આવો, જાપાનનાં રંગારંગ વિશ્વમેળાની સફરે

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- આંખે દેખ્યો ને દિલે ચાખ્યો અહેવાલ જાપાનમાં યોજાયેલા વર્લ્ડ એક્સ્પો ૨૦૨૫નો ભારતમાં માત્ર ગુજરાત સમાચારના વાચકો માટે એક્સક્લુઝીવ!
લાઇફ બિગિન્સ વિથ વેસ્ટ !
જી વન કચરાથી શરૂ થાય છે ! આવું સૂત્ર જાપાનના ઓસાકા ખાતે ભરાયેલા વર્લ્ડ એક્સ્પો ૨૦૨૫ના સૌથી મોટા પેવેલિયન એવા જાપાનીઝ પેવેલિયનમાં લખેલું છે ! બધી જીવંત લાગતી વસ્તુઓ એક દિવસે કચરો થઈ જવાની છે. અને એમાંથી જ ફરી નવું જીવન પ્રગટી શકે છે, આ આધ્યાત્મિક અનુભવ છે. ને જાપાન આધુનિકતા ને અધ્યાત્મનું એ કમાલ કોમ્બિનેશન ધરાવે છે, જેની વાતો ભારતમાં વર્ષોથી થાય છે, પણ દંભ, ભ્રષ્ટાચાર, જ્ઞાન વિનાનું અભિમાન અને કાર્યનિષ્ઠાના અભાવને લીધે સાક્ષાત્કાર નથી થતો. આ જ લાકડાથી બનેલા ચક્રાકાર પેવેલિયન (બિઝનેસ એક્સ્પોમાં સ્ટોલ હોય પણ કલ્ચરલ એક્સપોમાં વિશાળ જગ્યામાં દરેક દેશે કળાત્મક રીતે બનાવેલા પેવેલિયન હોય !)માં એવું પણ લખ્યું છે : અનસીન, ઇઝ કનેક્ટેડ ! જે અદ્રશ્ય છે, એ પણ જોડાયેલું છે !
આ પેવેલિયન ત્રણ ભાગમાં છે. પ્લાન્ટ, ફાર્મ, ફેક્ટરી. મૂળ વિચાર એની પાછળ જાપાનની સંસ્કૃતિમાંથી આવેલો છે. જાપાન એક સોફ્ટ પાવર છે. બધી જ રીતે. ટેકનોલોજી ને ક્રિએટિવિટીની રીતે તો ખરો જ. પણ સ્ટ્રોંગ કલ્ચરલ રૂટસ છતાં ત્યાં પ્રજાના સ્વભાવમાં અક્કડપણું નથી, નરમાશ છે. તમને રીતસર ફીલ થાય એવી વિનયથી સોફ્ટ યાને નરમ પ્રજા છે. અને આ એક્સ્પો યાને વિશ્વમેળો ફ્યુચરની થીમ પર છે. ભવિષ્યની આશા ને રોમાંચ હોય તો એની સાથે ભાવિના પડકારો ને આફતો પણ છે. ખાસ કરીને પર્યાવરણ અને સુમેળ યાને હાર્મની બાબતે.
તો જાપાન પેવેલિયનમાં એવો સંદેશ છે કે જે સોફ્ટ છે, નરમ છે. એ જ સર્જન માટે વધુ ઉપયોગી નીવડે છે. બહુ કડક વસ્તુ ભાંગે ત્યારે આસાનીથી રિપેર નથી થતી. પણ જે ફ્લેક્સિબલ છે, એ ટકી જાય છે. એ ખતમ થાય ત્યારે પણ એમાંથી બીજું નીપજે છે. વિષમ કુદરતી આપત્તિઓ જેમ કે ધરતીકંપ સામે એમણે મકાન લાકડાના રાખવા પડે છે. બ્રેકેબલમાંથી રિપ્લેસમેન્ટ થતા રિસાયકલ થાય છે. માટીના લોંદાને ઘાટ આપી શકાય એટલી ઝડપે પથ્થરને ના આપી શકાય.
