- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- પવિત્રતાનો પ્રભાવ, સ્વચ્છતાનો સ્વભાવ અને સાદગીનું સૌંદર્ય ધરાવતા શ્વેત, ધવલ, ધોળા રંગ વિશે ઈતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય અને વિજ્ઞાનની સફર કરાવતો મજાનો ખજાનો!
સૂ ર્ય, પવન, સમુદ્ર કે કુદરતની બીજી કોઈ તાકાતની પૂજા શરૂ થઈ, એનાથીય પહેલાં જો માણસે કોઈ દેવતાની પૂજા કરી હોય તો એ હતો આપણો ચાંદો! લોકો રાત્રે અંધારાને ચીરતી ચાંદાની મસ્ત સફેદ ચાંદની જોતા. તેઓ ચાંદાની બદલાતી કળાઓ જોતા - કેવી રીતે એ મોટો થાય (પૂનમ), કેવી રીતે ઘટી જાય (અમાસ), સાવ ગાયબ થાય અને પછી પાછો નવો જન્મે! આ ચમત્કાર જોઈને જ એમણે ચાંદાને એક 'પરમ શક્તિ' માની લીધી, જે આકાશમાં રહે છે અને પૃથ્વી પરના બધા જ જીવો પર જેનો જાદુઈ કંટ્રોલ છે! લોકો ચાંદાને ખુશ રાખવા અને એના કોઈ પ્રકોપથી બચવા એની પૂજા કરતા હતા. રાતના ચાંદની ચમકે એમાંથી સિલ્વર વ્હાઈટ શ્રધ્ધા અને શાંતિનો રંગ સમજતા થયા. એમાં પ્રાચીન ઈજીપ્તમાં સૂર્યની રોશની પણ સફેદ હોઈને દેવી આઈસીસની પૂજારણો સફેદ કપડાં પહેરતી થઇ ગઈ. કપાસનું તો ફૂલ જ સફેદ એટલે મમી ફરતે વીંટળાયેલ કપડાંની પટ્ટી પણ સફેદ. એમ તો ઇજિપ્તમાં સફેદ રંગ એટલે મોત! કેમ? કારણ કે તેમની આસપાસ પથરાયેલું નિર્જીવ અને વેરાન રણ સફેદ હતું. જ્યારે તેમના માટે કાળો જીવનનો રંગ હતો, કારણ કે નાઈલ નદીના પૂરથી આવતી કાળી માટીથી જ તેમને ફળદ્રુપ ખેતી થતી!
ગ્રીક પૌરાણિક કથાઓમાં મુખ્ય દેવ ઝિયસનો ઉછેર એમાલ્થિયા નામની અપ્સરાના દૂધથી થયો હતો. એટલે સફેદ રંગ વસ્ત્રો કે ઇમારતોમાં માતાના દૂધ જેવો પવિત્ર ને પોષણદાયક માનતો. ચાઇનીઝ એનર્જી સિમ્બોલ યિન ને યાંગ મુજબ એરીસ્ટૉટલ જેવો ગ્રીક વિદ્વાન માનતો જે જગતમાં મૂળભૂત બે જ રંગો છે : 'અજવાળું અને અંધારું', મતલબ બ્લેક એન્ડ વ્હાઈટ ને છેક સત્તરમી સદી સુધી આ માન્યતા ચાલી, પછી આઈઝેક ન્યુટન પેદા થયો !
