તમારા સ્વપ્નના, તમે જ શિલ્પી!

Updated: Jan 21st, 2023


- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

- મેરી કોમ ત્રણ બાળકોની માતા છે અને તાજેતરમાં જ 48 કિલોની કેટેગરીમાં એશિયાઈ વિજેતા બનીને પાંત્રીસ વર્ષની ઉંમરે પાંચમો     સુવર્ણચંદ્રક હાંસલ કર્યો

ત મારી પાસે જીવનનું કોઈ સ્વપ્ન છે ખરું ? જીવન જીવવાનો કોઈ સ્પષ્ટ હેતુ છે ખરો ? ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે રાષ્ટ્રને માટે એક સ્વપ્ન સેવ્યુ અને સિદ્ધ કરી બતાવ્યું. અરે ! ઝારખંડ જેવા ક્રિકેટની દ્રષ્ટિએ સામાન્ય કક્ષાના ગણાતા રાજ્યના ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ પારાવાર મુશ્કેલીઓ હોવા છતાં કોઈ પણ ભોગે ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોયું અને સિદ્ધ કર્યું.

માણસ એ માત્ર શ્વાસ લેતું પ્રાણી નથી; પરંતુ એનામાં સ્વપ્નો, કલ્પનાઓ અને સત્કાર્યો પડેલાં છે. એની પાસે જીવનમાં મેળવવાનું અમુક ધ્યેય હોય છે અને એ પણ સાચું છે કે દરેક વ્યક્તિને પોતાનાં સ્વપ્નાં હોય છે, પણ ઘણી વાર એવું બને છે કે જીવનમાં એવી વ્યર્થ અને નકામી બાબતો અવરોધ રૂપે આવી જાય, કે જેને કારણે એ એના જીવનના સ્વપ્નનો અર્થાત્ એના જીવનનો હેતુ ગુમાવી બેસે છે.

દક્ષિણ આફ્રિકાનો કામયાબ સુકાની હાંસી ક્રોંજી (સપ્ટે. ૨૫, ૧૯૬૯- ૧ જૂન, ૨૦૦૨) ૨૦૦૪ માં દક્ષિણ આફ્રિકાના અગિયાર સર્વકાલીન ક્રિકેટરમાં સ્થાન પામ્યો. અનેક સિદ્ધિઓ સાકાર કરનાર આ સુકાની ધનલોભને કારણે મેચ-ફિક્સિંગના કૌભાંડમાં દોષિત સાબિત થયો, પરિણામે એને વિશ્વવ્યાપી ખ્યાતિ આપનાર ક્રિકેટની રમત ખેલવા પર જ એના પર આજીવન પ્રતિબંધ મુકાયો.

ઉદ્યોગની દુનિયામાં પણ લોભવૃત્તિ સ્વપ્નવિનાશક બનતી હોય છે. આપણી નજર સામે લેહમાન બધર્સ, ઍનરોન કે કિંગફિશર જેવી કંપનીઓની અવદશા આના દ્રષ્ટાંતરૂપ છે, આથી તો નારાયણ મૂર્તિ જેવા અનુભવીઓ કહે છે કે કંપનીને માટે મૂલ્યનિષ્ઠા પહેલી વાત છે, એ પછી આવે છે એનું પરફૉર્મન્સ.

ક્યારેક જીવનમાં બનતા બનાવો વ્યક્તિના સ્વપ્નને ભસ્મીભૂત કરી દેતા હોય છે, પણ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે દરેક માનવીની પાસે પોતાનું સ્વપ્ન હોય છે. કેટલીક વ્યક્તિઓ એમ કહે કે મારા જીવનમાં આવાં કોઈ સ્વપ્નો કે ધ્યેયો નથી, તો તે અસત્ય બોલે છે. જો એમના હૃદયની ભીતરમાં ઊતરીને જોવામાં આવે, તો એમનાં આવાં કોઈ ને કોઈ સ્વપ્નો હોય છે, જે પ્રગટવા માટે થનગની રહ્યા હોય છે.

તમારા જીવનનું એ સ્વપ્ન જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ઓતપ્રોત બની જશે. તમે જીવનમાં જે કંઈ જોશો, જે કંઈ વાંચશો, જે કંઈ વિચારશો, એ બધાની સાથે એ સ્વપ્ન જોડાયેલું રહેશે. જો તમે તમારા એ ધ્યેયને ભૂલી ગયા હશો, તો તમારા ચિત્તમાં એ વારંવાર ઝબકી જઈને તમને અબ્રાહમ લિંકનની માફક તમારા ધ્યેયનું સ્મરણ કરાવશે.

