પાકિસ્તાનને આઈએમએફએ હડધૂત કર્યું

Updated: Jan 26th, 2023


જો પાકિસ્તાન લોનના નાણાં નહીં ચૂકવે તો નાદાર જાહેર થશે

લોન લઈ લીધા પછી આઈએમએફ આપણું કશું તોડી નહીં શકે એવા મદમાં રાચતા પાકિસ્તાને આઈએમએફને ગણકારતું જ નહોતું. હવે પગ તળે રેલો આવ્યો છે એટલે પાકિસ્તાન ફરી હાથ-પગ જોડતું દોડતું આવ્યું છે પણ કોઈ મદદ નહીં મળે. પહેલાં પાકિસ્તાન આઈએમએફએ આપેલા આદેશોનું પાલન કરે પછી જ ટીમને પાકિસ્તાન મોકલાશે.

આર્થિક ભીંસમાં મૂકાયેલું પાકિસ્તાન આખી દુનિયામાં ફરીને ભીખ માંગી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ જ્યાંથી મળે ત્યાંથી આર્થિક મદદ માટે હાથ લંબાવી રહ્યા છે પણ મોટા ભાગના દેશો પાકિસ્તાનને નકારી રહ્યા છે. સાઉદી અરેબિયા અને યુએઈ એ બે દેશોએ પાકિસ્તાનને મદદ કરી છે પણ બીજા દેશો પાકિસ્તાનને હડધૂત કરી રહ્યા છે. હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ પણ પાકિસ્તાનને હડધૂત કરી દેતાં પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ છે. 

પાકિસ્તાને આઈએમએફ પાસે લોનની માગણી કરેલી. આ લોનના રીવ્યુ માટે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવા માટે શાહબાઝ સરકારે આઈએમએફને વિનંતી કરેલી પણ આઈએમએફએ પાકિસ્તાનમાં પોતાની ટીમ મોકલવાની પણ ઘસીને ના પાડી દીધી છે. આઈએમએફનું કહેવું છે કે, પોતે પાકિસ્તાનને પહેલાં જ જંગી રકમની લોન આપી ચૂક્યું છે. 

આ લોનની ચૂકવણી વખતે કેટલીક શરતો મૂકાયેલી હતી પણ પાકિસ્તાને લુચ્ચાઈ કરીને એ શરતો પૂરી કરી નથી. લોન લઈ લીધા પછી આઈએમએફ આપણું કશું તોડી નહીં શકે એવા મદમાં રાચતા પાકિસ્તાને આઈએમએફને ગણકારતું જ નહોતું. હવે પગ તળે રેલો આવ્યો છે એટલે પાકિસ્તાન ફરી હાથ-પગ જોડતું દોડતું આવ્યું છે પણ કોઈ મદદ નહીં મળે. પહેલાં પાકિસ્તાન આઈએમએફએ આપેલા આદેશોનું પાલન કરે પછી જ ટીમને પાકિસ્તાન મોકલાશે.

આઈએમએફએ પાકિસ્તાનની ૭ અબજ ડોલરની લોન મંજૂર કરી રહતી. આ રકમ હપ્તામાં ચૂકવવાની હતી ને તેના માટે સબસિડી બંધ કરવી, આર્થિક ઉદારીકરણ અપનાવવું સહિતની શરતો મૂકાઈ હતી. ગરજ હતી એટલે પાકિસ્તાને એ શરતો માની લીધેલી પણ પછી પૂરી ના કરી. પાકિસ્તાન આ રીતે ફોસલાવીને અત્યાર સુધી આઠ હપ્તા લઈ ચૂક્યું છે. હવે નવમી વાર પણ આઈએમએફને ફોસલાવીને લોન લઈ લઈશું એવા ભ્રમમાં હતું પણ આઈએમએફએ બરાબરનો બૂચ મારી દીધો છે. 

આઈએમએફના આકરા વલણના કારણે શાહબાઝની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. આઈએમએફએ સરકારી ખર્ચમાં ઘટાડો કરવો, વીજળીના દરોમાં વધારો કરવો, પેટ્રોલ-ડીઝલ પરની સબસિડી ઓછી કરવી, કરવેરામાં વધારો કરવા સહિતની શરતો મૂકી છે. પાકિસ્તાનમાં અત્યારે મોંઘવારી બેફામ વધેલી છે. શાહબાઝ શરીફ આઈએમએફની શરતો માને તો મોંઘવારી હજુ વધે અને રાજકીય રીતે શાહબાઝ શરીફે તેની આકરી કિંમત ચૂકવવી પડે. 