અંગ્રેજીમાં ચૂંટણીના ઉમેદવારને કૅન્ડિડેટ કહેવાય એની પાછળ પણ મમતા બેનરજીની સાડી કે અમિત શાહના ઝભ્ભા જેવો સફેદ રંગ છે ! મૂળે રોમન લોકો પાસે સફેદ રંગ માટે બે લેટિન શબ્દો હતા : એક હતો આલ્બ્સ. જેમાંથી નામ પણ આવ્યું અને આલ્બ્યુમિનો જેવો રોગ પણ જેમાં ત્વચા સફેદ થવા લાગે ! જેમ કે સફેદ વાઘ કે સફેદ હાથી કે પાંપણ પણ સોનેરી સફેદ હોય એવા વ્યક્તિઓ. આ સાદો સફેદ. ને અલ્ટ્રા વ્હાઈટ એકદમ ચમકતા દૂધ કે હિમ જેવા સફેદ રંગ માટે શબ્દ હતો કેન્ડર. એમાં તો આજે પણ કોઈ નિખાલસ ઈન્ટરવ્યુ આપે તો એના માટે વપરાતો શબ્દ કેન્ડિડ આવ્યો. પ્રકાશ પાથરતી મીણબત્તી માટેનો કેન્ડલ શબ્દ શબ્દ પણ એમાંથી આવ્યો. ને અરેબિક કંદ જેમાંથી કાંડ ને ખાંડ થયું એ પણ ! રોમન સીસ્ટમમાં આગેવાનો સફેદ રંગના જ વસ્ત્રો નામે ટોગા પહેરતા. જે માણસને રોમમાં ચૂંટણી લડવી હોય કે કોઈ મોટો હોદ્દો જોઈતો હોય, એ પોતે એકદમ સાફ છબીવાળો છે એવું દેખાડવા ચોક ઘસીને ચમકતો કરેલો વધુ સફેદ ટોગા પહેરતો. બસ, આના પરથી જ આજનો કૅન્ડિડેટ શબ્દ જન્મ્યો ! ભલે ને હવે ઉજળા કપડા પહેરેલા ઘણા કાળા કામ કરવામાં સંડોવાયેલા નીકળે છે, સફેદપોશ શેતાનો !
આ સફેદ શબ્દ પણ ભારતમાં અરબી ભાષાના 'સૂફ' શબ્દથી આવ્યો. જેમાંથી સૂફી પણ આવ્યો ! સૂફનો મતલબ છે ઊન, સફેદ વસ્ત્રો, સુતરાઉ કાપડ કે પછી ઘેટાં- બકરાંના ધોળા વાળ.સૂફી દરવેશ મોટાભાગે સફેદ રંગનો ઊનનો લાંબો ચોગો પહેરતા. આપણા દેશી શબ્દો 'સાફો' અને 'સાફી' પણ આ જ ફેમિલીના છે હોં! સફેદમાં કચરો કે ડાઘ કે ગંદકી કે મેલ તરત દેખાય એટલે ચોખ્ખાઈ માટે અરબી શબ્દ છે 'સફા'. આનો અર્થ પવિત્રતા, શુદ્ધતા, ચમક-દમક. વ્હાઈટ મિડલ ઇંગ્લિશના વ્હીટ (એટલે ચમકતો સફેદ) અને જૂના ઇંગ્લિશના હ્વિટ (તેજસ્વી, ગોરું) પરથી આવ્યો છે. એ વળી પ્રોટો-જર્મેનિક અને ઈન્ડો-યુરોપિયન કવિટ (એટલે કે ચમકવું)માંથી ફૂટયો છે.આપણો સંસ્કૃત શબ્દ 'શ્વેત' પણ આ જ ધ્વનિનો છે! જર્મેનિક અને સ્કેન્ડિનેવિયન ભાષાઓમાં 'સ્વેર્ત'શબ્દ છે!
