જય મા કાલી! કાલીનું પણ આગવું શૌર્યસૌંદર્ય છે!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- સતત 'ધાર્મિક' મહાત્મ્યના જ ઘેનમાં ડૂબેલો આપણો સમાજ સહજ સાંસ્કૃતિક પરિવર્તન સ્વીકારી નથી શકતો. માટે આપણી અનેક રોમાંચક ફેન્ટેસી કથાઓ સપાટાબંધ વીસરાતી જાય છે.
આજે કાળીચૌદશ.
મહાકાલી એટલે આદ્યશક્તિનું સત્ય અને ન્યાય માટે પ્રગટેલું રૌદ્ર રૂપ. કાલી તંત્રની પણ અધિષ્ઠાત્રી દેવી. દસ મહાવિદ્યાઓમાં મુખ્ય અને પ્રથમ દેવી. કાલી એટલે મૂર્ર્તિમંત પરાક્રમ. સનાતન વિજયની લાલસા અને લાયકાતથી છલકાતું ખપ્પર. આસુરી વૃત્તિઓ સામેનું રક્તરંજીત ખડ્ગ. સૃષ્ટિના સર્જન અને સર્વનાશ વચ્ચે ભોગના અમર્યાદ આનંદની મુક્તિ અને બિન્દાસ મસ્તી. કાલી એટલે પુરુષ અને પ્રકૃતિના સંગમ સમયે ઉછળતો વિસ્ફોટ. કાલી એટલે સ્વયંસિદ્ધા શક્તિ. 'ડાર્ક મેટર'ની ભૌતિક ઊર્જા અને વિકરાળ અસુંદરનાં સહજ સ્વીકારનું શક્તિસ્વરૂપ એટલે કાલી. કાલી એટલે યુદ્ધમાં ઝઝૂમવા અને જીતવાની લડાયક વીરતા.
માતાજીના અનેક સ્વરૂપો ભારતમાં પૂજાય છે. દેવીઓ નહિ પણ સાક્ષાત ઈશ્વર તરીકે આપણે ત્યાં શક્તિપૂજન છે. પણ એમાં એક ઈન્ટરેસ્ટિંગ ને ઇન્ટરનેશનલી ફેમસ સ્વરૂપ હોય તો કાલીનું. રજનીશને લીધે ભારતનું તંત્ર હિપ્પી કલ્ચરમાં ખાસ્સું પોપ્યુલર થયેલું. આ વર્ષે જ ડેન્માર્કના કોપનહેગનમાં હિપ્પી વસતિમાં વિહરતા દિવાલ પર કાલીનું ભવ્ય ચિત્ર જોયેલું ! ૧૯૭૨માં એમએસ મેગેઝીનમાં કાલીનો મેટાફોર ગર્ભવતી યુવતીની વ્યથા માટે વપરાયેલો. જુડી શિકાગોથી દોજા કેટ સુધાના પોપ સોન્ગ્સમાં કાલી જોવા મળે ! શકિરાના સતેજ શોમાં પણ કાલીની મુદ્રા જોવા મળે !
ડિઝનીના એનિમલ કિંગડમમાં ઓર્લાન્ડો જાવ તો કાલીના ક્રોધ જેવા ટાઈટલ સાથેની ફેમસ રિવર રાઈડ છે. એમ્સ્ટરડેમનાં ઈરોટિક મ્યુઝિયમમાં જાવ તો આધુનિક કાલીનું મેરેલીન મનરો જેવા શોર્ટ હેર સાથે મનમોહક પેઈન્ટિંગ છે. વિવિધ મ્યુઝિયમોમાં જગત આખામાં કાલી જોવા મળે. સ્ટીવન સ્પીલબર્ગની મનોરંજક ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ જેમાં વિલન તરીકે અમરીશ પૂરીને રોલ મળેલો એ ભૂમિકા કાલીના પુજારી તાંત્રિકની હતી. ઓવરવોચ વિડીયો ગેઈમમાં પણ કાલી છે. હમણાં ફ્રાન્સના કાનમાં મળી ગયેલી જર્મન સુપરમોડેલ હૈદી ક્લુમે દસ હાથવાળી કાલીનું શરીરે વાદળી નીલરંગ લગાવીને રૂપ ધારણ કરેલું હેલોવીન પર ૨૦૦૮માં! હમણાં કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો સાથે બિકિનીમાં રોમાન્સ ફરમાવતી દેખાયેલી એ અમેરિકાની ટોચની પોપ સ્ટાર કેટી પેરીએ ૨૦૧૭માં ઇન્સ્ટાગ્રામ પર નરમુંડની માળા સાથે કાલીનું શિવ પર પગ મુકીને ઉભા હોય એવું ચિત્ર મુકેલું.