પણ આ માત્ર દીવાલ પરનું સૂત્ર નથી. અલગ અલગ આલ્ગી યાને લીલ જેવી પાણી સાથે વધારે કામ લેતી વનસ્પતિ ને બેક્ટેરિયા પ્રકારના નરી આંખે ન દેખાતા માઇક્રોઓર્ગેનિઝમ થકી ત્યાં લાઇવ ડેમો છે કે એક્સ્પોમાં જ ઠલવાતા લાખો પ્રવાસીઓનો જે કચરો છે, ખોરાકથી મટીરિયલ સુધીનો એમાં આવા અતિસૂક્ષ્મ કુદરતી માઇક્રોઓર્ગેનિઝમને કામે લગાડી એનું વિઘટન કરવામાં આવે છે. કચરો ઢગલો કરવો કે બાળી નાખવો એમ નહીં, એમાંથી ગરમી,પાણી,નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ, ઇલેક્ટ્રિસિટી બધું છૂટું પડે. એ પેવેલિયનમાં જ વચ્ચે એકદમ ચોખ્ખાચણાક અરીસા જેવા ક્રિસ્ટલ ક્લિયર પાણીનો વર્તુળાકાર કુંડ છે. જે પાણી કચરાની બાયપ્રોડક્ટ તરીકે મળે છે ને પ્યુરિફાઇ કરી ત્યાં પહોંચાડયું છે. બાયોગેસનો પ્લાન્ટ પેવેલિયનને જ એનર્જી આપે છે. અને જે મટીરિયલ મળે છે આ બાય પ્રોડક્ટસ સિવાય એમાં રેઝિન ઉમેરી દેખાવડા સ્ટૂલ કે બીજા આકાર થ્રી ડી પ્રિન્ટર તૈયાર કરે છે! નજર સામે!
ત્યાં એરલેસ યાને હવા વગરનો ફૂટબોલ જોઈને દંગ રહી જવાયું ! કિક મારવાનો એવો જ અહેસાસ પણ પોલો ને ખુલ્લો ફુટબોલ જેમાં હવા ભરવાની વાત જ નહીં. હવાની અવરજવર થઈ શકે એવો ! એવો ચમત્કાર જેનું કચરા તરીકે વિઘટન એકદમ અઘરું લાગે એવા પ્લાસ્ટિકમાં જોયો. બાયોડિગ્રેડિબલ પ્લાસ્ટિક. એવું પ્લાસ્ટિક જે ગુણ બધા પ્લાસ્ટિકના ધરાવે. હળવું ને વોટરપ્રૂફ ને કલરફૂલ ને એમ. પણ ધીરે ધીરે માટીમાં ભળી જાય એટલે એનો વપરાશ પ્રદૂષણ ના કરે ! આ પેવેલિયન પણ એક્સ્પો બાદ લાકડું બીજે વપરાશે એટલે પર્યાવરણ પર છ મહિના માટે ભાર નહીં કરે !
૨૦૧૫ના મિલાન (ઇટાલી) ને ૨૦૨૦ના દુબઇ (થયો ૨૦૨૨માં કોવિડને લીધે બાદ લાગલગાટ માત્ર શોખથી આ ત્રીજો ગ્લોબલ એક્સ્પો જોવાનું સૌભાગ્ય મળ્યું, એ પણ જાપાનને લીધે !
