૩૦૦૦ સૈનિકોને રોકેેેટલોન્ચર્સ અને મોટાર્ર તોેપ સાથે આપણા પ્રદેશમાં ઘુસાડયા હતા. 

પ્રકૃતિની ગોદમાં વસેલા ભારતની ઉત્તરે ગગનચુંબી હિમાલયની શ્વેત બર્ફીલી પર્વતમાળા તો પશ્ચિમ અને દક્ષિણમાં ઘૂઘવતો મહાસાગર, ઉત્તર પશ્ચિમમાં પાણીની એક એક બૂંદ માટે તલસતા કચ્છ-રાજસ્થાનમાં રણનું ભયાનક દલ દલ તો પૂર્વોત્તરમાં નદી, નાળા, ઝરણા અને ગીચ જંગલોની જાળ.... એવો આભાસ થાય જાણે કુદરતે હિન્દુસ્તાનની વસુંધરાને ચારે તરફથી દુશ્મનના હુમલાને ખાળે તેવું પ્રાકૃતિક સુરક્ષા કવચ પહેરાવ્યું છે. પરંતુ કુદરતની આ જોગવાઈ છતાં હિન્દુસ્તાનનો ઈતિહાસ પ્રાચીનકાળથી જ અનેક વિદેશી આક્રમણોની ગવાહી આપે છે. દરેક યુગ, દરેક સદીમાં, ન જાણે ભારતે કેટલાય આઘાત સહન કર્યા છે અને કેટલાય હુમલા ખાળ્યા છે. આજેય આપણા પાડોશી અડપલાં કર્યા વિના રહેતા નથી.

૧૯૬૨માં ચીને પહેલીવાર મૈત્રીનો ડોળ કરી ભારત પર ઓચિંતુ આક્રમણ કર્યું ત્યારે આખો દેશ ચોંકી ઊઠયો હતો ત્યારબાદ ત્રણ વર્ષ પછી ૧૯૬૫માં પાકિસ્તાને કચ્છ રણવિસ્તારમાં ઘુસણખોરી કરીને ભારતની સીમાસુરક્ષામાં રહેલી ત્રુટીઓને ઉઘાડી પાડી હતી. 

ત્યારબાદ નવ એપ્રિલ, ૧૯૬૫ના રોજ પાકિસ્તાની સૈન્યની ૫૧મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ કચ્છના રણમાં ઘુસી આવી ત્યારે ગુજરાત રાજ્યની સરહદોનું રખોપુ રાજ્ય અનામત પોલીસ દળ કરતું હતું. પાક. સેનાએ કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા સરદાર પોસ્ટ, છાડ બેટ અને બેરિયા બેટ કબ્જે કરી લીધા હતા. રાજ્યની પોલીસ આ ઘૂસણખોરીનો સામનો કરવા અસમર્થ સાબિત થતા તાકીદે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) તથા ભારતીય સેનાની મદદ લેવી પડી હતી. ડિસેમ્બર ૧૯૬૫માં તો ભારત- પાકિસ્તાન વચ્ચે રીતસર યુદ્ધ ફાટી નીકળ્યું હતું, ત્યારે સરહદે આગલી હરોળમાં કોઇ અર્ધલશ્કરી દળને ગોઠવવાની આવશ્યક્તા જણાઇ હતી. 

આ બે ઘટના પછી ભારત સરકાર સીમા સુરક્ષા બાબત ગંભીરતાથી વિચારણા કરવા લાગી. એ સમયે ભારતના સીમાડાઓની રખેવાળી વિભિન્ન રાજ્યોની સશસ્ત્ર પોલીસ ટુકડી કરતી હતી. પરંતુ જુદા જુદા રાજ્યોના પોલીસ દળ વચ્ચે પ્રશાસનમાં એકરૂપતા નહોતી. જ્યારે તેમનો હેતુ એકસમાન હતો : સીમા સુરક્ષાનો. છેવટે કેન્દ્ર સરકારે દેશના સીમાડાની સલામતી જાળવવા એક અલગ દળ ઊતારવાનું નક્કી કર્યું અને તેનું નામ આપવામાં આવ્યું. સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ આપણે એને ટૂંકમાં બી.એસ.એફ તરીકે ઓળખીએ છીએ. 

