આસમાનોં સે ફરિશ્તે જો ઉતારે જાયે... વો ભી ઇસ દૌરમેં સચ બોલે તો મારે જાયે!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- જે દેશમાં ભારત માટે પોતાનું સર્વસ્વ આપીને દુનિયાભરમાં સન્માનપાત્ર બનેલા સર્વોચ્ચ સાધુજન ગાંધીજીને જ બેરોકટોક બેફામ ગાળો દેવાની કૃતઘ્નતા હોય ત્યાં આજના આઇકોન્સની કદર શું ધૂળ થાય?
'પ હેલા તો આપણે આપણું રાષ્ટ્રીય ચરિત્ર સુધારવું જોઈએ. આપણે 'પોલિટિકલ પાવર' અથવા સત્તાની રાજનીતિમાં ન પડવું જોઈએ. જલ્દી જ આપણને મતાધિકાર મળી જશે. આ સારી વાત છે. પરંતુ મતાધિકારને સત્તા કબજે કરવાનો માર્ગ ગણીને તેનો ભ્રષ્ટ રીતે ઉપયોગ કરવામાં આવશે. બંધારણ બને તો પણ આપણું કાર્ય પૂરું થતું નથી. તમને તમારું ચાહેલું બંધારણ તો મળી જાય છે, પરંતુ એમ તે સફળ નથી થવાનું.'
આ શબ્દો છે મહાત્મા ગાંધીના. જે એમણે ૧૧ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ રચનાત્મક કાર્યક્રમની ચર્ચા દરમિયાન આચાર્ય કૃપલાણીને કહેલા. જે એમનું આજીવન મિશન પણ રહેલું. ગાંધીના નામથી ગંધાઈને એમને ચરખાસુર કહેનારા ચક્રમોને એટલી પણ ખબર નથી કે આઝાદી પછી શું કરવું એની નક્કર રૂપરેખા અને એ માટે દેશભરમાં ફરીને ભેગી કરેલી પ્રતિભાઓ (જેમ કે સરદાર કે શાસ્ત્રી કે રાજગોપાલાચારી કે રાજેન્દ્રપ્રસાદ ને બીજા સેંકડો) કેવળ ગાંધી પાસે હતી. અંગ્રેજો ઉસ્તાદ ભાડુઆતની જેમ પોતે કબજો લીધો ત્યારે જે હાલતમાં દેશ હતો એમ જ મૂકી જવાની ફિરાકમાં હતા. એ મુજબ તો ભારત જેવું કશું રહેત જ નહિ. કારણ કે ભારત એક સાંસ્કૃતિક ઓળખ જરૂર હતું. પણ રાજકીય અસ્તિત્વ અખંડ હિન્દનું હતું નહિ ! છુટા છુટા રાજાઓ ને નવાબો ને બ્રિટીશ રાજ પહેલાની સ્થિતિ મુજબ સ્વતંત્રતા મળી હોત તો આફ્રિકન કબીલાઓની જેમ સેંકડો નાના નાના દેશોનો એક અસ્થિર વિસ્તાર બનત જે કાયમ અંદરોઅંદર પહેલાની જેમ લડયા કરત ને કોઈ નવી ગુલામીમાં ધકેલાઈ જાત ! યુરોપમાં કે દક્ષિણ અમેરિકામાં આપણા રાજ્યોથી પણ નાનકડા દેશો છે જ ને આગવી અસ્મિતાને લીધે !
