For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દુનિયાભરમાં લોકોની ડિજિટલ આઝાદી સીમિત થઇ રહી છે

Updated: Nov 24th, 2021

Article Content Image

- મોટા ભાગના દેશોમાં પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓને ઓનલાઇન ચૂપ કરાવવાના પ્રયાસો થાય છે

- આપખુદશાહી દેશોમાં લોકો ઉપર પ્રતિબંધો અને બંધનો હોય એ તો જાણીતી વાત છે પરંતુ લોકશાહી દેશોમાં પણ વેબસાઇટો બ્લોક કરવાથી લઇને કંપનીઓ ઉપર યૂઝર ડેટા આપવા માટે દબાણ કરવામાં આવે છે

આજના સમયમાં ઇન્ટરનેટ લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે તેમ છતાં દુનિયાભરના દેશોની સરકારો લોકોની ડિજિટલ આઝાદી સીમિત કરી રહી છે. થોમસન રોયટર્સ ફાઉન્ડેશનના વાર્ષિક સંમેલનમાં કહેવામાં આવ્યું છે કે ચીન અને રશિયા જેવા સામ્યવાદી દેશોની સરકારો સોશિયલ મીડિયા સામગ્રીને બ્લોક કરી રહી છે. આપખુદશાહી દેશોમાં લોકો ઉપર પ્રતિબંધો અને બંધનો હોય એ તો જાણીતી વાત છે પરંતુ લોકશાહી દેશોમાં પણ વેબસાઇટો બ્લોક કરવાથી લઇને કંપનીઓ ઉપર યૂઝર ડેટા આપવા માટે દબાણ કરવામાં આવે છે. પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓને ઓનલાઇન ચૂપ કરાવવાના પ્રયાસો થાય છે. 

સરકારવિરોધી અવાજને દબાવવા માટે ઇન્ટરનેટ શટડાઉન

સામાન્ય પરિસ્થિતિમાં ઇન્ટરનેટ સામાન્ય રીતે ચાલતું રહે છે પરંતુ જ્યારે સરકારને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા જાય છે ત્યારે ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. છેલ્લા ઘણાં સમયથી જોવા મળી રહ્યું છે કે કોઇ સાંપ્રદાયિક કે રાજકીય તણાવની પરિસ્થિતિમાં ઇન્ટરનેટ પર રહેલી મેસેજિંગ એપ્સ કે પછી સોશિયલ મીડિયા મારફતે ફેક ન્યૂઝ અને અફવાઓ ઘણી તેજીથી ફેલાતી હોય છે. આમાં હિંસા કરવા માટે લોકોને અમુક જગ્યાએ એકઠા કરવા માટે કે પછી બીજી હિંસાત્મક ગતિવિધિઓ આચરવા માટે પ્રેરવામાં આવે છે. 

આમ તો દુનિયાભરના દેશોની સરકારોએ પોતાની વિરુદ્ધ ઉઠેલાં આંદોલનોમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ જોતાં ઇન્ટરનેટ પર નિયંત્રણ મૂકવાની અથવા તો એની મર્યાદા નક્કી કરવાનું શરૂ કરી દીધું છે. 

મોટા ભાગે આવી સેન્સરશીપને એમ કહીને યોગ્ય ઠરાવવામાં આવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા અથવા આતંકવાદ સામે લડવા માટે આમ કરવું જરૂરી છે. પરંતુ મોટે ભાગે તો એવું જોવા મળે છે કે સરકાર તેને પસંદ ન હોય અથવા તો તે અસહમત હોય એવી સામગ્રીને સેન્સર કરવા માટે જ ઇન્ટરનેટ બૅનનો ઉપયોગ કરે છે.

એવા સવાલ પણ થાય છે કે આજના ડિજિટલ યુગમાં લોકોને ઇન્ટરેનેટના ઉપયોગ કરવાથી અને ઓનલાઇન વિચારોની અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતાથી વંચિત રાખવા યોગ્ય છે કે કેમ? યૂ.એન.એ તો છેક ૨૦૧૧માં લોકોને ઇન્ટરનેટના ઉપયોગથી વંચિત રાખવાને માનવાધિકારોનું ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ ગણાવ્યા હતાં. યૂ.એન. અનુસાર તો ઇન્ટરનેટ સુધીની પહોંચ તમામ માનવીઓનો અધિકાર છે અને કોઇ પણ રાષ્ટ્રએ પોતાના નાગરિકો ઇન્ટરનેટના ઉપયોગથી વંચિત રહે એવા કોઇ નિયમ ન બનાવવા જોઇએ. 