બાય ધ વે, શ્વેતલ ને ધવલ જેવા આપણા નામોની જેમ જ ફ્રેન્ચમાં : બ્લેન્ડિન અને બ્લાં(ચ), ઇટાલિયનમાં : બિયાન્કા, સેલ્ટિકમાં જેનિફર અને ગ્વેન્ડોલિન, આઇરિશમાં : ફિયોના અને ફિનોલા, સ્પેનિશમાંનીવ્સ આ બધા નામોનો અર્થ વ્હાઈટ થાય. વ્હાઈટ અટક પણ છે અને ગોરાઓ માટેનો શબ્દ પણ. જંગલ બૂકવાળા ભારતમાં રહેલા રૂડયાર્ડ કિપલિંગે 'વ્હાઈટમેન્સ બર્ડન' નામની કવિતામાં શ્વેત પ્રજા આખા જગતને સુધારવાના નામે રાજ કરવા પહોંચી જાય છે, એ વાત લખી છે. એની વે, સફેદ ફૂલો પરથી પડેલા નામ : કેમિલી, ડેઝી, લિલી, મેગ્નોલિયા, જાસ્મીન (ચમેલી), યાસ્મીન, લૈલા, માર્ગુરાઇટ વગેરે. સફેદ મોતી પરથી પડેલા નામ : પર્લ, માર્ગારિટા, માર્ગારેટ, માર્ગા, રીટા, ગીતા (ગીટ્ટા), માર્ગો વગેરે.
૧૨મી અને ૧૩મી સદીની શૂરવીરોની પશ્ચિમી વાર્તાઓ વાંચીએ તો ખબર પડે કે એ જમાનામાં 'સુંદર સ્ત્રી' ની વ્યાખ્યા શું હતી! જેની ચામડી એકદમ સફેદ દૂધ જેવી હોય, લંબગોળ ચહેરો હોય, સોનેરી (બ્લોન્ડ) વાળ હોય અને ભૂરી/નીલી આંખો હોય - એ જ અસલી સુંદરી! એ ગોરાંદેની સરખામણી થાય લિલી એટલે કુમુદિનીનાં સફેદ ફૂલો લાલગુલાબી ગુલાબ સાથે! આપણે પણ એવા જ વર્ણનો છે ચંપઈ રંગની સ્નો વ્હાઈટ ઉર્ફે હિમશ્વેતા રમણીઓના સંસ્કૃતથી લઈને લોકસાહિત્ય સુધી ! ફ્રેન્ચ ક્રાંતિ પછી તો ત્યાં સ્ત્રીઓના કપડાંમાં એકદમ સાદો સફેદ રંગ જોરદાર ટ્રેન્ડમાં આવી ગયો. સફેદ કપડાં આમે થોડા બોલ્ડ લાગે, અર્ધપારદર્શક જેવા પણ ખરા ને વળાંકો રાજ કપૂરની ફિલ્મોમાં ધોધ નીચે નહાતી હીરોઈનની જેમ ઉપસાવે. એટલે એ જમાનાના ફ્રેન્ચ પુરુષો આવા કામણગારા શ્વેત વસ્ત્રો ધારણ કરતી રૂપાંગનાને અુત યાને 'માર્વેલસ' કહીને બોલાવતા, એમાં એ વિશેષણ કોઈ પણ સરસ બાબત માટે અંગ્રેજીમાં આવી ગયું !
એમ તો ફ્રાન્સમાં સમ્રાટ નેપોલિયન પહેલાના રાજમાં આવા સિફોન સાડી જેવા રોમન ફેશનના વસ્ત્રોની 'એમ્પાયર સ્ટાઈલ' આવી, પણ ઉત્તર ફ્રાન્સની કડકડતી ઠંડી સામે રક્ષણ નાં આપી શકે. ૧૮૧૪માં નેપોલિયનની પૂર્વ પત્ની જોસેફાઈન, રશિયાના ઝાર એલેક્ઝાન્ડર પહેલા સાથે કાતિલ ઠંડીમાં આવા શ્વેત પોશાકમાં રાતમાં ચાલવા ગઈ, ને એને એવો ન્યુમોનિયા પકડાયો કે એમાં તો ગુજરી ગઈ!
