મુંબઈનું સિધ્ધિ વિનાયક, ઓડીસાનું જગન્નાથપુરી.... બધે જ પૈસાની છોળો

- ભારતના લોકો ધાર્મિક છે તેથી ધર્મસ્થળોએ મોટા પ્રમાણમાં દાન આપે છે : મોટા મંદિરો પણ શ્રધ્ધાળુઓની જેમ ઉદાર થાય તે જરૂરી છે

- ઓડિશાના પુરીમાં આવેલું ભગવાન જગન્નાથનું જગન્નાથ પુરી મંદિર પણ દેશનાં સૌથી ધનિક મંદિરોમાં એક મનાય છે. ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણ ભગવાનનું જ નામ છે અગિયારમી સદીમાં બનેલું આ મંદિર સ્થાપત્ય કલાનો પણ અદભૂત નમૂનો ગણાય છે. આ મંદિર પાસે પોતાની જ ૩૦ હજાર એકર તો જમીન છે.

આંધ્ર પ્રદેશના તિરૂપતિ મંદિરની સંપત્તિ વિશે વાત કરી. તિરૂપતિ મંદિરની સંપત્તિ અધધધ છે પણ ભારતમાં એક માત્ર તિરૂપતિ મંદિર જ એવું નથી કે જે ધનમાં આળોટે છે. ભારતમાં હજારોની સંખ્યામાં મંદિરો આવેલાં છે અને તેમાંથી સંખ્યાબંધ મંદિર એવાં છે કે જેમની પાસે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે. તિરૂપતિ મંદિર તો ભારતમાં સૌથી ધનિક મંદિર ગણાય છે પણ બીજાં પણ ઘણા મંદિર એવાં છે જ કે જેમને દર વર્ષે કરોડો રૂપિયાનાં દાન મળે છે અને સંપત્તિને મામલે તિરૂપતિ મંદિરને ટક્કર આપી શકે છે. 

કેરળના થિરૂવનંથપુરમમાં આવેલું શ્રી પદ્મનાભસ્વામી મંદિર, મુંબઈનું સિધ્ધિવિનાયક મંદિર, ઓડિશાના પુરીનું જગન્નાથ પુરી મંદિર, મદુરાઈનું મીનાક્ષી મંદિર, અમૃતસરનું સુવર્ણ મંદિર, કેરળનું સબરીમાલા અયપ્પા મંદિર, કર્ણાટકનું અયપ્પા એટલે કે ભગવાન કાર્તિકેયનું કુક્કે સુબ્રમણ્યમ મંદિર વગેરે દેશનાં સૌથી ધનિક મંદિરોમાં સ્થાન પામે છે. 

તિરૂપતિ મંદિરની જેમ બધાં મંદિરો પારદર્શકતા બતાવીને પોતાની સંપત્તિની વિગતો જાહેર કરતાં નથી તેથી તેમની સંપત્તિ ચોક્કસ કેટલી છે એ કહેવું મુશ્કેલ છે. 

જો કે આ મંદિરોમાં દર વર્ષે દાનપેટીમાં જ ૧૦૦ કરોડ રૂપિયાથી વધારેની રકમ આવે છે તેના પરથી જ તેમની સંપત્તિનો અંદાજ લગાવી શકાય. આ મંદિરોને વરસોથી આ રીતે અઢળક દાન મળે છે તેથી આ મંદિરો પાસે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે જ તેમાં બેમત નથી. બીજી એક રસપ્રદ વાત એ છે કે, આ પૈકીનાં મોટા ભાગનાં મંદિરો દક્ષિણ ભારતમાં છે.  આ મંદિરોમાં પણ શ્રીપદ્મનાભસ્વામી મંદિર તો એક સમયે ભારતનું જ નહીં પણ વિશ્વનું સૌથી ધનિક મંદિર મનાતું હતું. આ મંદિર પાસે ૧.૨૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે. મંદિરને દર વર્ષે દાનમાંથી જ ૫૦૦ કરોડ રૂપિયાની આવક થતી હોવાનો અંદાજ છે. ભગવાન વિષ્ણુના આ મંદિરમાં દર્શન માટે દર વરસે લાખો શ્રધ્ધાળુ આવે છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે, મંદિરના ભોંયરામાં હજારો ટન સોનું પેટીઓમા મૂકાયેલું છે. આ પેટીઓ પર ચોવીસે કલાક સાપ વીંટળાયેલા રહે છે કે જેથી તેની રક્ષા કરી શકાય. સોનાનાં વરખથી બનેલું આ મંદિર ભારતનું સૌથી ભવ્ય મંદિર ગણાય છે. 

