- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- કિંગ માઈકલ જેક્સનના અવસાન વખતે એને પોપસંગીતનું 'ડીએનએ' કહેવાયેલો, પણ એના રંગસૂત્રોમાં સંવેદનાનું મેઘધનુષ હતું !
There must be more to life than this
How do we cope in a world without love
Mending all those broken hearts
And tending to those crying faces
There must be more than meets the eye
Why should it be just a case of black or white?
Why is this world so full of hate?
People dying everywhere
And we destroy what we create
There must be more to life than killing
A better way for us to survive
I live in hope for a world filled with love
Then we can all just live in peace
There must be more to life
than this
ક્વી નવાળા ફ્રેડી મરક્યુરી સાથે મળીને પોપ સમ્રાટ માઈકલ જેક્સને ગાયેલા- લખેલા ગીતના આ શબ્દો છે. જગતની કઈ એવી સંવેદનશીલ આંખલડીઓ હશે, જેના ખૂણે આ વાંચતી વખતે ઝળઝળિયાં ન તગતગે? એમ. જે. ના હુલામણા નામથી ઓળખાતા માઇકલનું શરીર ૫૦નું થયું હતું (અને સર્જરીઓ તથા દવાઓને લીધે હાડપિંજર જેવું હોઈને ૯૦નું પ્રેત જેવું દેખાતું હતું!) પણ એનું હૃદય સદાકાળ ૧૦ વર્ષના બાળકનું હતું. જે બનાવવા અને જાળવવા પાછળ એ દેવાળિયો થઈ ગયો, એનું ઘર 'નેવરલૅન્ડ રેન્ચ' આખેઆખું એક ઢીંગલીઘર હતું. ત્યાં અવનવાં ઝરણાં, ફૂલો, પતંગિયાઓ, પંખીડાં હતાં. કોઈ એમ્યુઝમન્ટ પાર્કને ભુલાવે તેવી રાઇડસ હતી. ઓરડાઓ ભરીને 'સ્ટાર વૉર્સ' જેવી ફિલ્મો કે સ્પાઈડરમૅન, ડિઝની જેવાં કૉમિકસના લાઇફ સાઇઝ રાબોટ્સ હતા. કોર્ટ કેસીઝને લીધે જ્યારે તેના પર જપ્તી આવી, ત્યારે પોલીસવાળા પણ થીમ પાર્ક તરીકે ટિકિટ ઉઘરાવવા માટે નહિ, પણ રહેવા માટે તૈયાર કરાયેલી આ માયાવી સૃષ્ટિ જોઈને ચકિત થઈ ગયા હતા.
કારણ કે જેક્સનના હૃદયમાં ગરીબી, કામના બોજ અને કૌટુંબિક વિખવાદમાં છીનવાઈ ગયેલા શૈશવને લીધે ટૂંટિયું વાળીને એક બચ્યું સૂતેલું રહેતું, જેને આ મોટા લોકોએ બનાવેલી દુનિયામાં મોટા થવાનો ડર લાગતો. એમાંથી માઈકલના ફૉબિયાઝ પણ જન્મ્યા, જે એને એકલતા, દવાઓ, પાગલપન, મૃત્યુના ભય, સર્જરીઝ અને કોર્ટ કેસ સુધી પહોંચેલી કોન્ટ્રોવર્સીઝ સુધી દોરી ગયા. એમાંથી જ એની ફૅન્ટેસી પણ જન્મી, જે એને ઝગમગતા સ્ટેજ શો, અલૌકિક ડાન્સ મૂવમૅન્ટસ, વૈભવી ફૅશન કૉસ્ચ્યુમ્સ, મેમોરેબલ વીડિયો મોમેન્ટસ અને જાદુઈ ગીત-સંગીત સુધી લઈ ગઈ.
