પીટબુલ જેવા ડોગને ટ્રેઇન કરવો પડે,નહીંતર જોખમી


- કેટલાક ડોગ લવર્સ આરંભે શૂરા જેવા હોય છે

- પ્રસંગપટ

- બચ્ચાંને જન્મ આપનાર ફિમેલ ડોગને આપણે ત્યાં શીરો બનીને ખવડાવવાની પરંપરા છે

ડોગ લવર્સની દુનિયા અનોખી છે. પોતાના સંતાન કરતાં વધુ લોકો પોતાના ડોગને પ્રેમ કરતા જોવા મળે છે. જ્યારે કોઇ પાળેલો પીટબુલ કોઇને કરડે અને તેના મોં પર ૩૫ ટાંકા લેવા પડે ત્યારે ડોગ લવર્સના સમર્થકો પાસે કોઇ જવાબ નથી હોતો. પીટ બુલ્સ બાંધેલો હોય તો પણ કોઇ તેની નજીક નથી જતું. તેની પીઠ પર હાથ ફેરવવાનું સાહસ પણ કોઇ ના કરી શકે છતાં પણ પીટબુલના લવર્સ જોવા મળે છે. પાળેલા ડોગ ક્યૂટ, રૂંછાવાળા, લાંબાકાન વાળા હોય તો લોકોને તે વધુ પસંદ પડે છે. 

હવે તો મેટ્રીમોનીયલ વેબસાઇટ પર પણ યુવતીઓ ડોગલવર્સ પર વધુ પસંદગી ઉતારે છે. કેટલાર ફેમિલી એનિમલ લવર્સ હોય છે. તે ગાય, કૂતરૂં, વાંદરા, કાગડા દરેકને પ્રેમ કરતા દેખાય છે. પરંતુ રખડતી ગાયો, કરડતાં કૂતરાં વગેરેને કોઇ પસંદ નથી કરતું. 

દિલ્હીમાં સંજય ગાંધી એનિમલ કેર ચલાવતા સાંસદ મેનકા ગાંધી વારંવાર લખી ગયા છે કે તેમના સેન્ટરની બહાર લોકો પાળેલા કૂતરાં બાંધી જાય છે અને પછી અમારે તેની જવાબદારી ઉપાડવી પડે છે. જે કૂતરાઓના અકસ્માતમાં પગ ભાંગી ગયા હોય એવાને સ્પર્શવા પણ કોઇ તૈયાર નથી હોતું.

કેટલાક લોકો કૂતરાના તાજા જમનેલા બચ્ચાંને કોઇ સેવાભાવી ડોગ લવર્સને ત્યાં છોડી દે છે. અનેક લોકો સેવાના ભાવે ડોગ કેર સેન્ટર ચલાવતા હોય છે. માનવજાતને સૌથી વફાદાર એવા કૂતરાનો મહાભારતકાળમાં પણ ઉલ્લેખ છે અને ભાગવાન દત્તાત્રયે કૂતરાને ગુૃરૂ તરીકે સ્વીકારેલો છે. આપણી સંસ્કૃતિમાં ગાય-કૂતરાનું જમણ કાઢવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. ટાઉન લેવલ અને ગામડામાં તે જોવા મળે છે.

બચ્ચાંને જન્મ આપનાર ફિમેલ ડોગને આપણે ત્યાં શીરો બનીને ખવડાવવાની પરંપરા છે અને બહારના કૂતરાં નવજાત બચ્ચાને મારી ના જાય તે માટે શેરીના છોકરાં તેનું રક્ષણ પણ કરતા હોય છે. 

પાળેલા કૂતરાં કરડે છે ત્યારે તે સમાચાર બને છે પણ શેરી કૂતરાં કરડે છે ત્યારે કોઇ નોંધ નથી લેવાતી. શેરીના કૂતરાંની વધતી વસ્તી અટકાવવાનો ઉત્તમ ઉપાય ખસીકરણ છે. મેનકા ગાંધી લખે છે કે પાળેલા કૂતરાનું પણ ખસીકરણ કરાવીને તેને તંદુરસ્ત લાઇફ આપવી જોઇએ. લોકો એમ માને છે કે પાળેલા કૂતરાં કરડે તે માટે તેના માલિક જવાબદાર છે. આ વાત હકીકત છે કેમકે કૂતરાના માલિકને પોતાના કૂતરાને ટ્રેઇન કરતાં નથી આવડયો.

કેટલીક ડોગ બ્ર્રીડ ભરોસોપાત્ર નથી હોતી. જે ડોગ લશ્કરમાં વપરાય તેનો સોસાયટીઓમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે કેટલીકવાર સમસ્યા ઉભી થાય છે. યુરોપ અને કેનેડામાં ઘેર ઘેર ડોગ રાખવામાં આવે છે.ડોગ રાખવા માટેની કેટલીક આચાર સંહિતા હોય છે.  ભારતના ડોગ લવર્સ માટે સૌથી કડવી વાત એ છે કે યુરોપમાં ડોગ રસ્તા પર કે ગાર્ડનમાં પોટી (સ્ટૂલ)કરે તો તેના માલિક તે પોટીને પ્લાસ્ટીકની કોથળીમાં ભરીને નજીકના ડસ્ટબીનમાં નાખી દે છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પાળેલા ડોગને મોર્નીંગ વોક માટે લાવનારામાં આવી સેન્સ ક્યારે આવશે તેની તો ખબર નથી પણ સત્તાવાળાઓએ આવા ડોગ લવર્સને પ્લાસ્ટીકની કોથળી આપીને પોતાના પ્રિય ડોગની પોટી તેમાં ભરવાની સમજ આપવાની જરૂર છે.

આ માટે શક્ય હોય તો કાયદો પણ લાવવો જોઇએ. મોર્નિંગવૉક પર આવતા લોકોના પગ અનેક વાર આવી પોટી પર પડતો હોય છે જેનાથી તે સૂગ અનુભવે છે. ડોગ પાળવા સૌને ગમે છે પરંતુ તેની સંપૂર્ણ જવાબદારી નિભાવવા કોઇ તૈયાર નથી હોતું.

કેટલાક ડોગ લવર્સ આરંભે શૂરા જેવા હોય છે. તે મોટા પાયે ડોગને ઘેર લઇ આવે છે પરંતુ પછીતે સતત ભસ્યા કરે અને ઉંઘમાં ખલેલ પહોંચાડે છે કે ઘરના કોઇને નખ મારે તો પણ તેને બહાર પધરવી દે છે. આવા પાળેલા કૂતરાને શેરીઓના અન્ય કૂતરાઓ બચકાંભરીને ઇજા પહોંચાડે છે. બિચ્ચારું ભૂખ્યું તરસ્યું રખડયા કરે છે અને પછી ક્યાં તો રસ્તામાં અકસ્માતનો ભોગ બને છે કે કણસીને મોતને ભેટે છે. 

પાળેલું ડોગ પાછું ફરે એટલે કેટલાક લોકો તેને હાઇવે પર છોડીને ગાડી ભગાવી મુકે છે. પોતાના કુટુંબીજનની જેમ રાખેલા ડોગીને રસ્તા પર છોડીને જતા રહેતા આ લોકોનોે જીવ કેવી રીતે ચાલતો હશે?પાળેલા કૂતરાં કરડે છે ત્યારે તે સમાચાર બને છે પણ શેરી કૂતરાં કરડે છે ત્યારે કોઇ નોંધ નથી લેવાતી.

City News

Sports

RECENT NEWS