પણ સફેદ રંગ ચોખ્ખાઈ સાથે સ્વાસ્થ્યનું પણ પ્રતીક બની ગયો! કોટન લિનન આમે નેચરલી સફેદ ધાગા કે સૂતરના જ હોય. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પણ એકદમ સાફ, ચકાચક સફેદ અંડરગાર્મેન્ટ્સ અને કપડાં પહેરતા થઈ ગયા! પછી માત્ર ડોક્ટરો જ નહીં, પણ ઘણા બધા કામદારોએ સફેદ યુનિફોર્મ અપનાવી લીધો હતો! શેફ હોય કે પાદરી બધા સફેદ ગાઉનમાં જોવા મળે. મકાનમાં ચૂનાને લીધે દીવાલો સફેદ જે મનને શાંતિ આપે એવું લાગે. ચાદરો ને ગાદલા પણ રૂના લીધે સફેદ. આની પાછળનું કારણ એકદમ સિમ્પલ હતું! એ વખતે કાપડને આધુનિક મશીનો કે ડિર્ટજન્ટના અભાવે ઉકળતા પાણીમાં ધોવામાં આવતું, સિન્થેટિક ડાઈ હતી નહિ. એટલે બીજો રંગ હોય તો એનો કલર ઉડી જ જાય. આ લિનન સાવ ફાટીને જૂનું થઈ જાય, ત્યારે એને ફેંકી દેવાને બદલે ભેગું કરીને એમાંથી જોરદાર હાઇ-ક્વોલિટીનો કાગળ બનાવવામાં આવતો.
આજે જે સફેદી કી ચમકારની જાહેરાતો આવે છે એની પાછળ તો કમાલ ઓપ્ટિકલ બ્રાઈટનર એજન્ટ્સ કેમિકલ છે. આ જાદુગર છે. એ ન દેખાતા અલ્ટ્રાવાયોલેટ યુવી પ્રકાશને શોષી લે છે, અને એને વાદળી પ્રકાશમાં ફેરવીને પાછો ફેંકે છે. એટલે કપડાં કે કાગળ જેટલો પ્રકાશ લે છે, એના કરતા વધુ પ્રકાશ પાછો આપે છે! બસ, એટલે જ આ વસ્તુઓ આપણને એકદમ ઝગમગતી પ્યોર વ્હાઈટ લાગે છે. જગતના લગભગ દરેક ધર્મોમાં જેનો મહિમા શુદ્ધ પવિત્રતા સાથે જોડાયો અને મોટા ધર્મસ્થળો જે રંગના પથ્થરોમાંથી બન્યા એવી !
જો કે,કપડાંને સફેદ યાને બ્લીચ કરવાની રીત કંઈ આજકાલની નથી. ૧૮મી સદીમાં વૈજ્ઞાનિકોએ 'ક્લોરિન બ્લીચ' (જેમ કે સોડિયમ હાઈપોક્લોરાઈટ અને બ્લીચિંગ પાવડર) ની શોધ કરી. જે બ્લીચમાં ક્લોરિન નથી હોતું, તેમાં મોટાભાગે 'પેરોક્સાઈડ' (જેમ કે હાઈડ્રોજન પેરોક્સાઈડ) વપરાય છે. મોટાભાગના બ્લીચ 'ઓક્સિડાઈઝિંગ' એજન્ટ હોય છે. દરેક રંગીન વસ્તુના અણુઓમાં 'ક્રોમોફોર્સ' નામનો એક ભાગ હોય છે. એ જ પ્રકાશને ખેંચીને કપડાંને અલગ-અલગ રંગ આપે છે. બ્લીચ સીધો આ ક્રોમોફોર્સ પર જ એટેક કરે છે! ઓક્સિડાઈઝિંગ બ્લીચ ક્રોમોફોર્સના કેમિકલ બોન્ડ (બંધારણ) ને જ તોડી નાખે! એટલે એ પ્રકાશ ખેંચવાની તાકાત ગુમાવી બેસે. રિડયુસિંગ બ્લીચ ક્રોમોફોર્સના ડબલ બોન્ડને સિંગલ બોન્ડમાં ફેરવી દે છે, એટલે રંગ દેખાતો જ સાવ બંધ થઈ જાય! સૂર્યપ્રકાશ પણ બરાબર આ જ સ્ટાઈલમાં કામ કરે હોં! તડકામાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણોના 'હાઈ-એનર્જી ફોટોન્સ' કપડાંના ક્રોમોફોર્સના બોન્ડ તોડી નાખે છે. એટલે જો રંગીન કપડું ને ચિત્ર બહુ દિવસ તડકામાં પડયું રહે, તો એ સાવ કલર વગરનું એટલે કે ફિક્કું કે સફેદ થઈ જાય છે!