૨૦ એપ્રિલ ૧૯૬૫માં તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ બોલાવેલી કેબિનેટ કમિટીની મિટિંગમાં બી.એસ.એફ.ની સ્થાપનાનો પાયો નંખાયો હતો. છેવટે ૧૯૬૮માં સંસદે એક ખરડો પસાર કરી બોર્ડર સિક્યુરિટી ફોર્સ એકટ પસાર કર્યો હતો. આ સરહદ સલામતી દળની સૌથી પહેલી કસોટી ૧૯૭૧માં થઇ. જ્યારે તેણે પાકિસ્તાની દળોના આક્રમણ સામે સરહદ સલામતી માટે અગ્રીમ હરોળમાં રહીને કામગીરી બજાવી.  જાણીને નવાઇ લાગશે કે સરહદ સુરક્ષાની કપરી જવાબદારી નિભાવવામાં મહિલાઓ પણ પાછળ નથી. બીએસએફમાં મહિલા જવાનોની અલગ બટાલિયન છે.  ૨૦૧૦ પછી રચાયેલી આ મહિલાઓની  પાંખમાં  હાલનું સંખ્યાબળ ૩૫,૦૦૦ની આસપાસ છે.  આમ ૧૯૬૫માં રચાયેલા આ અર્ધલશ્કરી દળની બાગદોર સોંપવામાં આવી કે. એફ. રૂસ્તમજીને.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ એ વિશ્વનું સૌથી મોટું સીમા સુરક્ષા દળ છે. વિવિધ સાત કેન્દ્રિય પોલીસ ફોર્સની સાથે બી.એસ.એફ. પણ કેન્દ્ર સરકારના ગૃહખાતા હેઠળ કાર્ય કરે છે. યુનાઇટેડ નેશન્સ (યુનો)ના શાંતિરક્ષક દળમાં પણ સીમા સુરક્ષા દળ ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. 

આજે બી.એસ.એફ.ના જવાનો ઉત્તરે હિમાલયના હિમાચ્છાદિત શિખરો, રાજસ્થાનના રેગિસ્તાન ગુજરાત-કચ્છની કળણવાળી,વેરાન જગા તથા સુંદરવનના ગીચ જંગલો અને ઈશાનના રાજ્યોની જંગલો તથા પહાડો ધરાવતા ઈલાકામાં સીમાની રખેવાળી કરે છે. કુલ મળીને ૭૨૧૯ કિ.મી. લાંબી સરહદ પર બી.એસ.એફ.ના જવાનો અહર્નિશ (રાત-દિવસ) ચોકી કરે છે. જેમાં ૯૯૭ કિ.મી. લાંબી જળસીમા પણ સામેલ છે. પશ્ચિમી સીમા ૨૮૭૦ કિ.મી. તથા પૂર્વીય સીમા ૪૩૪૯ કિ.મી. છે. આ સીમાવર્તી ઈલાકાઓમાં જ્યાં હિમાલયના શિખરોનું  તાપમાન શૂન્ય નીચે ૪૦ ડિગ્રી છે. ત્યાં થાર-રાજસ્થાનના રણનું ઉષ્ણતામાન ૪૫ થી ૫૦ ડિગ્રી સેલ્સિયસ છે. ગુજરાતના રણવિસ્તારમાં માઈલો સુધી હરિયાળીનું નામનિશાન નથી. આવા જોખમી વિસ્તારોમાં વિપરીત આબોહવા અને તમામ વિષમ પરિસ્થિતિ સહન કરતા રહીને  સીમા પ્રહરીઓ પોતાની  ફરજ બજાવે છે. 

