30,000 ભારતીય યુવાનો સાયબર સ્લેવ તરીકે ફસાયા છે
- દક્ષિણ એશિયાઇ દેશોના કરતૂતનો પર્દાફાશ
- પ્રસંગપટ
- બે વર્ષ દક્ષિણ એેશિયાઇ દેશોમાં નોકરી કરવાની અને પછી ત્યાંથી સીધા જ અમેરિકા જતા રહેવાની લાલચ..
સાઉથ ઇસ્ટ એશિયાઇ દેશોમાં ઇન્ડોનેશિયા,વિયેટનામ, લાઓસ, બૂ્રનાઇ, થાઇલેન્ડ,મ્યાનમાર, ફિલીપીન્સ, કંબોડીયા, સિંગાપુર અને મલેશિયાનો સમાવેશ થાય છે. આ દેશો વચ્ચે સામ્ય એ છે કે દેરક દેશે ભારતના યુવાનોને સાયબર સ્લેવ તરીકે રાખેલા છે. આ દેશોમાં ૩૦,૦૦૦ જેટલા સાયબર સ્લેવ ભારતીય છે. આ દેશો ભારતના યુવાનનો રોજગારી માટે આમંત્રે છે અને પછી તેમને સાયબર સ્લેવ બનાવીને શોષણ કર્યા કરે છે.
સાયબર સ્લેવ એટલે ઓનલાઇન લોકોને છેતરવાનો બિઝનેસ કરનારાઓને ત્યાં નોકરી કરતા લોકો. બહુ મહત્વકાંક્ષા સાથે ઉપરોકત દેશોમાં ગયેલા યુવાનોને ઘરે તેમના પગારનો કેટલોક ભાગ પહોંચી જાય છે જ્યારે બાકીના તેમના ખિસ્સા ખર્ચી માટે અપાય છે. તેમના ફેમિલીના લોકો નિયમિત પૈસા મળતા હોવાથી એમ માને છે કે ર્દીકરો કમાય છે અને સેટ થઇ ગયો છે પરંતુ હકીકત એ હોય છે કે તે સાયબર ટોળકીના બાનમાં રહ્યો હોય છે અને સાયબર ગુલામ તરીકે જીવન વિતાવતો હોય છે.
ભારતમાં વિદેશ જવાની ઘેલછામાં યુવાનો નાના દેશોને પણ પસંદ કરતા હોય છે. આ નાના દેશોમાં પહેલાં એન્ટ્રી લેવાની અને પછી ત્યાંથી સીધાજ અમેરિકા જતા રહેવાનો આઇડયા વિઝા એજન્ટો આપતા હોય છે. એવો પ્લાન કરાય છે કે બે વર્ષ કંબોડિઆમાં કે અન્ય દક્ષિણ એેશિયાઇ દેશોમાં નોકરી કરવાની અને પછી ત્યાંથી સીધાજ અમેરિકા જતા રહેવાનું. બ્રેન વોશ એવી રીતે થાય છેકે કંબોડિયામાં બે વર્ષ ચૂપચાપ રહેવાનું અને પછી ત્યાંથી અમેરિકા જતા રહેવાનું. ચૂપચાપ એટલે રહેવાનું કે જો તેમની સામે કોઇ ફરયાદ થાય તો અમેરિકા જવાનું કાયમ માટે બંધ થઇ જશે. આ બે વર્ષ દરમ્યાન તેમનો પાસપોર્ટ લઇ લેવામાં આવે છે અને તેમને કોઇ કોમ્પ્યુટર કંપનીમાં કામ આપવામાં આવે છે. અહીંથી તેમની ગુલામીનો પહેલો અધ્યાય શરૂ થાય છે. તેમને જે કંપનીમાં કામ પર મોકલાય છે તે કોમ્પ્યુટર કંપની નહીં પણ સાયબર ક્રિમિનલોનો ઓનલાઇન અડ્ડો હોય છે. તેમની પાસે ઓનલાઇન સાયબર ફ્રોડ કરાવાય છે. જો તે ટાર્ગેટ પ્રમાણે કામ નથી કરતાં તો તેમને ખાવાનું પણ નથી અપાતું.