***
ઈચ્છા તો પહેલેથી હતી પણ સતત ચાલતી બીજી વિદેશયાત્રાઓમાં પાછું ઠેલાતું હતું. ને જ્યારે નવરાત્રિમાં ત્યાં જવાનું નક્કી કર્યું ત્યારે ૧૩ ઓક્ટોબરે એ પૂરો થાય એ પહેલા થયેલા સ્થાનિક લોકોના જબ્બર ધસારાને લીધે સાઇટ એ ટિકિટો વેચવાનું બંધ ! ટિકિટ લો તો પણ એન્ટ્રી ટાઇમ ને ડેટ રજિસ્ટર કરવાના કયુઆર કોડ સિવાય મળે નહીં. આ તો જાપાન. હાઇટેક નેશન. ઓનલાઈન એપમાં લોટરી લાગે નહીં. પણ જવું છે ને જોવું છેના સંકલ્પ તો ટિકિટ ને હોટલ બૂક કરાવી છેલ્લે દૂરથી દર્શન કરી આવશું એમ ઊપડયો. ઉપડતા પહેલા ઇમેઇલ કર્યો ત્યાં જબરા ટ્રાફિક ધરાવતા ઓફિશ્યલ આઇડી પર. જાપાન પરનો ભરોસો ખાલી ન ગયો. જવાબ ન આવ્યો પણ પહોંચ્યો ત્યારે એક ઇમેઇલના જવાબમાં મેસેજ ફોન નંબર પર પડેલો હતો કે એક્સપોમાં ગ્લોબલ કોમ્યુનિકેશન સંભાળતા યુવાન ઉસામી યુકીનો કે ક્યારે આવો છો ? હું પ્રવેશની વ્યવસ્થા કરું. ને પછી મદદ માર્ગદર્શનનો હવાલો સંભાળ્યો કર્યો મેગુમી નાકાઈએ જે ખાસ વિદાય દેવા મળવા પણ આવી. જાપાનની ઉજ્જવળ છાપ આવા નાગરિકોના એકધારા ચમત્કારિક લગતા વ્યવહારને લીધે કોઈ પ્રચાર વિના પણ છે !
પ્રવેશ તો રાત્રે જ જઈને ઉત્સાહભેર કર્યો. આખો એક્સ્પો ડિઝાઇન એક વર્તુળમાં કરેલો છે. ને ફરતે રોમન કોલોઝીયમ જેવી લાકડાની રિંગ છે. ઉપર ચાલી શકાય એવી. ત્યાંથી રંગબેરંગી નજારો આવે. લાઈટિંગ જોવાનો જલસો પડી જાય. ટુકડામાં વહેંચાયેલા જગતને એકસાથે નવું જાણવા અને માણવા એકઠું કરવાની, અને વિવિધતામાં એકતા બતાવવાની નેમને ધ્યાનમાં રાખી જાપાન યજમાન બનેલું. એક્સ્પો સાઈટ ડિઝાઈન કરવાનું બીડું વિશ્વવિખ્યાત જાપાનીઝ આર્કિટેકટ સોઉ ફુજીમોતોએ ઝડપ્યું. એમણે આ રિંગ જાપાનના સીડાર અને સાઇપ્રસના લાકડામાંથી ૬૧૦૦૦ ચોરસ મીટરનું બાંધકામ, ૨ કિલોમીટરનો ઘેરાવો અને અંદરની ૬૧૫ મીટર જેટલી પહોળાઈની લિફ્ટ, સીડી, એસ્કેલેટર ઉપર હરિયાળી અને ચાલી શકાય નીચે ને ઉપર એવી સ્પેસ વાળી ખુલ્લી જગ્યા ધરાવતી 'રિંગ' એકમેકમાં લાકડું ફિટ કરવાની જાપાનીઝ 'નુકી' પદ્ધતિથી બનાવી.
એપ્રિલમાં શરુ થયેલ એક્સ્પોમાં ઓક્ટોબરની તેરમીએ સમાપનને ૧૫ દિવસ આડે હતા ત્યાં સુધીમાં અઢી કરોડ જેટલા મુલાકાતીઓ તો આવી ગયા ! હવે લોકલ ધસારાને લીધે નવી ટિકિટ વેંચવાનું બંધ છે. જાપાન એસોસિએશન ઓફ વર્લ્ડ એકસ્પોના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જૂન ટાકીશાના કહે છે કે એમાંથી ગ્લોબલ વિઝીટર સાતથી આઠ ટકા હોવાનો અંદાજ છે. જાપાન વિઝા આપવામાં કડક અને નાગરિકતા આપવામાં તો એકદમ સખ્ત. એટલે મોટે ભાગે ભીડ પણ જાપાનીઝ લોકોની. એટલે એકદમ શિસ્તબદ્ધ. ઘોંઘાટ નહીં, ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી. વાતાવરણ પણ ઓસાકાનું સપ્ટેમ્બર ઓક્ટોબરનું હૂંફાળું ને ખુશનુમા પવનવાળું. નવી પહેલ એઆઈ યુગમાં જ્યાંથી આપણે ત્યાં બહુ ચાલતી યુપીઆઈ સિસ્ટમનો જન્મ થયો એ જાપાનમાં એવી થઈ કે રજિસ્ટર કર્યા બાદ એની વર્ચ્યુઅલ એક્સ્પોની એપમાં પણ ડિજિટલ મુલાકાત કોઈ પણ પેવેલિયનની લઈ શકો. બસ ફાઇવ જી કનેક્શન જોઈએ જે જાપાનમાં આસાન છે.