ઓડિશાના પુરીમાં આવેલું ભગવાન જગન્નાથનું જગન્નાથ પુરી મંદિર પણ દેશનાં સૌથી ધનિક મંદિરોમાં એક મનાય છે. ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણ ભગવાનનું જ નામ છે અગિયારમી સદીમાં બનેલું આ મંદિર સ્થાપત્ય કલાનો પણ અદભૂત નમૂનો ગણાય છે. આ મંદિર પાસે પોતાની જ ૩૦ હજાર એકર તો જમીન છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં સોનાનાં આભૂષણો છે. મંદિરને વરસે ૧૫૦ કરોડ રૂપિયાથી વધારેનું દાન મળે છે એવું કહેવાય છે. જગન્નાથ પુરી મંદિર હિંદુ પરંપરામાં ચાર ધામ યાત્રામાં સ્થાન પામે છે. બદરીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને જગન્નાથપુરી એ ચાર ધામ છે કે જ્યાં દર્શન કરવાની દરેક હિંદુની ઈચ્છા હોય છે. 

દક્ષિણ ભારતમાં બીજા બે મંદિર મીનાક્ષી મંદિર અને સબરીમાલા અયપ્પા મંદિર પણ ભારતનાં ધનિક મંદિરોમાં ગણાય છે. મીનાક્ષી મંદિર તમિલનાડુના મદુરાઈ રાજ્યમાં આવેલું છે. વૈગાઈ નદીના દક્ષિણ કાંઠા પર આવેલું મીનાક્ષી મંદિર ભગવાન શિવ અને પાર્વતીનું મંદિર છે. દક્ષિણ ભારતમાં માતા પાર્વતીને મીનાક્ષી કહેવામાં આવે છે. આ મંદિર એ રીતે વિશેષ છે કે, તેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની એકસાથે પૂજા થાય છે. ભારતમાં કોઈ મંદિરમાં આ રીતે શિવ-પાર્વતીની પૂજા થતી નથી. દ્રવિડિયન સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ મનાતા આ મંદિર પાસે અબજોની સંપત્તિ છે. 

સબરીમાલા અયપ્પા મંદિર પણ ધનિક મનાય છે. 

સબરીમાલા અયપ્પા મંદિર સ્ત્રીઓને પ્રવેશના મુદ્દે વિવાદોમાં આવ્યું તેથી ભારતનાં બીજાં વિસ્તારોમાં તેને વિશે લોકોને ખબર પડી પણ દક્ષિણ ભારતમાં સબરીમાલા મંદિર હિંદુઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે. 

સબરીમાલા મુસ્લિમો માટે પવિત્ર મનાતા મક્કા પછી સૌથી મોટું શ્રધ્ધાળુ કેન્દ્ર છે. દર વરસે સબરીમાલામાં ૩૦ કરોડ શ્રધ્ધાળુ આવે છે એવું કહેવાય છે. પંપા નદીના કિનારે આવેલું સબરીમાલા મંદિર ભગવાન વિષ્ણુના મોહિની અવતારનું મંદિર હોવાનું મનાય છે. મુંબઈનું સિધ્ધિ વિનાયક મંદિર અને શિરડીનું સાંઈ બાબા મંદિર પણ ધનિક મંદિરોમાં એક છે. આ બધાં મંદિરોમાં દર વરસે કરોડો શ્રધ્ધાળુ આવે છે ને કરોડોનું દાન કરે છે. 

આ તો મોટાં મંદિરોની વાત કરી પણ ભારતમાં નાનાં નાનાં મંદિરો પાસે પણ કરોડોની સંપત્તિ હોય છે. કમનસીબે મોટા ભાગનાં મંદિરો આ સંપત્તિનો કોઈ ઉપયોગ કરતાં નથી. બહુ ઓછાં મંદિરો એવા હોય છે કે જે પોતાની સંપત્તિનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે કરતાં હોય છે. જગન્નાથ પુરી પાસે ૩૦ હજાર એકર જમીન છે. આ જમીનમાં ખેતી કરીને અનાજ પેદા કરાય છે ને તે ગરીબોને વહેંચી દેવાય છે. ઘણાં મંદિરોનાં ટ્રસ્ટ હોસ્પિટલો જેવી લોકોને ઉપયોગી સેવાઓ પણ ચલાવે છે પણ મોટા ભાગનાં મંદિરોની સંપત્તિનો કોઈ ઉપયોગ જ નથી થતો. 

શ્રધ્ધાના કારણે દોડી આવતાં લોકોના દાનના કારણે સંપત્તિમાં વધારો થયા કરે છે પણ એ સંપત્તિ વણવપરાયેલી પડી રહે છે. લોકોએ આપ્યું છે એ લોકો માટે જ વાપરવું એ સિધ્ધાંતને મંદિરો અમલી બનાવે તો આ સંપત્તિનો ખરેખર સદુપયોગ થાય. 

આ મોટાં મંદિરો જ્યાં આવેલાં છે એ પૈકી મોટા ભાગનાં સ્થળોની હાલત પણ અત્યંત ખરાબ છે. ઘણાં ઠેકાણે તો અત્યંત ગંદકી પણ હોય છે ને છતાં મંદિરો તેમાં સુધારો કરવા કશું કરતાં નથી.  