લાંબો સમય ભારતના મોટા ભાગનો વિસ્તાર ગુલામ રહ્યો એના પાંચ મુખ્ય કારણોમાં પહેલું મુખ્ય કારણ એ કે આપણે એક દેશ તરીકે એકતા જાળવતા નહોતા. બધાની અલગ અલગ ભાષા, રિવાજો, ખાનપાન વગેરે અઢળક ભેદને લીધે અંદરોઅંદર લડયા કરતા. બીજું કારણ એ કે ધાર્મિકતાના અતિરેકને લીધે જ્ઞાતિવાદ આભડછેટની ચરમસીમાએ હતો. બધી વસ્તુ પરલોક ને પાપપુણ્ય સ્વર્ગ નર્કના ચશ્મે જ જોતો સંસારત્યાગી સમાજ આ લોકની સુખાકારીના આચારવિચાર ગુમાવી દે. ત્રીજું કારણ, જડતા ને સંકુચિતતામાં ભૂતકાળવાદી બનીને આપણે વિજ્ઞાન, ટેકનોલોજી અને ક્રિએટીવ બ્રેઈન માટે અનિવાર્ય એવી સેલ્ફ ફ્રીડમ બાબતે ઉદાસીન રહીને પ્રગતિમાં પાછળ રહેલા. યુદ્ધ હોય કે વિકાસ, હારતા ગયેલા. ચોથું કારણ, હુન્નરમાં આગળ હોવા છતાં શિક્ષણ અને જ્ઞાનમાં અસંતુલન ધરાવતી નાદાન પ્રજા, જેનો એક વર્ગ સાવ ભોળો ને ચીંધ્યું કામ કરી વિશ્વાસ રાખનારો, ઝૂકીને કામ કરનારો ને બીજો વર્ગ લુચ્ચો, જૂઠ બોલનારો આળસુ અને ઉગ્ર અહંકારને લીધે નાની નાની વાતોમાં હિંસા કરતો ઘાતકી ! પાંચમું કારણ : નિરંતર સબળ અને દીર્ઘદ્રષ્ટા નેતૃત્વનો અભાવ. એવી નેતાગીરી જે સત્તાના સ્વાર્થ વિના ક્ષમતાને આકર્ષીને બધાને એક રાખી શકે અને ભાષા કે સંસ્કૃતિના ભેદ વિના સમાન ન્યાયના ધોરણે જોડે.
ગાંધીજીનો જનમાનસમાં તો પ્રભાવ હતો જ, પણ જીનિયસ ગણાતા સંશોધકો કલાકારો ને વિખ્યાત શ્રીમંતો કે પ્રભાવી આગેવાનો પણ એમનાથી ઈમ્પ્રેસ થઇ ગયેલા એનું કારણ એ કે એકસાથે આ પાંચે કારણો ઓછા સમયમાં પારખી એના ઉકેલની દિશામાં કામ કરનાર આ એક જ ભડનું ફાડિયું હતો. એમને ખબર હતી કે આ કર્યા વિના તો આઝાદી આવશે પણ ભારત જેવું કશું રહેશે નહિ ! નાના મોટા ચાલીસથી સિત્તેર દેશો રચાઈ જશે. જે અક્કલના ઓથમીરો આગળપાછળના કોઈ અભ્યાસ વિના ગાંધીને દેશના ખંડન માટે ખોટી રીતે કસૂરવાર ઠેરવે છે ને અંગ્રેજોના એજન્ટ પણ કહી દે છે, એમને એ ખબર કે કદર જ નથી કે ગાંધીને લીધે વિભાજન નથી થયું, ગાંધીને લીધે વધુ વિભાજન અટક્યું. ને સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ભારતમાતા પાછળ જે નકશો બતાવાય છે, એ બન્યો ! આ કોઈ તર્ક નથી દસ્તાવેજી તથ્ય છે. કોઈ મેચમાં કોઈ ખેલાડી એક કેચ ચૂક્યો હોય ને બાકીના બધા કેચ ઝડપી, રન કરી, વિકેટ લઇ મેચ જીતાડીને ઓન મેરિટ મેન ઓફ ધ મેચ બન્યો હોય છતાં એના છુટેલા કેચની પંચાત કરીને એને કેમ ટ્રોફી આપી એવી ગંભીરછાપ બળતરા કરનાર પાકિસ્તાન યાદ રાખે છે પણ બાકીના રાજ્યો એક થઇ ગાંધીની રાહબરી નીચેના ભારતમાં જોડાયા એ કેમ ભૂલી જાય છે ?