શાંતિકાળમાં  સરહદ ઓળંગવાના ગેરકાનૂની પ્રયાસો, ઘૂસણખોરી રોકવાના, દાણચોરો-ડાકૂઓને પડકારવાના તથા પશુ ચોરી જતી ગુંડા ટોળકીઓ પર અંકુશ રાખવાનું કામ સીમા સુરક્ષા દળની મુખ્ય ભૂમિકા છે. ભારત-પાકિસ્તાન સરહદે તો સીમા સુરક્ષા દળ પ્રતિદિન યુદ્ધ ખેલે છે.  પણ ગોળીબારની એ છૂટી છવાઈ ઘટનાઓનું અખબારોમાં રિપોર્ટીંગ નથી થતું.

બી.એસ.એફ.નું કાર્યક્ષેત્ર સીમાડાઓની રખેવાળી પૂરતું મર્યાદિત નથી. તેનું અધિકારક્ષેત્ર સરહદી રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક નિયુક્ત પટ્ટામાં શોધ, જપ્ત અને ધરપકડ કરવાની સત્તા છે, જેને ૨૦૨૧ માં ૫૦ કિમી સુધી લંબાવવામાં આવી હતી.   તે પ્રાથમિક સરહદ સુરક્ષા એજન્સી તરીકે કાર્ય કરે છે, જે આંતરરાષ્ટ્રીય ગુનાઓ, દાણચોરી અને ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવે છે. બીએસએફ  પાસે પોતાની એર વિંગ, મરીન વિંગ અને આટલરી રેજિમેન્ટ પણ છે. આંતરિક સુરક્ષા  સરહદ રક્ષા ઉપરાંત,  આ દળે નક્સલ વિરોધી કામગીરી માટે  અદભૂત દેખાવ કર્યો છે. બોર્ડર મેનેજમેન્ટ અંતર્ગત સરહદે સ્માર્ટ કેમેરા અને સેન્સર સહિતની ટેકનોલોજી સાથે સંવેદનશીલ, વાડ વગરના વિસ્તારોને મજબૂત બનાવવાનું કામ અત્યારે પણ ચાલુ છે. 

 પ.બંગાળના નવા મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ સત્તા સંભાળ્યાના પહેલા જ દિવસે બીએસએફને ૬૦૦ એકર જમીન ફાળવી છે. નોર્થ ૨૪ પરગાણા સહિત ૮૦૦ કિ.મી. લાંબી બંગલાદેશ સાથેની સરહદે વાડ ઊભી કરવા આ જમીન ફાળવવામાં આવી છે. 

આ  સિવાય  કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એક્ટ ૧૯૬૮ અનુસાર તેની સત્તાઓ વધારી  છે. હવે બીએસએફનું કાર્યક્ષેત્ર ક્રિમિનલ પ્રોસિજર કોડ, પાસપોર્ટ(એન્ટ્રી ઇન ટુ ઇન્ડિયા)એક્ટ ૧૯૨૦ અને ધ પાસપોર્ટ એક્ટ ૧૯૬૭ હેઠળ વિસ્તારવામાં આવ્યું છે. બીએસએફ પાસે હાલ આ કાયદા હેઠળ ધરપકડ અને સર્ચ કરવાની સત્તાઓ છે. આ ઉપરાંત બીએસએફ પાસે એનડીપીએસ એક્ટ, આર્મ્સ એક્ટ, કસ્ટમ્સ એક્ટ અને અન્ય ચોક્કસ કાયદાઓ હેઠળ ધરપકડ, સર્ચ અને જપ્તી કરવાની પણ સત્તાઓ છે. 

૧૯૬૯માં ફોરિનર્સ એક્ટ, ધ પાસપોર્ટ એક્ટ, ફોરેક્સ લૉ અને કસ્ટમ્સ એકટ હેઠળ બીએસએફને પહેલીવાર ધરપકડ અને સર્ચ કરવાની સત્તાઓ આપવામાં આવી હતી. 