કાલી અને શિવ પર પગ મૂકી ઉભા રહે? પણ અહી હવામાં ઉડતા એરોગન્ટ બચ્ચાંઓને રામાયણનો પહેલો કાંડ ખબર નથી હોતી. એટલે આ બહુ જાણીતા સ્વરૂપ પાછળની કથા ક્યાંથી ખ્યાલમાં હોય? પરદેશી હેલોવીનના ડેકોરેશન પોતાના કલ્ચરને ચુસ્ત વળગી રહેતા જાપાનમાં હમણાં ઠેરઠેર જોયા. એ મૂળ કોઈ ખ્રિસ્તી તહેવાર નથી પણ છવાઈ ગયો છે એના મનોરંજક હોરર એલીમેન્ટ્સ ને ફિલ્મોમાં મફત થતા પ્રમોશનને લીધે. એના કરતા ઘણા વધુ ડીપ લેયર્સ ધરાવતો!
કાળીચૌદસ સાથે લોકપરંપરાની અનેક કથાઓ અને વિધિવિધાન જોડાયેલા છે. કૃષ્ણે નરકાસુરને હરાવ્યો એ માનમાં એણે નરક ચતુર્દશી પણ કહેવાય છે. કવિ મકરંદ મુસળેએ રસપ્રદ રીતે સમજાવેલું કે પત્ની સત્યભામાનાં સંગાથમાં નરકાસુરને હરાવી કૃષ્ણ પાછા ફરેલા ત્યારે નરકાસુરે કેદ પકડેલી સોળ હજાર સ્ત્રીઓને એમણે અપનાવી, એ વખતે એમને યુદ્ધમાંથી નેચરલી વેરવિખેર વસ્ત્રો સાથે આવ્યા હોવાને લીધે રાણીઓએ પતિ પરમેશ્વર કૃષ્ણને હળદર ચંદન કેસર ગુલાબ નારંગીની છાલનો ભૂકો વગેરેના ઉટણે યાને ઉબટનથી સ્નાન કરાવેલું ને ચોખ્ખા કરેલા ! એ અભ્યંગ સ્નાન આ નરક ચતુર્દશી સાથે જોડાયેલું છે. સો રોમેન્ટિક. પતિ પત્ની સાથે સ્નાન કરે ને પત્ની પતિનો શરીરે ચોળીને નવડાવે એ પણ એક ફેસ્ટીવલ છે ! મહારાષ્ટ્રમાં હજુ અભ્યંગસ્નાન જાણીતું ખરું.
પણ તંત્રની મૂળ મહાવિદ્યા ગણાતી મહાકાળીનું કાળીચૌદસ સાથેનું જોડાણ ભારતીય સમાજમાં જડબેસલાક છે. બચપણમાં ગોંડલ ગામમાં મધરાતે ગામની બહાર આવેલા કાળભૈરવના મંદિરે રાજવી પરિવાર વર્ષોથી ભવ્ય પૂજા કરે અને સ્વાદિષ્ટ વડાંની પ્રસાદી વહેંચાય એ દ્રશ્યો નજરે નિહાળ્યા છે. એવું જ ત્યારે જોયેલું ને ગમ્મત કરાવતું ચાર ચોકમાં 'કકળાટ' કાઢવાનું નોર્મલ રૂટીનમાંથી એક વેલકમ બ્રેક આપતું ગમ્મતભર્યું 'રિચ્યુઅલ' લાગ્યું મોટા થતાં. અને એવા વિચિત્ર છતાં તહેવારને કશીક અનોખી ઓળખ આપે એવા રીતરીવાજો તો વિશ્વની દરેક સંસ્કૃતિમાં છે. હેલોવિનમાં આખા અમેરિકામાં (સાયન્સ પાર્કમાં ય) બિહામણા ચહેરા દર્શાવતા કોળાં નથી પથરાઈ જતાં ? સાત ધાનના કાણાવાળા બહારથી કથ્થાઈ ને અંદરથી લીલાંપીળાં કાણાવાળાં વડાંને પણ હેરિટેજ ગણવા જોઈએ!