ખરેખર તો સફેદ રંગ સૌથી આછો રંગ. પ્રકાશના બધા જ કિરણોને ૧૦૦% પાછા ફેંકવાના આ ગુણને લીધે જ સફેદને 'એક્રોમેટિક' એટલે કે કોઈપણ પ્રકારના 'રંગ વગરનો રંગ' કહેવામાં આવે છે. જો સપાટી પ્રકાશને ચોમેરવીખેરવાને બદલે સીધેસીધો એક જ દિશામાં પાછો ફેંકે તો એ સફેદ સપાટી નથી રહેતી, એ તો 'અરીસો' બની જાય છે!આપણી આંખો અને મગજ આસપાસના પ્રકાશ સાથે એડજસ્ટ થઈ જાય છે, જેને 'ક્રોમેટિક એડેપ્ટેશન' કહેવાય.
ઈન્ટરનેશનલ કમિશન ઓન ઈલ્યુમિનેશનની વ્યાખ્યા પ્રમાણે 'જે વાતાવરણમાં છો ત્યાં તમારી આંખો સેટ થઈ ગયા પછી, જે વસ્તુ તમને એકદમ રંગ વગરની અને ફૂલ બ્રાઈટ લાગે, એ જ વસ્તુ તમારા માટે સાચી 'સફેદ'! સર આઇઝેક ન્યૂટને પ્રિઝમના સફેદ પ્રકાશને અલગ-અલગ રંગોમાં વહેંચવાની ઘટનાને 'સ્પેક્ટ્રમ' નામ આપ્યું અને જો આ બધા છૂટા પડેલા મેઘધનુષી રંગોને ફરીથી ભેગા કરોતો સફેદ પ્રકાશ બની જાય એ સિદ્ધ કર્યું. ન્યૂટને એ પણ સાબિત કર્યું કે રંગ એ બીજું કંઈ નહિ, પણ પ્રકાશની જ એક ક્વોલિટી છે. એટલે જો તમારે રંગને સમજવો હોય, તો પહેલા પ્રકાશનો પાયો સમજવો પડે. સાદી ભાષામાં કહીએ તો, પ્રકાશ એટલે ઊર્જાના નાના-નાના પડીકાંનો પ્રવાહ, જે અલગ-અલગ ફ્રીક્વન્સી પર દરિયાના મોજાંની જેમ આગળ વધે છે! અને એ ફોટોન મૂળભૂત રીતે શ્વેત રંગ સર્જે છે.
આમ પણ માનસિક જ નહિ, શારીરિક રીતે પણ રીતે ગરમીમાં કૂલ ડાઉન વ્હાઈટ કલર એટલે કરે કે એ પ્રકાશ શોષતો જ નથી. ચિત્રકામમાં વપરાતો સફેદ રંગ સૌથી જૂના રંગોમાંનો એક છે! ફ્રાન્સની 'લાસ્કો ગુફાઓ'માં આશરે ૧૭,૦૦૦ થી ૧૮,૦૦૦ વર્ષ પહેલાંના આદિમાનવોએ આખલા અને બીજા પ્રાણીઓના ચિત્રો દોર્યા હતા. એ ગુફા ચિત્રોમાં કોલસા, લાલ અને પીળા રંગની સાથે બેકગ્રાઉન્ડ કે હાઇલાઇટ આપવા માટે તેઓએ 'કેલ્સાઇટ' અથવા તો સફેદ ચોકનો ઉપયોગ કર્યો હતો.એ જ રીતે અમુક બીચની રેતી એકદમ વ્હાઈટ કેમ દેખાય? જે દરિયાકિનારે રેતીમાં 'ક્વાર્ટઝ'અને લાઈમસ્ટોનવધારે હોય, એ બીચ એકદમ રૂપાળા લાગે છે, કારણ કે આ પથ્થરો સૂર્યપ્રકાશને ગળી જવાને બદલે પાછો ફેંકે છે. ટ્રોપિકલ બીચ પર તો મોજાંની થપાટો ખાઈ-ખાઈને ઝીણા પીસાઈ ગયેલા શંખ-છીપલાં (કેલ્શિયમ કાર્બોનેટ) ને લીધે રેતી એકદમ શુદ્ધ સફેદ દેખાય છે!