આ દેશોની પોલીસ અને સરકાર પણ કૌભાંડમાં સામેલ હોવાનું કહેવાય છે. કેમકે સાયબર ક્રિમિનલોના અડ્ડામાં ફસાયેલા ભારતીયોની ફરિયાદ લેવા પણ કોઇ તૈયાર નથી હોતું. દરેકના મનમાં અમેરિકા જવાની લાલચ હોય છે માટે શરૂના બે વર્ષ સુધી કોઇ માથું નથી ઉંચુ કરતું પરંતુ બે વર્ષ પછી દરેકને ખ્યાલ આવે છે કે આપણે ફસાઇ ગયા છે. કોઇ તેમના કુટુંબને આપવીતી સંભળાવી શકતું નથી કેમકે દરેકના ફોન ટેપ થતા હોય છે. બહુ સ્માર્ટ બનતા લોકોને ફટકારાય છે કે પોલીસ કેસ કરાય છે અને ભૂખ્યા રાખવામાં આવે છે.
દક્ષિણ એશિયાઇ દેશોમાં ભારતના યુવાનોને સાયબર સ્લેવ બનાવવાના ગોરખધંધા બહુમોટા પાયે ચાલી રહ્યાં છે. ભારતના લોકોને એનલાઇન ફ્રોડમાં ખેંચી લાવવાનું કામ તેમને સોંપાય છે. ફસાયેલી વ્યક્તિ પૈસા આપવા તૈયાર થાય એટલે તે કેસ ભારતના સાયબર ફ્રોડ ગેંગને સોપી દેવાય છે. સાયબર સ્લેવ તરીકે ૩૦,૦૦૦ ભારતીયો ફસાયા છે તે અહેવાલ ચિંતાજનક છે. પંજાબના સૌથી વધુ યુવાનો તેમાં ફસાયા છે. કહે છેકે જાન્યુઆરી ૨૦૨૨થી મે ૨૦૨૪ દરમ્યાન ૭૩,૧૩૮ ભારતીયો કંબોડિયા સહિતના દક્ષિણ એશિયાઇ દેશોમાં ગયા હતા.
થાઇલેન્ડમાં ૨૦, ૪૫૦ યુવાનો જોબ માટે ગયા હતા.તે લોકો હજુ પરત નથી ફર્યા. તેમાંથી અડધા ઉપરાંત યુવાનો ૨૦ થી ૩૯ વર્ષ વચ્ચેની ઉંમરના હતા. પંજાબમાંથી ૩,૬૬૭, મહારાષ્ટ્રમાંથી ૩૨૩૩,તમિળનાડુમાંથી ૩૧૨૪ યુવાનો સાયબર ઠગોથી ભરેલા દેશોેમાં ગયા હતા. ગુજરાતના ૨૦૬૮ લોકો પણ ત્યાં સાયબર સ્લેવ તરીકે ફસાયેલા છે.
જ્યારે ભારત સરકારને સાયબર સ્લવ તરીકે ભારતીયોને બાનમાં રાખ્યા હોવાની વાતની ખબર પડી ત્યારે તરતજ એક્શન લેવાના શરૂ કર્યા હતા. ભારત સરકાર કેટલાકને પાછા લાવી શકી છે પરંતુ ૩૦,૦૦૦ જેટલા આજે પણ ત્યાં સાયબર સ્લેવ તરીકે વૈતરૂં કરી રહ્યા છે. આમાંથી કોઇ તે દેશોની સ્થાનિક પોલીસોને ફરિયાદ કરી શક્યા નથી કેમકે આ કૌભાંડમાં પોલીસની સાંઠગાંઠ જોવા મળે છે.