વિદેશમાં મૂળ ભારતીયો ચૂંટાયા પછી ભાગ્યે જ ભારતની મદદે આવી શક્યા છે


- વિદેશમાં થતા ભારતીયોના અપમાન સામે વિરોધ જરૂરી

- પ્રસંગપટ

- પ્રેમિલા જયપાલ 

- ભારતીયોનો રાજકારણમાં રસઃ બ્રિટનની જેમ અમેરિકામાં પણ ભારતીય મૂળની વ્યક્તિ અમેરિકન પ્રમુખ બની શકે છે

 ચૂંટણીની મોસમ ચોમેર જોવા મળી રહી છે. ક્યાંક વિધાનસભાનો જંગ છે તો ક્યાંક પેટા ચૂંટણી જોવા મળે છે. વિદેશમાં પણ નવા પ્રમુખો જોવા મળી રહ્યા છે. જ્યારથી બ્રિટનમાં ઋષિ સુનક ચૂંટાયા છે ત્યારથી લોકોને વિદેશની ચૂંટણીઓમાં રસ પડવા લાગ્યો છે.  મૂળ ભારતીય કુળના લોકો જ્યારે જંગ જીતે છે ત્યારે ભારતીયોના ચહેરા પર સ્મિત જોવા મળે છે. ભારતમાં જેમ વડાપ્રધાન બનવાના સપનાં અનેક વિપક્ષી નેતાઓ અને સત્તાધારી પક્ષના નેતાઓ જુવે છે એવું અમેરિકામાં પણ છે. અમેરિકામાં પ્રમુખ બનવાનાં સપનાં જોવાની રેસમાં છેલ્લે હોલિવુડ સ્ટાર રોક જોન્સનનું નામ પણ ઉછળ્યું છે.

મૂળ ભારતીય લોકો વિદેશમાં ચૂંટાય છે ત્યારે ભારતમાં વસતા લોકો ખુશ એટલા માટે થાય છે કે તેઓ માને છે કે જે ભારતને વિદેશના લોકો પછાત કહેતા હતા તે ભારતીય હવે તેમના પર શાસન કરી રહ્યો છે. બ્રિટનના વડાપ્રધાનપદે રહીને ભલે  ઋષિ સુનક ભારત તરફી કોઇ નિર્ણય ના કરે, પરંતુ તેથી તેમનું મૂળ ભારતીયવાળું લેબલ ખસી નથી જવાનું.  આ લોકોને વારંવાર ઇન્ડિયન અમેરિકન અને બ્રિટીશ ઇન્ડિયન કહેવડાવવું ગમતું નથી. એમેરિકાના એમી બેરા કહી ચૂક્યા છે કે મને કોઇ વારંવાર ઇન્ડિયન અમેરિકન કહે તે ગમતું નથી. આ લોકો વર્ષોથી વિદેશમાં રહેતા હોય છે. એમાંના કેટલાય ભાગ્યે જ ભારતનું નામ ગૌરવથી લેતા હોય છે. તેમનું સર્કલ પણ જે-તે દેશના લોકોનું જ બનેલું હોય છે. 

હવે વિદેશમાં ભારતનું નામ ચમકતું થયું છે અને વિશ્વમાં પાંચમા નંબરની ઇકોનોમી થયા પછી વિશ્વનું રાજકારણ પણ ભારતની દરેક ચાલ પર નજર રાખી રહ્યું છે. અમેરિકામાં આજે હાઉસ ઓેફ રિપ્રેઝન્ટેટીવ્ઝની ચૂંટણી યોજાઇ છે. આ મધ્યસત્ર ચૂંટણીમાં પાંચ ભારતીયો ઉભા રહ્યા છે. આ બધાં નામો જાણીતાં છે. જેમકે એમી બેરા છ વખતથી અને પ્રેમિલા જયપાલ ચાર વર્ષથી સેનેટમાં છે. આ ચૂંટણીમાં એમી બેરા,રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના,પ્રમિલા જયપાલના ચૂંટાવાના ચાન્સ ઉજળા છે. આ બધા ડેમોક્રેટ ઉમેદવારો છે અને તેમના નજીકના પ્રતિસ્પર્ધી એવા રિપબ્લિકનને હરાવી દેશે. આ જંગમાં જેને નવો ભારતીય ચહેરો કહી શકાય તે ઉદ્યોગપતિ થાણેદાર છે. તે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમની લોબી બહુ પ્રભાવશાળી છે. 

