For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કૃષિ વાયદા પરનો પ્રતિબંધ લંબાવાતા ખેડૂતો નારાજ

Updated: Jan 22nd, 2023

Article Content Image

- પ્રસંગપટ

- કોમોડિટીનાં કારોબાર ભાવનાં જોેખમ સામે સુરક્ષા હોવી જરૂરી

- રોષે ભરાયેલા મહારાષ્ટ્રનાં ખેડૂતોએ  મુંબઇમાં સેબીની ઓફિસ સામે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે મોંઘવારી ડામવાનાં પ્રયાસરૂપે એક વર્ષ પહેલા સોયાબીન, સોયાતેલ, સરસવ, ચણા તથા પામતેલ જેવી કૃષિપેદાશોનાં સ્ટોક ઉપર નિયંત્રણો લાદ્યા હતા અને સાથે જ આ પેદાશોનાં વાયદા કારોબાર ઉપર એક વર્ષ માટે પ્રતિબંધ મુક્યો હતો.  હવે જ્યારે મોંઘવારી ઘટી રહી છે ત્યારે સરકારે સ્ટોક મર્યાદા હળવી કરી છે જેના કારણે મોટા વેપારીઓ અને પ્રોસેસરોને મોટો સ્ટોક કરવામાં આસાની રહેશે પરંતુ આ સાથે જ સરકારે વાયદા ઉપર લગાવેલા પ્રતિબંધ ને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. 

મતલબ કે વાયદામાં ચાલતા ભાવનો લાભ લઇને પોતાની જણસ વેચનારા ખેડૂતો અને પોતાના કારોબારનાં જોખમને હેજ કરનારા કારોબારીઓનો અનાદર કર્યો છે. સરકારના આ નિર્ણય સામે રોષે ભરાયેલા મહારાષ્ટ્રનાં ખેડૂતોએ હવે ૨૩ મી જાન્યુઆરી-૨૦૨૩ થી મુંબઇમાં સેબીની ઓફિસ સામે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિશેષ કરીને ચણા, સોયાબીન તથા સરસવનો પાક થાય છે. આ ત્રણ કોમોડિટીનાં વાવેતર સમયે વાયદામાં તેના ભાવ જોઇને ખેડૂતો પોતાની પડતર નક્કી કરીને વાવેતર કરતા થયા છે. 

આ ઉપરાંત જ્યારે નવા માલની આવકનો સમય આવતો હોય ત્યારનાં વાયદાનાં ભાવ જોઇને જરૂર લાગે તો તેઓ અગાઉથી વેચાણ પણ કરતા થયા છે. બાકી હોય તો બે વર્ષ પહેલા એક્સચેન્જે  ચણા, સોયાબીન તથા સરસવ જેવા ઉત્પાદનોના ખાસ ઓપ્શન સોદા શરૂ કર્યા  હતા. જેનો વિશેષ લાભ ખેડૂતોને મળતો થયો હતો. ઓપ્શનના સોદામાં ખેડૂતો પુટ ઓપ્શન ખરીદી લેતા થયા હતા. જેનાથી તેમનો અમુક નફો ચોક્કસ થઇ જતો હતો. વળી ડિલીવરીના સમયે તેમને માલની ડિલીવરી આપવી કે નહી તે નક્કી કરવાનો હક પણ મળતો હતો. તેથી ડિલીવરીના સમયે તેમણે જે ભાવે વેચાણ કયુર્યુ હોય તેના કરતા બજાર ભાવ વધારે હોય તો તેઓ ડિલીવરી આપવાને બદલે સોદા કાપીને પોતાનો માલ ખુલ્લા બજારમાં વેચાવાની ક્ષમતા પણ ધરાવતા હતા. ભલે આ હજુ શરૂઆત હતી, પરંતુ ખેડૂ તો માટે સુખના સમયની શરૂઆત  હતી. એક સમયે આ ખેડૂતોએ વિવિધ કોમોડિટીમાં મળીને આશરે ૨૭૦૦ થી વધારે ટન માલના વેચાણનાં સોદા કરીને પોતાની સુરક્ષા નિશ્ચિત કરી હતી.

ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશનાં આશરે ૧૦ લાખથી વધારે ખેડૂતો હાલમાં કૃષિ કોમોડિટીનાં વાયદા ચલાવતા એનસીડેક્સ જેવા એક્સચેન્જ સાથે જોડાયેલા છે.

આ ખેડૂતો નવી સિઝનમાં પતાના અનુભવના આધારે નવા આયોજન સાથે વધારે વેપારની તૈયારી કરતા હતા ત્યાં જ સરકારે વાયદા બંધ કરવાનું ફરમાન કરતા તેમના આયોજનો અને સુરક્ષિત કમાણીનાં સપના રોળાયાં છે. સ્વાભાવિક રીતે જ હવે આ ખેડૂતો સરકાર સામે જંગે ચડવા તૈયાર થયા છે.

આમ જોઇએ તો સરકારની નીતિ આયોજન વિનાની છે. રાષ્ટ્રિય સ્તરનાં કોમોડિટી એક્સચેન્જોને એન.ડી.એ ની સરકારે જ ૨૦૦૨-૦૩ માં શરૂ કરવાની પરવાનગી આપી હતી. પરંતુ ત્યારબાદ આ કોમોડિટીના એક્સચેન્જોની કાર્ય પ્રણાલિ સામે કેટલીયે વાર સવાલો થયા છે. બે દાયકામાં કેટલીયે સમિતીઓ પોતાના અભ્યાસ અને અહેવાલો આપી ચુકી છે.

 સૌના સૂર એકસમાન છે, ભાવના વધારાને વાયદાનાં કારોબાર સાથે કોઇ સંબંધ નથી. આમછતાં પણ જ સરકાર આ વાત જાણતી નથી અને જો જાણે છે તો માનવા તૈયાર નથી.  સરકાર એક તરફ ખેડૂતોની આવક વધારવાનાં વચનો આપે છે અને બીજીતરફ ખેડૂતોની આવક વધે તેવા પારદર્શી માળખા ધ્વંશ કરે છે.

આજના ભાવની મોટી વધઘટ અને અનિયમિતતા વાળા બજારમાં કોમોડિટીનાં કારોબાર સાથે સંકળાયેલા સૌ ના માટે ભાવનાં મજોખમ સામે સુરક્ષા હોવી જરૂરી છે. આ વિકલ્પ એક્સચેન્જોનાં વાયદા આપી શકે છે તેથી વાયદા બંધ રાખવાથી કોઇને લાભ નથી. ખેર હવે ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે તેથી મામલો નવો વિવાદ પકડશે. આ જંગ માં ખેડૂતોનો અધિકાર જીતે છે કે સરકારની જીદ તે જોવાનું રહેશે. 

Gujarat