ઇન્ટરનેટ માનવીનો મૂળભૂત અધિકાર

માનવજાતની પ્રગતિ અને વિકાસ માટે તેમજ અસમાનતા વિરુદ્ધ લડવા જેવા અનેક માનવાધિકારો માટે માટે પણ ઇન્ટરનેટ અનિવાર્ય સાધન બની ચૂક્યું છે ત્યારે તમામ દેશોએ ઇન્ટરનેટની સુવિધા બેરોકટોક ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન આપવું જોઇએ. આ વિચારને આગળ વધારતા યૂ.એન.ની માનવાધિકાર પરિષદના સભ્ય તમામ ૪૭ દેશોએ પાંચ જુલાઇ, ૨૦૧૨ના રોજ એક પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યાં જે મુજબ લોકોને ઇન્ટરનેટ સાથે જોડાવા માટે અને સ્વતંત્ર રીતે વિચારોની અભિવ્યક્તિની ગેરંટી આપવી જોઇએ. 

કેટલાંક દેશોમાં તો ઇન્ટરનેટના ઉપયોગને કાનૂની અધિકારના રૂપમાં માન્યતા મળેલી છે. ૨૦૧૦માં ફિનલેન્ડ પોતાના નાગરિકોને બ્રોડબેન્ડ ઇન્ટરનેટના ઉપયોગને કાનૂની અધિકાર આપનારો પહેલો દેશ બન્યો. ૨૦૧૧માં સ્પેને પણ પોતાના ઇન્ટરનેટને કાનૂની અધિકાર બનાવ્યો. 

ભારતમાં પણ આ જ વર્ષે કેરળ હાઇકોર્ટે ઇન્ટરનેટના અધિકારને શિક્ષણના મૌલિક અધિકારના એક ભાગ તરીકે અને અનુચ્છેદ ૨૧ અંતર્ગત પ્રાઇવસીના અધિકાર અંતર્ગત માન્યો છે. 

ઇન્ટરનેટ શટડાઉનમાં ભારતનો રેકોર્ડ ખરાબ

ભારતમાં જોકે ઇન્ટરનેટ શટડાઉન માટે અમુક નિયમો બનાવવામાં આવ્યાં છે. ૨૦૧૭માં ટેમ્પરરી સસ્પેન્શન ઓફ ટેલિકોમ સર્વિસીઝ પબ્લીક ઇમરજન્સી કે પબ્લીક સેફ્ટી રૂલ્સમાં આ નિયમો બનાવવામાં આવ્યાં છે. જે અનુસાર સ્થિતિને જોતાં કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના ગૃહ સચિવ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપી શકે છે. આ આદેશને પોલીસ અધિક્ષક અથવા તો એનાથી ઉપરની રેન્કના અધિકારીને મોકલવામાં આવે છે. આ અધિકારી જે-તે વિસ્તારના ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ સર્વિસ પ્રોવાઇડરને આપે છે. 

આ આદેશને બીજા દિવસે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની રિવ્યૂ પેનલને મોકલવાનો હોય છે. આ રિવ્યૂ પેનલ આગામી પાંચ દિવસમાં તેની સમીક્ષા કરે છે. કેન્દ્ર સરકારની રિવ્યૂ પેનલમાં કેબિનેટ સચિવ, લૉ સચિવ અને સંચાર સચિવ હોય છે. આ આદેશને ૨૪ કલાકમાં ગૃહ સચિવની અનુમતિ મળવી જરૂરી છે. ૨૦૧૭ પહેલા જિલ્લા ક્લેક્ટર પાસે જિલ્લાનું ઇન્ટરનેટ બંધ કરાવવાનો અધિકાર હતો. સરકાર પાસે ઇન્ટરનેટ ઉપરાંત કૉલ અને મેસેજ બંધ કરાવવાના અધિકાર પણ છે. 

ઇન્ટરનેટ કેવી રીતે બંધ કરવામાં આવે છે એ સમજવું હોય તો વાઇફાઇને સમજવું જરૂરી છે. જેમ વાઇફાઇ માટે રાઉટરની જરૂર પડે છે એમ મોબાઇલ ફોનમાં ચાલતા ઇન્ટરનેટ માટે પણ રાઉટર જરૂરી છે અને આ રાઉટરનું કામ મોબાઇલ ટાવર કરે છે. ઠેરઠેર ઊભા કરવામાં આવેલા મોબાઇલ ટાવર રાઉટર તરીકે કામ કરે છે. જો રાઉટર બંધ કરી દેવામાં આવે તો વાઇફાઇ બંધ થઇ જાય એમ વાઇફાઇ સર્વિસ પ્રોવાઇડર કંપની પોતાની સર્વિસ બંધ કરી દે તો ઇન્ટરનેટ બંધ થઇ જાય. 

જે રીતે વાઇફાઇના સર્વિસ પ્રોવાઇડર હોય એમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર હોય છે. મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ આઇએસપી હોય છે. સરકાર જાતે તો ઇન્ટરનેટ બંધ કરી ન શકે એટલા માટે તે સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપે છે. આવી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ સરકારી પણ હોય છે અને ખાનગી પણ હોય છે.