ગ્રીક/રોમન દેવી-દેવતાઓ જેટલા નવી પેઢીમાં જાણીતા છે, એટલો આપણો વારસો નથી. ઈજીપ્ત ને ગ્રીક ગોડસ તો ફેવરિટ છે. નોલાન હમણાં હોમરના મહાકાવ્યનું વધુ એક વર્ઝન ઓડિસી લઈને આવશે અને એ પહેલા રાલ્ફ ફિનેસની રિટર્ન એ જ ટોપિક પર આવી ગઈ. પણ જેના આપણે વખાણ કરતા થાકતા નથી એ આપણું રિચ એન્ડ કલરફુલ કલ્ચર હજુ દુનિયામાં થોડા આધ્યાત્મિક ખોજીઓને બાદ કરતા એટલું પ્રસિદ્ધ નથી. કારણ પેલું ફરજીયાત પવિત્રતાનું મર્યાદામઢયું આવરણ. બટકણી લાગણી દુભાઈ જાય !
છતાં કાલીની મૂળ કથા તો પ્રસિદ્ધ છે. રંભ કરંભ નામના બે ભાઈઓથી શરુ થઈને તપ કરતા કરંભને મારનાર ઇન્દ્રને ખતમ કરવા રંભ અને શ્યામલા નામની ભેંસના સંબંધથી મહાબળવાન મહિષાસુરનો જન્મ ને પછી એના નાશ માટે દુર્ગાનું આહ્વાન દરેક દેવતાઓની વિશિષ્ટ શક્તિઓના જોડાણ સાથે. એ લડાઈમાં ચંડમુંડના નાશ માટે પ્રગટ થયેલી વિકરાળ દાંત ધરાવતી શક્તિ ચામુંડા, અને પછી અસુર બંધુઓ શુંભ નિશુંભની મદદમાં પાર્વતીના દુર્ગારૂપ સામે આવેલો રાક્ષસ રક્તબીજ.
દેવી ભાગવતની આ કથા જબ્બર એક્શન મૂવીનું બિલ્ડ અપ છે. રક્તબીજ એટલે ફેક પ્રોફાઈલ બનાવી ઓનલાઈન રખડતા ટ્રોલિયાઓ જેવો. એને મારો ને એના લોહીના ટીપાં ધરતી પર પડે એમાંથી એના જેવી જ તાકાત ધરાવતો નવો રક્તબીજ ક્લોન પેદા થાય. સાયન્સ ફિક્શન ફિલ્મો જેવો પ્લોટ છે આ. રક્તબીજ મરે જ નહિ, ઉલટું લોહીનું ટીપું એનું ધરતી પર પડે કે સેંકડો એના જેવા નવાનો મુકાબલો કરવાનો. મુસીબતનો મુકાબલો કરવાનો સંઘર્ષ નવી આફતો એકસાથે નોતરે એવું.
એમાં દુર્ગાની લટ કે કપાળ કે ચિંતનમાંથી કાળ બનીને અવતરીને ત્રાટકી એ મહાશક્તિ કાલી! ભયાનક રૌદ્ર રૂપ જે જોઇને રાક્ષસો શેતાનો ભૂતપ્રેત પણ થથરી ઉઠે! આક્રમક મિજાજ, ગુસ્સામાં લાલ આંખો પોતે મારેલાની ધારણ કરેલી નરમુંડ (પુરુષોની ખોપરીઓ કે પછી છેદાયેલા મસ્તકો)નો હાર, વાઘનું શિવ જેવું ચામડું અને રક્તબીજનો પ્રોબ્લેમ સોલ્વ કરવાની ચપળતા અને તાકાત. એક ખડગથી એને મારવાનો ને લાંબી બહાર નીકળેલી લાલ લોહિયાળ જીભથી એનું રક્ત ચાટી જવાનું ! નીચે પડે તો એના વરદાન કે પ્રોસેસ મુજબ બીજો પેદા થાય ને ! કાલીમાતા એમ સંહાર અને ન્યાયના અલ્ટીમેટ સિમ્બોલ બની ગયા !