પણ રિયલમાં ફરવાનો લ્હાવો અલગ હોય. કેટકેટલા દેશોની ક્વિક ટ્રિપ ફૂડ ને મ્યુઝિક સહિત એક જ જગ્યાએ થઈ જાય ! બધા પોતાના કલ્ચરને દુનિયા સામે રાખે ને એમ આ તો ડિસિપ્લિન અને કવોલિટીના પર્યાય જેવો દેશ જાપાન. અમુક જગ્યાએ તો ત્રણ થી ચાર કલાક પછી વારો આવે એવી લાઇનો છતાં ક્યૂમાં બધા ઊભા રહે, નીચે બેસે પણ કોઈ ધમાલ નહી, શાંતિથી રાહ જુએ. અમુક પેવેલિયન એને લાયક પણ ખરા. રીતસર એક્સપર્ટ લોકોને કામ સોંપીને દેશનું ગૌરવ વધારતું પણ સ્ટાઇલિશ કલાત્મક પેકેજીંગ કરે. ઈસ્ટ ગેટની સામે ને આમ એક્સ્પોનું હાર્ટ કહેવાય એવું પેવેલિયન ફ્રાન્સનું. જાપાનીઝ કલ્ચરમાં પ્રેમનો તાર જોડાય એનું પ્રતીક લાલ દોરી છે. દેખાય પણ નહીં એવો પાતળો લાલ દોરો એકમેકની ટચલી આંગળીએ ગૂંથાઈ જાય એટલે લવ ઈઝ ઇન ધ એર. એને કેન્દ્રમાં રાખી પોતાની રોમેન્ટિક આઇડેન્ટીટી સાથે જોડી ફ્રાન્સે આર્ટિસ્ટિક પેવેલિયન બનાવેલું. લવ યોરસેલ્ફ, લવ અધર્સ એન્ડ લવ નેચર. એ પ્રેમના ત્રણ તબક્કા.
લુઇ વિત્તોં, કાર્ટિયે ને શોમે જેવી બ્રાન્ડસ આગળ કરી ફ્રાન્સે જોડે જાપાની એનિમેના સ્ટુડિયો જિબલી ને નોત્રદામની થોડા વર્ષો પહેલે ભડભડ બળેલી ઇમારત ઘણું સાંકળી લીધું હતું. એફિલ ટાવર જેવા ટિપિકલ સિમ્બોલ વિના જ્વેલરી, પરફ્યુમ બોટલ ને સુટકેસને ડિઝાઇનનો ચાર માળ સુધી ભાગ બનાવીને ! કોપરની ચમકતી સીડી. તો નાના દેશ લક્ઝ્મબર્ગના પેવેલિયનમાં અતુલ્ય ધસારો ! એણે ''ડોકી ડોકી'' શબ્દ જાપાનમાંથી લઈ એનો આધાર બનાવેલો. એનો અર્થ થાય ''ઉત્તેજનામાં વધી જતા દિલના ધબકારા''! ફ્રાન્સની માફ્ક અહીં પણ હાર્ટબીટ્સ મુખ્ય. એ નાના યુરોપિયન દેશમાં બહારથી આવેલા ઘણા વસાહતીઓ છે. તો મોટા હાઈ રિઝોલ્યુશન સ્ક્રીન પર એમાંથી એક આજે રંગ ને વૈવિધ્ય વડે લોકો દેશ વિશે પોતાની ભાવના પ્રગટ કરે. એ પેવેલિયન પણ આખું જ્યારે તોડી નખાઈ ત્યારે ફરી ઉપયોગમાં આવે એવા મટીરિયલનું વર્તુળાકાર.
