રશિયાની ખુલ્લી ધમકી, અમારી આડે કોઈ આવશે તો અણુ બોમ્બ ઝીંકીશું


- યુક્રેનના ચાર પ્રાંતોને રશિયા પોતાનામાં ભેળવવા માગે છે, રશિયા હવે અંતિમ આક્રમણની દિશામાં : વિશ્વમાં રશિયા પાસે સૌથી વધુ અણુશસ્ત્રો

- યુક્રેન રશિયામાં ઘૂસી જાય તો પુતિનની આબરૂનો ધજાગરો થઈ જાય, પુતિન જેવો અહંકરી માણસ આ સ્થિતીને રોકવા ગમે તે હદે જઈ શકે ને પરમાણુ હુમલો પણ કરી શકે એવું સૌ માને છે તેથી પુતિનની ધમકીને ગંભીર ગણાવાઈ રહી છે. પુતિન 'હું તો મરું પણ તનેય રાંડ કરૂં' કરીને યુક્રેન પર પરમાણુ શસ્ત્રોથી હુમલો કરતાં જરાય ના ખચકાય એવું સૌ માને છે. 

રશિયા અને યુક્રેનના યુધ્ધને લોકો ભૂલી જ ગયા છે ત્યાં રશિયાના પ્રમુખ વ્લાદિમર પુતિને આપેલી ધમકીના કારણે આખી દુનિયાને ખબર પડી કે, સાત મહિના પછી પણ યુદ્ધ તો હજુ ચાલુ જ છે. રશિયાએ યુક્રેનના ચાર વિસ્તારોને રશિયામાં ભેળવી દેવાની ક્વાયત શરૂ કરી તેની સામે યુક્રેને તો વાંધો લીધો જ છે પણ અમેરિકા સહિતના દેશોએ પણ વાંધો ઉઠાવીને કકળાટ શરૂ કર્યો છે. 

પુતિને ધમકી આપી છે કે, યુક્રેનના ચાર પ્રાંતને રશિયામાં ભેળવવા આડે આવનારા દેશો પર પરમાણુ હુમલો કરતાં નહીં ખચકાઈએ. પુતિનનું કહેવું છે કે, અમેરિકા સહિતના પશ્ચિમના દેશો રશિયાને ફરીથી નબળુ પાડીને વિભાજીત કરવા મથી રહ્યા છે. અમેરિકાની આગેવાની હેઠળ પશ્ચિમના દશો ન્યુક્લિયર બ્લેકમેઇલ  કરી રહ્યા છે તેથી રશિયા પાસે તેનો જવાબ આપવા સિવાય વિકલ્પ નથી.  

પુતિને ટીવી પર કરેલા સંબોધનમાં રશિયાના પોતાના રીઝર્વ સૈનિકોમાંથી ત્રણ લાખ સૈનિકોને મેદાનમાં ઉતારવાનનું એલાન પણ કર્યું છે. રશિયા પાસે લશ્કરી તાલીમ પામેલા ૨૦ લાખ લોકો છે ને તેમાંથી અત્યારે ત્રણ લાખને જંગ માટે તૈયાર રહેવા કહી દેવાયું છે. પુતિને એલાન કર્યું છે કે, રશિયા હવે અંતિમ આક્રમણ કરશે.  પુતિને પહેલાં પણ પરમાણુ શસ્ત્રો વાપરવાની ધમકી આપેલી પણ એ વખતે કોઈએ તેને ગંભીરતાથી નહોતી લીધેલી. આ વખતે પુતિનની ધમકીને ગંભીર ગણાવાઈ રહી છે કેમ કે રશિયા યુક્રેનમાં પછડાટ ખાઈ રહ્યું છે. રશિયાએ યુક્રેન પર સાત મહિના પહેલાં આક્રમણ કર્યું ત્યારે ખારકિવ પ્રાંત કબજે કરેલો. સપ્ટેમ્બરની શરૂઆતમાં યુક્રેને વળતો પ્રહાર કરીને રશિયાએ જપ્ત કરેલા ખારકિવ પ્રાંતનો મોટો વિસ્તાર પાછો કબજે કરી લીધો છે. 

યુક્રેને રશિયાએ જીતેલા બીજા વિસ્તારો પાછા મેળવવા પણ જોરદાર હલ્લાબોલ કર્યું છે ને તેને પાછલા બારણે અમેરિકા સહિતના દેશો મદદ કરી રહ્યા છે તેથી રશિયા હાંફવા માંડયું છે. રશિયાની સપ્લાય ચેઈન તૂટવા માંડી છે અને સૈનિકો પણ મરી રહ્યા છે. રશિયાએ કરેલા આક્રમણમાં લગભગ છ હજાર યુક્રેનના સૈનિક માર્યા ગયા છે. 

