કચોરી ખાવાનું મન થયું એટલે ટ્રેનનો ડ્રાઇવર પ્રવાસીઓને મુકીને જતો રહ્યો

Updated: Jan 20th, 2023


- પ્રસંગપટ

- બિહારમાં ટ્રેન રોકાઇ તેમાં હરખ શોક કરવા જેવું નથી

- બિહારના લોકો ટિકિટ ખરીદવામાં ધાંધિયાં કરે છે. તેઓ ગમે ત્યાં ચેઇન ખેંચીને ટ્રેનમાંથી ઉતરી જવામાં પાવરધા છે

નીતિશકુમાર ફરી વિવાદમાં સપડાયા છે. તેમના રસાલાના કરાણે ટ્રેન રોકાઈ રહી હતી. બિહારમાં ટ્રેન રોકવી એ સામાન્ય વાત બની ગઇ છે. બક્સર જીલ્લામાં ૧૫ મિનિટ માટે રોકી દેવાઇ હતી, કેમ કે નીતિશકુમારનો રસાલો કોઇ પણ પ્રકારની અડચણ વિના કે રોકાયા વિના પસાર થઇ શકે. આ ઘટનાથી નીતિશ ફરી વિવાદમાં સપડાયા છે.જોકે જે લોકો બિહારથી પરિચિત છે તે લોકો જાણે છે કે બિહારમાં ટ્રેનનેપોતાની મિલ્કત સમજવામાં આવે છે. લોકો પ્રવાસ માટે ટિકિટ ખરીદવામાં ધાંધિયાં કરતા હોય છે, તે તો ઠીક, પણ ઇચ્છે ત્યાં ઉતરવા માટે ચેઇન ખેંચીને ટ્રેનને ઊભી રાખવામાં તેઓ પાવરધા બની ગયા છે. 

આવી ઘટના બને ત્યારે રાજકીય વિવાદ ઊભોે થાય તે સ્વાભાવિક છે. થયું હતું એવું કે નીતિશનો રસાલો રેલવે ક્રોસિગ પરથી પસાર થતો હતો. આવતી ટ્રનોના કારણે ક્રોસિંગ બંધ કરવાનું હોય છે, પરંતુ નીતિશના રસાલાને અટકાવી દેવાની ચોકીદારની હિંમત નહોતી. વળી,  નીતિશના કાર્યકરોમાં એવો ઉત્સાહ હતો કે ટ્રેનો ભલે ઊભી રહે, આપણે તો નિરાંતે પસાર થઇશું. જે ટ્રેનો ઊભી રહી હતી તેમાં પટના -બક્સર લોકલ અને કામાખ્યા એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

પ્રવાસીઓ ટ્રેનમાં અકળાતા હતા ત્યારે નીતિશનો રસાલો લ્હેરથી પસાર થતો હતો. બિહારમાં ટ્રેન રોકવાની ફેશન હોય એમ લાગે છે. ગયા વર્ષે  ખીચોખીચ ભરેલી ગ્વાલિયર-બરાઉ એક્સપ્રેસ સિવાન પાસેના રેલ્વે ક્રોસિંગ પર વચ્ચોવચ ઊભી રખાઇ હતી, કેમ કે ટ્રેનના ડ્રાઇવરને ચાની તલપ લાગી હતી. ક્રોસિંગની બંને બાજુ ટ્રાફિક જામ થઇ  ગયો હતો છતાં એ ચા પીવા બેઠા અને પછી ટ્રેન ઉપાડી હતી. આવી તો અનેક ઘટનાઓ રેલ્વેના ચોપડે નોંધાયેલી છે.

૨૦૧૭માં બિહારના શિખરપુરામાં સેંકડો રેલ પ્રવાસીઓ ૧૦ કલાક માટે એટલા માટે રઝળી પડયા હતા કે ડ્રાઇવર ટ્રેન મુકીને ભાગી ગયો હતો. તે પકડાયો ત્યારે ખુલાસો કર્યો હતો કે હું બહુ થાકી ગયો હતો માટે સુઇ ગયો હતો! ૧૯૯૦ના દાયકામાં રેલ્વે સ્ટેશનો સિવાયના કેટલાક સ્ટેશનો હતા જે લાલુ હોલ્ટ, રાબડી હોલ્ટ, પરસીયા હોલ્ટ, ધરાલી હોલ્ટ વગેરે નામે ઓળખાતાં હતાં જ્યાં ટ્રેનો ઊભી રહેતી હતી. 