ક્યારેક તમને વિષાદ પણ જાગશે કે જીવનમાં આવું સ્વપ્ન સેવ્યું હતું, પરંતુ એને સાકાર કરવા માટે જરૂરી ફનાગીરી દાખવી નહીં. ક્યારેક એમ પણ લાગશે કે જીવનમાં એ સ્વપ્ન સેવ્યું હતું, પરંતુ કશુંક બીજું મહત્વનું બનતાં એ સ્વપ્નનની સદંતર ઉપેક્ષા થઈ ગઈ.

ક્યારેક તમારા ભીતરમાંથી એ સવાલ પણ ઊઠશે કે તમે તમારા સ્વપ્ન પ્રમાણે તમારા જીવનને સર્જતા નથી, તો તમે જીવો છો શા માટે ? માત્ર ખાવા-પીવા માટે, માત્ર શ્વાસ લેવા માટે કે પછી તમારું જીવન એક અર્થહીન રગશિયા ગાડા જેવું છે. શું માત્ર ધનપ્રાપ્તિથી કે ઈન્દ્રિય આનંદનાં સુખો માટે જ તમે જીવો છો?

ક્યારેક એવું પણ બને છે કે વ્યક્તિ પોતાના વિશે બીજાના ખ્યાલો મુજબ પોતાના જીવનને ઘાટ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તમારી પાસે જો ધ્યેય હશે, તો તે તમને સવાલ કરશે કે શું તમે તમારા એ સ્વપ્નને વીસરી ગયા ? આમ જિંદગી એ શોધાયેલાં સ્વપ્નને સાકાર કરવાની સફર છે. જ્યાં સુધી જીવનમાં સ્વપ્ન મળતું નથી, ત્યાં સુધી જીવનનો અર્થ જડતો નથી. જીવનના મર્મ સુધી પહોંચી શકાતું નથી અને લાંબું આયુષ્ય ભોગવ્યા છતાં જીવન વ્યર્થપણે ગાળ્યું હોય એવો અનુભવ થતો હોય છે.

જીવનમાં સ્વપ્ન જરૂરી છે અને સ્વપ્ન સાકાર માટે વ્યક્તિએ જીવનશિલ્પી બનવું જરૂરી છે. આજે પતંજલિ કે માઈક્રોમેક્સ જેવી ભારતીય કંપનીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે કેવા દમામથી પ્રગતિ કરે છે ! જે જીવનમાં આગળ વધવા માગે છે, એ હંમેશાં વિધાયક કે રચનાત્મક દ્રષ્ટિથી આગળ જોતો હોય છે. જો એ નકારાત્મક દ્રષ્ટિ રાખતો હશે તો એ કપરું કાર્ય કરતાં પૂર્વે જ ભયભીત બની જશે. અથવા તો એ કાર્યનો પ્રારંભ જ નહીં કરે અથવા તો આ કાર્ય કરવા માટે પોતે સર્વથા અશક્ત છે એમ માનશે.

જીવનમાં જેમ સફળતા ચડવાનાં પગથિયાં હોય છે, એ જ રીતે નિષ્ફળતાનાં નીચે ઉતરવાનાં પગથિયાં હોય છે. સાપસીડીમાં જેમ ઉપર જવાય છે, એ જ રીતે એમાં નીચે પણ પડાય છે. હતાશાભર્યા નેગેટિવ વિચારો અત્યંત વેગીલા હોય છે અને એક વાર ચિત્તમાં એનો પ્રારંભ થયા પછી એને રોકવા મુશ્કેલ બને છે, કારણ કે ધીરે ધીરે સમગ્ર ચિત્ત પર આ નકારાત્મક (નેગેટિવ) વિચારો પોતાનું રાજ જમાવી દે છે. આમાંથી બહાર નીકળવા માટે તમારે પ્રયત્નપૂર્વક પોઝિટિવ વિચારો કરવા પડશે.

વળી માત્ર વિચારો કરવાથી જ વાત પૂરી નહીં થાય, પરંતુ તમારે એ નકારાત્મક (નેગેટિવ) વિચારોમાંથી બહાર નીકળવા પ્રયત્ન અને પુરુષાર્ષ કરવાનો રહેશે. આવો પુરુષાર્થ કરતી વખતે કદાચ મનમાં નિષ્ફળતાનો ભય પણ જાગે, પરંતુ એ નિષ્ફળતાની પરવા કર્યા વિના સફળતા માટે પ્રયત્ન કરવાનો રહે છે.