ભારતની ચૂંટણીની જેમ જ અમેરિકામાં ચૂંટણી લડાય છે, પરંતુ તેમાં થોડી શિસ્ત જોવા મળે છે. દરેક ઉમેદવાર પોતાની જવાબદારી નિભાવતા હોય છે અને પહેલાં પોતાની લોબી મજબૂત કરે છે અને પછી પ્રચાર કરે છે. 

અમેરિકામાં ભારતીયોનું પ્રભુત્વ વધતું જાય છે. પહેલાં ભારતીયો અમેરિકાના રાજકારણમાં બહુ પડતા નહોતા, પરંતુ હવે તેમની સંખ્યા વધતાં રાજકારણનો મોહ વધવા લાગ્યો છે. અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી  વખતે ભારતીય મતદારોને રીઝવવા પ્રયાસ કરાય છે. નવરાત્રી અને ગણપતિ જેવા મહોત્સવમાં અમેરિકી સાંસદો ભાગ લઇ રહ્યા છે, જે બતાવે છે કે તેમને ભારતીયોના મતમાં રસ છે.

વિદેશમાં વસીને સમૃદ્ધ થયેલા લોકો રાજકારણમાં સક્રિય રહીને પોતાના સમાજમાં વગ ઊભી કરતા હોય છે. અમેરિકાના રાજકારણમાં ભારતીયોની સક્રિયતા જોતાં લાગે છે કે બ્રિટનની જેમ અમેરિકામાં પણ ભવિષ્યમાં કદાચ કોઇ ઇન્ડિયન મૂળની વ્યક્તિ અમેરિકન પ્રમુખ બની શકે છે.  વિદેશના રાજકારણમાં ભારતીયોનું પ્રભુત્વ વધે તો ભારતને કોઇ લાભ થઇ શકે એવું માનવાનું જરૂર નથી હોતી, પરંતુ આનાથી ભારતીયોનું ઓવરઓલ સન્માન વઘે છે. ભારતીયોને ડર્ટી હિન્દુ કહેનારા હવે ડરતા ફરશેે, કેમકે હવે હિન્દુ તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા છે.  એક સમયે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ નોટ એલાઉડ એમ લખનારા અને કહેનારા બિટિશરોનેે હવે વાજતે ગાજતે ઋષિ સુનકને વડાપ્રધાન પદે બેસાડવા પડયા છે. 

સમય બદલાઇ રહ્યો છે. જે લોકો ભારતને નબળો દેશ ગણતા હતા તેમને ભારતની કોર્ટના કઠેડામાં હાથ જોડીને ઉભા રહેવું પડયું છે. ભારતમાં કાયદાના રક્ષકો મેનેજેબલ છે એમ માનનારા ઇન્ટરનેટ જાયન્ટ ગૂગલને કોમ્પિટેશન કમિશન ઓફ ઇન્ડિયાએ જંગી દંડ ફટકારીને ચૂપ કરી દીધું હતું. અહીં મહત્ત્વનું  એ છે કે વિદેશમાં ભલે ભારતીયો રાજકારણમાં આગળ આવે, પરંતુ ભારતીયોની ઇમેજ પર જ્યારે છાંટા ઉડતા હોય ત્યારે ભારતીયોની વહારે આવે અને મેરા ભારત મહાન એમ બોલે ત્યારે ખરા. અમેરિકાના ભારતીય પ્રતિનિધિઓ પોતે મૂળ ભારતીય હોવાનું કહીને ભારતીયોના વોટ લે છે, પરંતુ તેઓ પરેશાન કરાતા ભારતીયોની વહારે આવે તે જરૂરી છે.

City News

Sports

RECENT NEWS