કોમી રમખાણો ફાટી નીકળે, કોઈ જગ્યાએ હુલ્લડ મચી જાય ત્યારે પણ અવારનવાર સીમા સુરક્ષાદળના જવાનોને પરિસ્થિતિ થાળે પાડવા માટે તહેનાત કરવામાં આવે છે. પંજાબમાં વર્ષો સુધી ખાલિસ્તાનીઓનો  ત્રાસવાદ વકર્યો હતો ત્યારે પરિસ્થિતિ પર કાબુ રાખવામાં બી.એસ.એફ.ના જવાનોએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. અરે, કોઈ જગ્યાએ પૂર આવ્યું હોય કે દુકાળ પડયો હોય, તેવા વિસ્તારમાં રાહતકાર્ય અને બચાવ કામગીરીમાં  પણ બી.એસ.એફના જવાનોએ સૈન્યની સાથે ખભેખભા મિલાવીને કાર્ય કર્યું છે. તથા પોતાના અનુશાસન અને કાર્યકુશળતાનો પરિચય કરાવડાવ્યો છે.

૧૯૮૨માં એશિયન રમતોત્સવ વખતે તથા અલિપ્ત દેશોના શિખર સમ્મેલન સમયે સૌથી અધિક રાષ્ટ્રોના વડાપ્રધાન તથા રાષ્ટ્રપ્રમુખો હાજર રહ્યા હતા. ત્યારે પાટનગર દિલ્હીમાં તેમની સુરક્ષાયંત્રણા માટે બી.એસ.એફ. દ્વારા ઉત્કૃષ્ટ વ્યવસ્થા થઈ હતી. પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા આવેલા પ્રમુખ જનરલ જિયા-ઉલ-હક તો બી.એસ.એફ.ના જવાનોનો ચુસ્ત પોશાક જોઈને એટલા પ્રભાવિત થયા હતા કે સામેથી માગીને યુનિફોર્મનો  એક સેટ પોતાની સાથે ઈસ્લામાબાદ લઈ ગયા હતા. 

એ જ રીતે સેન્ટ લૂસિયાના વડાપ્રધાન જૉન માર્ટિન બી.એસ.એફ.ના જવાનો કેટલાંક ખાસ પ્રસંગે પહેરે છે તે સાફાથી એટલા ખુશ થયા હતા કે એક સાફો પોતાની સાથે લઈ ગયા હતા!

આમ શાન્તિ સમયે સરહદ સલામતી તથા અન્ય સમાજસેવાના કામમાં જોડાતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ યુદ્ધ સમયે ભારતીય સૈન્યની સાથે ખભેખભા મિલાવી શત્રુ સામે મોટો પડકાર ખડો કરે છે. સન ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધમાં બીએસએફ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી બજાવવામાં આવી હતી. તેમની પ્રશંસા કરતા તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરાગાંધીએ કહ્યું હતું : ''ભારતની પ્રથમ સુરક્ષા હરોળના રૂપમાં સીમા સુરક્ષા દળે માત્ર દુશ્મનનો પ્રથમ આકરો પ્રહાર ઝીલ્યો છે. એટલું જ નહીં, પોતાના પ્રાણોની આહુતિ આપીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવામાં ભારતીય સૈન્યને બહુ મોટું યોગદાન આપ્યું છે.''

આવા જાંબાઝ સરફરોશીની તમન્ના રાખવા વાળા, કાર્યકુશળ બી.એસ.એફ.ના જવાનોની કાર્યક્ષમતાની કોઈ સીમા નથી. વિવિધ જવાબદારીઓ નિભાવવા  તેમની પાસે શસ્ત્રાગાર ઊપરાંત તોપખાનું, વિમાન, સ્પીડબોટ, ઘોડા, ખચ્ચર તથા ઊંટની પલટનો છે. બારે મહિના સીમાડા સાચવતા તે જવાનોને કુમક પહોંચાડવા ઊંટ, ખચ્ચર વગેરેનો ઊપયોગ થાય છે. આઝાદીના દિવસે આ દળના ઊંટોેની ટુકડી સંપૂર્ણ સજ્જ થઈ સ્વાતંત્ર્યદિનની પરેડમાં નીકળે ત્યારે રોમાંચક દ્રશ્યો જોવા મળે છે.