ભારતીય બોકસર મેરી કોમની સિદ્ધિ પર જરા વિચાર કરો. ૧૯૮૨ ની ૨૫મી નવેમ્બરે મણિપુર રાજ્યમાં જન્મેલી મેરી કોમ ત્રણ બાળકોની માતા છે અને તાજેતરમાં જ ૪૮ કિલોની કેટેગરીમાં એશિયાઈ વિજેતા બનીને પાંત્રીસ વર્ષની ઉંમરે પાંચમો સુવર્ણચંદ્રક હાંસલ કર્યો. આ તમામ વિજયવેળાએ એણે નિષ્ફળતાનો લેશ પણ વિચાર કર્યા વિના સિદ્ધિનાં સ્વપ્ન પર નજર ઠેરવી. સ્વપ્નો પર નજર ઠેરવીએ અને જીવનસફરમાં આગળ વધતા રહીએ.

દુનિયાનાં સર્વ શાસ્ત્રો અને વિચારકો એક બાબતમાં તો સર્વસંમત છે કે તમે જે રીતે વિચારો છો, એ રીતે તમારા વ્યક્તિત્વનું ઘડતર થાય છે. આથી વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કહ્યું છે,

કદ વ ઋતં કદ વ નૃતં ક્વ પ્રજા ।

'શું ઉચિત છે અને શું અનુચિત' - એનો નિરંતર વિચાર કરો.

'ઋગ્વેદ'ના આ નાનકડા મંત્રમાં કેવી મહત્વની વાત કરવામાં આવી છે ! વ્યક્તિએ સતત એ વિચાર કરવો જોઈએ કે કઈ વસ્તુ એને માટે ઉચિત છે અને કઈ અનુચિત ? જે ઉચિત હોય એને અપનાવવી જોઈએ અને જે અનુચિત હોય તેને ત્યજવી જોઈએ.

સારા વિચારો, ઉચ્ચ આદર્શો અને ઉમદા ભાવનાઓ અપનાવવા યોગ્ય છે, જ્યારે કુવિચારો, નિમ્ન લાલસાઓ અને હીન ભાવનાઓ ત્યજવા યોગ્ય છે. જો વ્યક્તિના ચિત્તમાં હીન વિચારો કબજો લઈ લે, તો એનું આચરણ પણ હીન થતું જાય છે.

આથી પહેલી વાત એ છે કે તમે કઈ રીતે વિચારો છો ? એ વિચાર વ્યક્તિના વ્યક્તિત્વનું અને એના ભવિષ્યનું નિર્માણ કરે છે. ઉમદા વિચાર એના જીવનને પ્રગતિગામી બનાવે છે, તો દુર્વર્તન અધમ વિચાર એને વિનાશ તરફ ધકેલે છે. મહાન ગોલ્ફર ટાયગર વૂડની સર્વોચ્ચ શિખરેથી થયેલી પડતી આનુ જ્વલંત ઉદાહરણ છે.

વ્યક્તિ જો પોઝિટિવ વિચાર રાખે, તો એ પોઝિટિવ કામ કરી શકે છે અને વ્યક્તિ જો નેગેટિવ વિચાર રાખે તો એ ખોટાં અને નિષ્ફળતા ધરાવતાં કાર્યો કરે છે. રોમન સમ્રાટ માર્ક્સ ઓરેલિયસ કહે છે કે માણસ જેવા વિચાર સેવે છે એવું એનું જીવન બને છે અને બાઈબલમાં ઈસુ ખ્રિસ્તે કહ્યું છે તેમ માણસ એના મનમાં જે વિચાર કરે છે, એવો એ બને છે.

આ બધાનો અર્થ જ એ કે માણસે પોતે જ પોતાનું ઘડતર કરવાનું છે. એ પોતે માત્ર પોતાની સફળતાનો જ સર્જક નથી, નિષ્ફળતાનો પણ સર્જક બની શકે છે. એ સજ્જન પણ થઈ શકે છે અને દુર્જન પણ બની શકે છે. એનાં વિચારો, વલણો, અભિગમો અને કાર્યો એને સજ્જન અથવા દુર્જન બનાવવામાં કારણભુત બનતાં હોય છે.

જો આપણે પોઝિટિવ રીતે વિચારતા હોઈશું તો ચિત્તમાં સારા, રચનાત્મક અને પ્રગતિશીલ વિચારો આવશે અને આપણું જીવન બદલાતું રહેશે. આપણી શારીરિક શક્તિમાં વધારો થશે તેમજ આપણો સમગ્ર જીવન પ્રત્યેનો અભિગમ પણ પોઝિટિવ બનશે.