આવા બિનસત્તાવાર સ્ટેશનો પર શાકભાજીવાળા, દૂધવાળા અને ખુદાબક્ષ મુસાફરો ઉતરી જતા હતા. કેટલીક એક્સપ્રેસ ટ્રેનો રોકાતી હતી, કેમ કે પ્રવાસીઓ વેક્યુમની પાઇપ ખેચી નાખતા હતા. 

મમતા બેનરજી જ્યારે રેલ્વે પ્રધાન બન્યાં ત્યારે બિહારના મફત પ્રવાસીઓ સામે કડકાઇ કરી હતી, પરંતુ તેની કોઇ ખાસ અસર નહોતી પડી. દેશમાં જ્યારે જ્યારે નવા રેલ્વે પ્રધાન આવે ત્યારે તે  બિહારના રેલ્વે પ્રવાસીોને સુધારવાના પ્રયાસો કરે છે. 

૧૯૯૦ના દાયકામાં પટના-ગયા રૂટ સૌથી બિઝી કહેવાતો હતો. ત્યાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં ટ્રેન ગમે ત્યાં ઊભી રહેતી હતી અને સામાનની હેરફેર થતી હતી. એક કિસ્સામાંતો એક ટ્રેનના ડ્રાઇવરને ખબર પડી કે નજીકના ગામમાં ડાન્સનો પ્રોગ્રામ છે એટલે એે ટ્રેનની વેક્યુમ પાઇપ કાઢી નાખીને કાર્યક્રમ જોવા જતો રહ્યો હતો. પ્રવાસીઓ બિચારા લાચાર બનીને બેસી રહ્યા હતા. 

એક કિસ્સામાં તો જહેનાબાદથી પટના જતી ટ્રેનમાં ડ્રાઇવરે જોયું કે સામેથી કોઇ હાથમાં કાપડનો ટુકડો બતાવતો દોડતો આવી રહ્યો છે. ડ્રાઇવરે ટ્રેન ઉભી રાખી તો પેલી વ્યકિતએ કહ્યું કે ઊભા રહો મારા ગામના મુખી આવે છે, અત્યારે તે સ્નાન કરી રહ્યા છે! મુખી  સ્નાન કરીને, ચા- નાસ્તો કરીને આવ્યા બાદ એેક્સપ્રેસ ટ્રેન ઉપડી હતી. 

એક  ટ્રેનના ડ્રાઇવરને દારૂ પીવાની તલપ લાગતાં તેણે હસનપુર સ્ટેશને એક કલાક માટે ટ્રેન રોકી રાખી હતી. રાજસ્થાનના અલ્વર જીલ્લાનો એક કિસ્સો તો બહુ ચર્ચાસ્પદ બન્યો હતો. એેક ટ્રેનના ડ્રાઇવરને ચટ્ટાકેદાક કચોરી ખાવાનું  મન થયું હતું. તેણે બિન્દાસ્ત ગાડી ઉભી રાખી હતી અને ટેસથી કચોરી આરોગી હતી. પછી ટ્રેન ચાલુ થઇ હતી.

સોશિયલ નેટવર્ક પર એક વિડીયો બહુ વાઇરલ થયો હતો, જેમાં  ટ્રેન ટ્રેક પર વચ્ચે એક ભાઇ હાથમાં કોઇ પાર્સલ લઇને ઊભા હતા. ટ્રેન તેની પાસે ઉભી રહી છે, એન્જિનચાલક પાર્સલ લે છે અને પછી ટ્રેન ઉપાડે છે. 

ટ્રેન સાથે સંકળાયેલા મોટાભાગના કિસ્સા બિહાર સાથે જોડાયેલા છે. નીતિશકુમારના કાફલાના કરાણે ટ્રેન લાંબો સમય રોકાઇ તે શરમજનક કહી શકાય.


    Sports

    RECENT NEWS