***
માઈકલ જેક્સન પર એના પરિવારની સત્તાવાર સહમતી સાથે એના સગા ભત્રીજા જાફર જેક્સનને લીડ રોલ આપીને ફિલ્મ માઈકલ રજુ થતાંવેંત ધૂમ મચાવી રહી છે. કન્ટ્રોલ ફ્રીક પિતા, એકની મેજિકલ ટેલન્ટ પર નભવા મથતો પરોપજીવી પરિવાર, પ્રતિભાને લીધે આવતી એકલતા અને એકલતાને લીધે ખીલતી પ્રતિભા, ગરીબી અને ઢોરમારમાંથી બચવા ઉભી કરેલી પરીકથાની સૃષ્ટિ, સંવેદનાને લીધે ઉદાર હાથે થતા એના દાન, એનો ઘરમાં વનતારા જેવો પ્રાણીબાગ બનાવતો પ્રકૃતિપ્રેમ એ બધું તો માઈકલ ફિલ્મમાં છે જ. એની વીટીલિગો (કોઢ), પ્રેમ કરવાની અણઆવડત, કોસ્મેટિક સાયન્સના ઉપયોગથી પરફેક્ટ બની જવાની જોખમી ઝંખના પણ એમાં છે. પણ એનું નવું નોખું એકલે હાથે કરવાની ફિતરત અને તાકાત પણ એમાં છે. માઈકલ ચકોર બિઝનેસ બ્રાન્ડ હતો. અદ્ભુત સંગીતને અફલાતૂન રીતે પ્રસ્તુત કરવાની એનામાં કુશળતા હતી. એને માર્કેટિંગને ડિઝાઈનની સેન્સ હતી. કોન્સર્ટ, કોસ્ચ્યુમ, ડાન્સ સ્ટેપ્સ અને મ્યુઝિક વિડીયોનું આજે જે સ્વરૂપ ટેલર સ્વીફ્ટથી કોલ્ડપ્લે સુધી, અરીજીત સિંહથી સુનીધિ ચૌહાણ સુધી, ડયુઆ લિપાથી દિલજીત દોસાંજ સુધી દેખાય છે એ માત્ર એમજેને આભારી છે ! આ હતો ધ બિગેસ્ટ ઇન્ફ્લ્યુન્સર ઓફ ઓલ ટાઈમ.
અને એવી તો બ્રાન્ડ કે એકલે હાથે એની બાયોપિકે પણ હજુ બધા રેકોર્ડ તોડી નાખ્યા ! રિલીઝ થતા સાથે ૧૦૦ મિલિયન ડોલરનો કારોબાર કરનાર એ પહેલી બાયોપિક (કોઈ જાણીતી વ્યક્તિની જીવનકથા ફિલ્મ તરીકે) છે ને ફેનલોકોનો ઉન્માદ જોતા એ અબજોમાં પહોંચશે. મોતના સત્તર વરસ પછી પણ કિંગ ઓફ પોપનો દબદબો બરકરાર છે. લોકપ્રિયતાની ચરમસીમાનું નામ માઈકલ જેક્સન હતું. ગ્રેમી એવોર્ડના એક સેટબેક પછી જે રીતે એણે થ્રીલર આલ્બમ મુકેલું એમાં જેટલા રેકોર્ડ તૂટી ગયા જગતમાં અને ગિનેસ બૂકે અપડેટ કરવા પડયા એ પણ હજુ અનબીટેબલ રેકોર્ડ છે! સર્કે દ સૂલીનો લાસવેગાસનો ડાન્સ શો ને એમજે બ્રોડ વે મ્યુઝિકલ નાટક બધું જ જોયા પછી પણ જાફર જેક્સનને આબેહૂબ માઈકલ બનતો જોવો એ કોઈ પુનરાવતાર જેવો સરરિયલ એક્સપિરીયન્સ છે સિનેમાઘરના અંધકારમાં! જાણે આત્માનો પરકાયાપ્રવેશ.
પણ એ મસ્ટ સી ફિલ્મની થોડી વાતો પછી, અત્યારે તો રિવિઝન ધમાકેદાર બીટ્સ ને ઝાકઝમાળ રજુઆતમાં ખોવાઈ જતા એનું હૈયું ઠાલવતા ગીતોના શબ્દોનું. બધા તો શક્ય નથી, થોડાક ઉદાહરણોથી ડોકિયું કરીએ એના અંતરમનમાં !
