દેશના સ્ટીલ-લોખંડ બજારમાં સ્થાનિક તેમ જ નિકાસમાગ હવે વધવાની બતાવાતી શક્યતા

- નિકાસ પ્રમોશન સ્કીમ પર બજારના ખેલાડીઓની નજર

- સિમેન્ટમાં માગ નિકળતાં બજારભાવ ઉંચકાયાઃ ૨૦૨૩માં વૈશ્વિક માગ ઉંચી જશેઃ વર્લ્ડ સ્ટીલ એસોસીએશને દર્શાવેલા અંદાજો

દેશમાં તથા વૈશ્વિક સ્તરે સ્ટીલ- લોખંડ- પોલાદ બજારમાં તથા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. વિશ્વબજારમાં આયર્ન ઓર તથા સ્ટીલ બજારમાં ચીનની ભૂમિકા ચાવીરૂપ રહેતી આવી છે. ચીનની તાજેતરમાં મળેલા સમાચાર મુજબ ત્યાં કોરોનાના કેસો ફરી વધ્યા છે તથા કોવિડ વિષયક અંકુશો ફરી કડક બનાવવામાં આવી રહ્યા છે. આના પગલે વૈશ્વિક સ્તરે સ્ટીલ ઉપરાંત વિવિધ કોમોડિટીઝ બજારોના ખેલાડીઓમાં અજંપો વધ્યાના વાવાડ મળ્યા છે. 

સ્ટીલના ઉત્પાદનમાં મુખ્ય કાચા માલ તરીકે આયર્ન ઓરનો વપરાશ થાય છે. આવા આયર્ન ઓરના ભાવમાં વિશ્વબજારમાં સતત ૬-૭ મહિનાથી પીછેહટ થતી જોવા મળી છે. આવી ભાવ ઘટાડાની લાંબી મંદીની ચાલે આશરે નવ વર્ષનો રેકોર્ડ તોડયો છે. આયર્ન ઓરનો વાયદો ગબડી ૮૫થી ૮૬ ડોલર આસપાસ ઉતર્યો છે. મે મહિનાથી ગણતાં અત્યાર સુધીના ગાળામાં આયર્ન ઓરના ભાવ વિશ્વબજારમાં આશરે ૩૦થી ૩૫ ટકા જેટલા ગબડયા છે. 

આવા માહોલમાં ચીનની ઘણી માઈનિંગ કંપનીઓ નફાના બદલે ખોટમાં ઉતરી ગઈ છે! સ્ટીલ મિલો સામે પણ નવા પડકારો ઉભા થયા છે. ભારતમાંથી નિકાસને પણ ખાસ્સો ફટકો પડયો છે. ભારત સરકારે મે મહિનામાં સ્ટીલની નિકાસ પર ડયુટી વધાર્યા પછીના ગાળામાં ભારતથી સ્ટીલની થતી નિકાસને ખાસ્સો ફટકો પડયો છે. ભારતમાં ચોમાસાએ વિદાય લીધી છે. ચોમાસા દરમિયાન બાંધકામ પ્રવૃત્તિ ધીમી પડતી હોવાથી સામાન્યપણે ચોમાસામાં સ્ટીલ તથા સિમેન્ટની માગ પણ ધીમી પડતી હોય છે. 

જોકે હવે ચોમાસાએ વિદાય લેતાં બાંધકામ ક્ષેત્રે ચહલપહલ ફરી વધવાની આશા બતાવાઈ રહી છે અને આના પગલે સ્ટીલ તથા સિમેન્ટ બજારમાં બાંધકામ ક્ષેત્ર તરફથી આવતી માગ ફરી શરૂ થવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા છે. સિમેન્ટ બજારમાંથી  તાજેતરમાં મળેલા સમાચાર  મુજબ ભાવમાં ૫૦  કિલોની ગુણીદીઠ  રૂ.૨૦થી ૩૦નો વધારો થયો છે.  દક્ષિણના બજારોમાં આવી ભાવ વૃદ્ધી જોવા મળી છે.