માર્વેલના મલ્ટીવર્સ જેવા આપણા પુરાણો છે, આ એક જ કથા નથી. પેરેલલ એક દેવ કે દેવીની વાત બીજે ક્યાંક સાવ અલગ હોય એવી વાર્તાઓ છે. બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે એમ એકની વાર્તામાં સાઈડમાં બીજા પણ આવે ને જે મેઈન લીડમાં હોય એની સ્તુતિ પ્રસ્તુતિ કરે. એક કથા એવી છે 'વામન પુરાણ'ની કે કાલીનો ઉવ શિવે પાર્વતીને મજાકમાં સાંવરા કહ્યા એમાં તપસ્યા બાદ ભગવતીના બે રૂપ થયા, એક શ્વેત ત્વચા ધરવતા ગૌરી ને બીજા શ્યામ ત્વચા ધરાવતા કાલી ! બેઉ મૂળ તો એક જ શિવના સંગાથીના બે રૂપ. 'વિકેડ' જેવી પરીકથા કરતા પણ આગવો રોમાંચ છે આ કહાનીંઓમાં પણ એ રીતે નવી ગ્લોબલ જનરેશન સામે પ્રેઝન્ટેશન કરો તો બની બેઠેલા સનાતનીઓ ધર્મના નામે એવા વિઘ્નો ઉભા કરે કે ક્યારેય આપણી ગ્લોરી, આપણા આઇકોન ગ્લોબલ થાય નહિ ને એના કરતા નવા આવેલા કાર્ટૂન વધુ પોપ્યુલર પરદેશી પેઢીઓમાં થાય !
'લિંગ પુરાણ'માં કાલીની ઓરિજીન સ્ટોરી ઓર રસિક છે. દારુક નામના શક્તિશાળી રાક્ષસને મારવા પાર્વતી એકલા પહોંચે એમ નહોતા એટલે શિવને પોતાનામાં સમાવી લીધા એમ કાલીનો ઉદ્ભવ થયો. કાલીએ તાંડવ જેવું તોફાન મચાવી લીધું. એમની રક્તપિપાસા શાંત ના થઇ ને એમણે જે આવે એનો આવેશમાં વધ કરવાનું શરુ કર્યું. એમને રોકવા જરૂરી હતા. મહાદેવને પોતાના જ ફેમિનાઈન પાવર વારવાની જરૂર લાગી. વાત તો સાંભળે એમ નહોતા એટલે શિવ પોતે કાલીના માર્ગમાં સુઈ ગયા. હિંસક જુસ્સામાં એમણે શિવ ઉપર પગ મૂકી દીધો ને અચાનક પ્રિયતમ પર પગ મુકાઈ ગયો એનો અહેસાસ થતા ક્ષોભથી જીભ કચરી અને ગુસ્સો શાંત થયો !
કાલીના ઉલ્લેખો અર્થવવેદમાં અને મહાભારતમાં છે, પણ સુરેખ આકાર કે સ્ટોરીઝ નથી. અશ્વત્થામાએ પાંડવોના સંતાનોને છાવણીમાં સુતા હતા ત્યારે માર્યા ત્યારે નાઈટમેર યાને દુ:સ્વપ્ન તરીકે કાલીના ભયાનક ઓછાયા દેખાય છે. બ્રહ્મા સામે જોખમ હોય ત્યારે વિષ્ણુની એ નિદ્રાધીન હોય ત્યારે રક્ષા કરતી દેવી કાલી એમને જગાડે એવી વાત પણ દેવી મહાત્મ્યમાં છે. મુંડકોપનિષદમાં એ અગ્નિની સાતમની એક જીભ છે. કથક ગુહ્યસૂત્રમાં કાલીને શુભ પ્રસંગોમાં સુગંધી દ્રવ્યો અર્પણ કરવામાં યાદ કરવી એવી વાત પહેલી વખત છે. જૈમિનીય બ્રાહ્મણમાં કાલીનો ઉલ્લેખ નથી પણ દેવતાઓ યજ્ઞા કરે ત્યારે એક દીર્ઘજીહ્વા નામની સ્ફૂર્તિવાન અને તાકાતવાન સુંદરી યજ્ઞા પછી મળતો સોમરસ પોતાની લાંબી જીભે ચાટી જતી. એની હરકતોથી નારાજ ઇન્દ્રે ષિઓ સામે અપ્સરા મોકલે એમ અહીં ઉલટું કરી દીર્ઘજીહ્વા સામે કુત્સના પુત્ર સુમિત્રને મોકલ્યો.