શરૂઆતમાં રશિયાનો હાથ ઉપર હતો પણ અમેરિકાની મદદથી યુક્રેને વળતું આક્રમણ કરતાં રશિયાના મોતને ભેટનારા સૈનિકોનો આંકડો વધી રહ્યો છે. યુક્રેને ખારકિલ સહિતના વિસ્તારો પર ફરી કબજો કરતાં રશિયામાં પણ ગભરાટ છે. લોકો રશિયા છોડીને ભાગી રહ્યાં છે ને રશિયા છોડવા લાગનારાંની એરપોર્ટ પર લાઇનો લાગી ગઈ છે. રશિયાથી વિદેશ જતી બધી ફ્લાઇટ બુક થઈ ગઈ છે. લોકો ભાગી રહ્યાં છે કેમ કે તેમને લાગી રહ્યુ છે કે યુક્રેનની ધરતી પર ચાલતું આ યુદ્ધ રશિયા સુધી પણ લંબાઈ શકે છે. મતલબ કે, યુક્રેનનું લશ્કર રશિયાની ધરતી પર આવી શકે છે. 

યુક્રેન રશિયામાં ઘૂસી જાય તો પુતિને વખ ઘોળીને મરવાનો વારો આવે. પુતિનની આબરૂનો ધજાગરો થઈ જાય, પુતિન જેવો અહંકરી માણસ આ સ્થિતીને રોકવા ગમે તે હદે જઈ શકે ને પરમાણુ હુમલો પણ કરી શકે એવું સૌ માને છે તેથી પુતિનની ધમકીને ગંભીર ગણાવાઈ રહી છે. પુતિન 'હું તો મરું પણ તનેય રાંડ કરૂં' કરીને યુક્રેન પર પરમાણુ શસ્ત્રોથી હુમલો કરતાં જરાય ના ખચકાય એવું સૌ માને છે. અમેરિકા તથા તેના સાથી દેશો પણ આ વાત સારી રીતે જાણે જ છે તેથી યુક્રેન યુધ્ધમાં સીધેસીધા સામેલ થતા નથી.

અમેરિકા તથા તેના સાથીઓ યુક્રેનને તન, મન, ધનથી મદદ કરે છે પણ પુતિનને સીધો હુમલો કરવાનું કારણ મળે એ માટે નાટોના લશ્કર સીધાં સામેલ થયાં નથી. પુતિન માથાફરેલ છે ને ગમે તે કરી શકે. યુક્રેનને મદદ કરવાના બદલામાં અમેરિકા કે તેના સાથી દેશ પર પણ પરમાણુ બોમ્બ ઝીંકીં દેતાં વિચાર ના કરે એ જોતાં અમેરિકા સહિતના દેશો માટે તો ધરમ કરતાં ધાડ પડી જેવું થાય. 

પુતિન પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે એવા ડર પાછળ બીજું પણ કારણ છે. યુક્રેન પાસે પરમાણુ શસ્ત્રો નથી તેથી પુતિનના પરમાણિ શસ્ત્રોના પ્રહાર સામે યુક્રેન વળતો પરમાણુ શસ્ત્રોનો પ્રહાર કરવાનું નથી તેથી પરમાણુ હુમલો કરીને પણ રશિયા સલમત રહી શકે. 

અમેરિકા સહિતના 'નાટો'ના દેશો યુક્રેનની પડખે છે પણ યુક્રેનને બચાવવા રશિયા પર પરમાણુ શસ્ત્રો ઝીકવાનું સાહસ ના કરી શકે કેમ કે આ સાહસ દુસ્સાહસ સાબિત થાય. રશિયા યુક્રેન પર પરમાણુ શસ્ત્રો ઝીંકે તેના જવાબમાં અમેરિકા કે 'નાટો'નો બીજો કોઈ દેશ રશિયા પર પરમાણુ હુમલો કરે તો રશિયા તેને ખેદાનમેદાન કરી નાખતાં એક સેકન્ડ માટે વિચાર ના કરે. 

પુતિન યુક્રેન પર પરમાણુ બોમ્બ ઝીંકવાનું ગાંડપણ કરી શકે તો પોતાના દેશ પર પરમાણુ હુમલો કરનારને તો છોડે જ નહીં એટલી સમજ અમેરિકા અને 'નાટો'ના બીજા દેશોમાં હોય જ.  યુક્રેનને ખાતર પોતાના નાગરિકોના જીવ જોખમમાં મૂકવાનું જોખમ કોઈ ના વહોરે. યુક્રેનની પારકી પળોજણ વહોરીને અમેરિકા કે કોઈ પણ દેશ પોતાના માટે ખતરો ઉભો ના કરે એ જોતાં પુતિન પોતાની ધમકીનો અમલ કરી પણ શકે.

