વોટિંગ માટે વતનની વાટે: ૧૦ હજારથી વધુ NRI ગુજરાત આવશે

ચૂંટણીમાં NRIના વોટ પણ મહત્વની ભૂમિકા ભજવશે

અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓનું આગમન શરૂ: કેટલાક NRI ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લેશે


19 નવેમ્બર,2022 , શનિવાર

 ઉમેદવારોની જાહેરાત સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે 'ટોપ ગીયર' માં પ્રવેશી ચૂકી છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 4.90 કરોડ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ ઉપરાંત 10  હજારથી વધુ એનઆરઆઇ (નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ) પોતાના મતાધિકારનો તેમજ વિવિધ પક્ષના પ્રચાર માટે ગુજરાત આવે તેવી સંભાવના છે. આ પૈકી 10 હજાર જેટલા એનઆરઆઇનું ગુજરાતમાં આગમન પણ થઇ ગયું છે.

ચૂંટણી, લગ્નને કારણે બે વર્ષ બાદ ગુજરાતમાં એનઆરઆઇની મોસમ ખીલી છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, બ્રિટનથી મોટા પ્રમાણમાં એનઆરઆઇ ગુજરાતમાં મતદાન માટે આવી રહ્યા છે. આ એવા એનઆરઆઇ મતદારો છે જેઓ છેલ્લા કેટલાક વર્ષથી વિદેશમાં વસી રહ્યા હોવા છતાં ભારતનું નાગરિકત્વ જતું કર્યું નથી અને જેના કારણે તેઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. ફોરેન કોન્ટેક્ટ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં ચૂંટણી યોજાય ત્યારે તેના પર સમગ્ર વિશ્વની નજર હોય છે. અમેરિકામાં 20 લાખથી વધુ ભારતીયો છે અને તેમાંથી 11-12 લાખ ગુજરાતીઓ છે. એક અંદાજ પ્રમાણે 25 હજારથી વધુ એનઆરઆઇ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ગુજરાત આવી શકે  છે.  

વિદેશથી આવી રહેલા કેટલાક ગુજરાતીઓ એવા પણ છે જેમની પાસે હવે ભારતમાં વોટ આપવાનો અધિકાર નથી. પરંતુ માત્ર તેમના પક્ષના પ્રચારની કામગીરીમાં જોડાવવા માટે આવી રહ્યા છે. વિદેશથી આવીને પોતાના પક્ષના ચૂંટણી પ્રચારમાં જોડાનારા આ એનઆરઆઇ ડોર ટુ ડોર કેમ્પેઇન, સોશિયલ મીડિયામાં મહત્વની ભૂમિકા ભજવવા માટે જોડાતા હોય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2017માં પાટીદાર આંદોલનમાં ભાજપ માંડ-માંડ વિજય મેળવવામાં સફળ રહ્યું તેમાં એનઆરઆઇ વોટર્સે મહત્વની ભૂમિકા ભજવી હતી.

 એક ટ્રાવેલ્સ કંપનીએ જણાવ્યું કે, 'બે વર્ષ બાદ એનઆરઆઇ સીઝન ખીલી છે. ચૂંટણીમાં મતદાન, લગ્નપ્રસંગમાં ભાગ લેવા  તેમજ ડિસેમ્બરમાં યોજાનારા પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દિ મહોત્સવમાં ભાગ લેવા માટે વિદેશથી મોટી સંખ્યામાં ગુજરાતીઓનું આગમન શરૂ થઇ ગયું છે. ડિસેમ્બરમાં આ વખતે રેકોર્ડ એનઆરઆઇ ગુજરાતમાં આવે તેવી પૂરી સંભાવના છે. '

એનઆરઆઇ મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાથી અમેરિકા, ઓસ્ટ્રેલિયાથી આવતી ફ્લાઇટના ભાડામાં પણ સતત વધારો થઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

 ઈલેક્શન ટૂરિઝમનો પ્રારંભ કરાયો

 વિદેશના નાગરિકો ભારતીય ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થઇ શકે તેના માટે ઇલેક્શન ટૂરિઝમ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિદેશના નાગરિકોને ચૂંટણીની રેલી, જાહેરસભામાં લઇ આવે છે. તેમજ ઉમેદવારો સાથે મુલાકાત કરાવાય છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી વખતે 2500 થીવધુ વિદેશીઓ  ઇલેક્શન ટૂરિઝમનો ભાગ બન્યા હતા.

 નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ. આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.

સંપર્ક: gsns.global@gmail.com

Mo.No. +91-8799236060

City News

Sports

RECENT NEWS