એમ જ પ્રકાશ અંદર જાય એટલે એ બધો જ પ્રકાશ વિખેરાઈને પાછો આવે, એટલે બરફ સફેદ દેખાય. જો લાઈટ અંદર ને અંદર ક્રિસ્ટલ્સમાં અથડાય, એટલે બરફ હીરાની જેમ ઝગમગ લાગે! જો કે ગ્લેશિયરમાં બરફ વર્ષોથી એવો તો દબાયેલો હોય કે અંદર હવા જ ના હોય. એટલે જ્યારે પ્રકાશ અંદર જાય, ત્યારે લાલ રંગ શોષાઈ જાય છે અને ગ્લેશિયરનો બરફ આપણને થોડો બ્લ્યુ ઝાંયનો દેખાય ! વાદળો પણ બરફ જેવા! પાણીના ટીપાં અને હવાનું મિશ્રણ.
અલબત્ત,આદિમાનવોનું અસલી ફેવરિટ વ્હાઈટ પેઇન્ટ એટલે કરોડો વર્ષ પહેલાં દરિયામાં રહેતા સૂક્ષ્મ જીવોના અવશેષોમાંથી બનેલો ચૂનાનો પથ્થર! જો કે, આજનો ચોક તો 'જીપ્સમ' નો બને. ઈસ્વીસન પૂર્વે ચોથી સદીમાં માટીના વાસણમાં સીસું, વિનેગર અને ગાયનું છાણ ભેગું કર્યા પછી મસ્ત સફેદ કલર બનતો. સદીઓ સુધી એ ચાલ્યો પણ ભયંકર ઝેરી! આજે ટૂથપેસ્ટ કે ક્રીમમાં વપરાય છે કલર ટાઈટેનિયમ વ્હાઇટ. ૧૯૨૧માં આ કલર માર્કેટમાં આવ્યો અને કલાકારોનો ફેવરિટ બની ગયો.
દૂધ હોય કે બરફ, બેલુગા વહેલ હોય કે પેંગ્વીનનું પેટ, બ્લેકબોર્ડ પર ચોક હોય કે અખબારનો કાગળ,રાજકારણીઓની ખાદી હોય ભારતમાં મોટા ભાગની ગાડી, હોસ્પિટલની નર્સ હોય કે કોર્ટના વકીલ, આરસનો તાજમહાલ હોય કે અમેરિકન પ્રમુખનું સત્તાવાર નિવાસસ્થાન, મોગરાનું ફૂલ હોય કે જૂઈનું, ડાઈપર હોય કે કફન, આંખ હોય કે ઈંડું, જૈનોનું ઉત્તરીય હોય કે હજનું અંગવસ્ત્ર, ઝેબ્રા હોય કે પાંડા, પારિજાત હોય કે રાતરાણી,બગલો હોય કે હંસ, ટેસ્ટ ક્રિકેટનો ડ્રેસ હોય કે નાઈટ ક્રિકેટનો બોલ, ટેનિસની ટુર્નામેન્ટ હોય કે રોડ પરના ક્રોસિંગ, ટોયલેટની સીટ હોય કે ફ્રિજ અંદરનું પ્લાસ્ટિક, વેનિલા આઈસ્ક્રીમ હોય કે છાલ છોલેલી બદામ, નમક હોય કે સાકર, કલકત્તા પોલીસ હોય કે ઇન્ડીયન નેવી, શતરંજના ખાના હોય કે ટયુબલાઈટનો ધોકો, મોબાઈલની ફલેશ હોય કે તિરંગાની પટ્ટી, લસણ હોય કે પનીર, દૂધીના પતીકાં હોય કે રીંગણનો ગર, કેળાં હોય કે સફરજન, વ્હાઈટ વાઈન હોય કે વ્હાઈટ ઓઈલ. મોટા ભાગની બ્રા હોય કે મોટા ભાગના બનિયાન, ઘઉંનો લોટ હોય કે અડદ ચોખા, ઈડલી હોય કે રસગુલ્લા, હિમાલય હોય કે પંખીની ચરક, મલાઈ હોય કે છીપલાંની અંદરની બાજુ, વેસ્ટર્ન વેડિંગ ગાઉન હોય કે શોકસભાની સાડી, હાથીદાંત હોય કે આપણા દાંત.. દિવ્ય એવો શ્વેત એટલે શુભ્ર જ્યોત્સના એવા સરસ્વતીના વસ્ત્રો !
