FOLLOW US

રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાના ચીનના પ્રયાસથી અમેરિકાનો ગરાસ લૂંટાશે

Updated: Mar 18th, 2023


- ઝિનપિંગ પહેલાં પુતિનને ને પછી ઝેલેન્સ્કીને મળશે

- 20મી માર્ચ પછી વિશ્વનાં રાજકીય સમીકરણો નાટયાત્મક રીતે બદલે તે બિલકુલ શક્ય છે 

- પ્રસંગપટ

- (ડાબેથી) ઝેલેન્સ્કી, ઝિનપિંગ અને પુતિન 

જ્યારે યુદ્ધવિરામ માટે રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરીને ચીન વાત કરશે ત્યારે વિશ્વ નવા વાતાવરણનો અનુભવ કરશે. ચીન મધ્યસ્થી કરે તેને વિશ્વના રાજકીય નિષ્ણાતો નવાં સમીકરણો સાથે જોઇ રહ્યા છે. યુક્રેન તરફથી અમેરિકાને સાથે રાખવાનો કોઇ આગ્રહ નથી કરાયો તે પણ મહત્ત્વની વાત છે. 

વિશ્વ પર અમેરિકાનો પ્રભાવ ઘટી રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. એક તરફ ચીનના વડા ઝિનપિંગ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકા અને તેના સાથી દેશોની બેંકો કાચી પડતી હોવાના અહેવાલો હેડલાઇન્સ બની ગયા છે. એમેરિકાની બે બેંકો તૂટી ત્યારે ખુદ અમેરિકાની પ્રમુખ બાઇડને જાહેરમાં કહ્યું હતું કે અમેરિકાની બેંકો આર્થિક રીતે સધ્ધર છે માટે બહુ ડરવાની જરૂર નથી. જો કે બાઇડન એસબીપી અને સિગ્નેચર બેંકો કેમ તૂટી તેની વિગતો આપી શક્યા નહોતા.

૨૦મી તારીખ પર વિશ્વભરના લોકોની નજર છે, કેમ કે આ દિવસે ચીનના પ્રમુખ રશિયા અને યુક્રેન વચ્ચેની વોરનો અંત લાવવાના પ્રયાસ શરૂ કરવાના છે. આખું વિશ્વ ઇચ્છે છે કે રશિયા-યુક્રેન વચ્ચેની વોર બંધ થાય અને બંને દેશના લોકો યુદ્ધની દુર્દશામાંથી બહાર આવે. 

અહીં ચીન અને અમેરિકા વચ્ચેનું કોલ્ડ વોર પણ સમજવા જેવું છે.  અમેરિકાની પકડ વિશ્વ પરથી ઓછી થઇ રહી છે. જો ચીન સમાધાન લાવી શકે તો વિશ્વમાં તેની વાહ વાહ થઇ શકે છે. ચીન અને અમેરિકા બંને વિશ્વને પોતાની આર્થિક તાકાત બતાવતા આવ્યા છે. અમેરિકાએ અનેક દેશોને યુદ્ધમાં જોતર્યા છે તો બીજી તરફ ચીને આખા વિશ્વને કોરાનામાં ધકેલ્યું છે એમ અમેરિકાના ભતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં કહેતા આવ્યા છે. ચીનની વિસ્તારવાદની નીતિ તેમજ સસ્તી ચીજોના ડમ્પિંગની પોલિસીનો અમેરિકા વિરોધ કરતું આવ્યું છે.

ઝિનપિંગ પહેલાં મોસ્કોની મુલાકાત લેશે અને રશિયાના વડા પુતિન તથા લશ્કરી અધિકારીઓને મળ્યા બાદ વિડીયો કોન્ફરન્સ દ્વારા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી  સાથે મંત્રણા કરશે. ચીન પાસે શાંતિ માટેના ૧૨ મુદ્દાઓ છે.

ચીનના પ્રમુખ હાથમાં સમાધાનની ફોર્મ્યુલા સાથે ફરે તે  અમેરિકાને પસંદ ના પડે તે સ્વાભાવિક છે. એટલે જ ચીનની સમાધાનની ફોર્મ્યુલાને પશ્ચિમના દેશોેએ ફગાવી દીધી હતી, પરંતુ રશિયાએ તેને આવકારી હતી. યુક્રેન અમેરિકાને પૂછ્યા વિના પાણી પીવાનું નથી. સમાધાનની કોઇ પણ ફોર્મ્યુલા માટે તે અમેરિકાને પૂછવાનું જ છે. 

અમેરિકા અને તેના સાથી યુરોપના દેશો માને છે કે રશિયાનો પ્રભાવ વધવો ના જોઇએ. વૈશ્વિક રાજકરણ સાથે સંકળાયેલા લોકો જણાવે છે કે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ ના થાય તેવું પશ્ચિમના અમુક દેશો ઇચ્છે છે, જ્યારે વિશ્વના અન્ય દેશો યુદ્ધ બંધ થાય એમ ઇચ્છે છે. અમેરિકાના અખબારો યુદ્ધનો વિરોધ કરી રહ્યાં છે.

અમેરિકા ફાંકા ફોજદારી વધુ કરે છે અને સ્વભાવે યુધ્ધખોર છે. અનેક વાર તેણે પીછેહઠ કરી છે. જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડયું ત્યારે વિશ્વભરમાં તેની ટીકા થઇ હતી. તેના કારણે તાલિબાનો ફરી અફઘાનિસ્તાનમાં ઘૂસી ગયા હતા અને આખો દેશ પચાવી પાડયો હતો. આજે સ્થિતિ એ છે કે અફઘાનિસ્તાનની તાલિબાની સરકારના લડાકુઓ પાકિસ્તાનમાં ઘૂસી રહ્યા છે અને પાકિસ્તાનના સૈનિકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. પાકિસ્તાન ચીન પર ભરોસો રાખીને બેઠું છે.

યુક્રેનને યુદ્ધવિરામ માટેની અનેક ઓફર ચીન અને રશિયા આપી શકે છે, જેમાં સામે છેડે યુક્રેનને નાટો દેશો સાથેની મિત્રતા છોડવી પડશે. ચીન યુક્રેનને ફરી ઊભું કરવા મદદ કરી શકે છે, પરંતુ તેના કારણે યુક્રેન અને અમેરિકાની દોસ્તી જોખમમાં આવી શકે છે.

મામલો પેચીદો છે. અમેરિકા અને યુરોપના દેશો ચીનની ચાલ સમજવા પ્રયાસ કરે છે. વિશ્વની મોટા ભાગની વસતિ યુદ્ધવિરામ ઇચ્છે છે તે હકીકત છે. ૨૦મી માર્ચ પછી વિશ્વનાં રાજકીય સમીકરણો બદલાઇ શકે છે.

Gujarat
News
News
News
Magazines