અત્યંત સોહામણા એ પુરુષને જોઈ દીર્ઘજીહ્વા મોહિત થઇ, એણે એની પાસે જે માંગણી કરી ને એ મુજબ જે વરદાન ઇન્દ્રે સૌમીત્રને આપ્યું એ વાત તો આજકાલના મર્યાદાપ્યાદાંઓને વાંચવી ના ગમેને હાય હાય અશ્લીલતાના બરાડા નાખે એવી છે. એટલે એને કટ કરીએ તો એ દીર્ઘજીહ્વા જ્યારે સૌમિત્ર સાથે રતિક્રીડામાં નીચે હતી
ત્યારે જ એને ધરતી પર બાંધી લઈ (કેવી રીતે એ કલ્પનામાં ના આવે એવું ઈરોટિક વર્ણન છે એટલે પૂછીને શરમાવશો નહિ) એનો ઇન્દ્રે વધ કર્યો. આ દીર્ઘજીહ્વા વાઈલ્ડ એટલે આમ બેફિકરી ને આમ વન્ય યાને આદિવાસી દેવી હતી એવું અભ્યાસુઓ માને છે. મોટે ભાગે ખાસ તો દક્ષિણમાં આક્રમક સ્વરૂપના ચામુંડા કે કાલીના શિલ્પો અરણ્યમાં પૂજાય છે. એટલે કાલીનું આવું બિહામણું લાગે એવું સ્વરૂપ અર્બન સોફિસ્ટીકેટેડ આર્યોએ બનાવ્યું એવી પણ એક થિયરી છે.
જો કે કાલી તંત્રની અધિષ્ઠાત્રી હોઈને એ મૈથુન કે શૃંગારરસમાં પણ પૂજનીય જ છે. સ્ત્રી માત્ર ડાહીડમરી ગુડિયા ના રહે ને એ પોતાની શરતે જીવતી આગ જેવી તેજસ્વી ને ખતરનાક બનીને જગતને ભરી પીવે એ સ્વરૂપ ખરેખર વધુ કામણગારું લાગે છે હમણાં કલ્યાણી પ્રિયદર્શનની ફિલ્મ 'લોકાથ'માં આવો જ કોન્સેપ્ટ હતો. કાલી એટલે કાળી એવું ચિત્રો જોઈ ઘણા સમજે છે. પણ મૂળ શબ્દ કાળરાત્રિ યાને ડાર્ક નાઈટ છે. અર્થાત બ્લેક બ્યુટીવાળો અર્થ નહિ પણ કાળનો કોળિયો યાને તમારો સમય પૂરો થાય ત્યારે જે મોત કે કર્મના ન્યાય તોળતો અંધકાર તમારી સામે આવી જાય એ ! કાલી ફેમિનિસ્ટ ગોડેસ પણ છે. સત્યજીત રેની શર્મિલા ટાગોર અભિનીત દેવીમાં, વિદ્યા બાલનની કહાની કે ભૂલ ભૂલૈયાની મોન્જુલિકા કે બુલબુલની નિર્દોષ યુવતી કાલીનું રૂપ ધારણ કરીને ખરાબ પુરુષોને એમના શોષણ સામે બદલો લઈને કટ ટુ સાઈઝ કરે છે!