***
માઇકલ જેવા ફાસ્ટ બીટ રિધમ અને સેક્સ-રોમાન્સના બરાડા-ટહુકા કરવાવાળા તો ઘણા સિંગર્સ આવ્યા ને આવતા રહેશે પણ માઇક્સમાં સ્પેશિયલ હતું એનું દુનિયાનાં દુ:ખદર્દને લીધે લોહીઝાણ થતું રહેતું જખ્મી દિલ! વારતહેવારે માઈકલ માણસના માંહ્યલાને ઝકઝોરીને વિચારવા મજબૂર કરી દે તેવાં ગીતો રચતો હતો. માત્ર પોતાની પીડાનું વિરેચન (કૅથાર્સિસ) કરવા માટે નહિ, પણ કશું હકારાત્મક, રચનાત્મક પરિવર્તન લઈ આવવા! એને માત્ર ગાવું જ નહોતું, એને થોડુંક બદલાવવું પણ હતું. જેના મ્યુઝિક વીડિયોમાં વિશ્વશાંતિ માટે બલિદાન આપતા કનેડીથી મહાત્મા ગાંધી દેખાતા હતા એ સાઁગ 'મન ઇન ધ મિરર'ના એણે મશહૂર કરેલા શબ્દો વાંચો:
I'm gonna make a change
For once in my life
It's gonna feel real good
Gonna make a difference,
gonna make it right
As I turn up the collar
on my favorite winter coat
This wind is blowin' my mind
I see the kids in the street
with not enough to eat
Who am I to be blind,
pretending not to see their needs?
They follow each other on the wind, U know
'Coz they got nowhere to go
That's why I want you to know
I'm starting with the man in the mirror
I'm asking him to change his ways
And no message could have been any clearer
If you wanna make the world a better place
Take a look at yourself and then make a change
It's time that I realize
There are some with no home,
not a nickel to loan
Could it be really me pretending
that they're not alone?
A willow deeply scarred,
somebody's broken heart
And a washed-out dream
‘Cause they got no place to be
That's why I'm starting with me
I'm gonna make a change
It's gonna feel real good,
Just lift yourself, you know
You've got to start with yourself
I gotta make that change today
Stand up and lift yourself.
આમ તો સીધા સરળ અંગ્રેજી શબ્દો છે. પણ ૧૯૮૮માં માઈકલે સંભળાવેલા આ ગીતના એડિટેડ અંતરાઓ આમ સીધેસીધા અંગ્રેજીમાં પીરસી દેવાનું કેટલાક રીડરબિરાદરોને કઠશે. આ જ તો બિચારા માઇકલ જેક્સન સાથે પ્રૉબ્લેમ હતો. એના વાંકાચૂંકા ઉલાળાના અંગમરોડને લીધે પબ્લિક 'વેકો જેકો' કહીને તેની ઠેકડી ઉડાડતી. કોઈ વિકૃત સેનાપતિ પાશ્ચાત્ય સંસ્કૃતિની તલવાર લઈને શિરચ્છેદ કરવા આવ્યો હોય એમ માઇકલ જેક્સનના સાઁગ અન્ડ ડાન્સથી ભડકેલાં ભારતીય માબાપ પોતાનાં સંતાનોનાં આંખ-કાન આડે સંસ્કૃતિની દુહાઈઓ આપી, મર્યાદાના હાથ મૂકી દેતા. (પછી ભલે ને વલેન્ટાઇન્સ ડેના નામે તોડફોડનો ઉધમ મચાવવાની શરૂઆત ભારતમાં કરનાર ઠાકરેની શિવસેના જ ચૅરિટી શોમાં માઇકલની યજમાન બનવાનો ઉઘાડેછોગ દંભ કરે!) પણ મોટા ભાગનાં અંગ્રેજી પોપસોંગ્સ 'જોવા'માં જ આપણે એટલા તલ્લીન હોઈએ છીએ કે એના શબ્દો સાંભળવાની તસ્દી તો લેતા જ નથી!
વેલ, મૅન ઇન ધ મિરરનું આ કળાત્મક ગીત પોતાની જાતને તટસ્થ, સંતુલિત, સમાજવાદી કહેવડાવતા કેટલાક વાયડા વિવેચક ગુજરાતી 'કર્મશીલ' લેખકોને પીપરમિન્ટ (ઓહ સારી, આંબલિયાના ઠળિયા)ની માફક ચગળવો ગમતો પેલો શબ્દ... બોલે તો, 'નિસબત'... હા, નિસબતની વાત કરે છે. માઇકલે કમસે કમ એને આવડયું એ રીતે એ માટે પહેલ કરી હતી. લોકપ્રિય સેલિબ્રિટી બની ગયા પછી સતત એટલા બધા ડોળા નાની નાની સ્વાભાવિક બાબતો પર તકાયેલા હોય છે કે ઘણી વખત તમે કશુંક સારું કરવા જાવ તોય લોકો મનફાવતા અર્થ શોધી લે! પરંતુ માઇકલે સતત વિશ્વનું ધ્યાન પાયાના મુદાઓ પર ખેંચ્યા કર્યું હતું. કહેનારા તો એમ પણ કહેશે કે તો પછી એણે જ આ ચકાચક લાઇફસ્ટાઇલ અને 'ઢિનચાક' ગીતો બંધ કરવાં જોઈએ ને! વેલ, એમ હોત તો એણે આપેલા સદભાવના સંદેશા પર ધ્યાન પણ કોણ આપત? બાકી આવી સુફિયાણી વાતો તો મકરપુરાના માવજીભાઈ પણ રોજ ફેસબુક ઈન્સ્ટા એક્સ પર કરે છે!