શાહબાઝ આઈએમએફની શરત ના માને તો નવી લોન ના મળે ને નાદારી નોંધાવવી પડે. પાકિસ્તાન પાસે અત્યારે બે સપ્તાહ ચાલે એટલું જ વિદેશી હૂંડિયામણ હોવાનું કહેવાય છે. આઈએમએફની લોન ના મળે તો બે અઠવાડિયાં પછી ક્રૂડ પણ ના મંગાવી શકે ને પેટ્રોલ-ડીઝલ પણ બંધ થઈ જાય તેથી શાહબાઝ બરાબરના સલવાયા છે. 

પાકિસ્તાને ૨૦૨૩ના જૂન સુધીમાં ૧૩ અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે. યુએઈએ લોનની મુદત લંબાવવાની તૈયારી બતાવી છે પણ એ પછી પણ ૧૦ અબજ ડોલર તો ચૂકવવા પડે તેમ જ છે. એ નાણાં ના ચૂકવાય તો પાકિસ્તાન નાદાર જાહેર થાય. એ પછી કોઈ દેશ, કોઈ નાણાં સંસ્થા તેનો હાથ પકડવા તૈયાર ના થાય. 

આ સંજોગોમાં શાહબાઝે આઈએમએફની શરણાગતિ સ્વીકારવા સિવાય વિકલ્પ નથી રહ્યો. 

માલેતુજારોના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ

આઈએમએફના દબાણ હેઠળ પાકિસ્તાન સરકાર મિનિ બજેટ લાવવા તૈયારી કરી રહી છે. આ મિનિ બજેટના માધ્યમથી પાકિસ્તાન સરકાર ૨૭૦ અબજ રૂપિયા ઉભા કરી શકશે. મિનિ બજેટમાં આઈએમએફ દ્વારા લદાયેલી શરતો પ્રમાણે કરવેરા વધારવાથી માંડીને સબસિડી બંધ કરવા સુધીના રસ્તા છે. જો કે પાકિસ્તાનના વિશ્લેષકોના મતે, પાકિસ્તાનની અવદશા માટે બે દેશોના સિટિઝનશીપ ધરાવતા માલેતુજારો જવાબદાર છે. આ લોકો વિદેશથી મોંઘી ચીજો આયાત કર્યા કરે છે તેમાં પાકિસ્તાનનું મોંઘું વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ જાય છે તેથી પાકિસ્તાનવ ભિખારી બનવાના આરે આવી ગયું છે.


ભારત-પાકિસ્તાન પરમાણુ યુધ્ધ પર આવી ગયેલાં ?

પોમ્પીઓના પુસ્તક 'નેવર ગેવ એન ઇચ ફાઇટિંગ ફોર ધ અમેરિકા આઈ લવ'માં આ ઉલ્લેખ કરાયો છે

પોમ્પીયોને સુષ્મા સ્વરાજે અડધી રાત્રે ફોન કરીને ઉઠાડયા હતા. સુષ્માએ કહેલું કે, ભારતની સર્જિકલ સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાન પરમાણુ હુમલાની તૈયારીમાં લાગેલું છે. પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે તો ભારત પણ વળતો પરમાણુ હુમલો કરીને તેનો જવાબ આપશે.

કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દે કરેલા નિવેદનના કારણે બબાલ મચેલી છે ત્યાં અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પીયોએ નવો ધડાકો કર્યો છે. પોમ્પીયોનો દાવો છે કે, ભારતે ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે પરમાણુ યુધ્ધનો ખતરો ઉભો થઈ ગયેલો. 

પોમ્પીયો એ વખતે અમેરિકા અને ઉત્તર કોરીયા વચ્ચેના સમિટ માટે વિયેતનામના હાનોઈમાં હતા. ઉત્તર કોરીયાનો સનકી સરમુખત્યાર કિમ ઉન જોંગ છાસવારે દક્ષિણ કોરીયા ને અમેરિકા પર પરમાણુ હુમલાની ધમકી આપતો હતો. પોમ્પીયો તેને રોકવા માટે વિયેતનામ ગયેલા પણ ત્યાં ભારત-પાકિસ્તાનના પરમાણુ યુધ્ધની નવી બબાલ ઉભી થઈ ગયેલી.

ભારતનાં તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે અડઘી રાત્રે ફોન કરીને ઉઠાડયા હતા. સુષ્માએ કહેલું કે, ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરવાની તૈયારીમાં લાગેલું છે. ભારત પણ તેનો જવાબ આપવા તૈયાર છે. સુષ્માએ કહેલું કે, પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે તો ભારત પણ વળતો પરમાણુ હુમલો કરીને તેનો જવાબ આપશે. 

