નોટોની પથારી પર સૂતા ગેમિંગ એપ્સના ચાલબાજો

- ઇ-નગેટ્સમાં જમા થતી રકમની ચૂકવણીમાં અચાનક ડખા શરૂ થયા, પહેલાં સિસ્ટમ અપગ્રેડેશનના નામે બધું અટવાયું અને છેલ્લે પાટિયાં પાડી દેવાયાં

- આમિર ખાને ઈ-નગેટ્સ નામની મોબાઈલ ગેમિંગ એપ શરૂ કરીને યુવાનોના કરોડો રૂપિયાનું કરી નાંખેલું. આમિર સામે છ મહિના પહેલાં ફરિયાદ થયેલી પણ વચ્ચેના ગાળામાં કશું ના થયું. હવે છ મહિના પછી ઈડી સફાળી જાગી ને કોલકાત્તામાં આમિર ખાનનાં છ ઠેકાણ દરોડા પાડયા ત્યારે રીતસરનો દલ્લો હાથ લાગી ગયો, રોકડા ૧૮ કરોડ રૂપિયા મળી આવ્યા. 

કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) છેલ્લા કેટલાક સમયથી અત્યંત સક્રિય છે. 

ઈડી દર અઠવાડિયે ક્યાંક ને ક્યાંક ત્રાટકે છે અને એટલી મોટી રકમ પકડે છે કે જે જોઈને આપણી આંખો પહોળી થઈ જાય. ગયા મહિને બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટરજી અને તેમની ગર્લફ્રેન્ડ અર્પિતા મુખરજી ઈડીની અડફેટે ચડયાં ત્યારે ૨૭ કરોડ રૂપિયાની રોકડ ને સોનું પકડાયેલાં. એ પહેલાં ઝારખંડનાં આઈએએસ અધિકારી પૂજા સિંઘલને ત્યાં મનરેગા કૌભાંડના સંદર્ભમાં દરોડા પડયા ત્યારે ૨૦ કરોડ રોકડા મળેલા. આ તો બહુ જાણીતા નામોની વાત કરી, બાકી દસ-બાર કરોડ રૂપિયા મળ્યા હોય એવાં તો બહુ નામ છે. 

આ યાદીમાં વધુ એક નામ આમિર ખાનનું ઉમેરાયું છે. આમિર ખાન કોલકાત્તાના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન નાસેર અહમદ ખાનના પુત્ર છે ને ઈ-નગેટ્સ નામની મોબાઈલ ગેમિંગ એપ શરૂ કરીને એપના રસિયા યુવાનોનું કરોડો રૂપિયાનું કરી નાંખેલું. આમિર સામે છ મહિના પહેલાં એટલે કે ફેબુ્રઆરીમાં ફરિયાદ થયેલી પણ વચ્ચેના ગાળામાં કશું ના થયું. હવે છ મહિના પછી ઈડી સફાળી જાગી ને શનિવારે કોલકાત્તામાં આમિર ખાનનાં છ ઠેકાણ દરોડા પાડયા ત્યારે રીતસરનો દલ્લો હાથ લાગી ગયો, રોકડા ૧૮ કરોડ રૂપિયા મળી આવ્યા. 

આમિર એટલો ચાલાક હતો કે તેણે પોતાના ઘરેથી તો બધું સગેવગે કરી નાંખેલું. અલબત્ત કરોડો રૂપિયાની રોકડ ગમે ત્યાં રાખી ના શકાય એટલે પિતાના ઘરે રાખેલી. ઈડીએ તેના પિતાને પણ લપેટી લીધા તેમાં ૧૮ કરોડ હાથ લાગી ગયા. 

આમિરના પિતા નાસેર પણ ખેલાડી હતા તેથી એવી એવી જગાએ નોટો સંતાડેલી કે, કોઈને ખબર ના પડે. 

નાસેર પોતે જ્યાં સૂતા હતા એ પથારીમાં કરોડોની નોટો તો સંતાડેલી. મતલબ કે, આમિર ખાનના પિતા રીતસર નોટોની પથારી કરીને સૂતા હતા. ઈડીએ આ નોટો ગણવા માટે આઠ તો મશીન મંગાવવાં પડેલાં. ઈડીની તપાસ હજુ પતી નથી એ જોતાં બીજો દલ્લો પણ હાથ લાગવાની શક્યતા ખરી. 

