Get The App

શૈલજાએ ભાજપને કોડીનો કરી નાંખ્યોઃ શાહ-ખટ્ટરની ઓફરને ચોખ્ખી ના

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
શૈલજાએ ભાજપને કોડીનો કરી નાંખ્યોઃ શાહ-ખટ્ટરની ઓફરને ચોખ્ખી ના 1 - image


- શૈલજાએ ભાજપમાં સોપો પાડી દીધો છે, તેણે રાહુલ ગાંધીની હરિયાણાની જાહેર સભામાં હાજરી આપી પોતે કોંગ્રેસ સાથે છે તે સ્પષ્ટ કરી દીધું છે

- ભાજપને લાગ્યું કે, કુમારી શૈલજા ભાજપની ઓફર સાંભળીને કોંગ્રેસને રામ રામ કરીને ભગવો ખેસ ધારણ કરી લેશે પણ શૈલજા જુદી માટીનાં નિકળ્યાં. શૈલજાએ ખટ્ટર અને અમિત શાહ બંનેને સુણાવી દીધું કે, મારા પિતા દલબીરસિંહનો મૃતદેહ કોંગ્રેસના તિરંગા ઝંડામાં લપેટાઈને અંતિમયાત્રા પર નિકળ્યો હતો. હું પણ મારા પિતાની જેમ જ કોંગ્રેસના તિરંગા ધ્વજમાં લપેટાઈને જ અંતિમયાત્રા પર જવાની છું. શૈલજાએ રાહુલ ગાંધીની હરિયાણાની જાહેર સભામાં પણ હાજરી આપીને પોતે કોંગ્રેેસ સાથે જ છે એ પણ સ્પષ્ટ કરી દીધું છે. 

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે મરણિયા બનેલા ભાજપે છેલ્લે છેલ્લે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા કુમારી સેલજાને ખેંચી લાવવાનો દાવ ખેલી જોયો પણ શૈલજાએ ભાજપને કોડીનો કરી નાંખ્યો છે. હરિયાણાનાં દિગ્ગજ દલિત નેતા શૈલજા કોંગ્રેસથી નારાજ હોવાના મીડિયાના અહેવાલોના પગલે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે શૈલજાને ભાજપમાં જોડાઈ જવાની ઓફર કરી હતી. ખટ્ટરના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ કોંગ્રેસે કુમારી શૈલજા અને અશોક તંવર સહિતનાં દલિત નેતાઓને હંમેશાં અપમાનિત કર્યાં હોવાનો રાગ છેડી દીધો હતો. 

ભાજપનો અત્યાર સુધી એવા સત્તાલાલસુ નેતાઓ સાથે જ પનારો પડયો છે કે જે ભાજપની ઓફર સાંભળીને પૂંછડી પટપટાવતા નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગળપાછળ ફરવા માંડે. ભાજપને લાગ્યું કે, કુમારી શૈલજા પણ આ કેટેગરીનાં જ નેતા છે અને ભાજપની ઓફર સાંભળીને કોંગ્રેસને રામ રામ કરીને ભગવો ખેસ ધારણ કરી લેશે પણ શૈલજા જુદી માટીનાં નિકળ્યાં. 

શૈલજાએ ખટ્ટર અને અમિત શાહ બંનેને બરાબર સુણાવી દીધું કે, કોંગ્રેસ છોડવાનો સવાલ જ પેદા થતો નથી. મારા પિતા દલબીરસિંહનો મૃતદેહ કોંગ્રેેસના તિરંગા ઝંડામાં લપેટાઈને અંતિમયાત્રા પર નિકળ્યો હતો. હું પણ મારા પિતાની જેમ જ કોંગ્રેસના તિરંગા ધ્વજમાં લપેટાઈને જ અંતિમયાત્રા પર જવાની છું. 

શૈલજાએ સ્વીકાર્યું કે, કોંગ્રેસમાં ઘણી સમસ્યાઓ છે પણ તેના કારણે પોતે કોંગ્રેસ છોડી દેશે એ વાતમાં માલ નથી કેમ કે પોતે આજીવન કોંગ્રેસની વિચારધારાને વળગેલાં રહ્યાં અને કોંગ્રેસમાં જ મરવાનાં છે. શૈલજાએ રાહુલ ગાંધીની હરિયાણાની જાહેર સભામાં પણ હાજરી આપીને પોતે કોંગ્રેસ સાથે જ છે એ પણ સ્પષ્ટ કરી દીધું છે. 

શૈલજાના નિવેદને ભાજપમાં સોપો પાડી દીધો છે કેમ કે સેલજા પર ભાજપ બહુ મોટી આશા રાખીને બેઠો હતો. 