યુએસએ ને સાઉદી કે જ્યાં રિયાધમાં ૨૦૩૦નો આગામી એક્સ્પો થશે એના પેવેલિયન સુપરલેટિવ ભવ્યતા સાથે ટુરિઝમ પેકેજ જેવા. આર્યલેન્ડ ને પોલેન્ડમાં પણ ભીડ. કતરનું જાણે મ્યુઝિયમ. દુબઇ યાને યુએઇનું વિશાળ પણ આ વખતે ગયા વખત જેવી રોનક નહીં. પેરુ, મોઝામ્બિક, ફિલિપાઇન્સ, તુર્કી, કોલમ્બિયા વગેરે બધાનું ફોક્સ ટુરિઝમ. સ્વિટ્ઝર્લેન્ડની ડિઝાઇનમાં ગોળા અવનવા. તો મલેશિયામાં ઘાસ! થાઇલેન્ડમાં બહાર મૂકેલા લાકડાના હાથી ને થતા મોજીલા નૃત્યોમાં ભીડ તો નેપાળમાં ગોલો ખાવા માટે. કેટલાક નાના દેશો એકસાથે ડોમમાં.
કેનેડાએ નદી બનાવીને એમાં દેશના ઇતિહાસ ને વિવિધ ભાગોની સફર કરાવી તો ઓસ્ટ્રેલિયાએ યુકેલિપ્ટસ (નીલગીરી)ના કૃત્રિમ જંગલ બનાવી ડિજિટલ સ્કીન પર ગ્રેટ બેરિયર રીફની રંગોળીમાં ધુબાકા મરાવ્યા. મોનેકોએ ડિજીટલ ગુલાબોના બગીચા ખીલવ્યા ! આકર્ષણનું કેન્દ્ર હતો સાઉથ કોરિયાનો મહાવિરાટ સ્ક્રીન જેમાં લાસ વેગાસના સ્ફિઅરની જેમ નરી આંખે થ્રીડી ઇફેક્ટ આવે એ જોવા ટોળા ઊભા હોય. અંદર પણ બબલ ફોડવાની મજા આવી. કોરિયામાં ગ્લાસ સ્કિન ધરાવતી કન્યાઓ નાચતા નાચતા ને કે પોપ ગાતા દાદાનું અધૂરું ક્મ્પોઝિશન એઆઇની મદદથી ૨૦૪૦માં કેવી રીતે પૂરું કરે એ અનુભવ પણ આહલાદક. વિઝિટર દાખલ થતી વખતે પોતાને પસંદ એક શબ્દ બોલે ને એવા શબ્દો ત્યાં તરત જ લાઈટિંગ સહિત કમ્પોઝ થાય એ પણ અફલાતૂન ! અઝરબૈજાને સુંદર પેવેલિયન બનાવેલું ને આગળ નાચતી સ્ત્રીઓની લાકડાની મોટી મૂર્તિઓ ચિત્તાકર્ષક અને મનમોહક. પોર્ટુગલ, નેધરલેન્ડસ ને ચીન ઈચ્છા છતાં રહી ગયા સમયના અભાવે.
સ્પેશ્યલ પેવેલિયન પણ ઘણા. ફયૂચર સિટી ને રોબોટિક ઇન્વેન્શન મન જાપાની પેવેલિયન હતા ને એક્સ્પોમાં એન્ટ્રી વખતે એક વિમેન્સ પેવેલિયનની ટૂર હતી, જેમાં નારીની દાસ્તાન એક્રોસ ધ પ્લેનેટ વર્ણવાઈ હતી. આરંભે કેટલાક ક્વોટ્સમાં ગાંધીજી પણ ખરા. બેસવાની વાંસની કે પ્રાણીઓના આકારની બેન્ચીઝ પણ આંખ ઠારે એવી. મોન્સ્ટર વોક પણ જલસો કરાવે એવી,બાળકોને રમવાની એક્ટિવીટીઝ, મ્યુઝિક કોન્સર્ટ ને આતશબાજી ને ટ્રેડમાર્ક જાપાની ગ્રાફિક્સ પણ ઠેરઠેર. પાણીના ફુવારા, હેલ્થ કેર માટે હોસ્પિટલની ગરજ સારે એવું પેવેલિયન, મીડિયા સેન્ટર, ક્ર્સાઈ વિસ્તારનો પરિચય ને જાપાનની સોનાવરણી નાઇટ આર્ટ કોગેઈના મારફતે હેન્ડીક્રાફ્ટ વર્કનું પ્રમોશન પણ સરકારી હોવા છતાં અસરકારી લાગે એવી રીતે !