પોમ્પિયોના દાવા પ્રમાણે આ વાત સાંભળીને પોતાની ઉંઘ ઉડી ગયેલી. અમેરિકાના નેશનલ સીક્યુરિટી એડવાઈઝર જોન બોલ્ટન પણ હાનોઈમાં પોમ્પીયો સાથે જ હતા. તેમને પણ અડધી રાત્રે ઉઠાડવા પડેલા ને પોમ્પીયોએ તાત્કાલિક અમેરિકા પ્રમુખને વાત કરવી પડેલી. તેમણે પોતાની ટીમને આખી રાત જગાડેલી. પોતાની ટીમે દિલ્હીને ઈસ્લામાબાદ ફોન કરી કરીને માંડ માંડ પરમાણુ યુધ્ધ રોકેલું. જનરલ કમર બાજવા ત્યારે પાકિસ્તાનના લશ્કરી વડા હતા. પોમ્પીયોના દાવા પ્રમાણે બાજવાને થોડા કલાકોના ગાળામાં પોતે પચાસથી વધુ ફોન કરી નાંખેલા. પોમ્પીયોએ બીજી પણ ઘણી વિગતો આપી છે પણ આ બધી વાતોનો સાર એ છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેના પરમાણુ યુધ્ધનો ખતરો પોતાના પ્રયત્નોથી ટળેલો. 

પોમ્પીયોનો દાવો કેટલો સાચો છે એ નક્કી કરવું મુશ્કેલ છે કેમ કે આ દાવો પોમ્પીયોના પુસ્તક 'નેવર ગેવ એન ઈંચઃ ફાઈટિંગ ફોર ધ અમેરિકા આઈ લવ'માં કરાયો છે. મોટા લોકો પુસ્તકો લખવા બેસે ત્યારે તેને બેસ્ટ સેલર બનાવવા માટે સનસનાટીભર્યા દાવા કરતાં ખચકાતા નથી.

સેલિબ્રિટીઝની આત્મકથા કે સંસ્મરણોમાં  નાની વાતને પણ મીઠુંમરચું ભભરાવીને મસાલેદાર બનાવવાની ટ્રીક બહુ જૂની છે. મસાલો ના હોય તો કોણ પુસ્તક ખરીદીને વાંચે ? 

પોમ્પીયો પણ આ ટ્રિક અજમાવતા હોય એવું બને. ભારત અને પાકિસ્તાનની ૧૬૦ કરોડ કરતાં વધારે વસતીનું બજાર બહુ મોટું છે.

આ બજારમાં પોતાની બુક ખપાવવા પોમ્પિયોએ આ દાવ કર્યો હોય એવી પૂરી શક્યતા છે. ભારત અને પાકિસ્તાનની દુશ્મનાવટ જાણીતી છે. આ કારણે બંને દેશ વચ્ચે પરમાણુ યુધ્ધની વાત કોઈને પણ ગળે ઉતરી જાય. 

પોમ્પીયોનો દાવો સાચો પણ હોઈ શકે કેમ કે, ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના કારણે પાકિસ્તાનનું નાક વઢાઈ ગયેલું. ભારતીય લશ્કરે પાકિસ્તાનમાં છેક બાલાકોટ સુધી ઘૂસીને પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યો તેના કારણે આતંકવાદીઓ પણ ભડકી ગયેલા. તેમને શાંત પાડવા પાકિસ્તાને પરમાણુ યુધ્ધની તૈયારીનું નાટક કર્યું હોય એ પણ શક્ય છે. 

સત્ય શું છે એ કહેવું મુશ્કેલ છે પણ પોમ્પીયોની કથામાં સમજવાની વાત એ છે કે, ભારત-પાકિસ્તાન બંને પાસે પરમાણુ શસ્ત્રો છે તેથી ગમે ત્યારે ભડકો થઈ શકે ને પરમાણુ યુધ્ધ છેડાઈ શકે. એક નાનકડી ચિનગારી પણ બધાંને ભસ્મ કરી નાંખે એવી આગ લગાવી શકે. 

પોમ્પીયો ચીનના ટીકાકાર, ભારતના સમર્થક 

પોમ્પીયોએ પોતાના પુસ્તકમાં ભારતનાં વખાણ કર્યાં છે અને સ્વીકાર્યું છે કે, અમેરિકાને ભારતનું મહત્વ સમજાયું છે. પોમ્પીયોની ગણના પહેલેથી ભારતના સમર્થક અને ચીનના વિરોધી તરીકેની થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર ભારતની મેથી મારતી હતી ને ચીનને લાડ લડાવતી હતી ત્યારે પોમ્પીયો ભારતના તરફદાર હતા. પોમ્પીયો ટ્રમ્પ સરકારના એક માત્ર મંત્રી હતા કે જે કહેતા કે, દુનિયાને સૌથી મોટો ખતરો ચીન તરફથી છે. પોમ્પીયોની વાત સો ટકા સાચી પડી રહી છે. પોમ્પીયોએ પોતાના પુસ્તકમાં સુષ્મા મહત્વનાં ખેલાડી નહોતાં પણ મોદીના વિશ્વાસુ અજીત ડોભાલ મહત્વના હતા એવો દાવો કર્યો છે.


    Sports

    RECENT NEWS