સુપરનેચરલ એલીમેન્ટ્સ સાથે જાદૂના ઘર કહેવાતા બંગાળમાં તો કાલી પૂજાય છે, રામકૃષ્ણ પરમહંસને પરમનો સાક્ષાત્કાર કાલીમાતાની આરાધના થકી જ થયેલો. કાલીના રૌદ્ર સામે સૌમ્ય સ્વરૂપ પણ છે. અમદાવાદમાં જે ભદ્રકાળી છે કે કાલિકાનું નાકે નથ, મુકુટ અને આશીર્વાદ વરસાવતું શાંત સ્વરૂપ. એટલે ભદ્ર, જેન્ટલ. એક રીતે જુઓ તો સ્ત્રી ઘેર ગૃહિણી તરીકે સમાજની વચ્ચે શાંત રહે એ ગૌરીરૂપ. એટલે લગ્નના રિવાજોમાં ગૌરીપૂજા આવી હશે ! અને એ કોઈનું માન્યા વિના પોતાના બળ પર પોતાની રીતે જીવે, કપડાં કે ફેશનની પરવા ના કરે, મેકઅપથી પુરુષને રાજી કરવા ધરાર સુંદર ના દેખાય, એને સ્વામી માની એની સેવા ના કરે એ કાલીરૂપ ! એટલે જ્યાં કોઈ રિલેશનના બંધન નથી પણ સેકસ્યુઆલિટી બાબતે કે જીવવા બાબતે આઝાદમિજાજી છે એમને કાલીનું આકર્ષણ થાય ! એમ તો દરેક દરેક સ્ત્રીમાં એક કાલી છુપાયેલી હોય છે ને બહુ અન્યાય થાય તો આક્રોશમાં જીભ બહાર કાઢીને એ લોહી ચૂસી શકે છે અત્યાચારીનું !
પણ એ કાલીમાતા છે જે વિદ્યા અને કળાની રસિક્તાનું વરદાન આપી શકે. ભારતના સંસ્કૃત સાહિત્યના શિરમોર કવિકુલગુરુ કાલિદાસ સાથે કાલીનું નામ અપન અભિન્ન અમર છે, ગમાર ગણાતા યુવકને કાલીએ વિદ્યા આપી. એટલે નામ પડયું કાલિદાસ ! અને કાલિકાની પ્રસન્નતાથી ભારત તો શું જગતમાં ના હોય એવા રોમેન્ટિક ઈરોટિક શૃંગારરસના કવિ રહ્યા કાલિદાસ ! આપણે કાલીનું કોઈ વિદેશી સેલિબ્રિટી ચિત્ર મુકે ત્યાં પણ ટ્રોલ કરવા ધસી જઈએ છે ને ખુદ માતાજી રુઠવાને બદલે ત્રુઠે છે એક હૃદયથી પ્રકૃતિ, પ્રેમ અને પ્રમદા યાને નારીનું સૌંદર્યવર્ણન લખતા સર્જક પર ! દિખાવો પે ના જાવ. કાલીના વિકરાળ કાળસ્વરૂપની પણ એક સુંદરતા છે. એ શરીર સૌષ્ઠવને કપડાંથી ઢાંકતા નથી, ને કોઈની મદદને બદલે પોતાની ફિટનેસ પર મુસ્તાક છે એ જોતા એ શક્તિ ને સ્વભાવ બંનેમાં એ વાઈલ્ડ એન્ડ ફિટ પણ છે.
આ લખાય છે ત્યારે ખાસ ઘરમાં રાખેલું એક ચિત્ર એટલે નજર સામે તરવરે છે. ચિત્ર મા કાલીનું છે , પણ લસલસતી લાલ જીભ, નર મૂંડની માળા, શ્યામ વર્ણ પર વિખરાયેલા વાળ - એવું જેના થકી આપણું માઈન્ડ 'કન્ડીશન્ડ' છે, એવું હોરર નથી. (આવા સ્વરૂપો આપણે બચપણથી જોયા છે, પણ પારકા પ્રદેશમાં એ વિચિત્ર લાગે - અને ત્યાંના ન્યુડસ આપણને !) પણ આ ચિત્રમાં કાલી નમણા, ઘાટીલા, રૂપાળાં છે. પુરાતન ભારતની શિલ્પશૈલીને અનુરૂપ આભૂષણો સિવાય અનાવૃત છે. ઉજળા વાન સાથે શરીરસૌષ્ઠવનું એમનું લાલિત્ય સંસ્કૃત ગ્રંથોમાં આવતા દેવીના વર્ણન જેવું જ છે. (યજ્ઞાવિધિ કરતા શક્તિસૌન્દર્યના વર્ણનો એમાં વધુ છે) પણ આંખોમાં ચમકતું તેજ અને મુખ પરથી નીતરતા મક્કમ પરાક્રમને લીધે તરત જ 'યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા' ની પ્રત્યક્ષ ઝાંખી થાય છે. આ ૨૧મી સદીનો ગ્લોબલ અવતાર સર્જ્યો છે, વિખ્યાત અમેરિકન ચિત્રકાર ટોડ લોકવૂડે ! આ થઇ સાચી રૂપ ચતુર્દશી! એમની બીજી ઓળખ 'ડેન્જન્સ એન્ડ ડ્રેગન્સ' છે, જેના એ મુખ્ય ઈલસ્ટ્રેટર રહ્યા.