જેટલું જોયું એમાં પર્સનલી સૌથી વધુ સમય ગાળ્યો હોય તો જર્મનીના પેવેલિયનમાં. ત્યાં એડવાન્સ ટેકનોલોજી થકી ગાંધીજી યાદ આવે
એવી સરકયુલર ઇકોનોમીની વાત તો અલાયદો લેખ માંગે એવી. રશિયા કે ઈસ્ટોનિયા કે મોરોક્કો રહી ગયા એ જોવામાં ! ચિક્કાર માહિતી સાથે પણ ભવિષ્યમાં થનારા આવિષ્કારો વિશે જાણીને મંત્રમુગ્ધ થઈ જવાયું ! કુલ ૧૫૮ દેશોએ ભાગ લીધો. ૧૦૦ જેટલા દેશો કોમન સ્પેસમાં જોડાયા. ૫૮ દેશોએ નાના મોટા પેવેલિયન પોતાની રીતે ડિઝાઈન કર્યા. સૌથી વધુ લોકો આવતા હોય એવા પેવેલિયનમાં ભારત મંડપ એવી કમળના ફૂલ જેવા આકારનું ભારત મંડપ પેવેલિયન આવ્યું એ જાણી શેર લોહી ચડી ગયું.
શિન્તો ધર્મ પાળતા જાપાનમાં બૌદ્ધ અસર છવાઈ એટલે જાપાનીઝ પ્રજાને ભારત તરફ આકર્ષણ અને આદર બંને છે. આપણે પણ જાપાનને સન્માનથી જોઈએ છીએ. મયુર યાને મોરનો માસ્કોટ ધરવતા ભારત મંડપમાં મોટો ધસારો ભારતીય વાનગીઓના સ્વાદ ખાતર હતો એ નજરે જોઇને પણ ઓડકાર આવે એવો જલસો પડયો. બહાર બૌદ્ધ કનેક્શન ધરાવતા અજન્તા ઈલોરાના ચિત્રો, કોણાર્કનું ચક્ર અને નમસ્કારના હાથ બધું જી૨૦ની યાદ અપાવે એવું. અંદર ડિજીટલ સ્ક્રીનને હેન્ડીક્રાફ્ટ ને થોડી મૂર્તિઓ ને બધું હતું. જાપાનીઝ લોકો પણ આતુરતાથી આવતા હતા. પણ ફ્રેન્કલી સ્પીકિંગ પેકેજીંગ ભારતના વારસાના પ્રમાણમાં નબળું લાગ્યું મોટે ભાગે કોઈ સરકારી પ્રોગ્રામમાં વિકાસની જાહેરખબર જોઈતા હોઈએ એવી તૈયારીઓ હતી. શરુ પણ મોડું થયેલું એવું જાણવા મળ્યું. બાબુશાહી છાપ હતી, એક કોમન ઇનોવેટીવ સ્ટોરી ક્રિએટ કરવાની નાના દેશો જેટલી મહેનત નહોતી. સર્જનાત્મક સ્પર્શ ઈશા અંબાણીના ફાઉન્ડેશનના પ્રાઈવેટ પરદેશી એકઝીબિશનમાં હોય એટલો પણ નહોતો !