 સરકારી કંપનીઓ પર તો સરકારનું નિયંત્રણ હોય છે જ્યારે ખાનગી કંપનીઓને સરકાર લાયસન્સ આપે છે. એવામાં જો ખાનગી કંપનીઓ સરકારના આદેશનું પાલન ન કરે તો તેમનું લાઇસન્સ રદ્ થઇ શકે છે. સરકારનો આદેશ મળતા સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ડિવાઇસીસ બંધ કરી દે છે. જેના કારણે ફોનમાં સિગ્નલ દેખાવા છતાં ઇન્ટરનેટ ચાલતું નથી. જે વિસ્તારનું ઇન્ટરનેટ બંધ કરવાનું હોય એ વિસ્તારના ઇન્ટરનેટ કનેક્ટિવિટી ડિવાઇસીસ બંધ કરી દેવામાં આવે છે. 

કેટલીક વખત સરકાર માત્ર અમુક વેબસાઇટની એક્સેસ બંધ કરી દે છે. વેબસાઇટ વળી પાછી બે રીતે બંધ થાય છે. પહેલી રીત છે વેબસાઇટના સર્વરને જ બંધ કરી દેવું. જો કે એ માટે વેબસાઇટનું સર્વર સરકારના અધિકાર ક્ષેત્રમાં હોવું જોઇએ. વિદેશોથી ચાલતી વેબસાઇટ્સના સર્વર પણ બીજા દેશોમાં હોય છે એવા સંજોગોમાં સરકાર એ સર્વરો બંધ ન કરી શકે. બીજી રીતમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને નોટિસ આપીને એવા ડૉમેન બ્લોક કરી દેવામાં આવે છે. એ સંજોગોમાં કોઇ વ્યક્તિ બ્રાઉઝરમાં એ વેબસાઇટનો એડ્રેસ નાખે તો પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એ વેબસાઇટ ખોલતા નથી. 

નવા આઇટી નિયમો દ્વારા અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ મૂકવાના આક્ષેપ

દેશમાં નફરત ફેલાવતી કે અપમાનજનક ખબરો વિરુદ્ધ કાયદાકીય જોગવાઇ તો છે પરંતુ સોશિયલ મીડિયા ઉપર નજર રાખવા માટે યોગ્ય સાઇબર કાયદા હમણા સુધી નહોતાં. એટલા માટે સોશિયલ મીડિયા ઉપર અંકુશ લગાવવા માટે ઇન્ટરનેટ બંધ કરી દેવા જેવા ઉપાયો પ્રયોજાતા હતાં. એક રિપોર્ટ અનુસાર છેલ્લા ૨૧ મહિનામાં દુનિયાના ૫૪ દેશોમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાના પ્રસંગો ઉપસ્થિત થયા છે, એમાં ૩૦ બનાવો સાથે ભારત પહેલા સ્થાને છે. છેલ્લા પાંચ વર્ષમાં ઇન્ટરનેટ જ બૅન કરી દેવામાં આવ્યું હોય એવા બનાવો લગાતાર વધ્યાં છે. માત્ર ૨૦૧૭ના વર્ષમાં જ દેશના જુદાં જુદાં રાજ્યોમાં ઇન્ટરનેટ સેવાઓ આઠ હજાર કલાક કરતા પણ વધારે સમય માટે બંધ કરવામાં આવી હતી. 

સાઇબર નિષ્ણાંતોનું કહેવું છે કે સરકારે ઇન્ટરનેટ ઉપર નિયંત્રણ મેળવવાના સ્થાને જમીની સ્તરે કાયદાકીય જોગવાઇઓ લાગુ કરવા ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. 

મોબ લિન્ચિંગ કે હિંસાની ઘટનાઓમાં સોશિયલ મીડિયા ઉપર લગામ કસવાની સાથે વર્તમાન સમયમાં મોજૂદ કાયદાઓને કડકાઇથી લાગુ કરવા ઉપર ધ્યાન આપવું જોઇએ પરંતુ સરકાર ઇન્ટરનેટ ઉપર અંકુશ મૂકવાના પગલાં ઉઠાવે છે જેના પરિણામે ઘણાં લોકોને સરકારની મંશા સામે પણ સવાલ થાય છે. ઇન્ટરનેટ ઠપ્પ થઇ જતાં સામાન્ય લોકો ઉપરાંત ઓનલાઇન વેપાર કરતા અને ઓનલાઇન સુવિધાઓનો લાભ ઉઠાવતા ગ્રાહકો પણ પરેશાન થાય છે. ઇન્ટરનેટ બંધ થઇ જવાના કારણે વેપારધંધામાં પણ કરોડોનું નુકસાન થતું હોય છે. 

આજના સમયમાં જોકે ઇન્ટરનેટ પરની નિર્ભરતા વધી ગઇ છે. માહિતીના આદાનપ્રદાન, સંચાર, વેપાર, શિક્ષણ, મનોરંજનની સાથે સાથે રોજબરોજની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ઇન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે. એવામાં લોકોને માહિતીના આ શક્તિશાળી માધ્યમથી વંચિત રાખવા તેમના સર્વાંગી વિકાસ માટે બાધક નીવડશે. એટલા માટે આજના ડિજિટલ યુગમાં માનવ અધિકારોને સંરક્ષિત રાખવા માટે ઉપાયો પ્રયોજવાની જરૂર છે. 

Gujarat