માઇકલના મૃત્યુ પછી એક વિગત તો એ બહાર આવેલી કે એ કુલ ૩૯ ચૅરિટેબલ સંસ્થાઓ સાથે સંકળાયેલો હતો! જેક્સનનું હૈયું દ્રવી ઉઠે, તો એને નિસબત ન કહેવાય પણ સફેદ ખાદીની ચામડી લઈને શોષિતો-પીડિતો-વંચિતોની વાતો કરતી ટોળકી જે કંઈ લખે-બોલે એની પાંચિયાભારની પણ અસર ન હોય, છતાં એને સર્ટિફાઈડ, એપ્રૂવ્ડ, હોલમાર્ક ્બ્રાન્ડ નિસબત કહેવાય! શું સમજ્યા...? ઉફ, શું ન સમજ્યા? એટલે જ માઈકલની આ સેન્સેટિવ સાઈડ તરફ બહુ ઓછાનું ધ્યાન ગયું. પણ આ સાઁગમાં બહુ અદ્ભુત વાત છે... ભૂખ્યા, કંગાળ, ચીંથરેહાલ લોકોને જોઈને દુ:ખી થયેલ માણસ આ બધું જ બદલાવવાનો પોકાર કરે છે. આ દુનિયાના વર્ગભેદ, અર્થભેદ, શોષણને અટકાવી કશુંક પરિવર્તન કરી સંતોષ લેવાની ઇચ્છા રાખે છે. પણ પછી એને લાગે છે કે શરૂઆત તો અરીસામાં દેખાતા માણસથી જ કરવી પડશે. યાને પોતાની જાતથી. દુનિયા બેહતર બનાવવા માટે આપણી જાતને જ આગળ ધરવી પડશે. પહેલાં આપણામાં ચેન્જ કરવો પડશે.
માઈકલ જેક્સને જ પહેલી વખત એચઆઈવી, એઇડ્સ પ્રત્યે જગતનું ધ્યાન ખેંચ્યું હતું અને પોતાના એઈડ્સગ્રસ્ત દોસ્તોને વિડિયોમાં ચમકાવી, એમના માટે ગીતો પણ લખ્યાં હતાં. પોતે શ્યામમાંથી શ્વેત થયો (એને ચામડીનો રોગ પણ હતો, ને લટકામાં સર્જરી!) છતાં 'બ્લૅક ઔર વ્હાઈટ' જેવા ગીતમાં (એમાંય શેરીમાં ઓડિસી શાસ્ત્રીય નૃત્ય કરતી ભારતીય નર્તકી યમુના સંગારાસિવમ સાથે એને જોઈ શકાય!) કાળા-ગોરાના ભેદ વિના, રેસિઝમ-કાસ્ટિઝમ વિના અંતે તો બધા સરખા જ માણસો છે, એવો એકતાનો સંદેશ આપેલો છે. એમાં તો, ૧૯૮૫માં સુપરપાવર અમેરિકાને આફ્રિકાના દુકાળિયા-ભૂખ્યા-પછાત વિસ્તારો અંગે જાગૃત કરી આજેય વહેતો દાનદરિયો પણ એણે જ શરૂ કર્યો હતો ને! અમેરિકન મ્યૂઝિક ઍવૉર્ડ નાઇટમાં જવાને બદલે જે ગીતના રૅકર્ડિંગમાં માઇકલ પહોંચેલો એ 'વી આર ધ વર્લ્ડ' ગીત એણે લિયોનલ રિચી સાથે મળીને લખેલું. પોતાની વગ વાપરી ૪૫ જેટલા ટોચના સિંગર્સને એણે ભેગા કરેલા 'યુ.એસ.એ. (યુનાઇડેટ સપૉર્ટ ઑફ આર્ટિસ્ટસ) ફૉર આફ્રિકા' નામ નીચે! જસ્ટ રીડ :
There comes a time
When we heed a certain call
When the world must
come together as one
There are people dying
Oh, and it's time to lend a hand to life
The greatest gift of all
We can't go on
Pretending day by day
That someone, somewhere
will soon make a change
We are all a part of
God's great big family
And the truth, you know,
love is all we need
We are the world
We are the children
We are the ones
who make a brighter day,
so let's start giving
There's a choice we're making
We're saving our own lives
It's true we'll make a better day,
just you and me
