આજે ખરીદો કાલે ચૂકવો જેવી સ્કીમો પઠાણી વ્યાજ પડાવે છે

Updated: Jan 18th, 2023


- ક્રેડીટ કાર્ડના તગડા ચાર્જ સામે કોઇ પગલાં લેવાતા નથી

- પ્રસંગપટ

- ક્રેડીટ કાર્ડના કારણે લોકો આડેધડ ખરીદી કરતા થયા છે અને તગડા વ્યાજના ચક્કરમાં ફસાય છે

આજકાલ વ્યાજખોરોના આતંક સામે પગલાં લેવાઇ રહ્યા છે. લોકોનું લોહી ચૂસનાર આ વ્યાજખોરીનો ધંધો વર્ષોથી ચાલી આવે છે. પહેલાં વ્યાજખોરી અંદરો અંદર ચાલતી હતી હવે તો કોઇને પણ વ્યાજે પૈસા મળે છે કેમકે સામે ઘરેણા કે ઘર લખાવી દેવાય છે. અહીં એક વાત બહુ સ્પષ્ટ છે કે વ્યાજખોરીનો જાહેરમાં ધંધો કરનારા એટલેકે નાણાં ધીરનાર કે ઘરેણા સામે પૈસા આપીશું એમ લખનારાઓને પોલીસનું પીઠબળ હોય છે. હવે નાણા ધીરનારા દાદાગીરી પર ઉતરી આવ્યા છે. કોઇ વ્યાજ ના  ભરી શકે એટલે તેની પત્નીને ઉઠાવી જવા જેવી દાદાગીરી પોલીસના પીઠબળ સિવાય શક્ય નથી.

વ્યાજ ખોરીનો સત્તાવાર ધંધો કોઇ કરતું હોય તો તે ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરતી બેંકો છે. ક્રેડીટ કાર્ડ બહુ આસાનીથી મળી રહ્યા છે માટે તેનો વપરાશ પણ વધી રહ્યો છે. એક મહિનો પૈસા વાપરવા મળે છે એમ સમજીને લોકો લાંબા ખર્ચા કરે છે અને પછી જ્યારે સ્ટેટમેન્ટ આવે છે ત્યારે સમય સાચવી શકતા નથી. 

ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરતી બેંકો બહુ ચાલાક છે. ક્રેડીટ કાર્ડ ચાલુ રાખવું હોય અને ખરીદી પણ ચાલુ રાખવી હોય તો મીનીમમ એમાઉન્ટ ભરવાની હોય છે. કાર્ડનો વપરાશકાર આ સિસ્ટમને બેંકે આપેલી રાહત સમજે છે પરંતુ તેને એ ખબર નથી હોતી કે તે બેંકના ટ્રેપમાં ફસાઇ રહ્યો છે. 

કાર્ડનો ઉપયોગ કરનારને મીનીમમ એમાઉન્ટ ભરવાની ટેવ પડતી જાય છે એમ એમ તેનું દેવું વધતું જાય છે. 

ડેબીટ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. જે બહુ સરળ અને ચાદર પ્રમાણે પગ લંબાવવા સમાન વાત બની જાય છે. 

કહે છે કે ક્રેડીટ કાર્ડના ચક્કરને કોર્ટ પણ અટકાવી શકે એમ નથી કેમકે બેંકો વધુ વ્યાજ લેવા હકદાર હોવાનું કોર્ટ માને છે.

ઘેર ઘેર ક્રેડીટ કાર્ડના સમયસર પેમેન્ટની સમસ્યા છે. જ્યારે બેંકનો પૈસા ભરવા માટેનો ફોન આવે ત્યારે એવરેજ લોકો જુઠ્ઠું બોલતા હો છે કે હું બહારગામ છું અને બે દિવસ પછી પેમેન્ટ કરીશ. ફોન કરતા ઓપરેટર ક્યારે કેટલું પેમેન્ટ કરશો વગેરે વિગતો માંગી લે છે. આવા ઓપરેટરોની બેંક પાસે ફોજ હોય છે. જે પેમેન્ટ માટે ઉપરા છાપરી ફોન કરીને ગ્રાહકને થકવી નાખે છે. 

એક સમય હતો કે બેંકો ક્રેડીટ કાર્ડના પૈસા વસૂલ કરવા એજન્ટો રાખતી હતી. જે ગ્રાહકને ઘેર જઇને પૈસા મેળવવા દાદાગીરી કરતી હતી. લોકલાજથી બચવા લોકો ગમે તેમ કરીને પૈસા ચૂકવી દેતા હતા. કોર્ટે દરમ્યાનગીરી કરતા ઘેર જઇને થતી ઉઘરાણી બંધ થઇ ગઇ હતી પરંતુ ફોન પર હેરાનગતિ ચાલુ રહી હતી.

મીનમમ એમાઉન્ટની રકમથી બેંકોની આવક શરૃ થાય છે. આવા લોકો પમેન્ટ ભરવામાં નબળા હોવા છતાં તેમને ક્રેડીટની રકમ વધારી આપવામાં આવે છે. એટલેકે લાખ રૃપિયાની ક્રેડીટ સીધીજ બે લાખની કરી આપવામાં આવે છે. ગ્રાહક તેને પોતાની બજાર વેલ્યૂ અને ઇજ્જત સમાજે છે પરંતુ તેને એ ખબર નથી પડતી કે તેને વધુ દેવાળીયો બનાવવા જાળ બીછાવાય છે.

સોશ્યલ નેટવર્ક પર પણ ક્રેડીટ કાર્ડ નહીં વાપરવાની સલાહ આપવામાં આવે છે. બ્રાહ્મણ પરિવાર સાથે સંકળાયેલા એક સંગઠને પોતાના સભ્યોમાં સરક્યુલર મોકલીને જણાવ્યું હતું કે જે લોકો ક્રેડીટ કાર્ડના ચક્કરમાં ફસાયા હોય તેમને આર્થિક સહાય મળશે એમ જણાવીને  અનેકને કાર્ડના વ્યાજના ચક્કરમાંથી છોડાવ્યા હતા. આ સંગઠને દરેકના પેન્ડીંગ પેમેન્ટ ભરીને તેમને ક્રેડીટ કાર્ડ નહીં વાપરવાના સોગંદ લેવડાવ્યા હતા.

ક્રેડીટ કાર્ડના માધ્યમના કારણે લોકો આડેધડ ખરીદી કરતા થયા છે અને તગડા વ્યાજના ચક્કરમાં ફસાય છે. બેંકોના તગડા વ્યાજ લેતી રોકવાની જવાબદારી સરકારની છે. બેંકો પોતાનો મોટો નફો બતાવવા ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ લે છે. ઘણી વાર એમ થાય છે કે ક્રેડીટ કાર્ડની બાકી રકમ પરની લેટ ફી,સર્વિસ ચાર્જ વગેરે મળીને ૧૫ ટકા ઉપરની વ્યાજની રકમ થાય છે.

હવે આજે ખરીદો કાલે ચૂકવો જેવી સ્કીમ પણ લોકો પાસે તગડું વ્યાજ વસૂલ કરતી સ્કીમ છે. જો ગ્રાહક સમયસર ચૂકવી શકતો નથી તો તેને લઘુતમ રકમ ભરવા કહેવાય છે અને સર્વિસ ચાર્જના સાણસામાં સપડાવાય છે.

    Sports

    RECENT NEWS