 હરિયાણામાં જીતવા માટે ભાજપ જાત જાતનાં તિકડમ કરી રહ્યો છે. બળાત્કારી અને ખૂની બાબા રામ રહીમને વારંવાર પેરોલ પર છોડવાથી માંડીને ગોપાલ કાંડા જેવા છાપેલા કાટલાનો સાથે લેવા સુધીના દાવ ભાજપે કર્યા પણ છતાં ભાજપ તરફી જુવાળ જ પેદા થતો નથી. બલ્કે ભાજપની જાહેર સભાઓમાં કાગડા ઉડે છે. એક જમાનામાં હરિયાણાનાં નાનાં શહેરોમાં પણ બે-બે લાખની સભા કરનારા નરેન્દ્ર મોદીની સભામાં દસ હજાર લોકોની ભીડ એકઠી કરતાં ભાજપને ફીણ પડી રહ્યું છે. મોદી અને અમિત શાહની જાહેર સભામાં સામાન્ય લોકો કરતાં પોલીસ અને સીક્યુરિટી જવાનો વધારે હોય એવો સીન છે. 

હરિયાણામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ખેડૂત આંદોલન બહુ નડી ગયેલું. તેના કારણે ૨૦૧૪ અને ૨૦૧૯મા તમામ ૧૦ લોકસભા બેઠકો જીતનારા ભાજપને ૨૦૨૪માં ૫ જ બેઠકો મળી. 

ભાજપે ખેડૂતોના કારણે પડનારી ખોટ સરભર કરવા માયાવતીની બસપાથી માંડીને આમ આદમી પાર્ટી સુધીની બી ટીમો ઉતારી દીધી છે પણ છતાં મેળ પડતો નથી. હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારની કમાન જાટ નેતા ભૂપિન્દરસિંહ હુડ્ડાના હાથમાં છે તેથી જાટ મતબેંક કોંગ્રેસ સાથે છે. 

દલિત મતબેંક પર કબજો કરવા ભાજપે માયાવતીને આગળ કર્યાં પણ માયાવતી ફૂટેલી કારતૂસ છે. માયાવતીની બસપા પોતાના એક સમયના ગઢ કહેવાતા ઉત્તર પ્રદેશમાં જ પતી ગઈ છે અને કશું ઉકાળી શકતી નથી ત્યારે હરિયાણાના મતદારો તો તેની તરફ જોતા પણ નથી.  કુમારી શૈલજા હરિયાણામાં દલિતોનાં સૌથી મોટાં નેતા છે અને જબ્બર પકડ ધરાવે છે. શૈલજાને ખેંચી લાવીને દલિત મતબેંકને પોતાની તરફ વાળવાની ભાજપની મુરાદ હતી પણ એ બર આવી નથી. 

શૈલજાએ ભાજપને હડધૂત કરી નાંખ્યો તેનાં કારણો પણ સમજવા જેવાં છે. સેલજા તેના પિતાના જમાનાથી કોંગ્રેસ સાથે જોડાયેલાં છે. 

આ કારણે નહેરૂ-ગાંધી ખાનદાન સાથે શૈલજાને અંગત સંબંધો છે એ તો કોંગ્રેસ નહીં છોડવા માટેનું એક કારણ છે જ પણ તેના કરતાં વધારે મહત્વનું કારણ શૈલજાનો રાજકીય અનુભવ છે. શૈલજા જમાનાનાં ખાધેલ છે અને રાજકીય પવનને ના સમજે એટલાં નાદાન નથી. કોંગ્રેસના અત્યંત ખરાબ સમયમાં પણ પાર્ટી નહીં છોડનારાં શૈલજા અત્યારે કોંગ્રેસ છોડે તો મૂરખ ગણાય.  

છેલ્લા એક દાયકાથી હરિયાણા પર પકડ જમાવીને બેઠેલા ભાજપનાં વળતાં પાણી થવા માંડયાં છે એ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીએ સ્પષ્ટ કરી દીધું. કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે તો બેઠી થઈ જ રહી છે પણ હરિયાણામાં તો વધારે શક્તિશાળી બનીને ઉભરી છે. હરિયાણામાં કોંગ્રેસની સરકાર રચાય એવા ઉજળા સંજોગો છે જ્યારે ભાજપ ડૂબતું વહાણ છે એવી હવા જામેલી છે. શૈલજામાં એટલી સમજ તો છે જ કે, ભાજપને ખાતર પોતાની સોનાની જાળ પાણીમાં ના નંખાય. 

શૈલજા હરિયાણાના રાજકારણમાં સક્રિય થવા માગે છે એ સાચું પણ હરિયાણાનાં રાજકીય સમીકરણોને ના સમજે એટલાં નાદા પણ નથી. સેલજા વિધાનસભાની ચૂંટણી લડવા માગતાં હતાં પણ કોંગ્રેસે તેમને ટિકિટ ના આપી. તેનાં કારણો પણ સ્પષ્ટ છે. 

શૈલજા વરસો લગી રાષ્ટ્રીય રાજકારણમાં રહ્યાં અને બધા હોદ્દા ભોગવ્યા. બીજી તરફ હુડ્ડા હરિયાણાના રાજકારણમાં રહ્યા ને છેલ્લા ૧૦ વરસથી ભાજપ સામે  લડી રહ્યા છે. આ સંજોગોમાં હરિયાણામાં કોંગ્રેસ જીતે તો પહેલો ચાન્સ હૂડ્ડાને જ મળે એ સમજાવવાની શૈલજાને જરૂર નથી.