Well, send them your heart
So they know that someone cares
And their lives will be stronger and free
As God has shown us
by turning stone to bread
And so we all must
lend a helping hand
When you're down and out,
and there seems no hope at all
But if you just believe,
there's no way we can fall
Well, well, well, well let us realize
Oh, that a change can only come
When we stand together as one
There's a choice we're making,
we're saving our own lives
It's true we'll make a better day
We are the world
જ્યારે જ્યારે આવા કશાક સપૉર્ટની વાત આવે ત્યારે જેક્સન હંમેશાં સીના તાન કે (ભલે વાળ વગરની છાતી, બસ!) ઊભો રહેતો. ૨૦૦૧ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઘટના પછી પણ પાંચ કરોડ અમેરિકન ડૉલરનું ફંડ ઊભું કરવાના કાર્યક્રમમાં 'વૉટ મોર આઈ કેન ગિવ ગીત એણે ૩૫ આર્ટિસ્ટસ સાથે ગાયું હતું. જેક્સનનું અદ્ભુત રીતે પિક્ચરાઇઝ થયેલું 'અર્થ સોંગ' તો પર્યાવરણપ્રેમીઓ ભૂલી શકે, પણ સંગીતપ્રેમીઓ નહીં! 'હિસ્ટરી' આલબમના આ ગીતમાં કવિ જેક્સન પણ પૂરબહારમાં ખીલ્યો હતો. એ ગાવા માટે માઇકલને 'જેનેસીસ' ઍવૉર્ર્ડ અને ડાયરેક્ટર નિક બ્રાન્ડિટને તેના ખર્ચાળ વીડિયો માટે બેસ્ટ મ્યૂઝિક વીડિયો ઍવૉર્ડ મળેલા. જેમાં એમેઝોનનાં કપાતાં જંગલો, ક્રો-એશિયાની યુદ્ધભૂમિ, તાન્ઝાનિયામાં થતા ગેરકાનૂની શિકાર અને વોરવિક (ન્યૂયૉર્ક)માં સળગી જતાં જંગલોનાં દ્રશ્યો વચ્ચે પોતાના ટ્રેડમાર્ક સિંગિંગ સાથે વ્યથા પ્રગટ કરતો માઈકલ હતો! આઆઆઆહ આવાવાહ! માઇકલ જેકસને આપણા રહેમાનને પાંચ સેકન્ડનું ડાન્સ સ્ટેપ બતાવી 'ગ્લોબલ વોર્મિંગ' પર એક સાઁગ કમ્પોઝ કરવાનું કહેલું, અને યુદ્ધના વિરોધમાં કૉન્સર્ટ કરવાની વાત કરી હતી! રહેમાનના સંસ્કૃત 'એકમ સત્યમ્' જેવા વેદના ઋચાગાન પર આધારિત ગીત માટે જેક્સને ઇન્ટરનશનલી પર્ફોર્મ પણ કર્યું હતું!
માઈકલે ફિલ્મોમાં ઍક્ટિંગ તો એક-બે પ્રયત્ન પછી બહુ વહેલી મૂકી દીધી હતી. પણ ક્યારેક આવા જ કારણસર એ ફિલ્મોમાં ગાતો કાં તો બાળકો માટેની પરીકથા કે પછી પર્યાવરણ અને દુખદર્દની મલમપટ્ટાની વાત! વહેલ માછલીના શિકારને અટકાવી અને દોસ્ત બનાવવાની બાબતમાં મોરારિબાપુ અને માઈકલ જેક્સન એકસરખી ભૂમિકાએ હતા. 'ફ્રી વિલી' નામની વહેલ અંગે જાગૃતિ ફેલાવતી સુપરહિટ ફિલ્મના અંતે માઈકલે ગાયેલું 'વિલ યુ બી ધેર?' ગીત આ સંદર્ભ વિના તો અદ્ભુત રોમૅન્ટિક સાઁગ જ લાગે! પણ 'બીટ ઇટ'થી 'બેડ' સુધીના 'ડેન્જરસ' 'થ્રિલર' સાઁગ પર ગાઈને નાચનારા જેક્સને અભૂતપૂર્વ બિલી જીન ટાઈપ લવસૉંગ્સ જામમાં લલકાર્યા પછી પણ એને જે ગીત સાથે લવ હતો એ હતું હીલ ધ વર્લ્ડ'!