- ક્ષણનો સાક્ષાત્કાર

પ્રગતિનો માર્ગ ભૂલના રસ્તા પરતી પસાર થાય છે. પોતાની ભૂલને ભૂલી જવાની કે છાવરવાની વૃત્તિ કાદવમાં ખૂંપી જતા હાથીની માફક વધુને વધુ ભૂલોની ગર્તામાં ડૂબાડે છે. ભૂલો એ અવગણનાની વાત નથી, પણ મહત્વની ગણનાની વાત છે. જેમ વિજય કરતાં પરાજય તેમને વધુ શીખવી શકે છે. ક્યારેક જીત એ વિકાસનું પૂર્ણવિરામ બની જાય છે, તો ક્યારેક જીત પછી વ્યક્તિ મૌલિક વિચારણા કે વિશે કાર્ય કરવાની શક્તિ ખોઈ બેસે છે. વિજય પછી વ્યક્તિને કશું 'એકસ્ટ્રા' કરવાની ઈચ્છા હોતી નથી. જ્યારે પરાજય મળતાં વ્યક્તિ પોતાનું વિશ્લેષણ કરે છે. થયેલી ભૂલો વિશે વિચારે છે અને પછી વેપારી હોય કે ખેલાડી, પણ ફરી એ ભૂલનું પુનરાવર્તન ન થાય તેની મનમાં પાકી ગાંઠ વાળે છે.

આવું વિશ્લેષણ કરતી વખતે જે પ્રગતિના રસ્તા પર પડેલા કંટકોનો ખ્યાલ આવે છે અને ગુલાબ પામવાની ઝંખના બળવત્તર બને છે. જીવન છે, તો એમાં હાર-જીત છે, પણ જ્યારેતમે હાર પામો, ત્યારે તમે પછડાટ પામ્યા પછી કેટલી ઝડપથી ઊભા થઈને સંજોગોનો સામનો કરો છો તે મહત્વનું છે. ભૂલ એ તમારા વ્યક્તિના પુનર્જન્મનું કારણ બની શકે. આવી ભૂલોમાંથી પાઠ શીખનાર મોહનદાસ મહાત્મા ગાંધી બન્યા. 

- મનઝરૂખો

ઈરાનના બાદશાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્યયનો અને અઢળક ધન-સંપત્તિનો અતિ અહંકાર હતો. આ અહંકારે એને ગર્વિષ્ઠ અને તોછડો બનાવી દીધો હતો. નોકર-ચાકર તો ઠીક, પરંતુ રાજના દીવાના સાથે પણ એનો વ્યવહાર સૌજન્યહીન હતો. આવા ઘમંડી બાદશાહને મળવા માટે અબુ શકીક નામના મહાન મુસ્લિમ સંત આવ્યા. આ અબુ શકીકે બાદશાહને પૂછ્યુ, ''બાદશાહ, તમારી ધનદોલતનું કુલ મૂલ્ય કેટલું છે ?'' સૂફી સંતના પ્રશ્ને બાદશાહને વિચારમાં ડુબાડી દીધો. બાદશાહનો ગર્વ બોલી ઊઠયો, ''અરે ! એટલી બેશુમાર દોલત મારી પાસે છે કે જેની મને ખુદને ખબર નથી. એનો અંદાજ હું કંઈ રીતે આપું ! તમારી કલ્પના બહારની આ વાત છે.''

સૂફી સંતે કહ્યું, ''બાદશાહ, ધારો કે તમે સહરાના રણમાં ભૂલા પડયા છો, તમને ખૂબ તરસ લાગી છે. પણ તમારી પાસે પીવાના પાણીનું એક ટીપું નથી. તમને એવો અનુભવ થાય છે કે હમણાં તમે વિના પાણીએ તડફડીને મૃત્યુ પામશો. ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઈ તમને પાણીનો ગ્લાસ ધરે તો તમે એને શું આપશો ?''

બાદશાહ હારૂન અલ રશીદે કહ્યું, ''અરે ! આવે વખતે તો હું એને અર્ધું રાજ્ય આપી દઉં.'' સૂફી સંતે બીજો પ્રશ્ન કર્યો, ''બાદશાહ, ધારો કે તમે ખૂબ બીમાર પડયા હો, બચવાની કોઈ આશા ન હોય, દુનિયાના કાબેલ હકીમોએ કરેલા ઉપચાર નિષ્ફળ નીવડયા હોય અને એ જ સમયે તમને કોઈ દવાની પડીકી આપે અને સાજા થઈ જાવ, તો તમે એને શું આપો ?''

બાદશાહ બોલી ઊઠયા, ''અરે ! આવા જાન બચાવનારને તો અર્ધું રાજ્ય આપી દઉં.'' સૂફી સંત અબુ શકીકે કહ્યું, ''બાદશાહ, તમારા સામ્રાજ્યની તમામ દોલતની કિંમત પાણીના એક ગ્લાસ અને દવાની એક પડીકી જેટલી જ છે. જો તમારાં ધન-દોલતની આટલી જ કિંમત હોય, તો એનું આટલું બધું અભિમાન શાને ?''


    Sports

    RECENT NEWS