બી.એસ.એફ.માં ભરતી થયેલા જવાનો ભારતના દરેક પ્રાંત,જાતિ, ભાષાનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૯૭૨માં નાગા બટાલિયન ગઠિત કરીને બી.એસ.એફ. દ્વારા રાષ્ટ્રીય અખંડિતતાનો એક નવો અધ્યાય શરૂ કરાયો હતો.

વળી બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાન હોવાને નાતે તેમને ટ્રાન્સફર મળે તો પણ એ એક યા બીજા સરહદી વિસ્તાર જ હોય. અને સરહદ પર કંઈ સહકુટુંબ રહી ન શકાય!

આ રીતે બી.એસ.એફ.ના જવાનો નવ મહિના ઘરથી દૂર સીમા પર ફરજ બજાવતા હોય ત્યારે તેમને રહેવા પાકું ઘર પણ નથી મળતું. તંબુ કે કાચા, કામચલાઉ રહેઠાણમાં જ રહેવાનું હોય છે. સરહદ પરની દૂર દૂરની  આઉટ પોસ્ટ ચોકીઓમાં મનોરંજન મેળવવાની કોઈ સુવિધા પણ નથી હોતી. તેમજ કોઈ હોસ્પિટલ કે સિનેમાઘર, રેસ્ટોરાં પણ નથી હોતા. આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ વગેરેમાં પહાડી ઢોળાવો પરના જંગલોમાં તો ઝાડ પરથી વીંછી, સાપ  શરીર પર પડે કે પગ પર લોહી ચૂસી લેતી જળો ચઢી જાય. ચોમાસામાં તો આ જવાનોની બૂરી વલે થાય છે. તેમના તંબુ પાણીમાં ભીંજાયને નકામા બની જાય છે. ક્યારેક તો જવાનોએ ઘૂંટણ સમાય તેટલા પાણીમાં પેટ્રોલિંગ કરવું પડે છે.   આખા દેશમાં સીમા સુરક્ષા દળના કુલ જવાનોની સંખ્યા  ૨,૨૦,૦૦૦ની છે.  આશરે   ૧૫૯ બટાલિયનના બનેલા આ દળનું નેતૃત્વ  કરે છે ડાયરેક્ટર - જનરલ  રેન્કના અધિકારી. પરંતુ  તેમાંથી ૨૫ ટકા જવાનોને જમ્મુ-કાશ્મીર તથા ઈશાન ભારતના સીમાવર્તી રાજ્યોમાં કાનૂન અને વ્યવસ્થાનો બંદોબસ્ત  જાળવવા તહેનાત કરવામાં આવ્યા છે.  કહેવાય એમ કે દર ૫ થી ૮ કિ.મી. લાંબી સરહદ પર બી.એસ.એફના ૧૦૦ જવાન પહેરો ભરતા હોય છે. પરંતુ વાસ્તવમાં માત્ર ૩૦ માણસો જ ફરજ  પર જોવા મળે છે. બાકીના જવાનોને આંતરિક સલામતી જાળવવા બીજે પોસ્ટિંગ કરાયા હોય છે.

 બી.એસ.એફ.ની કેટલીક ચોેકીઓમાં તો પાણી અને વીજળીની પણ સુવિધા નથી હોતી. ઉનાળાની ગરમીમાં પણ મચ્છર, વીંછી, કશુ કરડે નહીં, એટલા ખાતર બી.એસ.એફ.ના જવાનો શર્ટની બાંયો લાંબી રાખે છે અને કોલર બંધ કરી ગળું ઢાંકી રાખે છે. 

આમ સીમા સુરક્ષા દળના જવાનો જીવ-જાન લગાવીને પોતાની ફરજ બજાવે છે. પરંતુ તેમની કાર્યક્ષમતા વધારવા સરકારે પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. છેવટે  બી.એસ.એફ. પાસે ૭૮૦૦ કિલોમીટર લાંબી સીમાની જડબેસલાક સુરક્ષાની  જવાબદારી છે.