There's a place in your heart
And I know that it is love
And this place could be
much brighter than tomorrow
And if you really try
You'll find there's
no need to cry
In this place you'll feel
there's no hurt or sorrow
There are ways to get there
If you care enough for the living
Make a little space
Make a better place
Heal the world
Make it a better place
For you and for me
And the entire human race
There are people dying
If you care enough for the living
If you want to know why
There's a love that cannot lie
Love is strong
It only cares for joyful giving
If we try we shall see in this bliss
we cannot feel fear or dread
We stop existing and start living
Then it feels that always
Love's enough for us growing
To make a better world
Heal the world
And the dream we
were conceived in
Will reveal a joyful face
And the world
we once believed in
Will shine again in grace
Then why do we
keep strangling life
Wound this Earth,
crucify its soul?
Though it's plain to see
This world is heavenly
Be God's glow
We could fly so high
Let our spirits never die
In my heart I feel
you are all my brothers
Create a world with no fear
Together we'll cry happy tears
See the nations turn
their swords into plowshares
Heal the world
Save it for our children
નેવરલૅન્ડ રેન્ચના એક વૃક્ષ નીચે બેસીને માઇકલ જેક્સને લખેલું આ ગીત વિશ્વભરનાં બાળકોને સમર્પિત હતું. મીડિયામાં માઈકલના સમાચારો એબ્યુઝના આવ્યો, એટલા એના ચિલ્ડ્રન માટે પોતાની ફૅમ-ફોર્ચ્યુનના 'યુઝ'ના નથી આવ્યા! માઇકલે 'હીલ ધ વર્ર્લ્ડ' ફાઉન્ડેશન બનાવ્યું. વિશ્વને એક બેહતર જગ્યા બનાવવા માટે એક બાજુથી એ 'યુ ડૉન્ટ રિયલી કેર એબાઉટ અસ'ના ડ્રમ્સ પર પગ પછાડતો હતો, અને આક્રોશને તાલ આપતો હતો. પણ એની સ્વપ્નિલ ઝંખના તો આખી દુનિયાને ઠપકારવાની નહીં, પ્રેમથી પંપાળવાની હતી. આજના યુધ્ધના માહોલમાં કેવી આશા ને શાતા હજુ આપે છે આ ગીત !
વાંચતાં વાંચતાં અંગ્રેજી શબ્દો કુદાવ્યા હોય તો રિવાઈન્ડ કરો યારો, જેક્સન કહે છે, આપણે અસ્તિત્વ ટકાવીએ છીએ, પણ જીવતા નથી. પ્રેમ અને આનંદથી જો આપણે જીવનને ઉત્સવ બનાવીએ, તલવારો ઓછી અને ઝાઝા પાવડા બનાવીએ, આપણા જ માટે આ દુનિયા વધુ સુંદર, વધુ શાંત બનાવીએ... તો સાથે મળીને હરખનાં આંસુડાં પાડી હસીએ.
પણ દુનિયા એવી જ રહી, ગાઈ-નાચીને ભૂલી જવાવાળી, હાર્ટબ્રેકને બ્રેેકિંગ ન્યૂઝ બનાવી દેવાવાળી, ને ચાહકોની આંખોમાં આંસુ આંજી બાલિશ હરકતો છતાં બાળસહજ મિજાજ ધરાવતો એક વિરાટ વાંસળીવાળો ચાલ્યો ગયો! અને આ જ જાદૂ હતો એનો, એ ધબકાર અનોખો હતો એના હૃદયમાં બીજાના દર્દથી દ્રવી ઉઠતો. એટલે આ સામ્રાજ્ય એનું હજુ અડીખમ છે, જેમાં દેવતાઈ ચેતનાનો પાયો છે.
ફાસ્ટ ફોરવર્ડ
'તમને ગીતો નથી આવડતા? જીવી શકો તો તમારું જીવન પણ એક ગીત છે. દુનિયાનું સૌથી મહાન શિક્ષણ છે, જે તે ફિલ્ડના માસ્ટર્સને કામ કરતા નજીકથી નીરખવા તે! તમે આશાથી જીવશો તો તમને પ્રેમની પાંખો ફૂટી નીકળશે!' - (માઈકલ જેક્સન)