મંદિરોની સંપત્તિના વિવાદમાં મઠાધિપતીઓની હત્યા કે રહસ્યમય મોતની ઘટનાઓ પણ બને છે. ગયા વરસે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગિરિનું આ રીતે જ સંપત્તિના વિવાદમાં રહસ્યમય મોત થયું હતું.  તેમના જ શિષ્ય તેમને બ્લેકમેઈલિંગ કરતા હતા તેથી તેમણે આપઘાત કરી લીધો હતો. આ તો એક ઉદાહરણ આપ્યું પણ આ પ્રકારની ઘટનાઓ બીજે પણ બને જ છે. 

ભારતમાં લોકો ધાર્મિક છે તેથી ધર્મસ્થાનોને મોટા પ્રમાણમાં દાન આપે છે. અમીર હોય કે ધનિકો, પોતાની કમાણીમાંથી થઈ શકે એટલું દાન કરવાની ઉદારતા બતાવે છે. દેશનાં ધનિક મંદિરો પણ થોડી ઉદારતા બતાવે તો આ દેશમાં બહુ મોટું પરિવર્તન આવી શકે. 

પદ્મનાભસ્વામી મંદિરની સંપત્તિનો અંગત ફાયદા માટે ઉપયોગ

ભારતમાં રાજકારણીઓ પોતાના અંગત ફાયદા માટે ધર્મસ્થાનોનો ઉપયોગ કરતાં પણ શરમાતા નથી. તેનું વરવું ઉદાહરણ કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને પૂરું પાડયું છે. સીપીએમના વિજયન અત્યારે સળંગ બીજી ટર્મ માટે કેરળના મુખ્યમંત્રી છે. કેરળમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જતી હતી પણ વિજયને આ ક્રમ તોડીને ઈતિહાસ રચ્યો છે. 

વિજયન પહેલી ટર્મમાં મુખ્યમંત્રી બન્યા ત્યારે પોતાની દીકરી વીણાની કંપનીને કેરળની રાજધાની થિરુવનંથપુરમના જગવિખ્યાત પદ્મનાભસ્વામી મંદિરની સોનાની લગડી જેવી જમીન ૯૯ રૂપિયાના ભાડાપટ્ટે અપાવી હતી. પદ્મનાભસ્વામી મંદિરનો વહીવટ ત્રાવણકોરનો રાજવી પરિવાર કરે છે. આ પરિવાર સાથે સાંઠગાંઠ કરીને વિજયને પોતાની દીકરી વીણાના ટી આર.પી. ગ્રુપને જમીન માત્ર ૯૯ રૂપિયાના ભાડાપટ્ટે મળે એવો તખ્તો ગોઠવેલો. 

વીણા ટીઆરપી ગ્રુપની સીઈઓ છે. આ કંપની આર.પી. ગ્રુપ લીલા રવિઝ હોટલ ચેઈન ધરાવે છે. મંદિરના ટ્રસ્ટે કંપનીને આ જમીન મફતમાં આપીને ધર્મના નામે મળેલી સંપત્તિનો ધરાર અંગત ફાયદા માટે દુરૂપયોગ કર્યો છે. કેરળમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સૌથી મોટા છે. વીણાએ કોંગ્રેસીઓને પણ સાચવી લીધા હતા તેથી આ કૌભાંડમાં કોંગ્રેસીઓ પણ સામેલ હતા. આ કારણે મીડિયામાં થોડા સમય માટે આ મુદ્દો ચગ્યો પણ બહુ  ઉહાપોહ નહોતો થયો. 

ટ્રસ્ટ સંચાલિત ધર્મસ્થાનો રીટર્નમાં આવક બતાવે છે

ભારતમાં મંદિરો જ નહીં પણ તમામ ધર્મનાં ધર્મસ્થાનો પાસે પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં કોઈ ટેક્સ જ ભરતાં નથી. જે ધર્મસ્થાનોનો વહીવટ ટ્રસ્ટ હસ્તક હોય તેમને ઈન્કમટેક્સ એક્ટ, ૧૯૬૧ની કલમ ૧૨એએ હેઠળ કરમાં છૂટ મળે છે. આ ટ્રસ્ટો દ્વારા કરાતી પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિ હોવાથી તેમના પર ટેક્સ નથી લાગતો. તેમને મળેલા દાનને પણ કરમાંથી મુક્તિ મળે છે. 

આ ટ્રસ્ટો નિયમિત રીતે રીટર્ન ભરે છે તેથી તેમની આવક અંગે શંકા ના કરી શકાય પણ હજારો ધર્મસ્થાનો એવાં છે કે જેમનો વહીવટ ટ્રસ્ટ કે બીજી કોઈ વ્યવસ્થા વિના ચાલે છે. આ ધર્મસ્થાનોની આવકનો કોઈ હિસાબ જ નથી હોતો.

City News

Sports

RECENT NEWS