For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જોબ કપાતના શસ્ત્રે આઇટી કંપનીના કર્મચારીઓની ઊંઘ ઉડાડી દીધી છે

Updated: Jan 24th, 2023

Article Content Image

પ્રસંગપટ

છટણીના વાઇરસ ઇલોન મસ્કે છોડયા છે

કરોડોનો નફો રળતી એમેઝોન અને ગુગલ જેવી કંપનીઓ સ્ટાફની હકાલપટ્ટી કરતાં જરાય ખચકાતી નથી

ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ફફડાટ ચાલે છે. કાલે સવારે કોની નોકરી જશે? વાતાવરણ અનિશ્ચિત છે. અમેરિકા જોબ માટે ગયેલાઓમાં ટેન્શન ઉભું થયું છે. જે એમ્પ્લોયર પર ભરોસો હતો તે ગમે ત્યારે 'સોરી' કહી દેશે એવા ડરનો માહોલ પ્રવર્તે છે. નોકરી કરતા લોકોને ડર એ વાતનો છે કે અન્ય કોઇ કંપની લેવાલ નથી, કેમ કે સૌ સ્ટાફ ઘટાડવાના મૂડમાં છે.

 મોટી કંપનીઓમાં જોડાનારાઓને ભરોસો હોય છે કે કંપની માતબર છે માટે પોતાની જોબને કોઇ વાંધો નહીં આવે. એટલે તો લોકો નામાંકિત કોર્પોરેટ કંપનીઓને જોબ માટે પસંદ કરે છે. ગૂગલ, એમેઝોેન અને માઇક્રોસોફ્ટ જેવી નામાંકિત કંપનીઓ જોબ પર કાપ મુકે તો તે સમાચાર બને છે. 

અન્ય નાની કંપનીઓ જોબ પર મોટા પાયે કાપ મૂકે છે તેના સમાચાર બનતા નથી. કરોડોનો નફો રળતી એમેઝોન અને ગુગલ જેવી કંપનીઓ સ્ટાફની હકાલપટ્ટી કરતાં લગ્ગીરેય ખચકાતી નથી. સ્ટાફને ઇમેઇલ કરીને મેનેજમેન્ટની ભાષામાં ના પાડી દેવાય છે. બહુ ઉહાપોહ થાય ત્યારે ેકંપની કહે છે કે અમે બહુ ભારે હૈયે સ્ટાફને ના પાડી છે. 

આર્થિક આનિશ્ચિત સ્થિતિના કારણે આઇટી કંપનીએ છટણીનું શસ્ત્ર ઉગામ્યું છે. આ બધાના મૂળમાં ઇલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી સ્ટાફની છટણી કરી, તે છે. બહુ વિવાદાસ્પદ એવા ટ્વિટરના સોદા બાદ સ્ટાફની છટણી શરૂ કરાઇ ત્યારે તેમણે કહ્યું હતું કે કંપનીનો ખર્ચો ઘટાડવા આપગલું ભરવું જરૂરી છે. 

મસ્કે મોટા પાયે છટણીની શરૂઆત  કરી હતી અને આ વાઇરસ  અન્ય કંપનીએામાં પ્રસર્યો.  સૌથી વધુ ૧૮,૦૦૦ના સ્ટાફરની હકાલપટ્ટી એમેઝોને કરી છે, જ્યારે ગુગલે ૧૨,૦૦૦ની છટણી કરી છે. માઇક્રોસોફ્ટે પણ ૧૦,૦૦૦ કરતાં વધારા કર્મચારીઓ પર કાપ મુકવાની જાહેરાત કરી છે.  ૨૦૨૨ના અંતિમ ત્રણ મહીનાથી શરૂ થયેલી છટણીની કામગીરી ૨૦૨૩ની શરૂઆતથી જ વધુ તોફાની બની હતી.  એમેઝોન, ગુગલ, ટ્વિટર વગેરેએ કુલ એક લાખ  કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું છે. ફેસબુકે ૧૩ ટકા સ્ટાફને પાણીચું આપી દીધું છે. એચપી અને અડોબી જેવી કંપનીઓેએ પણ સ્ટાફમાં કાપ મુકવાની જાહેરાત કરી દીધી છે. જે આઇટી નિષ્ણાતોને મોટી કંપનીઓમાં કામ મળવાનું ગૌરવ હતું તે હવે કોઇ પણ નાની કંપનીમાં કામ કરવા તૈયાર થયા છે. 

જે લોકોની છટણી કરાઇ છે તે લોકો અન્ય કંપનીમાં જોડાયા છે, પણ ત્યાંય જોખમ છે. કેટલાકે ચાર મહિનામાં ત્રણ વાર જોબ ગુમાવી છે તો કેટલાક તેમને ફરી પાછા બોલાવશે તે આશાએ બેસી રહ્યા છે. છટણીના કિસ્સામાં મોટા ભાગે નવોદિતો અને કોન્ટ્રેક્ટ પર જોડાયેલા ટેમ્પરરી નિમણૂકોવાળાનો ભોગ વધારે લેવાય છે. તે પછી ખાસ કમાણી ન કરી શકતા ડિપાર્ટમેન્ટનો વારો આવે છે. હાલના છટણીના મોજામાં ટોપ પોસ્ટ પર પણ કાતર ફરેલી છે. એક અહેવાલ અનુસાર ૧૬૬ જેટલી આઇટી કંપનીઓએ છટણી કરી છે. 

ભારતની કેટલીક કંપનીઓ જેમકે શેરચેટે ૨૦ ટકા સ્ટાફ કપાતની વાત કરી છે, જેના કારણે ૫૦૦ લોકોની જોબ જશે. આઇટી જાયન્ટ વિપ્રોએ ૪૦૦ જેટલા નવોદિત સ્ટાફને હાથ જોડીને ના પાડી દીધી છે. ફૂડ ડિલીવરી કંપની સ્વિગીએ પણ ૩૮૦ કર્મચારીઓને લાંબી રજા પર ઉતારી દીધા છે. ઓલા કંપનીએ ૨૦૦ જેટલા સ્ટાફને ના પાડી દીધી છે. 

ગુગલે કહ્યું છે કે અમે છટણી કરેલા સ્ટાફ પૈકી કેટલાકને અન્ય પેટા કંપનીઓમાં સમાવવાનો પ્રયાસ કરીશું.  અમેરિકામાં જોબ ગુમાવનારાઓ ભારતમાં રહેતા માબાપને આ માઠા સમાચાર આપતા નથી. બીજી જોબ મળે પછી જ કહે છે કે હવે હું જુની જોબમાં નથી  અને નવી કંપનીમાં જોડાયો છું. ભારતમાં રહેતા પેરેન્ટ્સ છટણીના અહેવાલો જોઇને ટેન્શન વધારતા હોય છે.

અમેરિકન આઇટી કંપનીઓમાં પ્રવેશેલા છટણીના વાઇરસે હજુ ભારતની કંપનીઓમાં તીવ્ર અસર ઉભી કરી શક્યો નથી. ભારતની આઇટી  કંપનીઓ હરણફાળ ભરીલી છે. ટીસીએસ કંપનીએ ૨૦૦૮માં એક લાખ લોકોની નિમણૂક આપી હતી. મંદીની અસર માત્ર આઇટી કંપનીઓનેજ થવાની છે એવું સ્ટાફની હકાલપટ્ટી પરથી દેખાઇ આવે છે. અન્ય ક્ષેત્રેામાં સ્ટાફની હકાલપટ્ટીની કોઇ ચહલપહલ દેખાતી નથી તે પણ નોંધવું જોઇએ.


Gujarat