For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એચ-૧બી વિઝાનું સ્ટેમ્પિંગ હવે અમેરિકામાં જ થશે : પ્રેસિડેન્ટ કમિશનની ભલામણ

સેંકડો ભારતીયોને નવી વ્યવસ્થાથી રાહત થશે

અત્યાર સુધી જે તે દેશમાં કાર્યરત અમેરિકન એમ્બેસીમાં સ્ટેમ્પિંગ લગાવવાની વ્યવસ્થા હતી તેમાં મોટું પરિવર્તન આવશે

Updated: Sep 30th, 2022

Article Content Image

એચ-૧બી વિઝાનું સ્ટેમ્પિંગ હવે અમેરિકામાં કરવામાં આવે એવી ભલામણ પ્રેસિડેન્ટ કમિશને કરી છે. ભલામણ પછી અમેરિકાના પ્રમુખ જો બાઈડન એને મંજૂરી આપી દેશે તો અસંખ્ય ભારતીયોને એચ-૧બી વિઝા મેળવવામાં સરળતા થઈ જશે. અત્યાર સુધી સ્ટેમ્પિંગ જે તે દેશમાં આવેલી અમેરિકન એમ્બેસીમાં થાય છે.
અત્યારે વિઝા મેળવવા માટે જે તે દેશમાં આવેલી અમેરિકન એમ્બેસીમાં સ્ટેમ્પિંગ માટે અરજી કરવામાં આવે છે. તેના કારણે પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે. એચ-૧વિઝા ધારકોને અમેરિકન કંપનીઓ નોકરી ઓફર કરે અને તેની સમયમર્યાદા પૂરી થાય તે સમયગાળા સુધીમાં ઘણા કિસ્સામાં સ્ટેમ્પિંગ થતું ન હોવાથી અમેરિકામાં જઈને નોકરી કરવાની તક ગુમાવવી પડે છે. વળી, અમેરિકામાં પહોંચ્યા પછી પણ ફરીથી સ્ટેમ્પિંગ કરાવવા જે તે દેશમાં આવેલી એમ્બેસીમાં જ પ્રયાસો કરવા પડે છે. તેના બદલે જો અમેરિકામાં જ સ્ટેમ્પિંગ થાય તો પ્રક્રિયા સરળ બને તેમ છે. પ્રેસિડેન્ટ કમિશન ઓન એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈસલેન્ડના સભ્યોએ પ્રમુખને સ્ટેમ્પિંગ અમેરિકામાં થાય તેવી વ્યવસ્થા માટે ભલામણ કરી છે.
અમેરિકામાં સ્ટેમ્પિંગ થાય તેની ભલામણ કમિશનના સભ્ય એવા ભારતીય મૂળના અમેરિકન ભુટોરિયા જૈને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે એચ-૧બી વિઝાધારકોને રિન્યૂઅલ માટે કે દેશમાંથી અમેરિકા પાછા ફરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમેરિકામાં સ્ટેમ્પિંગ થાય તો સ્વદેશની મુલાકાત બાદ અમેરિકા પાછા ફરવામાં પણ સરળતા રહે તેમ છે. પ્રેસિડેન્ટ કમિશનની ભલામણ પછી હવે અમેરિકાના પ્રમુખ જો બાઈડન પાસે આ ફાઈલ ફાઈનલ હસ્તાક્ષર માટે જશે. તો બાઈડન નવીનીકરણને મંજૂર કરશે તો સેંકડો ભારતીયો સહિત એશિયન નાગરિકોને અમેરિકામાં નોકરી કરવાનું અને સ્વદેશ આવીને અમેરિકા જવાનું સરળ બની જશે.

Gujarat