શૈલજાના પિતા કેન્દ્રીય મંત્રી હતા, લોકસભામાં સેલજાની છઠ્ઠી ટર્મ

હરિયાણાના રાજકારણમાં હાલમાં સૌથી ચર્ચાસ્પદ ચહેરો એવાં શૈલજા કુમારી હરિયાણામાં સૌથી પ્રભાવશાળી દલિત નેતા મનાય છે. શૈલજાના પિતા ચૌધરી દલબીરસિંહ બે વાર પંજાબ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ચાર વાર સિરસા બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા દલબીરસિંહનો રાજકીય વારસો શૈલજાએ સંભાળ્યો છે. શૈલજા દિલ્હીમાં કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યાં અને પછી પંજાબ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. હાલમાં સિરસાનાં સાંસદ સેલજાની લોકસભામાં આ છઠ્ઠી ટર્મ છે. શૈલજા પહેલી વાર ૧૯૯૧માં સિરસા બેઠક પરથી લોકસભામાં ચૂંટાયાં ત્યારે તેમની ઉંમર માત્ર ૩૧ વર્ષની હતી. નરસિંહરાવે તેમને મંત્રી બનાવ્યાં ત્યારે સૌથી નાની વયનાં મહિલા કેન્દ્રીય મંત્રી બનવાનો રેકોર્ડ તેમણે નોંધાવ્યો હતો. નરસિંહરાવની સરકારમાં ૧૯૯૧થી ૧૯૯૬ દરમિયાન અને પછી ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન ડો. મનમોહનસિંહની કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલાં શૈલજા રાજ્યસભાનાં સભ્ય પણ રહ્યાં છે. કોંગ્રેસ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય પ્રમુખથી માંડીને હરિયાણા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુધીની સંગઠનની જવાબદારીઓ પણ શૈલજા સંભાળી ચૂક્યાં છે. 

શૈલજા અપરણિત છે અને રાજકારણને સમપત છે. ૬૨ વર્ષના શૈલજા ચાર દાયકાથી રાજકારણમાં હોવા છતાં એકદમ સ્વચ્છ ઈમેજ ધરાવે છે. શૈલજા સામે ભ્રષ્ટાચાર કે બીજા કોઈ આક્ષેપ પણ થયા નથી.

જાટોને રાજી રાખવા શૈલજાને કોંગ્રેસે ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યાં

કોંગ્રેસ હરિયાણામાં જીતે તો કુમારી શૈલજા મુખ્યમંત્રીપદનાં પ્રબળ દાવેદાર મનાય છે પણ કોંગ્રેસ શૈલજાને અત્યારે હરિયાણાના પ્રચારથી દૂર રાખી રહી છે તેનું કારણ મિર્ચપુર હત્યાકાંડ છે. હરીયાણાના મિર્ચપુરમાં ૨૧ એપ્રિલ ૨૦૧૦ના રોજ જાટ સમુદાયના લગભગ એક હજાર જેટલાં લોકોના ટોળાએ દલિત સમુદાયની બાલ્મિકી કોલોની પર હુમલો કરીને એક ૭૦ વર્ષના વૃધ્ધ અને તેની ૧૭ વર્ષની દિવ્યાંગ દીકરીને જીવતી સળગાવી દીધી હતી. ટોળાએ દલિતોનાં ૧૮ ઘર સળગાવી દીધાં હતાં. કોલોનીમાં કુલ ૨૫૮ દલિત પરિવારો રહેતા હતા. આ પૈકી મોટા ભાગના માંડ માંડ જીવ બચાવીને ભાગી ગયાં હતાં. હાસ્યાસ્પદ વાત એ હતી કે, જાટ સમુદાયના કેટલાક યુવકો બાલ્મિકી કોલોની પાસેથી પસાર થતા હતા ત્યારે એક કૂતરો તેમના તરફ ભસવા માંડતાં યુવકે તેને મારવા ઈંટ ફેંકી હતી. એક દલિત યુવકે કૂતરાના નહીં મારવા કહ્યું તેમાં ઝગડો થઈ ગયો. દલિત આગેવાનોએ જાટ નેતાઓને મળીને માફી માગેલી પણ તેમને બેફામ ફટકારાયા ને પછી હુમલો કરીને સળગાવી દેવાયાં. ૨૦૧૮ના ઓગસ્ટમાં આ કેસમાં ચુકાદો આવ્યો ત્યારે ૩૩ જાટને હિંસા માટે દોષિત ઠેરવાયેલા ને તેમાં ૧૨ લોકોને આજીવન કારાવાસની સજા થઈ હતી. 

હિંસા થઈ ત્યારે શૈલજા કેન્દ્રમાં મંત્રી હતાં અને દોષિતો સામે કેસ થાય તેમાં મહત્વની ભૂમિકા ભજવેલી તેથી જાટ સમુદાય શૈલજાને દુશ્મન માને છે. અત્યારે જાટ સમુદાય કોંગ્રેસની સાથે હોવાથી તેમને નારાજ નહીં કરવા કોંગ્રેસે શૈલજાને દૂર રાખ્યાં છે.

News-Focus

Google NewsGoogle News