ઈડીના હાથ આટલી મોટી રકમ લાગે એ વાત બહુ મોટી કહેવાય પણ વધારે મહત્વની વાત એ છે કે, આ દરોડા મોબાઈલ ગેમિંગ એપના સંદર્ભમાં પડયા છે. 

ભારતમાં યુવાનોમાં મોબાઈલ ગેમ્સનું વળગણ વધી રહ્યું છે. તેના લાભ લેવા જાત જાતની મોબાઈલ ગેમિંગ એપ લોંચ થાય છે. 

યુવાનો તેમાં જોડાય એ માટે તેમને નાણાંકીય વળતરની લાલચ પણ અપાય છે. શરૂઆતમાં ડાઉનલોડ કરનાર યુઝર્સ ગેમ રમવા માટે ચોક્કસ રકમ જમા કરાવે પછી હાર-જીતના આધારે બાકી રહેતી રકમ તરત ખાતામાં જમા થઈ જાય, ગેમ જીતો તો જીતેલ રકમ પણ ખાતામાં આવી જાય એવુ બધું કરાતું હોય છે.  પછી અચાનક એક દિવસ બધું સંકેલીને, યુવાનોના કરોડો રૂપિયા ઉસેટીને મોબાઈલ ગેમિંગ એપના કારભારીઓ ફુર્ર થઈ જાય છે. 

આમિર ખાને પણ ઈ-નગેટ્સ મોબાઈલ ગેમિંગ એપના નામે આ જ ખેલ કરેલો. ઈ-નગેટ્સ એક પ્રકારની પોન્ઝી સ્કીમ હતી કે જેમાં ડાઉનલોડ કરનાર યુઝર્સે ચોક્કસ રકમ જમા કરાવવી પડતી. 

અલગ અલગ ત્રણ લેવલ હતાં ને તેમાં સૌથી ઉંચા લેવલ માટે ૧૦ હજાર રૂપિયા જમા કરાવવાના રહેતા. શરૂઆતમાં રકમ જમા કરાવનારને રોકેલી રકમના દસેક ટકા કમિશન અપાતું.  યુઝર કમિશન સાથે પોતે રોકેલી રકમ પણ સરળતાથી ઉપાડી શકતો તેથી સૌને ભરોસો બેસી ગયો એટલે કમિશનની લાલચમાં વધારે ને વધારે નાણાં રોકતા ગયા. 

કંપનીએ વધારાનાં નાણાં રોકવા માટે ૩૦ ટકા વધારાનું કમિશન આપવાની જાહેરાત કરી તેથી લોકોએ મોટા પ્રમાણમાં નાણાં રોક્યાં. 

થોડા સમય સુધી પહેલાંની જેમ રકમ જમા થતી પણ પછી અચાનક ડખા શરૂ થયા. પહેલાં સિસ્ટમ અપગ્રેડેશનના નામે થોડા દિવસ નાટે નાણાં અપાવવાનું બંધ કરાયું. પછી ઈડીએ મની લોન્ડરિંગનો કેસ કર્યો હોવાથી અઠવાડિયાની મુદત વધારાઈ. 

આ મુદત પૂરી થાય તેના બે દિવસ પહેલાં પાટિયાં પાડીને આમિર એન્ડ ગેંગ ગાયબ થઈ ગઈ. 

એપના સર્વર પરથી પ્રોફાઈલ ઈન્ફર્મેશન સહિતનો તમામ ડેટા ગાયબ કરી દેવાયેલો, યુઝર્સ માટે જાગીને જોયું તો જગત દીસે નહીં જેવો ઘાટ હતો. લાખો રૂપિયાનું રોકાણ કરનારાંની રાતા પાણીએ રડવું પડે એવી હાલત થઈ ગઈ હતી. આ વાત છેક ૨૦૨૦ના ઓક્ટોબરની છે.