એ તો સરદાર પટેલને લીધે એવું વિચારતા હો તો એ અધૂરો જવાબ છે. એક તો વલ્લભભાઈને દેશના કામ માટે વકીલાત છોડાવીને જોડાઈ જવા પ્રેરિત કરનાર જ ગાંધી હતા. જે ઇનસિક્યોર્ડ નહોતા એટલે જેન્યુઈન ટેલેન્ટને ઓળખીને આગળ કરતા. અભ્યાસ વગરના ડબ્બા જેવા મીડિયોકર નમૂનાઓને ઊંચા હોદ્દે ના ગોઠવી દેતા. વળી, એ સમયે પ્રજામાં ગાંધીજીનો રીતસર જાદૂ હતો. આપણે પણ આઝાદી બાદ ગામડે ગામડે ખાદીની ટોપી પહેરેલા લોકો નથી જોયા હજુ હમણાં સુધી ?
લશ્કરી સરમુખત્યાર સિવાય કોઈ શાસક કાયમી ધોરણે પ્રજા વિરુદ્ધ જઈને રાજ ના કરી શકે. જયારે એ સમયે તો ઘણા રાજાઓ પણ ગાંધીજીને સન્માન આપતા. એટલે ગાંધીના નામે ને એણે ઉભા કરેલા ભરોસે બાકીના ભારતનું એકીકરણ આસાન બન્યું. મકાન પૂરું બન્યું ના હોય પણ બિલ્ડર વિશ્વાસુ છે તો બાકીનું કામ પૂરું કરશે એ ધોરણે રહેવા જતા રહે દિવાળી આવે તો, એમ કેટલાય પ્રદેશો અધુરી પ્રક્રિયાએ ગાંધીજીની નીતિ ને ઈમાનદારીથી પ્રભાવિત થઈ ભારત સાથે રહ્યા. અંગ્રેજો પણ ગ્લોબલ લેવલે બ્રાંડ બનેલા ગાંધીને જ ભારતના નેતા માનવા મજબૂર રહ્યા. એટલે એમના ગોળમેજી પરિષદો જેવા ગતકડાંમાં બધાને ભાગીદાર પાર્ટી બનાવવાના પ્રયાસો છતાં ગાંધીચીંધી કોંગ્રેસને જ ભારતની પ્રતિનિધિ માનીને દેશની ધુરા સોંપવી પડી.
યાદ રાખજો! આજના ભારતના નકશા જેટલો વિસ્તાર ફેલાયેલો હોય એવા ત્રણ મોટા સમ્રાટો ભારતે જોયા. અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય અને અકબર. અશોકને ચંદ્રગુપ્ત તો એક બ્લડલાઈન. પણ બેઉ હિન્દુ ના રહ્યા. અશોકે જેમ પાછલી અવસ્થામાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો એમ ચંદ્રગુપ્ત મૌર્યે પાછોતરા જીવનમાં જૈન ધર્મ અંગીકાર કરેલો ! જી હા, જેના નામે ફૂટકળિયાઓ સનાતની પરાક્રમનો ઈતિહાસ ભણાવતા મેસેજો ફટકારે છે એ ચંદ્રગુપ્તે મુનિ ભદ્રબાહુની અસરમાં અંતિમ વર્ષોમાં દક્ષિણમાં અહિંસક તપસ્વી બનવાનું પસંદ કરેલું એ ફોલ્ડરિયા ફાંકોડીઓ જાણતા નથી! અકબર તો બહારથી આવી વસેલા મુઘલ વંશનો મુસ્લિમ. એણે દીને ઇલાહી ધર્મની કોશિશ કરી જોયેલી. મતલબ, જેમની પાસે ઓલરેડી વિશાળ ભારત રાજ કરવા માટે હતું, એમને પણ એટલું સમજાઈ ગયેલું કે આ દેશ પર શાસન ખાલી શક્તિના જોરે લાંબુ શક્ય નથી. ઔરંગઝેબે અકબરની સલાહ અવગણી તો એના પછી મુઘલો નામશેષ થયા. એ જ સલાહ પછીથી ક્વીન વિક્ટોરિયાએ આગળ કરીને કંપની પાસેથી કારભાર લઇ લીધો.
ગાંધીજી સમ્રાટ, બાદશાહ કે ક્વીન નહોતા, છતાં ભારતને જોડી શક્યા ને એ માટે આજની આંખે વિચિત્ર લાગે એવીં રીતે પણ જનહિત ને રાષ્ટ્રીય ઓળખ કરતા પણ અગત્યનું એવું રાષ્ટ્રીય ચારિત્ર્ય વિકસાવવા માટે પ્રયાસો કરતા રહ્યા. ને એટલે એમના સાથે મતભેદ ધરાવતા કે એમના વિચારો કરતા ઉલટી જ રીતે જીવતા લોકો પણ એમને પૂજ્યભાવે આદર આપતા રહ્યા !