એણે કાલીનું આપણે ફિલ્મી પડદે સ્મશાનના તાંત્રિકો બોલે એવા મંત્રપાઠમાં ભૂલી ગયા છીએ એ સ્વરૂપ ઝીલવાની સફળ કોશિશ કરી છે. સમગ્ર બ્રહ્માંડના સર્જન અને સંહારના 'અલ્ટીમેટ' શક્તિસ્વરૂપ તરીકે આધુનિક કાલીનું એમાં નિરૂપણ છે. ટોડભાઈએ એટલે જ મૂળ ચિત્રને સંસ્કૃત નામ આપ્યું છે કાલી-પ્રકૃતિ. અહીં ટિપિકલ કાળકામાતા નથી. કાલી મધર નેચર - પ્રકૃતિના સ્ત્રી સ્વરૂપ તરીકે છે! આ કંઈ તણાતણ લાલચટ્ટક ચોલીમાં મમતા - કાજોલ જેમની સામે નાચતા હોય એ ફિલ્મી કાલી નથી (કર્ટસી : કરણ-અર્જુન), પણ ભારતની ચેતના વીરરસથી શૃંગારરસમાં જ વહેતી આવી છે. કૃષ્ણના વિરાટ દર્શન જેવા એ ચિત્રમાં પ્રલય અને નિર્માણ સમગ્ર સજીવસૃષ્ટિના ઝીલાયા છે !
કાલી એટલે જ ગ્લોબલ દેવી છે. મધ્યયુગમાં, રોમાની જીપ્સી ભારતના ઉત્તર પ્રદેશમાંથી યુરોપ ગયા. એ ફ્રાન્સમાં કાલી પજા લાવ્યા. અહીં, કાલી સેન્ટ સારા યાને સારા લા કાલી, અથવા કાળી સારા તરીકે ખ્રિસ્તીઓમાં ઓળખાતી દેવીનું સ્વરૂપ લે છે. દર વર્ષે રોમાનીઓ દક્ષિણ ફ્રાન્સમાં સેન્ટ મેરીસ ડી લા મેરમાં તેની પૂજા કરવા માટે તીર્થયાત્રા કરે છે. ઈજીપ્તમાં કાલી જેવી જ દેવી હાથોર છે જેને સર્વોચ્ચ સૂર્યદેવ રાની આંખમાંથી જન્મ મળ્યા બાદ એ સેખમેત નામના સિંહનું રૂપ ધારણ કરીને પ્રલય મચાવી દે છે. કાલી આવરણવિહીન અનાવૃત છે, કારણ કે એ લડાયક છે.
કાલી ઈચ્છે છે કે તમે તમારા ભયોનો સામનો કરો. તમે ભયને સમજો. એમની એ કરુણા છે. આપણને શાંતિ ગમે છે પણ વાસ્તવિકતાથી ડરીએ છીએ! બસ, આજે 'અભય'નું વરદાન મળે, જીવનસંગ્રામમાં નિત્ય પડકાર અને પરાક્રમની શક્તિ મળે, અંદરના ડર પર શાશ્વત હિંમતનો વિજય થાય, હાર અને હતાશાની મૂંઝવણોથી આત્મવિશ્વાસ પાંખો ન થાય અને મુકાબલો ઝાંખો ન થાય એ જ કાલીમાતા પાસે પ્રાર્થના.
ફાસ્ટ ફોરવર્ડ
કેટલાને ખબર હશે કે રોલિંગ સ્ટોન જેવા જગવિખ્યાત પોપ ગ્રુપનો લાલ જીભ બતાવતો ફેમસ લોગો બાકાયદા કાલી પરથી પ્રેરિત છે ! મિક જેગર એમ ભારત આવેલો ને અહીં એણે કાલીના ચિત્રનું પેપર કટિંગ ડિઝાઈનર જોન પાશેને બ્રિટન મોકલ્યું ને ટંગ એન્ડ લિપ્સનો વર્લ્ડ ફેમસ આઇકોનિક રેડ લોગો બન્યો !