આઘાતની વાત એ છે કે, ઈ-નગેટ્સનાં પાટિયાં પાડી દેવાયાં તેના કલાકોમાં તો લકી સિટી નામે બીજી એવી એપ આ જ પ્રકારની સ્કીમ સાથે મેદાનમાં આવી ગઈ હતી. આ એપના ઈન્ટરફેસ સહિતની વિગતો ઈ-નગેટ્સ જેવી જ હતી તેથી આમિરનું જ કારસ્તાન હોવાનું મનાય છે. આમિરે આ પ્રકારે બીજી પણ ગેમિંગ એપ્સ બનાવીને લોકોને લૂંટયા હોવાનું કહેવાય છે. ઈડીની તપાસમાં તેનાં બીજાં કારસ્તાન બહાર આવશે પણ આ કેસ યુવાનો માટે ચેતવણી સમાન છે. આ કિસ્સો લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે એ કહેવતને યથાર્થ ઠેરવે છે.  મોટા ભાગના કિસ્સામાં યુવાનોએ બે-પાંચ હજાર રૂપિયા નાંખ્યા હોય એટલે પોલીસ ફરિયાદ કરવાનું ટાળે ને ચૂપ બેસી રહે. 

આમિર ખાનનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે ત્યારે યુવાઓ આ વાત સમજીને ગેમિંગ એપ્સના રવાડે ચડીને બરબાદ ના થાય તો સારું. 

ઈડી પાસે દરોડામાં પકડેલા ૧ લાખ કરોડ રૂપિયાની રોકડ

મોદી સરકાર દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના દુરૂપયોગના આક્ષેપો વચ્ચે રસપ્રદ વાત એ છે કે, ઈડી પાસે અત્યારે જુદા જુદા દરોડામાં પકડેલા ૧ લાખ કરોડ રૂપિયાની રોકડ પડી છે. આ પૈકી ૫૭ હજાર કરોડ રૂપિયા બેંક કૌભાંડો અને પોન્ઝી સ્કેમને લગતા કેસોમાં પડાયેલા દરોડામાં જપ્ત કરાયા છે. 

મોદી સરકારના શાસનમાં ઈડીના દરોડાની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. મનમોહનસિંહની સરકારના શાસનમાં એટલે કે ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન ઈડીએ ૧૧૨ જ દરોડા પાડયા હતા. મોદી વડાપ્રધાન બન્યા એ પછીનાં આઠ વર્ષમાં એટલે કે ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન ૩૦૧૦ દરોડા પડાયા છે.  મતલબ કે મનમોહનસિંહના શાસનની સરખામણીમાં મોદીના શાસનમાં દરોડાની સંખ્યામાં ૨૭ ગણો વધારો થયો છે. 

ઈડી સહિતની કેન્દ્રીય એજન્સીઓએ જપ્ત કરેલી રોકડ રકમ રીઝર્વ બેંક અથવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એજન્સીના ખાતામાં જમા કરાવી દેવાય છે. બેંક કૌભાંડ કરાયું હોય એવા કિસ્સામાં જે બેંકનાં લેણાં બાકી હોય તેના ખાતામાં રકમ ટ્રાન્સફર કરાય છે. 

ઈડી સહિતની એજન્સીઓ સંપત્તિ પણ ટાંચમાં લે છે. એજન્સી પાસે મહત્તમ ૧૮૦ દિવસ સુધી સંપત્તિ ટાંચમાં રાખવાની સત્તા છે. 

આ ૧૮૦ દિવસમાં એજન્સીએ કોર્ટમાં સાબિત કરવું પડે કે, યોગ્ય રીતે સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. એજન્સી સાબિત ના કરી શકે તો જે તે વ્યક્તિ તે કંપનીને સંપત્તિ પાછી અપાય. યોગ્ય રીતે સંપત્તિ ટાંચમાં લેવાયાનું સાબિત થાય તો ઈડી સંપત્તિ પણ બેંક કે નાણા સંસ્થાઓને ટ્રાન્સફર કરી શકે. આ રીતે હમણાં વિજય માલયા, મેહુલ ટોકસી અને નિરવ મોદીની ૮૪૧૧ કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેંકોને ટ્રાન્સફર કરાઈ છે.

City News

Sports

RECENT NEWS