પણ એમને જે સમસ્યા મોટી દેખાયેલી એ એમના એ જેવા સ્વભાવના અભાવે આજે પણ દૂઝતો જખમ છે. અને એ છે ભારતમાં વિવિધ સંસ્કૃતિઓ અને પ્રાદેશિક ઓળખનુ એકીકરણ !
***
મિશ્રણ ત્રણ પ્રકારના હોય. એકમાં ભેગા હોવા છતાં ઓળખ અલગ અલગ રહે. જેમ કે તલ, વરિયાળી, ધાણાદાળનો મુખવાસ ! લીંબુનમકને લીધે સરખા સ્વાદનો થાય એ ભ્રમ છે. ધારો તો તરત છૂટાં પાડી શકો. બીજું દૂધ જેવી કલિલ સ્વરૂપની રચના. આમ પાણી ભળેલું હોય એ છુટું ના પડે, પણ તપાવીને અમુક પ્રક્રિયા કરો તો તરત પનીર જુદું પડી જાય. ત્રીજું, એકબીજામાં ભળી ગયેલું સંમિશ્રણ. ગુલાબનું શરબત કે મેંગો મિલ્ક્શેઇક. એમાં રંગ કે ગળપણ કશું એકવાર ભળ્યા પછી અલગ ના થાય. એ તારવવું બહુ અઘરું પડે.
ભારત સાવ સોવિયેત યુનિયન જેવો મુખવાસ નથી તો એકદમ યુએસએ જેવું શરબત પણ નથી. એ કલિલ સ્વરૂપના દૂધ જેવું છે જેમાં ઉકળાટનો પલીતો ચાંપીને અમુક ભાગને અલગ કરી શકાય છે, કારણ કે કેમિસ્ટ્રીની ભાષામાં કહો તો હજુ એક રાષ્ટ્ર તરીકે એના એમાલ્ગમેશનની એક મેકમાં ભળવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આ ભૂકંપ લઇ આવતા પ્લેટ ટેકટોનિકસ જેવું છે. પૃથ્વીનો પોપડો આટલા કરોડ વર્ષે પણ સાવ ઠર્યો ને સ્થિર થયો નથી. કયારેક જગ્યા કરવા જતા ભૂકંપ સર્જીને વિનાશ નોતરે છે નિર્દોષોનો ! એમાં જેમ પર્યાવરણની ચિંતા વિનાનું કલાઈમેટ ચેન્જ અસર કરીને ભારણ વધારે છે, એમ આપણે ત્યાં રાજકારણના ભ્રષ્ટાચાર અને ધાર્મિકતાના જજમેન્ટલ એપ્રોચને લીધે એ સમસ્યાની આગને હવા મળે છે.
આપણા બંધારણની રચના વખતે આ અંદાજ હતો એટલે અમુક વિશેષાધિકારોની જોગવાઈ હતી. કલમ ૩૭૦ કાશ્મીરને લીધે જાણીતી થઇ પણ એની પાડોશમાં કલમ ૩૭૧ પણ છે, એનો લાભ ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર કચ્છને મળ્યો છે. જે ખાસ જોગવાઈઓ કરે છે બધા રાજ્યો સરખા ગણાતા હોવા છતાં પ્રાદેશિક સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ! ૩૭૧ 'એ' નો લાભ નાગાલેન્ડને મળ્યો છે તો ૩૭૧ 'ડી'નું પેકેજ આંધ્ર તેલંગાણાને ! આ સતત ચાલતી પ્રક્રિયા છે. હજુ નદીઓના પાણીનું વિભાજન પણ દક્ષિણના રાજ્યોમાં સરખું ગોઠવાયું નથી. પંજાબ ને બંગાળના ઉભા ફાડિયા થયેલા છે. પછી એ બેઉ રાજ્યોની પ્રજાની પ્રાદેશિક ઓળખ અત્યંત મજબૂત છે. શીખ કે બંગાળી ના હોય એ ત્યાં બહોળું જનસમર્થન પ્રાપ્ત ના કરી શકે. એવી ભાષા અને દ્રવિડ સંસ્કૃતિની ઓળખ દક્ષિણની પ્રબળ છે. બીજા કલાકારો કરતા ઋષભ શેટ્ટીનું હિન્દી ઘણું સારું છે, પણ પાન ઇન્ડિયા પોપ્યુલારિટી છતાં અને મોટા બજેટ છતાં કાંતારાની પ્રિકવલમાં એની ઓળખના મૂળિયાં એણે છોડયા નથી.