ઉનાળામાં છાશ અને શિખંડનો કલર ધવલ છે. શેરડીના તાજા રસ પરના ફીણ અને નાળિયેરનું ટોપરું પણ. પેંડો અને પતાસા પણ. દોરો પણ શ્વેત અને હાડકાં પણ. જૂઠ પણ સફેદ હોય ને ફિક્કાશ પણ. ટેબ્લેટ અને પીંછું પણ. સિનેમાના સિલ્વર સ્ક્રીનથી લઈને ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર સુધી જગતમાં સૌથી વધુ વ્હાઈટવોશ છે. ટીવીમાં સફેદ રંગ રેડ, ગ્રીન, બ્લ્યુ ભળીને બનાવે છે, કેમેરામાં વ્હાઈટ બેલેન્સ વિના સરખો ફોટો નથી આવતો. ડિઝાઈનર્સ વ્હાઈટ કલરને સ્પેસ ને મોકળાશનો કલર ગણે છે. જગતના મોટા ભાગના યાદગાર બ્રાન્ડ લોગોમાં વ્હાઈટ કલર છે. શ્વેતકેતુ જેવા પાત્રો હોય કે પોલિશ ફિલ્મમેકર ક્રઝિઝ્ટોફ કિસ્લોવસ્કીની થ્રી કલર્સ વ્હાઈટ જેવી ફિલ્મો હોય, દોસ્તોયવસ્કીની બેલ્યે નોચી (વ્હાઈટ નાઈટ્સ, ભણસાલીની સાંવરિયા) જેવી કથા હોય કે મિનિમલિઝમનો ટ્રેન્ડ હોય. શુભનો ગણાતો વ્હાઈટ કલર શોકનો પણ છે. કોઈને એ ફ્રેશ એન્ડ કૂલ લાગે છે, ક્લાસિક એન્ડ ડિસન્ટ લાગે છે. પણ એમ તો ડલ એન્ડ બોરિંગ પણ છે. સફેદ અજવાળા વિના સતત એમાં રહેનાર ડિપ્રેશનમાં આવી જાય ! લાઈફ તો કલરફૂલ જોઈએ. વ્હાઈટ યુનિકોર્ન અશ્વથી વ્હાઈટ ચોકલેટ સુધી, પોલાર બેઅરથી ઉધઈ સુધી, સ્નિકર્સથી સ્વેટર સધી વ્હાઈટ ઈઝ રાઈટ એવું ઘણા માને છ!
શ્વેત તો વાળથી જીવનમાં પ્રવેશતા અને દુનિયાને દેખાતા વૃદ્ધત્વનો રંગ છે!
ફાસ્ટ ફોરવર્ડ
થોડા સફેદ વાળ પ્રિયે ! આજે તારા જોયા,
અફસોસ થયો એવો, કેટલા વર્ષો ખોયા!
(ઉજ્જવલ ધોળકિયા)


