Get The App

વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા .

Updated: Jun 22nd, 2024

GS TEAM

Google News
Google News
વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા                             . 1 - image


- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઇન :

ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા,

કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા.

રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,

ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.

બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,

ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.

સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,

પિતા ઘનશ્યામદાસે દીધું મોઘું આણું છે વર્ષા.

સવાશ્રી, સાતસો છયાંસી, વરસતું આભ શુકનિયાળ,

દિવસ ચોવીસ, મહિને સાત, સાલે બાણું છે વર્ષા.

- હર્ષદ ચંદારાણા

અ મરેલીના અમૃતફળ જેવા કવિ હર્ષદ ચંદારાણાએ થોડા દિવસ પહેલા વિદાય લીધી. અમરેલી કવિતાના ટહુકા સાચવતું શહેર છે. આ શહેરના આંગણે ગુજરાતી કવિતાની વેલ સુપેરે પાંગરી છે. આ એ જ શહેર છે જ્યાંથી રમેશ પારેખ જેવા મહાકવિ થયા. આ એ જ અમરેલી જેણે પ્રણવ પંડયા, હરજીવન દાફડા અને પારુલ ખખ્ખર જેવા ખમતીધર કવિઓ આપ્યા. તેના આંગણે પાંગરેલો હર્ષદ ચંદારાણા નામનો વડલો વર્ષો સુધી સાહિત્યનો શીતળ છાંયડો આપતો રહ્યો. કવિતાની મીઠી સુગંધ વેરીને તેઓ પરમમાં લીન થઈ ગયા. તેમણે અનેક યાદગાર કવિતાઓ આપી. લોગઇનમાં આપેલી કવિતા તેનો પુરાવો છે. વર્ષાને કેવી અદ્ભુત છટાથી વ્યક્ત કરી છે તેમણે. ગઝલનો પ્રત્યેક શેર વરસાદી વીણા જેમ રણકી ઊઠયો છે. ગઝલ વાંચતા વાંચતા ભાવક પણ વરસાદમય થઈ જાય છે. 

વરસાદને કેટકેટલા કવિઓએ ગાયો છે. રમેશ પારેખે લખ્યું, 'આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ,

એમ કહીએ કે હશે આપણે ભીના ન થયા.' તો આ જ રમેશ પારેખે ગુજરાતી વર્ષાગીતોમાં શિખરે મૂકી શકાય તેવું ગીત, 'વરસાદ ભીંજવે' આપ્યું. ભગવતીકુમાર શર્માએ લખ્યું, 'હવે  પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં! હવે માટીની  ગંધ અને  ભીનો  સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં!' તો વળી ઉદયન ઠક્કરએ કહ્યું, 'ભીંજાવામાં નડતર જેવું લાગે છે, શરીર સુદ્ધાં બખ્તર જેવું લાગે છે. મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે.' કરસનદાસ લુહારની આ સરળ છતાં અસરકારક પંક્તિઓ તો જુઓ, 'ધોમ વરસાદે અમે કોરા હતા, કોઈએ છત્રી ધરી પલળી ગયા !' હરીન્દ્ર દવે ભીંજાવાનું ઇજન આપે છે, 'ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ.' સંદીપ ભાટિયા ગેરવલ્લે ગયેલા પરબીડિયાની વાત કરે, 'આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે, હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે' આદિલનો આ શેર તો કઈ રીતે ભૂલી શકાય? 'રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ; માનવીએ  કેટલી ભીંતો ચણી વરસાદમાં!' લાભશંકર ઠાકરનું પાણીના રેલા જેવા લયમાં વહેલું વર્ષાકાવ્ય યાદ ન આવે એવું તો કઈ રીતે બને? 'જલભીંજેલી, જોબનવંતી, લથબથ ધરતી, અંગઅંગથી, ટપકે છે કૈં રૂપ મનોહર! ને તડકાનો ટુવાલ ધોળો ફરી રહ્યો છે ધીમે ધીમે...' આ લેખ લખનાર કવિએ પણ લખેલું, 'પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમદોમ એવો વરસાદ અમે પીધો, મનગમતો મનમાં કોઈ આવ્યો વિચાર એને ખેતરની જેમ ખેડી લીધો.' 

ગુજરાતી ભાષામાં એટએટલાં અદ્ભુત વર્ષાકાવ્યો રચાયા છે કે તેનું સંકલન કરીને મોટું દળદાર પુસ્તક કરી શકાય. તેમાં હર્ષદ ચંદારાણાનું વર્ષાકાવ્ય નોખી-અનોખી ભાત પાડે છે. જો પ્રિયજન સાથે હોય તો વરસાદ આનંદનો મહાસાગર બની રહે છે. પણ પ્રિયજન વગરના વરસાદનો છાંટો બંદુકની ગોળી જેમ વાગી પણ શકે. વાદળ બંધાય તે સાથે જ હૃદયમાં કોઈ ગીત ગણગણવાનું શરૂ કરી દે છે. વાદળ નામના કવિએ લખું ગીત એટલે વરસાદ. અને આ વરસાદ નામના ઉખાણાને ઉકેલવા માટે તેમાં ભીંજવાનું ફરજિયાત છે. તેનો પ્રત્યેક છાંટો એકએક સોનામહેર જેવો કીમતી છે. કવિએ વરસાદને 'પિતા ઘનશ્યામદાસે મોકલેલું આણું' કહીને કમાલ કર્યો છે. ગઝલ પોતે જ એટલી રસદાર છે કે તેનો આસ્વાદ કરવા કરતા માણવી બહેતર છે. હર્ષદ ચંદારાણાની જ એક અન્ય વરસાદી ગઝલથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ :

ઘરમાં ઘૂસી આવે તે વરસાદ જુદો છે

અબોલાં ય તોડાવે તે વરસાદ જુદો છે

ચોખ્ખાં કરતો ઘસી-ઘસી પહાડોનાં અંગો

માતા જેમ નવડાવે તે વરસાદ જુદો છે

સરવરને ક્યાં ખોટ? છતાં દાતાના દાતા

છલકાતા છલકાવે તે વરસાદ જુદો છે

ભાન ભૂલી ભીંજાવું એ તે કઈ બલા છે?

અર્થ એનો સમજાવે તે વરસાદ જુદો છે

પાળા, પથ્થર, ભીત્યું, રસ્તા ને ફૂટપાથો

મૂઆને ફણગાવે તે વરસાદ જુદો છે!

- હર્ષદ ચંદારાણા

Tags :