Get The App

કોકરોચ જનતા પાર્ટી : ભારતમાં રાજકીય અસ્થિરતા લાવવાનું વિદેશી કાવતરું!

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
કોકરોચ જનતા પાર્ટી : ભારતમાં રાજકીય અસ્થિરતા લાવવાનું વિદેશી કાવતરું! 1 - image

- નેપાળ, બાંગ્લાદેશ અને કેટલાક પશ્ચિમી દેશોની જેમ વિદેશી તાકાતો દ્વારા ભારતની યુવા પ્રજાને ગેરમાર્ગે દોરીને ગૃહયુદ્ધ કરાવવાની મેલી મુરાદ

- ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા તાજેતરમાં જ આ પાર્ટી, તેના સર્જકો અને તેના સાથીઓ વિશે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે એજન્સીઓને શંકા છે કે, ભારતના પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળમાં જે રીતે વિદેશી એજન્સીઓ અને તાકાતો દ્વારા મોટાપાયે ભંડોળ આપીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવ્યું હતું તેવું જ હાલમાં ભારતમાં કરવાનો કારસો કરાઈ રહ્યો છે : કેટલાક લોકોનું એવું માનવું છે કે, આ કોકરોચ જનતા પાર્ટી હકીકતે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી. જાણકારોના મતે આ પાર્ટીનો સ્થાપક પોતે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમનો ભાગ છે. હાલમાં તે બોસ્ટન રહીને પોતાની પાર્ટીના હીડન એજન્ડા ચલાવી રહ્યો છે. તેણે ભૂતકાળમાં આ જ પેજનું નામ આમ આદમી પાર્ટી ગુજરાત રાખ્યું હતું. તે ગુજરાત ચૂંટણી, તે પહેલાની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમનો સભ્ય હતો  :  તપાસ એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે, સ્થાનિક રાજકીય નેતાઓ કે પાર્ટીઓની મદદથી વિદેશમાં રહીને આ ષડયંત્ર મેનેજ કરવામાં આવી રહ્યું છે. તેના ડિજિટલ ફૂટપ્રિંટ વિદેશમાં પણ મળ્યા છે. 

દેશના રાજકારણમાં છેલ્લાં કેટલાક દિવસથી ઉથલપાથલ ચાલી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર એક નવી રાજકીય પાર્ટીના નામની ચર્ચાએ માહોલ ગરમ કરી દીધો છે. હાલમાં કોકરોચ જનતા પાર્ટીના નામે એક ઓનલાઈન મુવમેન્ટ વાઈરલ થઈ રહી છે જેમાં દેશના યુવાનો, જેનઝી અને સાથે સાથે વિપક્ષના નેતાઓ અને મોટા માથાઓ પણ મજા લઈ રહ્યા છે. હકિકતે કોકરોજ જનતા પાર્ટીના નામે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ પાર્ટીના કરોડો ફોલોઅર્સ થઈ ગયા છે. તેને બે દિવસમાં જ કરોડો વ્યૂ મળવા લાગ્યા છે. વિદેશમાં રહેલા એક મૂળ ભારતીય દ્વારા આ ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ બનાવવામાં આવી હતી. લોકો ભારત સરકારની વિરુદ્ધ જઈને આ પ્રોફાઈલ પસંદ કરવા લાગ્યા, તેને ફોલો કરવા લાગ્યા અને એક કોકરોચ મુવમેન્ટ શરૂ થઈ ગઈ. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં સીજેઆઈ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધીમાં કેટલાક યુવાનો દ્વારા કોકરોચ જનતા પાર્ટીની રચના કરવામાં આવી હતી. અભિજિત દીપકે નામના એક મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના વતની દ્વારા આ પ્રોફાઈલ અને પાર્ટીની સ્થાપના કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. તેણે બોસ્ટનમાં રહીને આ પ્રોફાઈલ ક્રિયેટ કરી હતી. તેના દ્વારા તેણે ભારત, ભારત સરકાર અને કેન્દ્ર સરકારની કામગીરીઓ અને પોલિસીઓની મજાક કરવાનું શરૂ કર્યું હતું. યુવાનોનું અપમાન કરવાના નામે જેણે જ્યુડિશિયરી અને સરકારી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. તેણે સોશિયલ મીડિયાની મદદથી યુવાનોને ગેરમાર્ગે દોરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. જે રીતે યુવાનો તેની સાથે જોડાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર તેનો ફેલાવો થઈ રહ્યો છે તે ચિંતાજનક છે. 

જાણકારોના મતે ભારતની સુરક્ષા અને તપાસ એજન્સીઓ દ્વારા આ પાર્ટીનું સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર પણ તેની જે પ્રોફાઈલ્સ છે અને ભૂતકાળમાં કોઈ કનેક્શન હતા કે નહીં અને હાલમાં કોની સાથે જોડાણ છે તેવી તપાસ કરવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલ છે કે, વિદેશમાં રહેલા આ લોકો હકિકતે એવી વિદેશી તાકાતના મહોરા બનીને ભારત ઉપર હુમલો કરી રહ્યા છે જે અહીંયા અસ્થિરતા લાવવા પ્રયાસ કરી રહ્યા છે. 

ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા તાજેતરમાં જ આ પાર્ટી, તેના સર્જકો અને તેના સાથીઓ વિશે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે એજન્સીઓને શંકા છે કે, ભારતના પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળમાં જે રીતે વિદેશી એજન્સીઓ અને તાકાતો દ્વારા મોટાપાયે ભંડોળ આપીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવ્યું હતું તેવું જ હાલમાં ભારતમાં કરવાનો કારસો કરાઈ રહ્યો છે. તેઓ કોઈપણ ભોગે આ ડિજિટલ ચળવળને અને આક્રોશને હથિયાર બનાવીને ભારતમાં જમીની સ્તરે તોફાનો કરાવી શકે, યુવાનોને આક્રોશમાં લાવીને ગેરમાર્ગે દોરી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 

લોકોમાં એવી પણ ચર્ચા છે કે, આ ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ હકીકતે ભૂતકાળમાં જુદા જુદા નામે ચાલતી હતી. સમયાંતરે તેનું નામ બદલવામાં આવ્યું છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે, આ કોકરોચ જનતા પાર્ટી હકીકતે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી. જાણકારોના મતે આ પાર્ટીનો સ્થાપક પોતે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમનો ભાગ છે. હાલમાં તે બોસ્ટન રહીને પોતાની પાર્ટીના હીડન એજન્ડા ચલાવી રહ્યો છે. તેણે ભૂતકાળમાં આ જ પેજનું નામ આમ આદમી પાર્ટી ગુજરાત રાખ્યું હતું. તે ગુજરાત ચૂંટણી, તે પહેલાની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમનો સભ્ય હતો. તે નવું રાજકીય ગતકડું કરવા માટે વિદેશમાં રહીને આવા કામ કરી રહ્યો છે જેથી ભારતનું રાજકારણ ગરમાય. આ સિવાય તેના કેટલાક ટેલિગ્રામ ગ્રૂપ પણ સામે આવ્યા છે જેમાં વિવિધ વિદેશી એકાઉન્ટ અને યૂઝર્સ છે. આ સિવાય પાકિસ્તાન સાથેના તેના જોડાણની તપાસ કરવામાં આવી રહી છે. જાણકારોના મતે આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ભારતીય રાજકારણમાં ખળભળાટ મચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જાણકારો માને છે કે, કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા કેટલાક પેજ અને પ્રોફાઈલ પણ શંકાસ્પદ છે. આ પેજ અને પ્રોફાઈલનું નામ ઘણી વખત બદલવામાં આવ્યું છે. એક સમયે તેનું ગુજરાતી નામ હતું. તેનું નામ આમ આદમી પાર્ટી ગુજરાત હતું. ત્યારબાદ તેનું નામ બદલવામાં આવ્યું હતું. આખરે ૧૫ મેના રોજ તેનું નામ કોકરોચ જનતા પાર્ટી કરી દેવામાં આવ્યું. ગુપ્તચર એજન્સીના અધિકારીઓ અને કેટલાક આઈબીના અધિકારીઓને આ પેટર્ન થોડી શંકાસ્પદ લાગી રહી છે. તેઓ એમ પણ માને છે કે, કોઈ પ્રાદેશિક પાર્ટી મોટો રાજકીય લાભ લેવા માટે તેને સપોર્ટ કરી રહી છે. આ રીતે તે રાષ્ટ્રીય સ્તરે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કરવા માગે છે. તેના કારણે આવું કોકરોચ નામ આપીને યુવાનોને ઉશ્કેરી રહી છે. 

કોઈપણ રીતે યુવાનોને વર્તમાન સરકાર, સિસ્ટમ અને સમાજ સામે આક્રોશ વ્યક્ત કરવા ભડકાવવાનું પ્લેટફોર્મ બનાવાયું હોય તેવું દેખાઈ રહ્યું છે. તપાસ એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે, સ્થાનિક રાજકીય નેતાઓ કે પાર્ટીઓની મદદથી વિદેશમાં રહીને આ ષડયંત્ર મેનેજ કરવામાં આવી રહ્યું છે. તેના ડિજિટલ ફૂટપ્રિંટ વિદેશમાં પણ મળ્યા છે. તપાસમાં કેટલાક એકાઉન્ટ અને યૂઝર્સ પ્રોફાઈલ સામે આવ્યા છે જે ભારત બહારથી ઓપરેટ થઈ રહ્યા છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ચેનલના ટેલિગ્રામ એકાઉન્ટમાં પણ પાકિસ્તાન સહીતના ભારતનું અહિત કરનારા અને ઈચ્છનારા દેશોના નામ સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં જ આવી ચેનલો અને પેજ એક્ટિવ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને ધીમે ધીમે ડાયવર્ટ કરીને ભારતમાં અસ્થિરતા લાવવા માટે ઉશ્કેરણીનો સ્ત્રોત બનાવવામાં આવ્યા. 

મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારનો લાભ લઈ ભારતમાં આંદોલન કરાવવાનું આયોજન હોઈ શકે

બીજી તરફ એવો પણ મત છે કે, હવે આ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયો છે. તેના કારણે તેની સંવેદનશિલતા જોતા તેની મોટાપાયે તપાસ કરાઈ રહી છે. નેપાળમાં અને બાંગ્લાદેશમાં જે રીતે જેન ઝી આંદોલન થયું તેમાં સ્થાનિક સ્થિર સરકાર સામે યુવાનોનો આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મહિલા અનામત, સામાજિક અનામત, સુરક્ષા અને સુવિધાનો અભાવ, પરિવારવાદ અને અન્ય સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દે જેન ઝીનો આક્રોશ ફાટયો અને તેમણે સરકાર ઉથલાવી દીધી. તેવી જ રીતે ભારતમાં હાલમાં ભાજપની જે સ્થિર સરકાર છે તેની સામે પણ આવી અવિચારી ક્રાંતિ કરાવવાનું આયોજન હોય તેમ લાગી રહ્યું છે. જાણકારો માને છે કે, ભારતમાં છેલ્લાં કેટલાય સમયથી સ્થિર સરકાર ચાલી રહી છે. આ સંજોગોમાં ભાજપને ઉથલાવવા માટે પ્રજાનો આક્રોશ ફાટી નીકળે તેવી કામગીરી કરવી જોઈએ. વિદેશી તાકાતો નેપાળ અને બાંગ્લાદેશની જેમ ભારતને પણ નબળું પાડવાની ફિરાકમાં હોવાનું માનવામાં આવે છે. જાણકારોના મતે ચીન અને અમેરિકા દ્વારા બાંગ્લાદેશ અને નેપાળની ક્રાંતિમાં ભૂમિકા ભજવવામાં આવી હોઈ શકે છે. તેવી જ રીતે હવે ભારતમાં આવી કોકરોચ ક્રાંતિ કરાવીને અહીંયા અસ્થિરતા લાવવામાં આવે જેથી સ્થિર સરકાર જતી રહે અને નવી સરકાર પહેલેથી તેમના એજન્ડા પ્રમાણેની આવે. ભાજપરાજમાં બેરોજગારી, મંદી, મોંઘવારી, ગરીબી, ભ્રષ્ટાચાર વધ્યા છે તેવું પ્રજાને સતત જણાવાઈ રહ્યું છે. તેઓ કશું નહીં કરે તો દેશની સ્થિતિ વધારે વકરી જશે તેવો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. આ રીતે સ્થિર સરકાર અને સક્ષમ દેશને તોડી પાડવાની કામગીરી કરાતી હોય તેમ લાગે છે.

કોકરોચ જનતા પાર્ટીના નકલી એકાઉન્ટ દ્વારા આર્થિક છેતરપિંડી શરૂ થઈ 

એક તરફ રાજકીય સ્થિરતામાં પલિતો ચાંપવા એક્ટિવ થયેલી આ ડિજિટલ પાર્ટીએ સામાજિક અને રાજકિય ઉપરાંત આર્થિક અસ્થિરતાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં પંજાબમાં કેટલાક કેસ સામે આવ્યા છે જેમાં સાઈબર ગુનેગારો દ્વારા પાર્ટીના ફંડના નામે આર્થિક છેતરપિંડી કરવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટીને ફંડ આપવાની લિંક મોકલવામાં આવે છે તેની ઉપર ક્લિક કરવામાં આવતા જ મોબાઈલ ફોન હેક થઈ જાય છે, બેન્કિંગ એકાઉન્ટ હેક થઈ જાય છે, ટ્રાન્ઝેક્શન કરવા દરમિયાન બેન્ક ખાતામાંથી મોટી રકમની તફડંચી થઈ જાય છે. કેટલાક જાણકારો એવું માને છે કે, અહીંયાથી આમ આદમી પાર્ટીને મોટાપાયે સપોર્ટ કરવામાં આવે છે અને આ પાર્ટી પણ તેનો જ કોઈ હિડન એજન્ડા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. લોકો આમ આદમી પાર્ટી અથવા તો કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ કરવા દરમિયાન આર્થિક છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ગુનેગારો લોકોના મોબાઈલની વિગત, તેમાં રહેલા સંવેદનશિલ ડેટા, બેન્કની વિગતો, ઓટીપી અને અન્ય અંગત માહિતી, ફોટા અને વિગતો ફોનમાંથી હેક કરીને મેળવી રહ્યા છે. આ ઉપરાંત કોકરોચ પાર્ટીના નામે સોશિયલ મીડિયામાં ઘણા એકાઉન્ટ ખુલી ગયા છે અને ઓપરેટ થઈ રહ્યા છે તેથી લોકોને છેતરવાના પણ સરળ થઈ રહ્યા છે.