ત્રીજું એ કે, પરમાણુ શસ્ત્રોના ભંડારમાં રશિયા દુનિયાભરમાં અવ્વલ છે. રશિયા પાસે વિશ્વમાં સૌથી વધારે પરમાણુ શસ્ત્રો છે. દુનિયાનાં કુલ પરમાણુ શસ્ત્રોમાંથી અડધાં એટલે કે ૧૨,૭૦૦ રશિયા પાસે છે. રશિયા પાસે ૧૬૦૦ પરમાણુ મિસાઈલ ગમે ત્યારે છોડી શકાય એ રીતે છે. પુતિન એક સ્વિચ દબાવીને આખી દુનિયાને ન્યુક્લીયર મિસાઈલથી તબાહ કરી શકે એવી રશિયાની તાકાત છે તેથી આખી દુનિયા સામે ઉભી રહે તો પણ પુતિન પહોંચી વળે તેમ છે. 

જો કે કોઈ પણે દેશ પર પરમાણુ હુમલો થાય એ દુનિયાના હિતમાં નથી એ જોતાં પુતિનને સદબુધ્ધિ સૂઝે ને એ ધમકી આપીને પાછા વળી જાય એવી આશા રાખીએ. 

પુતિને 'ન્યુક્લિયર વોર ઈવેક્યુએશન ડ્રિલ' કરાવેલી

પુતિને પહેલાં પણ યુક્રેન પર પરમાણુ હુમલાની ધમકી આપેલી. બલ્કે 'ન્યુક્લિયર વોર ઈવેક્યુએશન ડ્રિલ'નું ફરમાન કરીને દુનિયાભરમા ગભરાટ ફેલાવી દીધો હતો.  પુતિને  પરમાણુ યુધ્ધ છેડાઈ જાય તો લોકોને કઈ રીતે સલામત સ્થળે ખસેડવાં તેની તૈયારીની ચકાસણી કરવા 'ન્યુક્લિયર વોર ઈવેક્યુએશન ડ્રિલ' કરાવેલી. તેના કારણે સૌને એવું લાગેલું કે, પુતિને પરમાણુ હુમલો કરવાનું નક્કી કરી લીધું છે તેથી એ પહેલાં પોતાના લોકોને સલામત રીતે બીજે ખસેડવાની ક્વાયત શરૂ કરી છે.  'ન્યુક્લિયર વોર ઈવેક્યુએશન ડ્રિલ' કોઈ પણ દેશ ન્યુક્લીયર વોર શરૂ કરે એ પહેલાં કરાતી ક્વાયત છે તેથી પુતિનના ઈરાદા સારા નથી એવું સૌ માનતાં હતાં.

એ વખતે એવી વાતો પણ બહાર આવેલી કે, પુતિને પરમાણુ યુધ્ધથી પોતાના પરિવારને સલામત રાખવા સાઈબીરિયા મોકલી દીધો છે. રશિયાના પ્રમુખની સત્તાવાર ઓફિસ ક્રેમલિનના અધિકારીઓએ પુતિનને આ નિર્ણયનાં પરિણામો કેટલાં ભયંકર આવી શકે છે એ સમજાવવા મથામણ કરી પણ પુતિન કોઈનું સાંભળવા જ તૈયાર નહોતા. યુક્રેન શરણાગતિ સ્વીકારવા તૈયાર નહોતું તેથી પુતિન બગડયા હતા.

યુક્રેનના ચાર વિસ્તારોને રશિયામાં ભેળવવા આજથી જનમત

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો પછી લુહાંત્સ્ક, ડોનેત્સ્ક રિપબ્લિક, ખેરસોન અને ઝાપોરોઝિયા પ્રાંત પર કબજો કરી લીધો છે. રશિયાએ સત્તાવાર રીતે આ વિસ્તારોને પોતાનામાં ભેળવવાની તૈયારી પણ આદરી દીધી છે. તેના ભાગરૂપે આ ચારેય પ્રાંતમાં ૨૩ ફેબ્રુઆરીથી જનમત શરૂ થવાનો છે. ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ જનમતમાં ચારેય વિસ્તારના લોકો રશિયામાં ભળવું કે નહીં એ નક્કી કરવાના છે. 

આ વિસ્તારોમાં પહેલેથી રશિયાના પીઠ્ઠુઓનો પ્રભાવ છે તેથી રશિયા માટે ઘરનાં ભુવા ને ઘરનાં ડાકલાં જેવો ઘાટ છે એટલે નાળિયેર ઘર ભણી જ ફેંકાશે. મતલબ કે, જનમતનું તો નાટક જ છે. પહેલેથી ગોઠવણ થયેલી જ છે કે, જનમતનો ચુકાદો રશિયાની સાથે ભળવાનો જ આવશે. અમેરિકા સહિતના દેશો આ વાત જાણે છે તેથી તેમણે વાંધો લીધો છે.

City News

Sports

RECENT NEWS