ઝેન જેવો જાપાની શબ્દ આપણા સંસ્કૃત ધ્યાન પરથી આવ્યો છે, જીબલીની ફિલ્મોથી ઇકેગાઈ બૂક સુધી જાપાનની આપણે ત્યાં અસર છે. મારુતિની સુઝુકી કે હિરોની હોન્ડા સાથે ભાગીદારી જનમાનસમાં છાપ છોડી ગઈ છે. સમુરાઈ સાથે આપણા શૌર્ય ને 'ઓનર ઇન વોર' લીજેન્ડ્સ કનેક્ટ થાય છે, આવી કોઈ મહેનત જ કોઈએ કરી નહોતી ! આપણી ફિલ્મોમાં જાપાન (લે ગઈ દિલ ગુડિયા જાપાન કી) કે આપણી ફેશનમાં જાપાન કેટકેટલું થઇ શકે ક્રિએટીવ ટ્રાવેલિંગ સોલ સાથે બજેટ મળે તો ! જાપાનની પ્રજામાં આખું ભારતનું બ્રાન્ડ પોઝીશનિંગ થાય એવો મોકો હતો ને બીજા દેશોને પણ ઈમ્પ્રેસ કરવાનો. ફ્યુચર ને ક્લાઈમેટની થીમ સાથે !
પૂર્ણ થાય એ પછી થોડુંક એમ જ જાળવી બાકીનું પર્યાવરણને નુકસાન વિના બીજા ઉપયોગમાં આવે એવી રીતે તૈયાર કરેલા આ મેળાના આંગણે એક્સ્પોનું માસ્કોટ હતું મ્યાકુ મ્યાકુ. યામાશિતા કોહેઈ જેવા વિખ્યાત આર્ટીસ્ટ રાઈટરે તૈયાર કરેલું.જાપાનીઝ એનિમેશન ને ગ્રાફિક નોવેલ્સ, કોમિકસ, ગેમ્સનો દુનિયામાં આજે પણ દબદબો છે. એમાં મેજિકલ ક્રીચર યાને જાદૂઇ પરની અનેક આંખ વાળું શેપ શિફટિંગ યાને આકાર બદલાવે એવું. રેડ એન્ડ બ્લુ ક્લાસિક કોમ્બો, ને એમાં બ્લુ એટલે પાણી ને રેડ એટલે લોહીના કોશ, સેલ્સ. જીવન ને જળને જોડતું, સૂર્યપ્રકાશ ને વરસાદને જોડતું અને અંદર અનેક જીવનને સમાવતો એક રહસ્યમય એલિયન જેવો જીવ ! એક્સ્પો પણ જાપાનની અદ્ભૂત વ્યવસ્થા, નમૂનેદાર શિસ્ત, નયનરમ્ય કલાત્મકતા અને નવીન વિજ્ઞાનના ચતુરંગી સમન્વયની એવો વર્લ્ડ ફેર બની રહ્યો કે ત્યાં પગ મુક્યા બાદ ઓસાકા નગરનો યુમેશિમાં ઇલાકો છોડવાની ટ્રેન પકડો ત્યારે પિયર છોડતી કન્યાની જેમ કશુંક પાછળ છૂટી ગયાની ટીસનો અનુભવ થાય ! શું હતું એ ? પલભર કે લિયે કોઈ હંમે પ્યાર કર લે, જૂઠા હી સહીની જેમ બધા કંકાસ ને ભડાસ બાજુએ મૂકી આપણા ષિઓએ જોયેલું એ વિશ્વનીડમનું સપનું. થોડા મહિનાઓ માટે જાપાનમાં એ સાકાર તો થયું કે પૃથ્વીના ગોળાની જેમ આ રિંગ ફરતે જગત એના પોતીકા તમામ રંગો ને વારસો ગુમાવ્યા વિના એને એકમેક સાથે જોડીને પણ એક માનવીય અને પ્રાકૃતિક વર્તુળ રચી શકે છે વ્હાલનું !
ફાસ્ટ ફોરવર્ડ
''આકાશમાં ઉંચે ચડેલા વાદળો દેખાય છે, પણ એને ત્યાં સુધી પહોંચાડતો પવન અદ્રશ્ય રહે છે !'' (કિયોબાશી ઇસ્સા, એક્સ્પોમાં વાંચેલું જાપાનીઝ હાઈકુ ક્વોટ )

