Get The App

વિદેશની અનેક લકઝરી બ્રાન્ડ્સ ભારતમાં પ્રવેશવા થનગની રહી છે

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
વિદેશની અનેક લકઝરી બ્રાન્ડ્સ ભારતમાં પ્રવેશવા થનગની રહી છે 1 - image


- બેરસ્કા, સંગબૂન એડિટર, હોલિસ્ટર, ફેસજીમ...

- ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ટેરિફની તલવાર વીંઝે, પણ  ભારતનું માર્કેટ તેનાથી ડરતું હોય એવું લાગતું નથી

- પ્રસંગપટ

વૈશ્વિક આર્થિક ડામાડોળ સ્થિતિ હોય કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની તલવાર ભારતના માથે લટકતી હોય... વિદેશની ટોચની અનેક બ્રાન્ડ્સ ભારતના દ્વારે ટકોરા મારી રહી છે તે હકીકત છે.  

ભારતીયોની, ખાસ કરીને શહેરી યુવા પ્રોફેશનલ્સની આવક અને જીવનધોરણ સમયની સાથે સતત વિકસતા ગયાં છે. તેમની ખરીદશક્તિમાં દેખીતો વધારો થયો છે. ફેશન અને બ્યુટી સાથે સંકળાયેલી કેટલીય ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ આજે ભારતમાં સક્રિય છે. વિદેશની બ્રાન્ડ્સ માટે ભારત એક નવું અને મોટું બજાર છે, કેમ કે શહેરી ભારતીયોમાં, ખાસ કરીને યુવા વર્ગમાં,  બ્રાન્ડેડ ચીજોનો ક્રેઝ ક્રમશઃ વધતો જાય છે. તેથી જ વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતમાં વિદેશી કંપનીઓે માટે સુવર્ણ તક ઊભી થઈ છે. 

સ્પેનની બહુ જાણીતી ફેશન બ્રાન્ડ બેરસ્કા (Bershka)થી માંડીને કોરીયાની સ્કીન કેર બ્રાન્ડ સંગબૂન એડિટર (Sungboon Editor) ભારતીયો સાથે દોસ્તી કરવા આતુર છે. બેરસ્કાએ મુંબઈમાં સ્ટોર પણ ખોલી દીધો છે.  

ભારતમાં ડેનમાર્કની ટોય બ્રાન્ડ લેગો આમ તો ૨૦૨૦થી વેચાઇ રહી છે, પરંતુ તાજેતરમાં તેણે ગુરૃગ્રામ ખાતે પોતાનો સ્ટોર્સ ખોલ્યો છે. 

આ અઠવાડિયાની શરૃઆતમાં કેનેડાની નામાંકિત બ્રાન્ડ લુલુએમન (Luluemon)એ જાહેરાત કરી છે કે ૨૦૨૬ના મધ્ય ભાગમાં ભારતમાં એમનું સેટઅપ ઊભું જઈ જશે. લગભગ અડધો ડઝન જેટલી બ્રાન્ડ્સે ટેરિફ વોરની ઐસીતૈસી કરીને ભારતમાં પ્રવેશવાનું નક્કી કરી નાખ્યું છે. 

અહીં ઉલ્લેખનીય છે કે રીલાયન્સ રીટેલ આ વર્ષે ઇન્ટરનેશનલ લેવલની છ જેટલી બ્યૂટી બ્રાન્ડ્સ લોન્ચ કરશે. ફેસજીમ (FaceGym) નામની યુકે-બેઝ્ડ ફેશિયલ વર્કઆઉટ બ્રાન્ડ રીલાયન્સ રીટેલ  ભારતમાં લાવી રહ્યું છે. ફેશન બ્રાન્ડ શીન (Shein) રીલાયન્સ રીટેલનો હાથ પકડીને ભારતીય માર્કેટમાં પુનઃ પ્રવેશ કરી ચૂકી છે. 

નાઈકાના પ્લેટફોર્મ પર તાજેતરમાં શનેલ (Chanel) બ્યુટી અને ફ્રેગરન્સ પ્રોડક્ટસ મુકાઇ છે. હવે આ પ્લેટફોર્મ પર અમેરિકાની ક્લોથ બ્રાન્ડ એબરક્રોમ્બી એન્ડ ફિચ (Abercrombie and Fitch) તેમજ હોલિસ્ટર (Hollister) લોંચ કરવામાં આવશે.

કોરોનાકાળ પહેલાં જેટલી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ ભારતમાં હતી તેના કરતાં હાલ બમણી બ્રાન્ડ જોવા મળે છે. ફેશન અને બ્યુટીને લગતી ૧૪ ગ્લોબલ બ્રાન્ડ્સ ૨૦૨૩માં ભારતમાં અવેલેબલ હતી. આ આંકડો હાલ ૨૭ પર પહોંચી ગયો છે. 

સંપન્ન ભારતીયોની લોકોની લક્ઝરી ચીજોની ખરીદીમાં રસ વધ્યો છે. એ જ કારણ છે કે વધુ ને વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ હવે ભારતમાં પ્રવેશી રહી છે. લકઝરી અને ફેશન પાછળ ભારતીયો હવે વધારે બજેટ ફાળવતા થયા છે. 

ભારતનું સતત વિકસી રહેલું બજાર અને લોકોની બ્રાન્ડેડ ચીજોની ખરીદી તરફનું વલણ વિદેશની કંપીઓને આવકારી રહ્યા છે. વિદેશી કંપનીઓ સ્થાનિક ભારતીય એજન્ટ્સ સાથે ટાઇ-અપ કરીને કામકાજ શરૃ કરે છે. ક્રમશઃ બ્રાન્ડનો પ્રસ્તાર વધતો જાય છે. આ  બ્રાન્ડ્સ શરૃઆતમાં ફ્રેન્ચાઇઝીનું ફોર્મેટ અપનાવે છે. પછી થોડું માર્કેટ મળ્યા પછી તેઓ પોતાનો સ્વતંત્ર સ્ટોર શરૃ કરે છે. 

વિદેશની બ્રાન્ડ્સ માટે પ્રારંભિક તબક્કામાં ભારતમાંથી તોતિંગ નફો કરી લેવાનું લક્ષ્ય હોતું નથી, હોઈ શકે પણ નહીં. તેમના માટે ભારતમાં પોતાની હાજરી અગત્યની છે. 

ટાટા ક્લિક, મિન્ત્રા, નાઈકા જેવી કંપનીના પ્લેટફોર્મ વિદેશી બ્રાન્ડ્સને  ભારતીય ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે.  

સોશિયલ મીડિયાને કારણે સરસ કમાઈ રહેલો યુવા વર્ગ  દેશવિદેશનની બ્રાન્ડ્સથી માહિતીગાર હોય છે. ફોરેન બ્રાન્ડ્સને ભારતમાં એન્ટ્રી મારવામાં તેને કારણે પ્રમાણમાં આસાની રહે છે.  

Tags :