વૉશિંગ્ટનમાં તસ્કરોએ ગુજરાતી મૂળના ડોક્ટરની તેની જ કાર નીચે કચડીને હત્યા કરી

ચોરોની ભાળ આપનારને ૨૫ હજાર ડોલરના ઈનામની જાહેરાત

ગર્લફ્રેન્ડની નજર સામે ૩૩ વર્ષના રાકેશ પટેલની હત્યા કરીને ચોરો મર્સિડિઝ કાર ઉઠાવી ગયા
વૉશિંગ્ટનમાં ગુજરાતી મૂળના ડોક્ટર રાકેશ પટેલની કાર ચોરીને તસ્કરોએ તેમની જ કાર નીચે કચડીને હત્યા કરી નાખી હતી. વૉશિંગ્ટન પોલીસે તસ્કરોની ટોળકીની માહિતી આપનારાને ઈનામ આપવાની જાહેરાત કરી છે.
વૉશિંગ્ટનમાં ગુજરાતી મૂળના ૩૩ વર્ષીય ડોક્ટર રાકેશ પટેલની લુટારુ ટોળકીએ હત્યા કરી નાખી હતી. રાકેશ પટેલ તેની ગર્લફ્રેન્ડને મળવા મર્સિડિઝમાંથી બહાર નીકળ્યા ત્યારે જ લુટારુ ટોળકી ત્રાટકી હતી. આ તસ્કરોએ ડોક્ટરની સાથે ઝપાઝપી કરી હતી અને તેને બોનેટ ઉપર ચડાવી દીધા હતા.
ત્યારબાદ મર્સિડિઝ લઈને તસ્કરો ભાગ્યા હતા. એ વખતે જ બોનેટ પરથી ડોક્ટર નીચે પડયા હતા. તસ્કરોએ એ જ મર્સિડિઝથી રાકેશ પટેલ ઉપર ફેરવી દીધી હતી. ડો. રાકેશ પટેલનું તેની ગર્લફ્રેન્ડની નજર સામે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
આ ઘટનાની વૉશિંગ્ટનમાં ખૂબ જ ચર્ચા જાગી હતી. લોકોએ આવી ઘટના બાબતે સુરક્ષા એજન્સીઓને જવાબદાર ગણાવી હતી. વૉશિંગ્ટન પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરવાની સાથે સાથે તસ્કરોની ભાળ આપનારાને ૨૫ હજાર ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી.
૩૩ વર્ષીય ડૉ. રાકેશ પટેલ વૉશિંગ્ટનની મેડસ્ટાર હોસ્પિટલમાં કાર્યરત હતા અને ક્રિટિકલ કેર વિભાગમાં નિષ્ણાત તબીબ હતા. એક કાર માટે રાકેશ પટેલની હત્યા થઈ જતા આક્રોશ ફેલાયો હતો. લોકોએ તાત્કાલિક લુટારુ ટોળકીને પકડી લેવાની માગણી કરી હતી. વૉશિંગ્ટન પોલીસ તપાસ દરમિયાન કાર જપ્ત કરવામાં સફળ રહી હતી, પરંતુ આરોપીઓ કારને મૂકીને નાસી ગયા હતા. આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

City News

Sports

RECENT NEWS