ભારતમાં વળી ઓળખ એટલે ખાલી શુદ્ધ સનાતન એવું નથી. તો તો આ દેશ ક્યારનો મિસર કે રોમ કે સ્પાર્ટા કે પર્શિયાની જેમ જમીદોસ્ત થઇ ગયો હોત. એણે અક્કડ તાડ થઇ ઉખડી જવાને બદલે ઘાસની જેમ નરમાશ કુમાશના માર્ગે ટકવાનું રાખ્યું તો અનેક બદલાતા સમય ને બીજી સંસ્કૃતિઓ પણ એમાં ભળી છાપ છોડતી ગઈ. ટામેટા બટેટા કે બરફી સમોસાં કે ક્રિકેટ સિનેમા કે ફટાકડા ને ચા પણ મૂળ ભારતીય નથી. પણ આજે એના વગર ભારત સંભવ નથી. એટલે જ સમય જતા ભારતના કેટલાય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો લોકશાહીનો લાભ લઇ મજબૂત બન્યા. કારણ કે સાવ સેન્ટ્રલાઈઝ્ડ આઈડેન્ટીટી તરત કાઉન્ટર રિએકશન જન્માવે છે આપણે ત્યાં. હવે એમાં જે અલગ દેખાય એની સામે શિંગડા ભરાવવાની સીસ્ટમ રાખો તો એક દિવસ શિંગડા તૂટી જાય ! આપણો વારસો સીધી લીટીનો બ્લેક એન્ડ વ્હાઈટ નથી. મલ્ટીકલર છે. કોમ્પ્લિકેટેડ છે. એકની ફેશન બીજે સૂગ ગણાય, એકનો આહાર બીજે ચીતરી ચડાવે એવું થાય છે. એટલે તો ઋષિઓએ એક ભગવાન પણ નથી રાખ્યા ને એમાં પણ મોકળાશ આપી છે વિવિધતાની!
હવે આ સંદર્ભે લદ્દાખના સમાચારો સમજવા જોઈએ. દેખીતી રીતે હેડલાઇટ પર પીળું ટપકું કેમ નથી એમ કહીને ગમે તેને કાયદાનો ભંગ કરનાર ઠેરવી શકાય. એવું બધે હોય છે. શિકાગોના બૂટલેગર માફિયા અલ કેપોનને ફિટ કરવા માટે સરકારે ટેક્સ ચોરીનો ત્રાગડો રચેલો. પણ માફિયા ને મેધાવી સંશોધકોમાં કૈંક ફર્ક તો હોય ને. પહેલા કેસમાં સ્થાનિક જનતાને હાશકારો થાય ને બીજામાં હાયકારો. સોનમ સામેના કેસ પહેલી નજરે એટલા સિરિયસ નથી લાગતા. પણ એ ફેંસલો સર્વોચ્ચ અદાલત પર છોડીએ. વાંગચૂકના અનએડિટેડ વિડીયો જુઓ તો એણે અહિંસક આંદોલન ને ભારતના વખાણ દેશ પરદેશમાં કર્યા છે. મેગ્સેસે એવોર્ડ કાવતરું ગણો તો એ વિનોબા ભાવે, અરુણ શૌરી, કિરણ બેદી ને પાંડુરંગ શાસ્ત્રીંને પણ મળ્યો છે. પણ લદ્દાખ રહેતી ને સોનમ પાસે અભ્યાસ કરી ચુકેલી સ્ટુડન્ટ એક્ટીવિસ્ટ નયની વર્માએ એફ્બી પોસ્ટ લખી એના અંશ વાંચવા જેવા છે..:
'લોકો ઘર બેઠા સોશિયલ મીડિયા પર દેશભક્ત અને દેશદ્રોહી લખી રહ્યા છે; જે ખુદ આજ સુધી લદ્દાખ નથી ગયા અને ગયા પણ છે તો લેહમાં રહીને અને પેગોંગ લેક બસ કાર અને બાઇકથી લદ્દાખ ઘુમવાની ખ્વાહિશ પૂરી કરીને અને ઓલ ઈઝ વેલ કરીને, તો માની લો કે તમે રત્તીભર પણ લદ્દાખ નથી જોયું અને તમને કોઈ હક પણ નથી કે કોઈને દેશદ્રોહી બોલી બેસો ઝટથી ! એક વાર ખુદ જઈને જુઓ માન ગામ, ચાઈના બોર્ડરની નજીક અને મોડલ વિલેજ ફોબ્રાંગ અને ચાંગથાંગ ગામ જઈને જુઓ અને ગામના લોકો સાથે ખુદ વાત કરો. જ્યાંનું સોફ્ટ ગોલ્ડ કહેવામાં આવતું પશ્મીના આખી દુનિયામાં ફેમસ છે. તમને ચરવાહા ખુદ તેમની પશ્મીના બકરીઓને દેખાડીને કહેશે કે - પહેલા દૂર તે પર્વત સુધી આપણી બકરીઓ ખાવાની શોધમાં જતી હતી, પણ તે પર્વત જ હવે આપણો નથી રહ્યો !
સોનમ વાંગચુક પણ એ જ કહે છે કે ચારાગાહ(ગોચર)ની જે જમીનો કોર્પોરેટને સોંપવામાં આવી છે અને સોંપવામાં આવી રહી છે, સોલર પ્લાન્ટના નામે કે કોઈ અન્ય નામે તે બંધ થવી જોઈએ. ચારાગાહની કેટલીક જમીનો પર ચીને કબજો કરી લીધો છે. ચારાગાહ ખતમ થશે તો પશ્મીના પણ ખતમ થઈ જશે. એમનું કહેવું છે કે હિમાલયના પર્યાવરણને બચાવવામાં આવે, જે લદ્દાખ જ નહીં પરંતુ ઉત્તર ભારતની જીવનરેખા છે. અહીંથી જ ઉત્તર ભારતમાં વહેતી નદીઓ નીકળે છે. અહીંના ગ્લેશિયર જ આ નદીઓના જળસ્ત્રોત છે. વિકાસના નામે લદ્દાખના ખૂબ જ નાજુક પર્યાવરણ સાથે રમત કરવામાં આવી રહી છે. ભલે તેના ભયાનક દુષ્પરિણામો આજ ન દેખાય, પરંતુ ૩૦-૪૦ વર્ષોની અંદર બધું જ તબાહ થઈ જશે. ક્લાઇમેટ ચેન્જનો અનુભવ એક વાર ખુદ જઈને ઠંડીમાં કરો. જો તમે સોનમ સરનું દરેક ઇનોવેશન જ્યારે ખુદની આંખથી જોઈને પરત ફરશો, તો તમે પહેલા જેવા તમે નહીં રહો, કંઈક શીખીને અને સમજીને ખુદમાં શાંત થઈને પરત ફરશો. કોઈને દેશભક્ત અને દેશદ્રોહી કહેવા પહેલા ખુદને પ્રશ્ન કરશો.'
રાતોરાત અગાઉ સરકારના વખાણ કરતા વાંગચૂકભાઈ હવે ટીકા કરી એટલે ચીન બાબતે ચેતવતા હોવા છતાં દુશ્મન થઇ ગયા ! ટ્રોલિયાટોળકી તો કેવળ પટપટ થતી પક્ષપાલતુ પૂંછડીઓ છે. એ હજુ હમણાં તો પાકિસ્તાનમાં ન્યુકિલયર વેપન્સ કેવી રીતે આપણે ભાંગી નાખ્યા એનું અવૈજ્ઞાનિક અસત્ય સમજાવતા હતા. એ ટ્રમ્પસાહેબને અગાઉ સોરોસના ડીપ સ્ટેટ સામે ભારતના સાચા મિત્ર કહેતા હતા. પવન ફર્યો તો એમને જ અર્બન નક્સલ જેવા દુશ્મન ઠેરવી સમય આવ્યો તો ચીનની ફ્રેન્ડશિપના ફાયદા ગણાવશે !