દરમિયાન સ્ટીલની વૈશ્વિક બજાર આ વર્ષે એપ્રિલમાં ઉંચી ટોચે પહોંચી હતી અને ત્યાર પછી ભાવ ગબડતા જોવા મળ્યા છે. રશિયા- યુક્રેન વોરના પ્રત્યાઘાતો સ્ટીલ બજાર પર પડયા છે. ઘરઆંગણે પણ તાજેતરના બહાર આવેલા આંકડાઓ મુજબ સ્ટીલ ઉત્પાદકો ખોટ બતાવતા થયા છે. આ પૂર્વે આ ઉત્પાદકોએ નફો નોંધાવ્યો હતો પરંતુ તાજેતરમાં ચિત્ર પલ્ટાયું છે.

 સ્ટીલ ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે સામે ફિનીશ્ડ ઉત્પાદનોમાં બજાર ભાવ દબાણ હેઠળ રહેતાં સ્ટીલ ઉત્પાદકો પણ દબાણ હેઠળ જોવા મળ્યા છે. જોકે સ્ટીલ બનાવવા વપરાતા કાચા માલ આયર્ન ઓરના ભાવ નીચા ઉતર્યા છે અને તેના પગલે સ્ટીલ ઉત્પાદનનો ખર્ચ તેટલા પ્રમાણમાં ઘટયો છે. 

સ્ટીલ ઉત્પાદનના થતા કુલ ખર્ચમાં કોલસાના વપરાશનો ખર્ચ આશરે ૪૦ ટકા સુધી રહે છે અને કોલસાના ભાવમાં થતી ચડઉતરની અસર પણ સ્ટીલના ઉત્પાદન ખર્ચ પર તેમ જ સ્ટીલના ભાવ પર પડતી હોય છે એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. કોરોનાની વિદાય વચ્ચે વૈશ્વિક સ્તરે આ વર્ષની શરૂઆતથી જ ઈન્ફ્રા ક્ષેત્ર તરફથી સ્ટીલની માગ વધી હતી. 

એપ્રિલ પછીના ગાળામાં હોટ રોલ્ડ કોઈલ્સ સ્ટીલના ભાવ ઘરઆંગણાના બજારોમાં અત્યાર સુધીમાં આશરે ૨૪થી ૨૫ ટકા જેટલા ઘટયા છે જ્યારે વૈશ્વિક સ્તરે આવા ભાવ ઘટાડાની ટકાવારી ૩૦થી ૩૫ ટકા જેટલી નોંધાઈ છે. કોકીંગ કોલ (કોલસા)ના ભાવ માર્ચ મહિનાની ટોચથી ગણતાં અત્યાર સુધીના ગાળામાં આશરે ૫૦ ટકા જેટલા તૂટી ગયા છે. 

જોકે સ્ટીલ બજારમાં ભાવ ઘટાડાના આંચકા પચાવી હવે બજાર સ્થિર થવા મથતી જોવા મળી છે. દરમિયાન, વર્લ્ડ સ્ટીલ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્ટીલની માગમાં ૨૦૨૨માં એકંદરે અઢી ટકા જેટલી પીછેહટ જોવા મળી રહી છે. જોકે આવતા વર્ષે ૨૦૨૩માં સ્ટીલની માગ ફરી ઉંચી જવાની શક્યતા વિશ્વબજારના જાણકારો બતાવી રહ્યા છે.

દરમિયાન, ભારતમાંથી સ્ટીલની નિકાસ ઘટી ગયા પછી હવે નિકાસ બજારમાં ભારતનું પ્રભુત્વ ફરી વધારવા સરકાર દ્વારા વિવિધ વિચારણા શરૂ થયાના સંકેતો દિલ્હીથી મળ્યા છે. નિકાસ પ્રમોશન સ્કીમ પર પણ બજારના ખેલાડીઓની નજર રહી છે.

City News

Sports

RECENT NEWS