મલાઈ બધી તારવી લો તો દૂધ સફેદ દેખાય પણ લાગે પાણી જેવું. એમ દેશનો સોફ્ટ પાવર ગણાય જેને જગત ઓળખે એવા કલાકારો, લેખકો, વિજ્ઞાનીઓ, વ્યવસાયિકો વગેરે બધાને હજુરિયા બનાવી ગૂંગળાવી દેતું વાતાવરણ પેદા થાય તો પછી દેશને કેમ આંતરરાષ્ટ્રીય સમર્થન ઓછું મળે છે ને કાયમ કેમ ભારતીય મૂળની ટેલન્ટ ફોરેનમાં વિકસે છે એ બખાળા કાઢવાનો કોઈ મતલબ નથી. અહીં જે લોકો રહે છે, એને કંઈ ફિલ્મોની જેમ હીરો નથી બનાવાતા. અંતે તો સોનમ વાંગચૂકની જેમ એ ઈડિયટ જ પુરવાર થાય છે. અસલી મૂર્ખ કે જે ફોરેન જવાનું ફંડ છતાં નેતાઓના સંતાનોની જેમ વિદેશમાં ના ગયો ! વતનમાં રહી એની ભાષામાં ભણાવીને લૂઝર બાળકો પાસ થાય એવી સ્કૂલ બનાવવા ને સૈનિકો માટે ટેન્ટ ને ખેડૂતો માટે આઈસ સ્તૂપ બનાવવાની માથાકૂટમાં પડયો ! અહીં તો હમણાં પાકિસ્તાની સિરિયલની વાત કરનાર પાસે પણ માફી મંગાવાતી હતી ને હવે નિયમોને આગળ કરી ક્રિકેટ રમતા થઇ ગયા સ્ટેન્ડ સાઈડમાં મુકીને આપણે. પહેલા મેચમાં રસ ના લેતા લોકો પણ છેલ્લા ફાઈનલમાં હાઉસફૂલ કરી જોવા ગયા ને હાથ ના મિલાવ્યા એમાં જંગ જીતી ગયા એવું માનીને તમાશાના તલબગાર લોકો હરખાઇ ગયા !
જે દેશની પ્રજાને ગાંધીએ આટલું કર્યું છતાં એને માટે એલફેલ બોલતા શરમ નથી આવતી, ત્યાં સોનમ કઈ વાડીના મૂળો ! હા, સોનમ વાંગચૂકે પણ જેલમાં બેસીને આત્મનિરીક્ષણ કરવું જોઈએ. ગાંધી પોતાની લડતમાં હિંસક તોફાન થાય તો એ રોકી દેતા હતા. હજુ લોકોની ગાળો ખાય છે, પણ હત્યા કરનાર ક્રાંતિકારીઓનું સિધ્ધાંતના ભોગે સમર્થન નથી કર્યું. એમ લડત શુદ્ધ બને. કાશ્મીરમાં મંત્રી રહેલા પિતાના પગલે એને પણ રાજકીય મહત્વાકાંક્ષા જાગી હોય એ સંભવ છે, ને એ માર્ગ જોખમી છે. પણ મૂળ મુદ્દો છે સરહદ પર અને ભીતર પણ હજુ રાષ્ટ્રનિર્માણનું ઘણું કામ બાકી છે. ને સાંધવાનો ટાંકો ઝીણી સોયથી લઇ શકાય, ખુલ્લી તલવાર તો કાપવામાં કામ લાગે ! (શીર્ષક : ઉમ્મીદ ફાઝલી)
ફાસ્ટ ફોરવર્ડ
'સત્ય ભલે પીડા આપે, પણ એ જખમ રૂઝવે છે. જૂઠ ભલે ખુશી આપે પણ એ જખમ કરે છે !' (માત્શોના ડિહલવાયો)

